ગીતશાસ્ત્ર 71 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019વૃદ્ધજનની પ્રભુસ્તુતિ 1 હે યહોવાહ, મેં તમારા પર ભરોસો રાખ્યો છે; મને કદી આબરુહીન થવા દેશો નહિ. 2 તમારા ન્યાયીપણાથી મને છોડાવો તથા બચાવો; મારી તરફ તમારા કાન ધરો અને મને ઉગારો. 3 જ્યાં હું નિત્ય જઈ શકું તેવો મારા રહેવાને માટે ગઢ તમે થાઓ; તમે મને બચાવવાને આજ્ઞા આપી છે, કેમ કે તમે મારો ખડક તથા કિલ્લો છો. 4 હે મારા ઈશ્વર, તમે દુષ્ટોના હાથોમાંથી, અન્યાયી તથા ક્રૂર માણસના હાથમાંથી મને બચાવો. 5 હે પ્રભુ, ફક્ત તમે જ મારી આશા છો. મેં મારા બાળપણથી તમારા પર વિશ્વાસ કર્યો છે. 6 હું ગર્ભસ્થાનમાં હતો, ત્યારથી તમે મારા આધાર રહ્યા છો; મારી માતાના ઉદરમાંથી મને બહાર લાવનારા તમે જ છો; હું હંમેશા તમારી સ્તુતિ કરીશ. 7 હું ઘણા લોકો માટે એક દ્રષ્ટાંત બન્યો છું; તમે મારો મજબૂત ગઢ છો. 8 મારું મુખ તમારી સ્તુતિથી ભરપૂર થશે અને આખો દિવસ તમારા ગૌરવની વાતોથી ભરપૂર થશે. 9 મારી વૃદ્ધાવસ્થામાં મને તજી ન દો; જ્યારે મારી શક્તિ ખૂટે, ત્યારે મારો ત્યાગ ન કરો. 10 કેમ કે મારા શત્રુઓ મારી વિરુદ્ધ વાતો કરે છે; જેઓ મારો પ્રાણ લેવાને તાકી રહ્યા છે, તેઓ અંદરોઅંદર મસલત કરે છે. 11 તેઓ કહે છે કે, “ઈશ્વરે તેને તજી દીધો છે; તેની પાછળ દોડીને તેને પકડી પાડીએ, કેમ કે તેને બચાવનાર કોઈ નથી.” 12 હે ઈશ્વર, મારાથી દૂર ન જાઓ; હે મારા ઈશ્વર, મને મદદ કરવાને ઉતાવળ કરો. 13 મારા આત્માનાં દુશ્મનો બદનામ થઈને નાશ પામો; મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા તથા અપમાનથી ઢંકાઈ જાઓ. 14 પણ હું નિત્ય તમારી આશા રાખીશ અને તમારી સ્તુતિ વધારે અને વધારે કરીશ. 15 મારું મુખ આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે તથા તમારા દ્વારા મળતા ઉદ્ધાર વિષે વાતો પ્રગટ કરશે, તેમ છતાં હું તેમને સમજી શકતો નથી. 16 હું પ્રભુ યહોવાહના પરાક્રમી કામોનું વર્ણન કરતો આવીશ; હું તમારા, કેવળ તમારા જ ન્યાયીપણાનું વર્ણન કરીશ. 17 હે ઈશ્વર, મારી જુવાનીથી તમે મને શીખવ્યું છે; ત્યારથી હું તમારા ચમત્કારો પ્રગટ કરતો આવ્યો છું. 18 હે ઈશ્વર, જ્યારે હું વૃદ્ધ તથા પળિયાંવાળો થાઉં, ત્યારે પણ તમે મને મૂકી દેતા નહિ, હું આવતી પેઢીને તમારું બળ જણાવું અને સર્વ આવનારાઓને તમારું પરાક્રમ પ્રગટ કરું, ત્યાં સુધી મારો ત્યાગ ન કરશો. 19 હે ઈશ્વર, તમારું ન્યાયીપણું અતિશય ઉચ્ચ છે; હે ઈશ્વર, તમે મોટાં કામો કર્યાં છે; તમારા જેવો બીજો કોણ છે? 20 ઘણા ખેદજનક સંકટો તમે અમને દેખાડ્યાં છે તમે અમને ફરીથી સજીવ કરશો અને પૃથ્વીનાં ઊંડાણોમાંથી તમે અમને પાછા બહાર લાવશો. 21 તમે મારું મહત્વ વધારો; પાછા ફરીને મને દિલાસો આપો. 22 સિતાર સાથે હું તમારું સ્તવન કરીશ હે મારા ઈશ્વર, હું તમારી સત્યતાનું સ્તવન કરીશ; હે ઇઝરાયલના પવિત્ર, વીણા સાથે હું તમારાં સ્તોત્રો ગાઈશ. 23 જ્યારે હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશે અને મારો ઉદ્ધાર પામેલો આત્મા અતિશય આનંદ પામશે. 24 મારી જીભ આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે વાતો કરશે; કેમ કે મારું ખરાબ શોધનારાઓ બદનામ થયા છે અને ગભરાઈ ગયા છે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.