Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 78 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019


ઈશ્વર અને તેમના લોકો
આસાફનું માસ્કીલ.

1 મારા લોકો, મારો નિયમ સાંભળો, મારા મુખના શબ્દોને તમે ધ્યાનથી સાંભળો.

2 હું ડહાપણ વિશેનું ગીત ગાઈશ; હું ભૂતકાળનાં રહસ્યોની વાત સમજાવીશ કે,

3 જે વાત આપણે સાંભળી છે તથા શીખ્યા છીએ જે આપણા પૂર્વજોએ આપણને કહી છે.

4 યહોવાહનાં સ્તોત્ર, તેમનું સામર્થ્ય તથા તેમનાં કરેલાં આશ્ચર્યકારક કામો આવતી પેઢીને જાહેર કરીને તેઓના વંશજોથી આપણે તે સંતાડીશું નહિ.

5 કારણ કે તેમણે યાકૂબ સાથે તેમનો કરાર કર્યો અને ઇઝરાયલમાં નિયમ ઠરાવ્યો. તેમણે આપણા પૂર્વજોને આજ્ઞા કરી કે તેઓ પોતાનાં બાળકોને પણ શીખવે.

6 જેથી આવતી પેઢીનાં જે બાળકો જન્મે તેઓ તે જાણે, તેઓ મોટાં થઈને પોતાનાં સંતાનોને તે જણાવે, માટે તેમણે આજ્ઞા આપી છે.

7 જેથી તેઓ સહુ ઈશ્વરની આશા રાખે અને તેમનાં અદ્દભુત કાર્યોને વીસરી જાય નહિ, પણ તેમની આજ્ઞાઓને પાળે.

8 પછી તેઓ પોતાના પૂર્વજોના જેવા ન થાય, કે જેઓ હઠીલા તથા બંડખોર પેઢીના છે, એવી પેઢી કે જેઓનાં હૃદય સ્થિર નથી અને જેઓનો આત્મા સમર્પિત કે ઈશ્વરને વિશ્વાસુ નથી.

9 એફ્રાઇમના લોકો શસ્ત્રસજ્જિત ધનુર્ધારી હોવા છતાં પણ લડાઈના દિવસમાં પાછા હઠી ગયા.

10 તેઓએ ઈશ્વરનો કરાર પાળ્યો નહિ અને તેમના નિયમ પ્રમાણે વર્તવાની ના પાડી.

11 તેમણે કરેલાં અદ્દભુત કાર્યો, ચમત્કારો તેમણે તેઓને બતાવ્યા હતા તે તેઓ ભૂલી ગયા.

12 મિસર દેશમાં, સોઆનનાં ક્ષેત્રમાં, તેઓના પૂર્વજોની આગળ તેમણે આશ્ચર્યકારક કૃત્યો કર્યાં.

13 તેમણે સમુદ્રના બે ભાગ કરીને તેઓને પાર બહાર લાવ્યા; તેમણે દીવાલની જેમ પાણીને સ્થિર રાખ્યાં.

14 તે તેઓને દિવસે મેઘથી અને આખી રાત અગ્નિના પ્રકાશથી દોરતા.

15 તેમણે અરણ્યમાં ખડકને તોડીને અને ઊંડાણમાંથી વહેતું હોય તેમ પુષ્કળ પાણી તેઓને આપ્યું.

16 તેમણે ખડકમાંથી પાણીની ધારો કાઢી અને વહેતી નદીની જેમ પ્રવાહ વહેવડાવ્યો.

17 તેમ છતાં તેઓએ તેમની વિરુદ્ધ પાપ કરવાનું ચાલુ જ રાખ્યું, અરણ્યમાં પરાત્પરની વિરુદ્ધ તેઓ બંડ કરતા રહ્યા.

18 પોતાના ખાઉધરાપણાને વશ થઈને ખોરાક માગીને તેઓએ પોતાના હૃદયથી ઈશ્વરની પરીક્ષા કરી.

19 તેઓ ઈશ્વરની વિરુદ્ધ બોલ્યા; તેઓએ કહ્યું, “શું અરણ્યમાં ઈશ્વર મેજ તૈયાર કરી શકે?

20 જુઓ, જ્યારે તેમણે ખડકને લાકડી મારી, ત્યારે પાણી વહી આવ્યું અને પાણીનાં ઝરણાં વહેવા માંડ્યાં. પણ શું તે આપણને રોટલી આપી શકે છે? શું તે પોતાના લોકોને માટે માંસ પૂરું પાડી શકશે?”

21 જ્યારે યહોવાહે આ સાંભળ્યું, ત્યારે તેઓ ગુસ્સે થયા; તેથી યાકૂબની વિરુદ્ધ તેમનો અગ્નિ ઊઠ્યો અને ઇઝરાયલ પર તેમનો કોપ ભભૂક્યો,

22 કારણ કે તેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો નહિ અને તેમના દ્વારા મળતા ઉદ્ધાર પર ભરોસો રાખ્યો નહિ.

23 છતાં તેમણે વાદળાંને આજ્ઞા આપી અને આકાશના દ્વાર ખોલી નાખ્યાં.

24 તેઓના ખોરાક માટે માન્નાની વૃષ્ટિ કરી અને તેમણે સ્વર્ગમાંથી ધાન્ય આપ્યું.

25 લોકોએ દૂતોનો ખોરાક ખાધો. અને તેઓ તૃપ્ત થયા ત્યાં સુધી તેમણે ભોજન આપ્યું.

26 તેમણે આકાશમાં પૂર્વ તરફથી પવન ફુંકાવ્યો અને પોતાના સામર્થ્યથી દક્ષિણ તરફથી પવન ફુંકાવ્યો.

27 તેમણે ધૂળની જેમ માંસ અને સમુદ્રની રેતીની જેમ પીંછાવાળા પક્ષીઓ તેઓના પર વરસાવ્યાં.

28 તેમણે તેઓની છાવણી મધ્યે અને તેઓના તંબુઓની ચારેબાજુએ તે પાડ્યાં.

29 લોકો ધરાઈ રહ્યા ત્યાં સુધી ખાધું. તેઓના માગ્યા પ્રમાણે તેમણે આપ્યું.

30 પણ તેઓ તેમની ભૂખનું નિયંત્રણ કરી શક્યા નહિ; તેઓનો ખોરાક તેઓના મુખમાં જ હતો,

31 એટલામાં, ઈશ્વરનો કોપ તેઓ પર પ્રગટ્યો અને તેઓમાંના હુષ્ટપુષ્ટોને મારી નાખ્યા. તેમણે ઇઝરાયલના શ્રેષ્ઠ યુવાનોને મારી નાખ્યાં.

32 આમ છતાં, તેઓ પાપ કરતા રહ્યા અને તેમના ચમત્કારો પર ભરોસો કર્યો નહિ.

33 માટે ઈશ્વરે તેઓના દિવસો વ્યર્થપણામાં સમાપ્ત કર્યા; અને તેઓનાં વર્ષોને ત્રાસથી ભર્યાં.

34 જ્યારે જ્યારે ઈશ્વરે તેઓને દુઃખી કર્યા, ત્યારે તેઓએ તેમને શોધ્યા અને તેઓ પાછા ફરીને આતુરતાથી તેમને શરણે આવ્યા.

35 તેઓએ યાદ કર્યુ કે ઈશ્વર તેઓના ખડક છે અને પરાત્પર ઈશ્વર તે જ તેઓના છોડાવનાર છે.

36 પણ તેઓએ પોતાના મુખે તેમની પ્રશંસા કરી અને પોતાની જીભે તેમની સમક્ષ જૂઠું બોલ્યા.

37 કેમ કે તેઓનાં હૃદય તેમના પ્રત્યે વિશ્વાસુ નહોતાં અને તેઓ તેમના કરાર પ્રત્યે વફાદાર નહોતા.

38 તેમ છતાં તેમણે, દયા દર્શાવી, તેઓનાં પાપોની ક્ષમા આપી અને તેઓનો નાશ ન કર્યો. હા, ઘણીવાર તેમણે પોતાનો ક્રોધ સમાવી દીધો અને પોતાનો પૂરો કોપ પ્રગટ કર્યો નહિ.

39 તેમણે સંભાર્યુ કે તેઓ દેહથી બનેલા છે એક ક્ષણમાં પસાર થતાં વાયુ જેવા છે.

40 તેઓએ કેટલી વાર અરણ્યમાં તેમની વિરુદ્ધ બંડ કર્યું અને રાનમાં તેમને દુ:ખી કર્યા!

41 વારંવાર તેઓએ ઈશ્વરની કસોટી કરી અને ઇઝરાયલના પવિત્રને દુ:ખી કર્યા.

42 તેઓ તેમનાં મહાન સામર્થ્યનો વિચાર કર્યો નહિ, તેમણે કેવી રીતે તેઓને શત્રુઓથી છોડાવ્યા, તે પણ યાદ કર્યું નહિ.

43 મિસરમાં તેમણે જે ચમત્કારિક ચિહ્નો અને સોઆનના મેદાનમાં આશ્ચર્યકર્મો કર્યા હતાં તે પણ ભૂલી ગયા.

44 તેમણે તેઓની નદીઓને તથા તેઓના વહેળાઓને લોહી વહેતાં બનાવી દીધાં જેથી તેઓ તે ઝરણામાંથી પી શકે નહિ.

45 તેમણે મધમાખીઓનું મોટું ઝૂંડ મોકલ્યું, તે મધમાખીઓ તેઓને કરડી અને દેડકાંઓએ બધી વસ્તુઓનો નાશ કર્યો.

46 તેઓની ફસલ તેમણે કાતરાઓને આપી અને તેઓની મહેનતનું ફળ તીડને આપી દીધું.

47 તેમણે કરાથી તેઓની દ્રાક્ષવાડીઓ અને હિમથી તેઓનાં ગુલ્લરવૃક્ષોનો નાશ કર્યો હતો.

48 તેમણે તેઓનાં જાનવર કરાને અને તેઓનાં ટોળાં વીજળીને સ્વાધીન કર્યા.

49 તેમણે પોતાનો કોપ તેઓ પર પ્રગટ કર્યો, તેમણે રોષ, ગુસ્સો અને તિરસ્કાર તેઓની વિરુદ્ધ સંહારક દૂતોની માફક મોકલ્યા.

50 તેમણે પોતાના કોપ માટે રસ્તો ખુલ્લો કર્યો; તેમણે મરણથી તેઓના પ્રાણ બચાવ્યા નહિ પણ તેઓના પર મરકી મોકલી.

51 તેમણે મિસરમાં સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા; હામના તંબુઓમાં તેઓના પ્રથમ પ્રથમજનિત નરબાળકોને માર્યા.

52 તે પોતાના લોકોને ઘેટાંનાં ટોળાંની જેમ બહાર લાવ્યાં અને તેમણે અરણ્યમાં થઈને તેઓને ટોળાંની જેમ દોર્યા.

53 તેમણે તેઓને એવા સુરક્ષિત ચલાવ્યા કે તેઓ બીધા નહિ, પણ સમુદ્રના પાણી શત્રુઓ પર ફરી વળ્યાં.

54 અને તેમણે તેઓને તેની પવિત્ર ભૂમિમાં, એટલે તેમને જમણે હાથે ખરીદાયેલા આ પહાડી દેશમાં પોતાના લોકોને લાવ્યા.

55 તેમણે તેઓની આગળથી વિદેશીઓને કાઢી મૂક્યા અને જમીન માપીને ઇઝરાયલનાં કુળોને વારસાના ભાગ પાડી આપ્યા અને તેમને તેઓના તંબુઓમાં વસાવ્યા.

56 તોપણ તેઓએ પરાત્પર ઈશ્વરની કસોટી કરવાનું તથા તેમની વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યું અને તેમની આજ્ઞાઓ પાળી નહિ.

57 તેઓ તેમના પૂર્વજોની જેમ પાછા ફરી જઈને અવિશ્વાસુઓની જેમ વર્તવા લાગ્યા; વાંકા ધનુષ્યના બાણની જેમ તેઓ આડે રસ્તે ચઢ્યા.

58 કેમ કે તેઓએ પોતાનાં ઉચ્ચસ્થાનો બનાવીને અને પોતાની કોરેલી મૂર્તિઓ વડે તેમને ઈર્ષ્યા ઉત્પન્ન કર્યો.

59 જ્યારે ઈશ્વરે એ સાંભળ્યું, ત્યારે તે ગુસ્સે થયા અને ઇઝરાયલનો પૂરેપૂરો નકાર કર્યો.

60 તેથી તેમણે શીલોહ નગરનો માંડવો એટલે જે તંબુ તેમણે માણસોમાં ઊભો કર્યો હતો, તેનો ત્યાગ કર્યો.

61 તેમણે પોતાનું સામર્થ્ય બંધનમાં અને પોતાનું ગૌરવ શત્રુના હાથમાં સોંપ્યા.

62 તેમણે પોતાના લોકોને તલવારને સ્વાધીન કર્યા અને પોતાના વારસા પર તે કોપાયમાન થયા.

63 તેઓના યુવાનો અગ્નિથી નાશ પામ્યા અને તેઓની કન્યાઓના લગ્નમાં ગીત ગાવામાં આવ્યાં નહિ.

64 તેઓના યાજકો તલવારથી માર્યા ગયા અને તેઓની વિધવાઓએ કંઈ રુદન કર્યું નહિ.

65 જેમ કોઈ ઊંઘમાંથી જાગે, તેમ, દ્રાક્ષારસના કેફથી શૂરવીર પુરુષની જેમ પ્રભુ ઊઠ્યા.

66 તેમણે પાછળથી પોતાના શત્રુઓને માર્યા; તેમણે તેઓને સદાને માટે શરમિંદા કર્યા.

67 તેમણે યૂસફના તંબુનો નકાર કર્યો અને એફ્રાઇમના કુળનો સ્વીકાર કર્યો નહિ.

68 તેમણે યહૂદાના કુળને અને પોતાના પ્રિય સિયોન પર્વતને, પસંદ કર્યા.

69 તેમણે પર્વત જેવું ઉન્નત અને સદા માટે સ્થાપન કરેલી પૃથ્વી જેવું અચળ પોતાનું પવિત્રસ્થાન બાંધ્યું.

70 તેમણે વાડામાંથી ઘેટાંની સંભાળ રાખનાર દાઉદને પોતાના સેવક તરીકે પસંદ કર્યો.

71 દૂઝણી ઘેટીઓની પાછળ ફરતો હતો, ત્યાંથી તેમના લોકો યાકૂબના સંતાનનું તથા તેમના વારસા ઇઝરાયલનું પાલન કરવા તે તેને લાવ્યા.

72 દાઉદે તેમને શુદ્ધ હૃદયથી અને કૌશલ્યસભર શાણપણથી દોર્યા.

GUJ-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan