યર્મિયા 19:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
15 “સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જુઓ, આ નગર પર તથા તેનાં સર્વ ગામો પર, જે આવનારી સર્વ વિપત્તિ વિષે હું બોલ્યો છું તે હું લાવીશ, કેમ કે તેઓએ પોતાની ગરદન અક્કડ કરીને મારાં વચનો સાંભળ્યાં નથી.”
15 ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “આ નગર અને તેની આસપાસનાં સર્વ નગરો પર હું મારા કહ્યા પ્રમાણે નાશ લાવીશ. કારણ, તેમણે જક્કી બનીને મારો સંદેશ સાંભળ્યો નથી.”
15 “સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘જુઓ, આ નગર તેમ જ તેની આસપાસનાં નગરો પર જે આવનારી સર્વ વિપત્તિઓ વિષે હું બોલ્યો છું તે હું લાવીશ, કેમ કે તેઓએ હઠીલા બની અને મારું કહ્યું સાંભળ્યું નહિ.”
15 “સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલનો દેવ કહે છે; ‘મેં વચન આપ્યું છે તે મુજબ આ નગર તેમજ તેની આસપાસના નગરો પર સર્વ વિપત્તિઓ હું લાવીશ, કારણ કે તમે લોકો હઠીલા છો અને મારું કહ્યું માનતા નથી.’”
[તમારું] કહ્યું માન્યું નહિ, અને તમારા જે ચમત્કારો તમે તેઓને બતાવ્યા, તે તેઓએ ધ્યાનમાં લીધા નહિ. પણ તેઓએ પોતાની ગરદન અક્કડ કરી, અને પોતાની ગુલામી સ્થિતિમાં પાછા જવા માટે બંડ કરીને પોતાને માટે એક આગેવાન ઠરાવ્યો; પણ તમે ક્ષમા કરવા તત્પર, કૃપાળુ, રહેમદિલ, મંદક્રોધી તથા પુષ્કળ દયાળુ ઈશ્વર છો. તેથી તમે તેઓને તજી દીધા નહિ.
તમારા નિયમ પ્રમાણે પાછા વર્તવાને તમે તેઓને ચેતવણી આપી. તોપણ તેઓએ ગર્વ કરીને તમારી આજ્ઞાઓનો અનાદર કર્યો, પણ તમારા હુકમો, ( જેમને જે કોઈ પાળે તે તેઓથી જીવે, ) તેઓની વિરુદ્ધ તેઓએ પાપ કર્યા, ને હઠીલા થઈને પોતાની ગરદન અક્કડ કરી, અને સાંભળવા ચાહ્યું નહિ.
ઇઝરાયલના વંશજોએ તથા યહૂદિયાના વંશજોએ યહોવાને રોષ ચઢાવવા માટે બાલની આગળ ધૂપ બાળીને પોતા [ના હિત] ની વિરુદ્ધ જે પાપ કર્યું છે તેને લીધે તને રોપનાર સૈન્યોના [ઈશ્વર] યહોવાએ તારા પર વિપત્તિ ફરમાવી છે.
કેમ કે યહોવા કહે છે કે, જેમ કમરબંધ માણસની કમરને વળગી રહે છે, તેમ ઇઝરાયલ તથા યહૂદાના આખા વંશને મેં મારી કમરે વળગાડયો છે; જેથી તેઓ મારા લોકો, મારું નામ, મારી પ્રશંસા તથા મારું ભૂષણ થાય; પણ તેઓએ માન્યું નહિ.
માટે હવે ચાલ, તું યહૂદિયાનાં માણસોને તથા યરુશાલેમના રહેવાસીઓને કહે, યહોવા કહે છે કે, જુઓ હું તમારા પર વિપત્તિ લાવવાની પેવી કરું છું, ને તમારી વિરુદ્ધ યોજના યોજું છું. તમે દરેક પોતાના દુષ્ટ માર્ગથી ફરો, ને તમારા પોતાના માર્ગો તથા તમારી પોતાની કરણીઓ સુધારો.
‘યહૂદિયાના રાજાઓ તથા યરુશાલેમના રહેવાસીઓ, તમે યહોવાનું વચન સાંભળો; સૈન્યોના [ઈશ્વર] યહોવા ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જુઓ, આ સ્થળ પર હું એવી વિપત્તિ લાવીશ કે તે વિષે જે કોઈ સાંભળશે તેના કાનમાં ઝણઝણાટ થશે.
“યહૂદિયાના રાજા આમોનના પુત્ર યોશિયાના તેરમા વર્ષથી તે આજ સુધી, એટલે ત્રેવીસ વરસની મુદત પર્યંત, યહોવાનું વચન મારી પાસે આવ્યું છે, હું પ્રાત:કાળે ઊઠીને તમને આગ્રહથી કહેતો આવ્યો છું; પણ તમે [મારું] સાંભળ્યું નથી.
હું તેને, તેનાં સંતાનને તથા તેના સેવકોને તેઓનાં દુષ્કર્મોને લીધે શિક્ષા કરીશ; અને તેઓનાં પર જે વિપત્તિ લાવવા વિષે હું બોલ્યો છું, ને તેઓએ સાંભળ્યું નહિ, તે સર્વ વિપત્તિઓ હું તેઓ પર, યરુશાલેમના રહેવાસીઓ પર તથા યહૂદિયાના માણસો પર લાવીશ.”
હે યહોવા, તમારી આંખો સત્યની તરફ નથી? તમે તેઓને માર્યા છે, પણ તેઓ દુ:ખી થયા નહિ. તમે તેઓને પાયમાલ કર્યા છે, પણ શિક્ષા થયા છતાં તેઓ સુધર્યા નથી; તેઓએ પોતાનાં મુખ ખડક કરતાં કઠણ કર્યાં છે; તેઓ [તમારી તરફ] ફરવા ના કહે છે.
હે પૃથ્વી, સાંભળ! જુઓ, આ લોકો પર વિપત્તિ, એટલે તેઓની કલ્પનાનું ફળ, હું લાવીશ, કેમ કે તેઓએ મારાં વચનો ગણકાર્યાં નથી; અને તેઓએ મારા નિયમશાસ્ત્રનો ત્યાગ કર્યો છે.
યહોવાએ યાકૂબનાં સર્વ રહેઠાણ નષ્ટ કર્યાં છે, ને [તેઓ પર] દયા રાખી નથી. તેમણે કોપ કરીને યહૂદિયાની દીકરીના કિલ્લાઓને ભાંગીને તોડી નાખ્યા છે. તેમણે તેઓને જમીનદોસ્ત કર્યા છે. તેમણે રાજ્યને તથા તેના સરદારોને ભ્રષ્ટ કર્યાં છે.