ગીતશાસ્ત્ર 92 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019સ્તુતિગાન ગીત, વિશ્રામવારને માટે ગાયન. 1 યહોવાહની સ્તુતિ કરવી અને હે પરાત્પર તમારા નામનાં સ્તોત્ર ગાવાં, તે સારું છે. 2 સવારે તમારી કૃપા અને રાત્રે તમારું વિશ્વાસુપણું પ્રગટ કરો. 3 દશ તારવાળાં વાજાં સાથે અને સિતાર સાથે વીણાના મધુર સ્વરથી તેમની સ્તુતિ કરો. 4 કેમ કે, હે યહોવાહ, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે. તમારા હાથે થયેલાં કામને લીધે હું હર્ષનાદ કરીશ. 5 હે યહોવાહ, તમારાં કૃત્યો કેવાં મહાન છે! તમારા વિચારો બહુ ગહન છે. 6 અજ્ઞાની માણસ તે જાણતો નથી, મૂર્ખ પણ તે સમજી શકતો નથી. 7 જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે અને જ્યારે સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, ત્યારે તે તેઓનો સર્વકાલિક નાશ થવાને માટે છે. 8 પણ, હે યહોવાહ, તમે સર્વકાળ રાજ કરશો. 9 તેમ છતાં, હે યહોવાહ, તમારા શત્રુઓ તરફ જુઓ; સર્વ દુષ્ટો વિખેરાઈ જશે. 10 તમે મારું શિંગ જંગલી બળદના શિંગ જેવું ઊંચું કર્યું છે; તાજા તેલથી મારો અભિષેક કરવામાં આવ્યો છે. 11 મારા શત્રુઓને મારી ઇચ્છા પ્રમાણે થયેલ મેં મારી નજરે જોયું છે; મારી સામે ઊઠનારા દુષ્કર્મીઓને મારી ઇચ્છા પ્રમાણે ફળ મળ્યું એ મેં મારે કાને સાંભળ્યું છે. 12 ન્યાયી માણસ ખજૂરના વૃક્ષની જેમ ખીલશે; તે લબાનોનના દેવદારની જેમ વધશે. 13 જેઓને યહોવાહના ઘરમાં રોપવામાં આવેલા છે; તેઓ આપણા ઈશ્વરનાં આંગણામાં ખીલી ઊઠશે. 14 વૃદ્ધાવસ્થામાં પણ તેઓ ફળ આપશે; તેઓ તાજા અને લીલા રહેશે. 15 જેથી પ્રગટ થાય કે યહોવાહ યથાર્થ છે. તે મારા ખડક છે અને તેમનામાં કંઈ અન્યાય નથી. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.