વળી યહોવા કહે છે, ત્યાર પછી હું યહૂદિયાના રાજા સિદકિયાને, તેના સેવકોને તથા જે લોકો આ નગરમાં મરકીથી, તરવારથી તથા દુકાળથી બચ્યા છે, તેઓને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં, તથા તેઓના શત્રુઓના હાથમાં, તથા જેઓ તેઓનો જીવ શોધે છે તેઓના હથામાં સોંપીશ. તે તેઓને તરવારથી મારી નાખશે; તે તેઓ પર ક્ષમા, કરુણા કે દયા કરશે નહિ.
જાણે કે વાડીનો મંડપ હોય, તેમ યહોવાએ પોતાનો મંડપ બલાત્કારથી તોડી પાડ્યો છે! તેમણે પોતાનું સભાસ્થાન નષ્ટ કર્યું છે. યહોવાએ સિયોનમાં નીમેલાં પર્વ તથા સાબ્બાથને વિસ્મૃત કરાવ્યાં છે, ને પોતાના ક્રોધાવેશમાં પ્રભુએ રાજાને તથા યાજકોને તુચ્છકાર્યા છે.
મારી જાળ પણ હું તેના પર નાખીશ, ને તે મારા પાશમાં સપડાશે; હું તેને ખાલદીઓના દેશના બાબિલમાં લાવીશ. જો કે તે ત્યાં [બાબિલમાં] મરણ પામશે તોપણ તે તેને દેખશે નહિ.
પ્રભુ યહોવા પોતાના જીવના સોગન ખાઈને કહે છે કે, જેણે તેને રાજા બનાવ્યો, તથા જેના સોગનને તેણે તુચ્છ ગણ્યા, તથા જેનો કરાર તેણે તોડ્યો, તે રાજા જ્યાં રહે છે તે જગાએ, એટલે બાબિલમાં, તેની સાથે તે મરણ પામશે.
તેઓ તારી વિરુદ્ધ શસ્ત્રો, રથો તથા ગાડાંઓ લઈને તથા જુદી જુદી પ્રજાઓનાં લશ્કરો લઈને આવશે; તેઓ તારી આસપાસ ઢાલડીઓ ને ઢાલો ધારણ કરીને તથા ટોપ પહેરીને ઘેરાવ કરશે. હું ન્યાય કરવાનું કામ તેમને સોંપીશ, ને તેઓ પોતાને યોગ્ય લાગે તે પ્રમાણે તારો ઈનસાફ કરશે.