ગીતશાસ્ત્ર 46 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019પ્રભુ આપણી સાથે છે મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું (ગીત); રાગ અલામોથ. ગાયન. 1 ઈશ્વર આપણો આશ્રય તથા સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરહજૂર મદદગાર છે. 2 માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, તોપણ આપણે બીહીએ નહિ. 3 જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય જો તેના ઊછળવાથી પર્વતો કાંપી ઊઠે, તોપણ આપણે બીહીએ નહિ. સેલાહ. 4 ત્યાં એક નદી છે જેના ઝરણાંઓ ઈશ્વરના નગરને એટલે પરાત્પરના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે. 5 ઈશ્વર તેની વચમાં છે; તેને હલાવી શકાશે નહિ; મોટી સવારે ઈશ્વર તેને મદદ કરશે. 6 વિદેશીઓએ તોફાન મચાવ્યું છે અને રાજ્યો ડગમગી ગયાં; તેમણે ગર્જના કરી એટલે, પૃથ્વી પીગળી ગઈ. 7 આપણી સાથે સૈન્યોના સરદાર યહોવાહ છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. સેલાહ. 8 આવો યહોવાહનાં પરાક્રમો જુઓ, તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે જુઓ. 9 તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે; તે ધનુષ્યને ભાંગી નાખે છે અને ભાલાને કાપી નાખે છે; રથોને અગ્નિથી બાળી નાખે છે. 10 લડાઈ બંધ કરો અને જાણો કે હું ઈશ્વર છું; હું વિદેશીઓમાં મોટો મનાઈશ; હું પૃથ્વીમાં મોટો મનાઈશ. 11 સૈન્યોના યહોવાહ આપણી સાથે છે; યાકૂબના ઈશ્વર આપણા આશ્રય છે. સેલાહ. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.