Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

રોમનોને પત્ર 12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019


ઈશ્વરની સેવામાં જીવન

1 તેથી, ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, ઈશ્વરની દયા પ્રાપ્ત કરવા તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે તેવું, અર્પણ કરો; તે તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે.

2 આ જગતનું રૂપ તમે ન ધરો; પણ તમારાં મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે પરિવર્તન પામો, જેથી ઈશ્વરની સારી, માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે જાણી શકો.


શરીર એક: અવયવો ઘણાં

3 વળી મને આપેલા કૃપાદાનને આશરે હું તમારામાંના દરેક જણને કહું છું કે, પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવો; પણ જે પ્રમાણે ઈશ્વરે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે, તેના પ્રમાણમાં દરેકે પોતાને યોગ્ય ગણવો.

4 કેમ કે જેમ આપણા શરીરનાં ઘણાં અંગો છે અને તેઓને બધાને એક જ કામ કરવાનું હોતું નથી;

5 તેમ આપણે ઘણાં હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર છીએ અને અરસપરસ એકબીજાનાં અંગો છીએ.

6 આપણને જે કૃપા આપવામાં આવી છે, તે પ્રમાણે આપણને જુદાં જુદાં કૃપાદાન મળ્યાં છે; તેથી જો બોધ કરવાનું કૃપાદાન મળ્યું હોય, તો પોતાના વિશ્વાસના પ્રમાણમાં તેણે બોધ કરવો;

7 અથવા જો સેવાનું, તો સેવામાં લાગુ રહેવું; વળી જે શિક્ષક હોય તેણે શિક્ષણ આપવામાં લાગુ રહેવું;

8 જે સુબોધ કરનાર, તેણે સુબોધ કરવામાં વ્યસ્ત રહેવું; જે દાન આપે છે, તેણે ઉદારતાથી આપવું; જે અધિકારી છે, તેણે ખંતથી અધિકાર ચલાવવો; અને જે દયા રાખે છે તેણે હર્ખથી દયા રાખવી.


ખ્રિસ્તી જીવનનાં નિયમ

9 તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. જે ખરાબ છે તેને ધિક્કારો; જે સારું છે તેને વળગી રહો.

10 ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો; માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો.

11 ઉદ્યોગમાં આળસુ ન થાઓ; આત્મામાં ઉત્સાહી થાઓ; પ્રભુની સેવા કરો;

12 આશામાં આનંદ કરો; સંકટમાં ધીરજ રાખો; પ્રાર્થનામાં લાગુ રહો;

13 સંતોની જરૂરિયાતો પૂરી પાડો; પરોણાગત કરવામાં તત્પર રહો.

14 તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો; આશીર્વાદ જ આપો અને શ્રાપ આપતા નહિ.

15 આનંદ કરનારાઓની સાથે આનંદ કરો; રડનારાઓની સાથે રડો.

16 અરસપરસ એક મનના થાઓ; તમારું મન મોટી બાબતો પર ન લગાડો, પણ નમ્ર ભાવે દીનોની કાળજી રાખો. તમે પોતાને બુદ્ધિમાન ન સમજો.

17 દુષ્ટતાની સામે દુષ્ટતા ન આચરો. બધા માણસોની નજરમાં જે શોભે છે, તે કરવાને કાળજી રાખો.

18 જો શક્ય હોય, તો ગમે તેમ કરીને બધાં માણસોની સાથે હળીમળીને રહો.

19 ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ ઈશ્વરના કોપને માટે માર્ગ મૂકો; કેમ કે લખેલું છે કે, પ્રભુ કહે છે કે, ‘વૈર વાળવું એ મારું કામ છે; હું બદલો લઈશ.’”

20 પણ જો તારો વૈરી ભૂખ્યો હોય તો તેને ખવડાવ; જો તરસ્યો હોય તો તેને પાણી પા; કેમ કે એવું કરવાથી તું તેના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરીશ.

21 દુષ્ટતાથી તું હારી ન જા, પણ ભલાઈથી દુષ્ટતાનો પરાજય કર.

GUJ-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan