ગીતશાસ્ત્ર 106 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019ઇઝરાયલ પ્રત્યે ઈશ્વરની ભલાઈ 1 યહોવાહની સ્તુતિ કરો. યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 2 યહોવાહનાં મહાન કૃત્યો કોણ વર્ણવી શકે? અથવા તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે? 3 જેઓ ન્યાયને અનુસરે છે અને જેઓના કામો હંમેશાં ન્યાયી છે તે આશીર્વાદિત છે. 4 હે યહોવાહ, જ્યારે તમે તમારા લોકો પર કૃપા કરો, ત્યારે મને યાદ રાખજો; જ્યારે તમે તેઓને બચાવો ત્યારે મને સહાય કરજો. 5 જેથી હું તમારા પસંદ કરેલાઓનું ભલું જોઉં, તમારી પ્રજાના આનંદમાં હું આનંદ માણું અને તમારા વારસાની સાથે હું હર્ષનાદ કરું. 6 અમારા પિતૃઓની જેમ અમે પણ પાપ કર્યુ છે; અમે અન્યાય કર્યા છે અને અમે દુષ્ટતા કરી છે. 7 મિસરમાંના તમારાં ચમત્કારોમાંથી અમારા પિતૃઓ કંઈ સમજ્યા નહિ; તેઓએ તમારી કૃપાનાં કાર્યોની અવગણના કરી; તેઓએ સમુદ્ર પાસે, એટલે રાતા સમુદ્ર પાસે તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું. 8 તોપણ તમે પોતાના નામની ખાતર તેઓને બચાવ્યા કે જેથી તમે પોતાના લોકોને તમારું પરાક્રમ બતાવી શકો. 9 પ્રભુએ રાતા સમુદ્રને ધમકાવ્યો, એટલે તે સુકાઈ ગયો. એ પ્રમાણે તેમણે જાણે અરણ્યમાં હોય, તેમ ઊંડાણોમાં થઈને તેઓને દોર્યા. 10 જેઓ તેઓને ધિક્કારે છે તેઓના હાથમાંથી તેમણે તેઓને બચાવ્યા અને દુશ્મનના પરાક્રમથી તેઓને છોડાવ્યા. 11 તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું; તેઓમાંનો એક પણ બચ્યો નહિ. 12 ત્યારે તેઓએ તેમની વાતો પર વિશ્વાસ રાખ્યો અને તેઓએ તેમનાં સ્તોત્ર ગાયા. 13 પણ તેઓ તેમનાં કરેલાં કૃત્યો પાછા જલદીથી ભૂલી ગયા; તેમની સલાહ સાંભળવાને તેઓએ ધીરજ રાખી નહિ. 14 અરણ્યમાં તેઓએ ઘણી જ દુર્વાસના કરી અને તેઓએ રાનમાં ઈશ્વરને પડકાર આપ્યો. 15 તેમણે તેઓની માગણીઓ પ્રમાણે તેઓને આપ્યું, પણ તેઓના આત્મામાં નબળાઈ મોકલી. 16 તેઓએ છાવણીમાં મૂસાની ઈર્ષ્યા કરી અને યહોવાહના પવિત્ર યાજક હારુનની અદેખાઈ કરી. 17 ભૂમિ ફાટીને દાથાનને ગળી ગઈ અને અબિરામના સમુદાયને ભૂમિમાં ઉતારી દીધો. 18 તેઓના સમુદાયમાં અગ્નિ સળગી પ્રગટ્યો; અગ્નિએ દુષ્ટોને બાળી નાખ્યા. 19 તેઓએ હોરેબ આગળ વાછરડો બનાવ્યો અને ઢાળેલી મૂર્તિની પૂજા કરી. 20 તેઓએ આ પ્રમાણે તેમના મહિમાવંત ઈશ્વરને બદલી નાખ્યા, કેમ કે ઘાસ ખાનાર બળદની પ્રતિમા પસંદ કરીને પોતાનો મહિમા બદલ્યો. 21 તેઓ પોતાના બચાવનાર ઈશ્વરને ભૂલી ગયા, કે જેમણે મિસરમાં અદ્દભુત કાર્યો કર્યાં હતાં. 22 તેમણે હામના દેશમાં આશ્ચર્યકારક કામો તથા લાલ સમુદ્ર પાસે ભયંકર કામો કર્યાં હતાં. 23 તેમણે તેઓનો સંહાર કરવાને કહ્યું પણ તેઓનો સંહાર કરવાને થયેલા કોપને શમાવવાને માટે તેમનો પસંદ કરેલો મૂસા વચ્ચે પડ્યો અને પ્રભુની સમક્ષ આવીને ઊભો રહ્યો. 24 પછી તેમણે તે ફળદ્રુપ દેશને તુચ્છ ગણ્યો; તેઓએ તેના વચનનો વિશ્વાસ કર્યો નહિ. 25 પણ તેઓ પોતાના તંબુઓમાં કચકચ કરીને યહોવાહને આધીન થયા નહિ. 26 તેથી તેમણે તેઓને માટે શપથ લીધા કે તેઓ અરણ્યમાં નાશ પામે. 27 વિદેશીઓમાં તેઓના વંશજોને વિખેરી નાખ્યા અને દેશપરદેશમાં તેઓને વિખેરી નાખ્યા. 28 તેઓએ બઆલ-પેઓરની પૂજા કરી અને અર્પણને માટે અર્પિત કરેલા મૃતદેહનો ભક્ષ કર્યો. 29 એ પ્રમાણે તેઓએ પોતાની કરણીઓથી તેમને ચીડવ્યા અને તેઓમાં મરકી ફાટી નીકળી. 30 પછી ફીનહાસે ઊભા થઈને મધ્યસ્થી કરી અને મરકી અટકી ગઈ. 31 આ તેનું કામ તેના લાભમાં પેઢી દરપેઢી સર્વકાળ માટે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યું. 32 મરીબાહના પાણીના સંબંધમાં પણ તેઓએ તેમને ખીજ્વ્યા અને તેઓને લીધે મૂસાને સહન કરવું પડ્યું. 33 તેઓએ મૂસાને ઉશ્કેર્યો અને તે અવિચારીપણે બોલવા લાગ્યો. 34 જેમ યહોવાહે તેઓને આજ્ઞા આપી હતી તેમ, તેઓએ તે લોકોનો નાશ કર્યો નહિ. 35 પણ તેઓ પ્રજાઓ સાથે ભળી ગયા અને તેઓના માર્ગો અપનાવ્યા. 36 અને તેઓની મૂર્તિઓની પૂજા કરી, તે તેઓને ફાંદા રૂપ થઈ પડી. 37 તેઓએ પોતાનાં દીકરા તથા દીકરીઓનું દુષ્ટાત્માઓને બલિદાન આપ્યું. 38 તેઓએ નિર્દોષ લોહી, એટલે પોતાનાં દીકરાદીકરીઓનું લોહી વહેવડાવ્યું, તેનું તેઓએ કનાનની મૂર્તિઓને બલિદાન કર્યુ, લોહીથી દેશને અશુદ્ધ કર્યો. 39 તેમનાં દુષ્ટ કાર્યોથી તેઓ અપવિત્ર બન્યા તેમનાં કાર્યોમાં તેઓ અવિશ્વાસુ થયા. 40 તેથી યહોવાહ પોતાના લોકો પર ગુસ્સે થયા અને તે પોતાના લોકોથી કંટાળી ગયા. 41 તેમણે તેઓને વિદેશીઓના હાથમાં સોંપી દીધા અને જેઓ તેમને ધિક્કારતા હતા, તેઓએ તેમના પર રાજ કર્યું. 42 તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા અને તેઓના અધિકાર નીચે પડીને તેઓ તાબેદાર થયા. 43 ઘણી વાર તે તેમની મદદે આવ્યા, પણ તેઓએ બંડ કરવાનું ચાલું રાખ્યું અને પોતાના પાપને લીધે તેઓ પાયમાલ થયા. 44 તેમ છતાં તેઓની પ્રાર્થનાઓ સાંભળીને તેમણે તેઓનું સંકટ લક્ષમાં લીધું. 45 તેઓની સાથે કરેલો તેમનો કરાર યાદ કર્યો અને પોતાની પુષ્કળ દયાને લીધે પસ્તાવો કર્યો. 46 તેમણે તેઓને બંદીવાન કરનારાઓની પાસે તેમના પર કરુણા કરાવી. 47 હે યહોવાહ, અમારા ઈશ્વર, અમારો બચાવ કરો. વિદેશીઓમાંથી અમને એકત્ર કરો કે જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ અને સ્તુતિ કરીને તમારો મહિમા કરીએ. 48 હે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ, તમે અનાદિકાળથી અનંતકાળ સુધી સ્તુત્ય મનાઓ. સર્વ લોકોએ કહ્યું, “આમીન.” યહોવાહની સ્તુતિ કરો. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.