પ્રભુએ આપેલા સંદેશ પ્રમાણે શાઉલને સ્થાને દાવિદને રાજા બનાવવા ઘણા તાલીમબદ્ધ સૈનિકો તેને હેબ્રોનમાં આવી મળ્યા હતા. તેમની સંખ્યા આ પ્રમાણે છે: યહૂદાના વંશના: ઢાલ અને ભાલાધારી એવા 6,800 સુસજ્જ સૈનિકો; શિમયોનના વંશના: 7,100 તાલીમબદ્ધ સૈનિકો; લેવીના વંશના: કુલ 4,600 સૈનિકો; આરોનના વંશજ યહોયાદાના હાથ નીચેના 3,700 સૈનિકો; યુવાન પરાક્રમી યોદ્ધા સાદોકના સંબંધીઓ: 22 શૂરવીરો. બિન્યામીનના વંશના (શાઉલના પોતાના કુળના): 3,000 સૈનિકો. (બિન્યામીન કુળના મોટા ભાગના લોકો શાઉલને વફાદાર રહ્યા હતા); એફ્રાઈમના વંશના: પોતાના ગોત્રના 20,800 શૂરવીર સૈનિકો; પશ્ર્વિમમાં વસેલા મનાશ્શાના વંશના: દાવિદને રાજા બનાવવા પસંદ કરીને મોકલાયેલ 18,000 સૈનિકો; ઇસ્સાખારના વંશના: 200 આગેવાનો અને તેમના હાથ નીચેના માણસો (ઇઝરાયલે ક્યારે શાં પગલાં ભરવાં એનો નિર્ણય કરવામાં એ આગેવાનો બાહોશ હતા.); ઝબુલૂનના વંશના: સર્વ પ્રકારનાં શસ્ત્રો વાપરવામાં તાલીમ પામેલા 50,000 વફાદાર લડવૈયા; નાફતાલીના વંશના: 1000 આગેવાનો અને તેમની સાથેના ઢાલ અને ભાલાધારી 37,000 સૈનિકો; દાનના વંશના: 28,600 તાલીમબદ્ધ સૈનિકો; આશેરના વંશના: યુદ્ધને માટે સુસજ્જ 40,000 સૈનિકો; યર્દનની પૂર્વ તરફના રૂબેન, ગાદ અને પૂર્વમાં વસેલા મનાશ્શાના વંશના: સર્વ પ્રકારનાં શસ્ત્રો વાપરવામાં તાલીમ પામેલા 1,20,000 સૈનિકો.