સંદર્શન 2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019એફેસસની મંડળીને સંદેશ 1 એફેસસમાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે. જે પોતાના જમણાં હાથમાં સાત તારા રાખે છે અને જે સોનાની સાત દીવીની વચ્ચે ચાલે છે તે આ વાતો કહે છે, 2 તારાં કામ, તારી મહેનત તથા તારી ધીરજને હું જાણું છું, વળી એ પણ જાણું છું કે, તું દુર્જનને સહન કરી શકતો નથી, અને જેઓ પોતાને પ્રેરિત કહેવડાવે છે પણ એવા નથી, તેઓને તેં પારખી લીધા, અને તેઓ જૂઠા છે એમ તને ખબર પડી. 3 વળી તું ધીરજ રાખે છે, તથા મારા નામની ખાતર તેં સહન કર્યું છે, અને તું થાકી ગયો નથી. 4 તોપણ તારી વિરુદ્ધ મારે આટલું છે કે, તેં તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. 5 એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવો કર તથા પ્રથમના જેવા કામ નહિ કરે તો હું તારી પાસે આવીશ, અને જો તું પસ્તાવો નહિ કરે તો તારી દીવીને તેની જગ્યાએથી હું હટાવી દઈશ. 6 પણ તારી તરફેણમાં આ તારા માટે સારી વાત છે કે તું નીકોલાયતીઓના કામ, જેઓને હું ધિક્કારું છું, તેઓને તું પણ ધિક્કારે છે. 7 પવિત્ર આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે વિજય પ્રાપ્ત કરશે તેને ઈશ્વરના પારાદૈસમાંના જીવનનાં વૃક્ષ પરનું ફળ હું ખાવાને આપીશ. સ્મર્નાની મંડળીને સંદેશ 8 સ્મર્નામાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે. જે પ્રથમ તથા છેલ્લાં, જે મૃત્યુ પામ્યા પણ સજીવન થયા, તે આ વાતો કહે છે, 9 હું તારી વિપત્તિ તથા તારી ગરીબી જાણું છું તોપણ તું ધનવાન છે, જે કહે છે કે, અમે યહૂદી છીએ પણ તેઓ યહૂદી નથી પણ શેતાનની સભા છે, તેઓનું દુર્ભાષણ હું જાણું છું. 10 તારે જે જે સહન કરવું પડશે, તેનાથી બીશ નહિ; જુઓ! તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે; તમને દસ દિવસ સુધી વિપત્તિ પડશે. તું મરણ સુધી વિશ્વાસુ રહે અને હું તને જીવનનો મુગટ આપીશ. 11 પવિત્ર આત્મા મંડળીને જે કહે છે, તે જેને કાન છે તે સાંભળે; જે વિજય પ્રાપ્ત કરશે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહિ. પેર્ગામમની મંડળીને સંદેશ 12 પેર્ગામનમાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે. જેની પાસે બેધારી તીક્ષ્ણ તલવાર છે તે આ વાતો કહે છે કે, 13 તું ક્યાં રહે છે તે હું જાણું છું, એટલે જ્યાં શેતાનની ગાદી છે ત્યાં. વળી તું મારા નામને વળગી રહે છે, જયારે મારા વિશ્વાસુ સાક્ષી અંતિપાસને, તમારામાં, એટલે જ્યાં શેતાન વસે છે ત્યાં, મારી નાખવામાં આવ્યો, તે દિવસોમાં પણ તેં મારા પરના વિશ્વાસનો ઇનકાર કર્યો નહિ. 14 તોપણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે, કેમ કે બલામના શિક્ષણને વળગી રહેનારા ત્યાં તારી પાસે છે; એણે બાલાકને ઇઝરાયલ પુત્રોની આગળ પાપ કરવા શીખવ્યું કે તેઓ મૂર્તિઓની પ્રસાદી ખાય અને વ્યભિચાર કરે. 15 એ જ પ્રમાણે જેઓ એવી રીતે નીકોલાયતીઓના બોધને વળગી રહે છે તેઓ પણ તારે ત્યાં છે. 16 તેથી પસ્તાવો કર! નહિ તો હું તારી પાસે વહેલો આવીશ અને મારા મોમાંની તલવારથી હું તેઓની સાથે લડીશ. 17 આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે વિજય પ્રાપ્ત કરશે તેને હું ગુપ્તમાં રાખેલા માન્નામાંથી આપીશ, વળી હું તેને સફેદ પથ્થર આપીશ, તેના પર એક નવું નામ લખેલું છે, તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતું નથી. થુઆતૈરાની મંડળીને સંદેશ 18 થુઆતૈરામાંનાં મંડળીના સ્વર્ગદૂતને લખ કે. ઈશ્વરના પુત્ર, જેમની આંખો અગ્નિની જ્વાળા જેવી છે, અને જેમનાં પગ ચળકતા પિત્તળના જેવા છે, તે આ વાતો કહે છે. 19 તારાં કામ, તારો પ્રેમ, તારી સેવા, તારો વિશ્વાસ તથા તારી ધીરજ હું જાણું છું, તારાં છેલ્લાં કામ પહેલાંના કરતાં અધિક છે એ પણ હું જાણું છું. 20 તોપણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે ઇઝબેલ, જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે, તે સ્ત્રીને તું સહન કરે છે. તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓની પ્રસાદી ખાવાને શીખવે છે તથા ભમાવે છે. 21 તે પસ્તાવો કરે, માટે મેં તેને તક આપી; પણ તે પોતાના બદકૃત્યનો પસ્તાવો કરવા ઇચ્છતી નથી. 22 જુઓ, હું તેને દુઃખના પથારીમાં ફેંકી દઈશ, અને તેની સાથે મળીને જેઓ બેવફાઈ કરે છે તેઓ જો પોતાના કામનો પસ્તાવો ન કરે તો તેઓને હું મોટી વિપત્તિમાં નાખું છું. 23 મરકીથી હું તેનાં છોકરાંનો સંહાર કરીશ, જેથી સર્વ વિશ્વાસી સમુદાય જાણશે કે મન તથા અંતઃકરણનો પારખનાર હું છું. તમને દરેકને હું તમારાં કામ પ્રમાણે બદલો આપીશ. 24 પણ તમે થુઆતૈરામાંનાં બાકીના જેટલાં તેણીનો શિક્ષણ માનતા નથી, જેઓ શેતાનના ‘ઊંડા મર્મો’ જેમ તેઓ કહે છે તેમ જાણતા નથી, તે તમોને હું આ કહું છું કે, તમારા પર હું બીજો બોજો નાખીશ નહિ; 25 તોપણ તમારી પાસે જે છે, તેને હું આવું ત્યાં સુધી વળગી રહો. 26 જે જીતે છે અને અંત સુધી મારાં કામ કર્યા કરે છે, તેને હું દેશો પર અધિકાર આપીશ. 27 તે લોખંડના રાજદંડથી તેઓ પર અધિકાર ચલાવશે, કુંભારના વાસણની પેઠે તેઓના ટુકડેટુકડાં થઈ જશે. 28 મારા પિતા પાસેથી જે અધિકાર મને મળ્યું છે તે હું તેઓને આપીશ; વળી હું તેને પ્રભાતનો તારો આપીશ. 29 આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.