રોમનોને પત્ર 11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019ઇઝરાયલ ઉપર ઈશ્વરની દયા 1 તેથી હું પૂછું છું કે, શું ઈશ્વરે પોતાના લોકોને તજી દીધાં છે? ના, એવું ન થાઓ. કેમ કે હું પણ ઇઝરાયલી, ઇબ્રાહિમનાં વંશનો અને બિન્યામીનના કુળનો છું. 2 પોતાના જે લોકોને ઈશ્વરે અગાઉથી પસંદ કર્યા હતા તેઓને તેમણે તજ્યા નથી; વળી એલિયા સંબંધી શાસ્ત્રવચનો શું કહે છે, એ તમે નથી જાણતા? તે ઇઝરાયલની વિરુદ્ધ ઈશ્વરને વિનંતી કરે છે કે, 3 ‘ઓ પ્રભુ, તેઓએ તારા પ્રબોધકોને મારી નાખ્યા છે, તારી યજ્ઞવેદીઓને ખોદી નાખી છે, હું એકલો જ બચ્યો છું અને તેઓ મારો જીવ લેવા માગે છે.’” 4 પણ ઈશ્વરવાણી તેને શું કહે છે? “જેઓ બઆલની આગળ ઘૂંટણે પડ્યા નથી એવા સાત હજાર પુરુષોને મેં મારે માટે રાખી મૂક્યા છે,” 5 એમ જ વર્તમાન સમયમાં પણ કૃપાની પસંદગી પ્રમાણે બહુ થોડા લોકો રહેલા છે. 6 પણ જો તે કૃપાથી થયું, તો તે કરણીઓથી થયું નથી, નહિ તો કૃપા તે કૃપા કહેવાય જ નહિ. 7 એટલે શું? ઇઝરાયલ જે શોધે છે તે તેઓને પ્રાપ્ત થયું નહિ; પણ પસંદ કરેલાઓને પ્રાપ્ત થયું અને બાકીનાં હૃદયો ને કઠણ કરવામાં આવ્યાં છે; 8 જેમ લખેલું છે તેમ કે, ‘ઈશ્વરે તેઓને આજદિન સુધી મંદબુદ્ધિનો આત્મા, જોઈ ન શકે તેવી આંખો તથા સાંભળી ન શકે તેવા કાન આપ્યા છે. 9 દાઉદ પણ કહે છે કે, ‘તેઓની મેજ તેઓને માટે જાળ, ફાંસો, ઠોકર તથા બદલો થાઓ. 10 તેઓની આંખો અંધકારમય થાઓ કે જેથી તેઓ જોઈ ન શકે અને તેઓની પીઠ તમે સદા વાંકી વાળો.’” 11 ત્યારે હું પૂછું છું કે, ‘શું તેઓએ એ માટે ઠોકર ખાધી કે તેઓ પડી જાય?’ ના, એવું ન થાઓ, પણ ઊલટું તેઓના પડવાથી બિનયહૂદીઓને ઉદ્ધાર મળ્યો છે, કે જેનાંથી ઇઝરાયલમાં ઈર્ષ્યા ઉત્પન્ન થાય. 12 હવે જો તેઓનું પડવું માનવજગતને સંપત્તિરૂપ થયું છે અને તેઓનું નુકસાન બિનયહૂદીઓને સંપત્તિરૂપ થયું છે, તો તેઓની સંપૂર્ણતા કેટલી અધિક સંપત્તિરૂપ થશે! બિનયહૂદીઓનો ઉદ્ધાર વૃક્ષની કલમનો દાખલો 13 હવે હું તમો બિનયહૂદીઓને કહું છું. હું મારું સેવાકાર્ય ખૂબ જ મહત્વનું માનું છું કારણ કે હું બિનયહૂદીઓનો પ્રેરિત છું. 14 જેથી હું કોઈ પણ પ્રકારે મારા પોતાના લોકો યહૂદીઓ માં ઈર્ષ્યા ઉત્પન્ન કરીને તેઓમાંના કેટલાકને બચાવું. 15 કેમ કે જો તેઓનો નકાર થવાથી માનવજગતનું ઈશ્વર સાથે સમાધાન થયું, તો તેઓનો સ્વીકાર થવાથી મૃત્યુમાંથી જીવન સિવાય બીજું શું થશે? 16 જો પ્રથમફળ પવિત્ર છે, તો આખો સમૂહ પણ પવિત્ર છે; અને જો મૂળ પવિત્ર છે તો ડાળીઓ પણ પવિત્ર છે. 17 પણ જો ડાળીઓમાંની કેટલીકને તોડી નાખવામાં આવી; અને તું જંગલી જૈતૂનની ડાળ હોવા છતાં તેઓમાં કલમરૂપે મેળવાયો અને જૈતૂનનાં રસ ભરેલા મૂળનો સહભાગી થયો, 18 તો એ ડાળીઓ પર તું ગર્વ ન કર. પરંતુ જો તું ગર્વ કરે, તો મૂળને તારો આધાર નથી પણ તને મૂળનો આધાર છે. 19 વળી તું કહેશે કે, ‘હું કલમરૂપે મેળવાઉં માટે ડાળીઓ તોડી નાખવામાં આવી.’” 20 બરાબર, તેમના અવિશ્વાસને લીધે તેઓને તોડી નાખવામાં આવી, અને તું તારા વિશ્વાસથી સ્થિર રહે છે. ગર્વિષ્ઠ ન થા, પણ ભય રાખ. 21 કેમ કે જો ઈશ્વરે અસલ ડાળીઓને બચાવી નહિ, તો તેઓ તને પણ નહિ બચાવે. 22 તેથી ઈશ્વરની મહેરબાની તથા તેમની સખતાઈ પણ જો; જેઓ પડી ગયા તેઓના ઉપર તો સખતાઈ; પણ જો તું તેમની કૃપા ટકી રહે તો તારા ઉપર ઈશ્વરની કૃપા; નહિ તો તને પણ કાપી નાખવામાં આવશે. 23 પણ જો તેઓ પોતાના અવિશ્વાસમાં રહેશે નહિ, તો તેઓ પણ કલમરૂપે મેળવાશે; કેમ કે ઈશ્વર તેઓને કલમરૂપે પાછા મેળવી શકે છે. 24 કેમ કે જે જૈતૂનનું ઝાડ કુદરતી રીતે જંગલી હતું તેમાંથી જો તને અલગ કરવામાં આવ્યો અને સારા જૈતૂનનાં ઝાડમાં કુદરતથી વિરુદ્ધ કલમરૂપે મેળવવામાં આવ્યો; તો તે કરતાં અસલ ડાળીઓ તેમના પોતાના જૈતૂનનાં ઝાડમાં કલમરૂપે પાછી મેળવાય તે કેટલું વિશેષ શક્ય છે? બધાને માટે ઈશ્વરની દયા 25 કેમ કે હે ભાઈઓ, તમે પોતાને બુદ્ધિવાન ન સમજો, માટે મારી ઇચ્છા નથી કે આ ભેદ વિષે તમે અજાણ રહો કે બિનયહૂદીઓની સંપૂર્ણતા માંહે આવે ત્યાં સુધી ઇઝરાયલને કેટલેક ભાગે કઠિનતા થઈ છે. 26 અને પછી તમામ ઇઝરાયલ ઉદ્ધાર પામશે, જેમ લખેલું છે ‘સિયોનમાંથી ઉદ્ધાર આવશે; તે યાકૂબમાંથી અધર્મને દૂર કરશે; 27 હું તેઓનાં પાપનું નિવારણ કરીશ, ત્યારે તેઓની સાથેનો મારો કરાર પૂરો થશે. 28 સુવાર્તાનાં સંદર્ભે તો તમારે લીધે તેઓ શત્રુ છે ખરા, પણ પસંદગી સંદર્ભેમાં તો પૂર્વજોને લીધે તેઓ તેમને વહાલા છે. 29 કેમ કે ઈશ્વરનાં કૃપાદાન તથા તેડું રદ જાય એવાં નથી. 30 કેમ કે જેમ તમે અગાઉ ઈશ્વર પ્રત્યે અનાજ્ઞાંકિત હતા, પણ હમણાં તેઓના અનાજ્ઞાંકિતપણાને કારણથી તમે દયાપાત્ર બન્યા છો; 31 એમ જ તેઓ પણ હમણાં અણકહ્યાગરા થયા છે, એ માટે કે, તમારા પર દર્શાવેલી દયાના કારણે, તેઓને પણ હમણાં દયાદાન મળે. 32 કેમ કે ઈશ્વરે બધાને આજ્ઞાભંગને આધીન ઠરાવ્યાં છે, એ સારુ કે તે બધા ઉપર દયા કરે. ઈશ્વરસ્તુતિ 33 આહા! ઈશ્વરની બુદ્ધિની, અને જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે! તેમના ન્યાયચુકાદો કેવાં ગૂઢ અને તેમના માર્ગો કેવાં અગમ્ય છે! 34 કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે? અથવા તેમનો સલાહકાર કોણ થયો છે? 35 અથવા કોણે તેમને પહેલાં કંઈ આપ્યું, કે તે તેને પાછું ભરી આપવામાં આવે? 36 કેમ કે તેમનાંમાંથી તથા તેમના વડે, તથા તેમને અર્થે, બધું છે. તેમને સર્વકાળ મહિમા હો. આમીન. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.