ગીતશાસ્ત્ર 119 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019આલેફ. 1 જેના માર્ગો સીધા છે, જેઓ યહોવાહના નિયમો પ્રમાણે ચાલે છે, તેઓ આશીર્વાદિત છે. 2 જેઓ તેમનાં સાક્ષ્ય પાળે છે તેઓ આશીર્વાદિત છે, તેઓ પૂર્ણ હૃદયથી તેમને શોધે છે. 3 તેઓ અન્યાય કરતા નથી; તેઓ તેમના માર્ગમાં ચાલે છે. 4 તમારાં શાસનો પાળવાની તમે અમને આજ્ઞા આપી છે કે જેથી અમે તેનું ખૂબ કાળજીપૂર્વક પાલન કરીએ. 5 તમારા વિધિઓ પાળવાને માટે મારા વિચારો દ્રઢ થાય તો કેવું સારું! 6 જ્યારે હું તમારી બધી આજ્ઞાઓનો વિચાર કરું, ત્યારે હું શરમિંદો નહિ થાઉં. 7 જ્યારે હું તમારા ન્યાયી સાક્ષ્યો શીખીશ ત્યારે હું મારા શુદ્ધ અંતઃકરણથી તમારો આભાર માનીશ. 8 હું તમારા વિધિઓને અનુસરીશ; મારો ત્યાગ ન કરો. બેથ. તમારાં વચનો મેં મારા હૈયામાં રાખ્યાં છે. બેથ. 9 જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે? તમારા વચનો પાળવાથી. 10 મેં મારા ખરા હૃદયથી તમને શોધ્યા છે; તમારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દો. 11 મેં તમારાં વચન કાળજીપૂર્વક મારા હૃદયમાં રાખી મૂક્યાં છે કે જેથી તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું. 12 હે યહોવાહ, તમે સ્તુતિપાત્ર છો; કૃપા કરીને મને તમારાં શાસનો શીખવો. 13 મારા હોઠોથી હું તમારા બધા નિયમો વિષે વાત કરીશ. 14 તમારાં સાક્ષ્યોના માર્ગમાં મને પુષ્કળ સંપત્તિ કરતાં વધારે આનંદ મળ્યો છે. 15 હું તમારા નિયમોનું મનન કરીશ અને તમારા માર્ગોને અનુસરીશ. 16 તમારા વિધિઓ પાળવામાં મને આનંદ થશે; હું તમારું વચન વીસરીશ નહિ. ગિમેલ. મને તમારાં વચનોની અદ્બૂતતા બતાવો ગિમેલ. 17 તમારા સેવક ઉપર કૃપા કરો કે હું જીવું અને તમારાં વચનો પાળું. 18 તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે; મારી આંખો ઉઘાડો. 19 હું તો પૃથ્વી પર વિદેશી છું; તમારી આજ્ઞાઓ મારાથી ન સંતાડો. 20 મારું હૃદય તમારાં ન્યાયવચનો માટે સર્વ સમયે તીવ્ર ઝંખના કરે છે. 21 તમે ગર્વિષ્ઠ લોકોને તેમ જ જેઓ તમારી આજ્ઞાઓને માનતા નથી, તેઓને શ્રાપ આપો છો. 22 મહેણાં તથા અપમાનને મારાથી દૂર કરો, કારણ કે મેં તમારા નિયમો માન્યા છે. 23 સરદારો પણ આસનો પર બેસીને મારી વિરુદ્ધ બોલતા હતા, પણ તમારા સેવકે તમારા વિધિઓનું મનન કર્યું છે. 24 તમારાં સાક્ષ્યોથી મને આનંદ થાય છે અને તેઓ મારા સલાહકારો છે. દાલેથ. પ્રભુ-નિયમ પાળવાનો સંકલ્પ દાલેથ. 25 મારો આત્મા ધૂળ ભેગો થઈ ગયો છે; તમારા વચન પ્રમાણે મને જિવાડો. 26 મેં મારા માર્ગો તમને પ્રગટ કર્યા અને તમે મને ઉત્તર આપ્યો; મને તમારા વિધિઓ શીખવો. 27 તમારી સૂચનાઓના માર્ગો સમજવા મારી મદદ કરો, જેથી હું તમારા અદ્દભુત શિક્ષણ વિશે ચર્ચા કરી શકું. 28 દુઃખને કારણે મારું હૃદય ભારે થઈ ગયું છે; તમારાં વચન પ્રમાણે મને બળવાન કરો. 29 અસત્યનો માર્ગ મારાથી દૂર કરો; કૃપા કરીને મને તમારા નિયમો શીખવો. 30 મેં વિશ્વાસુપણાનો માર્ગ પસંદ કર્યો છે; મેં હંમેશા તમારાં ન્યાયવચનો મારી નજરમાં રાખ્યાં છે. 31 હું તમારાં સાક્ષ્યોને વળગી રહ્યો છું; હે યહોવાહ, મારે લજ્જિત થવું ન પડે. 32 તમારી આજ્ઞાઓના માર્ગમાં હું દોડીશ, કેમ કે તમે મારા હૃદયને પ્રફુલ્લિત કરો છો. હે તમારા નિયમો શીખવો હે 33 હે યહોવાહ, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો અને હું અંત સુધી તે પ્રમાણે ચાલીશ. 34 મને સમજણશક્તિ આપો એટલે હું તમારો નિયમ પાળીશ; હું મારા હૃદયથી તેનું અનુકરણ કરીશ. 35 મને તમારી આજ્ઞાઓના માર્ગમાં દોરો, કારણ કે હું તેમાં આનંદ માનું છું. 36 તમારા કરાર પર ધ્યાન આપવા માટે મારા હૃદયને દોરો અને લોભ તરફથી મને વારો. 37 વ્યર્થતામાંથી તમે મારી દ્રષ્ટિ ફેરવો; તમારા માર્ગ વિષે મને આતુર કરો. 38 તમારું જે વચન ભય ઉપજાવનારું છે; તે તમારા સેવકના લાભમાં દ્રઢ કરો. 39 જે અપમાનનો મને ડર છે; તે મારાથી દૂર કરો; કારણ કે તમારાં ન્યાયવચનો ઉત્તમ છે. 40 જુઓ, તમારા નિયમોને આધીન થવા માટે હું ઝંખુ છું; મારા ન્યાયીપણામાં તમે મારા જીવનને સંભાળી રાખો. વાવ. તમારાં વચનોમાં મને સંપૂર્ણ ભરોસો વાવ. 41 હે યહોવાહ, તમારો અવિકારી પ્રેમ, તમારા વચન પ્રમાણે, તમારો ઉદ્ધાર મને આપો. 42 તેથી હું મારું અપમાન કરનારને જવાબ આપી શકું, કેમ કે હું તમારાં વચનનો ભરોસો કરું છું. 43 મારા મુખમાંથી સત્ય વચનો કદી ન લઈ લો, કેમ કે હું તમારાં ન્યાયવચનોની આશા રાખી રહ્યો છું. 44 હું સદા સર્વદા તમારા નિયમોનું અવલોકન કરીશ. 45 તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે; તેથી હું નિરાંતે જીવીશ. 46 હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ અને તેમાં શરમાઈશ નહિ. 47 તમારી આજ્ઞાઓમાં હું આનંદ પામીશ, તેઓ પર મેં પ્રેમ કર્યો છે. 48 હું તમારી આજ્ઞાઓ પાળવા મારા હાથ ઊંચા કરીશ, તેમના પર મેં પ્રેમ કર્યો છે; હું તમારા વિધિઓનું મનન કરીશ. ઝ. તમારાં વચન કેવાં દિલાસાદાયક! ઝ. 49 તમારા જે વચનથી મને આશા ઊપજી છે, તે વચન તમારા સેવકને માટે સંભારો. 50 મારા દુઃખમાં મને દિલાસો મળ્યો છે: તમારા વચને મને જિવાડ્યો છે. 51 અભિમાની લોકો મારી મજાક કરે છે, પણ હું તમારા નિયમમાંથી પાછો વળ્યો નથી. 52 હે યહોવાહ, પુરાતન કાળથી તમારાં જે ન્યાયવચનો છે તેમને મેં સંભાર્યાં છે અને મને દિલાસો મળ્યો છે. 53 જે દુષ્ટો તમારા નિયમોની અવગણના કરે છે; તેઓ પર મને ક્રોધ ઊપજે છે. 54 તમારા વિધિઓ મારાં ગીતો છે તેઓ મારી જીવનયાત્રામાં મારા માટે આનંદદાયક સ્તોત્ર બન્યા છે. 55 હે યહોવાહ, મને રાત્રે તમારા નામનું સ્મરણ થાય છે અને હું તમારા નિયમો પાળું છું. 56 આ મારું આચરણ છે કેમ કે મેં તમારાં સાક્ષ્યોનું અનુસરણ કર્યું છે. ખેથ. પ્રભુનાં વચનો પર ભક્તિભાવ ખેથ. 57 હે યહોવાહ તમે મારો વારસો છો; હું તમારાં વચનો પાળીશ એમ મેં કહ્યું છે. 58 મેં મારા હૃદયની ઉત્કંઠાથી તમારી કૃપાની માગણી કરી છે; તમારા વચન પ્રમાણે, તમે મારા ઉપર દયા કરો. 59 મેં મારી ચાલ વિષે વિચાર કર્યો છે અને તમારાં સાક્ષ્યો તરફ હું વળ્યો છું. 60 તમારી આજ્ઞાઓ પાળવા માટે મેં ઉતાવળ કરી છે; વાર લગાડી નથી. 61 મને દુષ્ટોનાં બંધનોએ ઘેરી લીધો છે; તમારા નિયમોને હું ભૂલી ગયો નથી. 62 તમારાં ન્યાયીવચનોને લીધે હું તમારો આભાર માનવા મધ્ય રાત્રે ઊઠીશ. 63 જે કોઈ તમને માન આપે છે અને જેઓ તમારી સૂચનાઓને અનુસરે છે, તેઓનો હું સાથી છું. 64 હે યહોવાહ, પૃથ્વી તમારી કૃપાથી ભરેલી છે; મને તમારા વિધિઓ શીખવો. ટેથ. તમારાં વચન કેવાં અમૂલ્ય! ટેથ. 65 હે યહોવાહ, વચન પ્રમાણે, તમે તમારા સેવકને માટે સારું જ કર્યું છે. 66 મને સારો વિવેક તથા ડહાપણ શીખવો, કેમ કે હું તમારી આજ્ઞાઓ પર વિશ્વાસ કરું છું. 67 દુઃખી થયા અગાઉ હું આડે રસ્તે ગયો હતો, પણ હવે હું તમારાં વચન પાળું છું. 68 તમે ઉત્તમ છો અને ઉત્તમ જ કરો છો; મને તમારા વિધિઓ શીખવો. 69 ઘમંડી લોકો મારા વિશે જૂઠું બોલે છે, પણ હું તમારા નિયમો મારા ખરા હૃદયથી પાળીશ. 70 તેઓના હૃદયો જડ છે, પણ હું તો તમારા નિયમમાં આનંદ પામું છું. 71 મેં જે સહન કર્યું છે તે મને ગુણકારક થઈ પડ્યું છે કે જેથી હું તમારા વિધિઓ શીખી શકું. 72 સોનાચાંદીના હજારો સિક્કા કરતાં તમારા મુખનો નિયમ મારે માટે વધુ મૂલ્યવાન છે. યોદ. પ્રભુનો નિયમ ન્યાયી છે યોદ. 73 તમે તમારા હાથોથી જ મને ઘડ્યો છે તથા બનાવ્યો છે; તમારી આજ્ઞાઓ શીખવા માટે મને સમજણ આપો. 74 તમારો ભય રાખનારા મને જોઈને આનંદ પામશે કારણ કે મેં તમારાં વચનોની આશા રાખી છે. 75 હે યહોવાહ, હું જાણું છું કે, તમારાં વચનો ન્યાયી છે અને વિશ્વાસુપણાએ તમે મને શિસ્તબદ્ધ કર્યો છે. 76 તમારા સેવકને આપેલા તમારા વચન પ્રમાણે તમારી કૃપાથી મને દિલાસો મળો. 77 હું જીવતો રહું, માટે તમારી દયા મને બતાવો, કેમ કે તમારો નિયમ એ જ મારો આનંદ છે. 78 અભિમાનીઓ લજ્જા પામો, કેમ કે તેઓ મારા વિષે જૂઠું બોલ્યા છે; પણ હું તો તમારાં વચનોનું મનન કરું છું. 79 જેઓ તમને માન આપે છે અને જેઓને તમારાં સાક્ષ્યો વિષે ડહાપણ છે, તેઓ મારી પાસે આવો. 80 તમારા નિયમોની આધીનતામાં મારું હૃદય નિર્દોષ રહો કે જેથી મારે બદનામ ન થવું પડે. કાફ. બચાવ માટે પ્રાર્થના કાફ. 81 મારો જીવ તમારા તરફથી મળતા ઉદ્ધારને માટે મૂંઝાય છે; હું તમારાં વચનની આશા રાખું છું. 82 તમે મને ક્યારે દિલાસો આપશો? એમ કહેતાં મારી આંખો તમારાં વચનને માટે નિસ્તેજ થઈ જાય છે. 83 કેમ કે હું ધુમાડામાં રહેલી મશકના જેવો થઈ ગયો છું; હું તમારા વિધિઓને વીસરતો નથી. 84 તમારા સેવકના દિવસ કેટલા છે? મને સતાવનારાઓનો ન્યાય તમે ક્યારે કરશો? 85 જે ગર્વિષ્ઠો તમારા નિયમો પ્રમાણે નથી વર્તતા, તેઓએ મારા માટે ખાડા ખોદ્યા છે. 86 તેઓ વિનાકારણ મને ત્રાસ આપે છે, તમે મને મદદ કરો; તમારી સર્વ આજ્ઞાઓ ભરોસાપાત્ર છે. 87 પૃથ્વી પરથી તેઓએ લગભગ મારો નાશ કર્યો હતો, પણ મેં તમારાં શાસનોનો ત્યાગ કર્યો નથી. 88 તમારી કૃપા પ્રમાણે તમે મને જિવાડો; એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ. લામેદ. પ્રભુના નિયમનું વિશ્વાસુપણું લામેદ. 89 હે યહોવાહ, તમારું વચન આકાશમાં સદાકાળ સ્થિર છે. 90 તમારું વિશ્વાસપણું પેઢી દરપેઢી કાયમ રહે છે; તમે જ પૃથ્વી સ્થાપી છે અને તે નીભી રહે છે. 91 તમારાં ન્યાયી વચનને કારણે દરેક વસ્તુ આજ સુધી નીભી રહી છે; કેમ કે તે સર્વ તમારા સેવકો છે. 92 જો તમારા નિયમમાં મેં આનંદ માન્યો ન હોત, તો હું મારા દુઃખમાં જ નાશ પામ્યો હોત. 93 હું કદી તમારાં શાસનોને ભૂલીશ નહિ, કારણ કે તમે મને તેઓથી જ જિવાડ્યો છે. 94 હું તમારો છું; મારું રક્ષણ કરો, કારણ કે મેં તમારાં શાસનોને શોધ્યાં છે. 95 દુષ્ટો મારો નાશ કરવાની તૈયારીમાં છે, પણ હું શાંત રહીને તમારાં વચનોમાં ધ્યાન રાખીશ. 96 મેં જોયું છે કે પ્રત્યેક વસ્તુઓને તેની પોતાની સીમાઓ હોય છે, પણ તમારી આજ્ઞાની તો સીમા જ નથી. મેમ. પ્રભુના નિયમ માટેનો પ્રેમ મેમ. 97 તમારા નિયમો પર હું કેટલો બધો પ્રેમ રાખું છું! હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું. 98 મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે; કારણ કે તમારી આજ્ઞાઓ મારી પાસે સર્વદા છે. 99 મારામાં મારા શિક્ષકો કરતાં વધારે શાણપણ છે કારણ કે હું તમારાં સાક્ષ્યોનું મનન કરું છું. 100 વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું; આ એ માટે કે મેં તમારા નિયમો પાળ્યા છે. 101 હું તમારું વચન પાળી શકું તે માટે મેં મારા પગ સર્વ ભૂંડા માર્ગોથી પાછા વાળ્યા છે. 102 તમારાં ન્યાયી વચનોને મેં તજી દીધા નથી, કારણ કે તમે મને તે શીખવ્યાં છે. 103 મારી રુચિને તમારાં વચનો કેવા મીઠાં લાગે છે, હા, તેઓ મારા મુખને માટે મધ કરતાં વધુ મીઠાં છે! 104 તમારાં શાસનોથી મને સમજણ મળે છે; માટે હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું. નુન. તમારા નિયમમાં જીવનપ્રકાશ છે નુન. 105 મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે અને મારા માર્ગોને માટે અજવાળારૂપ છે. 106 હું તમારાં યથાર્થ ન્યાયશાસનો પાળીશ, એવી પ્રતિજ્ઞા મેં કરી હતી અને તે પાળી પણ છે. 107 હું દુઃખમાં બહુ દબાઈ ગયો છું; હે યહોવાહ, તમારાં વચનો પ્રમાણે મને જિવાડો. 108 હે યહોવાહ, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં ઐચ્છિકાર્પણનો તમે સ્વીકાર કરો; અને તમારાં ન્યાયવચનો મને શીખવો. 109 મારો પ્રાણ સદા મુશ્કેલીમાં છે, પણ હું તમારા નિયમને વીસરતો નથી. 110 દુષ્ટોએ મારે માટે પાશ નાખ્યો છે, પણ હું તમારાં શાસનોથી નાસી ગયો નથી. 111 મેં તમારાં સાક્ષ્યોને સદાકાળનો વારસો માન્યાં છે, કેમ કે તેઓ મારા હૃદયનો આનંદ છે. 112 તમારા વિધિઓ અંત સુધી સદા પાળવાને મેં મારા હૃદયને વાળ્યું છે. સામેખ. તમારા નિયમમાં જ મારી સહીસલામતી સામેખ. 113 હું બે મન વાળાઓને ધિક્કારું છું, પણ હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું. 114 તમે જ મારી સંતાવાની જગ્યા તથા ઢાલ છો; હું તમારાં વચનની આશા રાખું છે. 115 દુષ્ટ મનવાળા માણસો મારાથી દૂર રહો, કે જેથી હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળું. 116 તમારા વચન મુજબ મને આધાર આપો કે જેથી હું જીવી શકું અને મારી આશાઓને નિરર્થક કરશો નહિ. 117 તમે મારા સહાયકારી થાઓ અને હું સલામત રહીશ; હું સદા તમારા નીતિ નિયમોનું મનન કરીશ. 118 જેઓ તમારા નિયમોનો ભંગ કરે છે તેનો તમે ધિક્કાર કરો છો, કારણ કે તેઓનો ઢોંગ વ્યર્થ છે. 119 તમે પૃથ્વીના સર્વ દુષ્ટોને કચરાની જેમ ફેંકી દો છો; માટે હું તમારા નિયમોને પ્રેમ કરું છું. 120 હું તમારા ભયથી કાંપુ છું અને હું તમારા ન્યાયવચનોથી ગભરાઉં છું. હાયિન. પ્રભુનો નિયમ ભક્તનો પરમાનંદ હાયિન. 121 મેં જે ન્યાયી અને સાચું છે તે કર્યું છે; મને મારા પર જુલમ કરનારનાં હાથમાં ન સોંપો. 122 તમારા સેવક માટે તેના જામીન થાઓ; ગર્વિષ્ઠ લોકોને મારા પર જુલમ કરવા ન દો. 123 તમારા ઉદ્ધારની અને ન્યાયી વચનની રાહ જોતાં જોતાં મારી આંખો નિસ્તેજ થઈ ગઈ છે. 124 તમારી કૃપા પ્રમાણે તમારા સેવકની સાથે વર્તજો અને તમારા વિધિઓ મને શીખવજો. 125 હું તો તમારો સેવક છું, મને બુદ્ધિ આપો, કે જેથી હું તમારાં સાક્ષ્યોને જાણી શકું. 126 હવે યહોવાહને કામ કરવાનો સમય આવ્યો છે, કેમ કે લોકોએ તમારો નિયમ તોડ્યો છે. 127 હું સોના કરતાં, શુદ્ધ સોના કરતાં પણ તમારી આજ્ઞાઓ પર વધારે પ્રેમ રાખું છું. 128 તમારાં શાસનો પ્રમાણે હું મારી સર્વ વર્તણૂક યથાર્થ રાખું છું અને હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું. પે. પ્રભુનો નિયમ પાળવાની તમન્ના પે. 129 તમારા નિયમો અદ્દભુત છે; તેથી હું તેમને પાળું છું. 130 તમારાં વચનો ખુલ્લો પ્રકાશ આપે છે; તે ભોળા માણસ પણ સમજી શકે છે. 131 હું મારું મુખ ઉઘાડીને તલપી રહ્યો છું, કેમ કે હું તમારી આજ્ઞાઓની અભિલાષા રાખતો હતો. 132 જેમ તમે તમારા નામ પર પ્રેમ રાખનારાઓની સાથે વર્તો છો, તેમ તમે મારા તરફ ફરીને મારા પર દયા કરો. 133 તમારા વચન પ્રમાણે મને ચલાવો; કોઈ પણ પાપને મારા પર શાસન કરવા ન દો. 134 જુલમી માણસોથી મને બચાવો, કે જેથી હું તમારાં શાસનોનું પાલન કરી શકું. 135 તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો અને તમારા બધા નિયમો મને શીખવો. 136 તેઓ તમારા નિયમો પાળતા નથી, તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ વહે છે. સાદે. તમારો નિયમ તદ્દન ન્યાયી છે સાદે. 137 હે યહોવાહ, તમે ન્યાયી છો અને તમારાં ન્યાયવચનો યથાર્થ છે. 138 ન્યાયીપણાથી તથા પૂરેપૂરા વિશ્વાસુપણાથી તમે તમારાં સાક્ષ્યો ફરમાવ્યાં છે. 139 મારા શત્રુઓ તમારાં વચન વીસરી ગયા છે તેથી મારા રોષે મને ક્ષીણ કર્યો છે. 140 તમારું વચન તદ્દન નિર્મળ છે અને તમારો સેવક તેના પર પ્રેમ રાખે છે. 141 હું નાનો તથા ધિક્કારાયેલો છું, તોપણ હું તમારાં શાસનોને ભૂલી જતો નથી. 142 તમારું ન્યાયીપણું તો અનંતકાળ ટકશે; અને તમારો નિયમ સત્ય છે. 143 મને ઉપાધિઓએ તથા આપત્તિઓએ જકડી લીધો છે, તમારી આજ્ઞાઓ મારો આનંદ છે. 144 તમારાં સાક્ષ્યો સદાકાળ ન્યાયયુક્ત છે; માટે મને સમજણ આપો, જેથી હું જીવતો રહીશ. કોફ. તમારો નિયમ તદ્દન ન્યાયી છે કોફ. 145 મેં ખરા હૃદયથી વિનંતિ કરી છે, “હે યહોવાહ, મને ઉત્તર આપો, હું તમારા નિયમોનું પાલન કરીશ. 146 મેં તમને પ્રાર્થના કરી છે; મારો બચાવ કરો, એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ.” 147 પ્રભાત થતાં પહેલા મેં સહાયને માટે પ્રાર્થના કરી. મને તમારાં વચનોની આશા છે. 148 તમારા વચનનું મનન કરવા માટે મારી આંખો રાતના છેલ્લાં પહોર અગાઉ ઊઘડી ગઈ હતી. 149 તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો; હે યહોવાહ, તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો. 150 જેઓ દુષ્ટ ભાવથી મારી પાછળ લાગેલા છે તેઓ મારી નજીક આવે છે, પણ તેઓ તમારા નિયમથી દૂર છે. 151 હે યહોવાહ, તમે મારી નજદીક છો અને તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે. 152 લાંબા સમય પૂર્વે તમારા સાક્ષ્યોથી મેં જાણ્યું કે, તમે તેઓને સદાને માટે સ્થાપ્યા છે. રેશ. સહાય માટે પ્રાર્થના રેશ. 153 મારી વિપત્તિ સામું જુઓ અને મને સહાય કરો, કેમ કે હું તમારો નિયમ ભૂલતો નથી. 154 મારી લડતને લડો અને મને બચાવો; મને તમારા વચન પ્રમાણે જીવવા દો. 155 દુષ્ટોથી ઉદ્ધાર દૂર રહે છે, કારણ કે તે તમારા નિયમોને પ્રેમ કરતા નથી. 156 હે યહોવાહ, તમારી કરુણા મહાન છે; તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો. 157 મને સતાવનારા અને મારા શત્રુઓ ઘણા છે, પણ હું તમારા નિયમોથી પાછો હઠી ગયો નથી. 158 મેં વિશ્વાસઘાતીઓને જોયા અને મેં તેમનો અસ્વીકાર કર્યો કારણ કે તેઓ તમારા વચનનું પાલન કરતાં નથી. 159 હું તમારાં શાસનો પર કેટલો બધો પ્રેમ રાખું છું; હે યહોવાહ, તે ધ્યાનમાં લેજો, તમારી કૃપા અનુસાર તમે મને જિવાડો. 160 તમારાં બધાં વચનો સત્ય છે; તમારાં સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકનારાં છે. શીન. પ્રભુનાં વચનોમાં ભક્ત રાજીરાજી શીન. 161 સરદારોએ મને વિનાકારણ સતાવ્યો છે; મારું હૃદય તમારાં વચનોનો ભય રાખે છે. 162 જેમ કોઈ એકને મોટો ખજાનો મળે તેમ તમારા વચનથી મને આનંદ થાય છે. 163 હું અસત્યને ધિક્કારું છું અને તેનાથી કંટાળું છું, પણ હું તમારા નિયમને ચાહું છું. 164 તમારાં યથાર્થ અને ન્યાયી વચનોને કારણે, હું દિવસમાં સાતવાર તમારી સ્તુતિ કરું છું. 165 તમારા નિયમ પર પ્રેમ રાખનારાઓને અત્યંત શાંતિ મળે છે; તેઓને કોઈ પણ ઠોકર ખવડાવી શકે તેમ નથી. 166 હે યહોવાહ, તમારા ઉદ્ધારની મેં આશા રાખી છે અને મેં તમારી આજ્ઞાઓ પાળી છે. 167 હું તમારાં સાક્ષ્યોને અનુસર્યો અને હું તેમના પર ઘણો પ્રેમ રાખું છું. 168 હું તમારાં બધાં શાસનો અને સાક્ષ્યોને અનુસર્યો છું, કેમ કે હું જે કરું તે બધું તમે જાણો છો. તાવ. મારો પોકાર તમને પહોંચો તાવ. 169 હે યહોવાહ, મને સહાય કરવાને મારી પ્રાર્થનાઓ સાંભળો; તમે વચન આપ્યું છે તે પ્રમાણે મને સમજણ આપો. 170 મારી પ્રાર્થનાને તમારી સમક્ષ આવવા દો; તમારા વચન પ્રમાણે મને સહાય કરો. 171 મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારશે, કારણ કે તમે મને તમારા વિધિઓ શીખવો છો. 172 મારી જીભ તમારા વચન વિષે ગાયન કરો, કારણ કે તમારી સર્વ આજ્ઞાઓ ન્યાયી છે. 173 મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ, કારણ કે મેં તમારાં શાસનોને અનુસરવાનું પસંદ કર્યું છે. 174 હે યહોવાહ, હું તમારા તરફથી મળતા ઉદ્ધારને માટે અભિલાષી છું અને તમારો નિયમ એ જ મારો આનંદ છે. 175 મારા આત્માને જિવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું; તમારાં ન્યાયવચનો મને મદદરૂપ થાઓ. 176 હું ભૂલા પડેલા ઘેટાંની જેમ ભટકી ગયો છું; તમારા સેવકને શોધી કાઢો, કારણ કે હું તમારી આજ્ઞાઓને ભૂલ્યો નથી. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.