તેમ છતાં યહોવાએ દરેક પ્રબોધક તથા દરેક ર્દષ્ટા મારફતે ઇઝરાયલને તથા યહૂદિયાને સાક્ષી આપીને કહ્યું હતું, “તમે તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો, અને જે સર્વ નિયમશાસ્ત્ર મેં તમારા પિતૃઓને ફરમાવ્યું હતું, ને જે મેં મારા સેવક પ્રબોધકો મારફતે તમારી પાસે મોકલ્યું હતું, તે પ્રમાણે મારી આજ્ઞાઓ તથા મારા વિધિઓ તમે પાળો.”
દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે, ને આધર્મી માણસ પોતાના વિચારો તજી દે; અને યહોવા પાસે તે પાછો આવે, તો તે તેના પર કૃપા કરશે; અને આપણા ઈશ્વરની પાસે [આવે] , કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે.
તો આ નગરના દરવાજાઓમાં થઈને દાઉદના રાજ્યાસન પર બિરાજનારા રાજાઓ તથા સરદારો રથોમાં તથા ઘોડાઓ પર બેસીને, તેઓ તથા તેઓના સરદારો, યહૂદિયાના પુરુષો તથા યરુશાલેમના રહેવાસીઓ અંદર પેસશે; અને આ નગર સર્વકાળ ટકી રહેશે.
માટે હવે ચાલ, તું યહૂદિયાનાં માણસોને તથા યરુશાલેમના રહેવાસીઓને કહે, યહોવા કહે છે કે, જુઓ હું તમારા પર વિપત્તિ લાવવાની પેવી કરું છું, ને તમારી વિરુદ્ધ યોજના યોજું છું. તમે દરેક પોતાના દુષ્ટ માર્ગથી ફરો, ને તમારા પોતાના માર્ગો તથા તમારી પોતાની કરણીઓ સુધારો.
તો હવે તમે તમારાં આચરણ તથા તમારાં કૃત્યો સુધારો, ને તમારા ઈશ્વર યહોવાનું વચન માનો; એટલે તમારા ઉપર જે વિપત્તિ પાડવા યહોવા બોલ્યો છે તે વિષે તે પશ્ચાતાપ કરશે.
મેં પ્રાત:કાળે ઊઠીને મારા સર્વ સેવકોને એટલે મારા પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા, ને કહ્યું કે, તમે તમારા દુષ્ટ માર્ગોથી ફરો, ને તમારી કરણીઓ સુધારો, ને અન્ય દેવોની પાછળ વંઠી જઈને તેઓની ઉપાસના ન કરો, તો જે દેશ મેં તમને તથા તમારા પૂર્વજોને આપ્યો છે તેમાં તમે વસશો, પણ તમે કાન ધર્યો નહિ, ને મારું સાંભળ્યું નહિ.
યહોવા આમ બોલે છે, “માર્ગોમાં ઊભા રહીને જુઓ, ને પુરાતન માર્ગોમાં જે ઉત્તમ માર્ગ છે તેની શોધ કરીને તેમાં ચાલો, એટલે તમારા જીવને વિશ્રાંતી મળશે. પણ તેઓએ કહ્યું, ‘અમે [તે માર્ગમાં] ચાલીશું નહિ.’