નીતિવચનો 7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 મારા દીકરા, મારાં વચનો પાળ અને મારી આજ્ઞાઓ સંઘરી રાખ. 2 મારી આજ્ઞાઓ પાડીને જીવતો રહે અને મારા શિક્ષણને તારી આંખની કીકીની જેમ જતન કરજે. 3 તેઓને તારી આંગળીઓ પર બાંધ; તેઓને તારા હૃદયપટ પર લખી રાખ. 4 ડહાપણને કહે કે “તું મારી બહેન છે,” અને બુદ્ધિને કહે, “તું મારી ઘનિષ્ઠ મિત્ર છે.” 5 જેથી એ બન્ને તને વ્યભિચારી સ્ત્રીથી બચાવશે. તે ખુશામતના શબ્દો ઉચ્ચારનારી પરસ્ત્રીથી તારું રક્ષણ કરશે. પતિતાનો મોહપાશ 6 કારણ કે એક વખત મેં મારા ઘરની બારી નજીક ઊભા રહીને જાળીમાંથી સામે નજર કરી; 7 અને ત્યાં મેં ઘણાં ભોળા યુવાનોને જોયા. તેમાં એક અક્કલહીન યુવાન મારી નજરે પડ્યો. 8 એક સ્ત્રીના ઘરના ખૂણા પાસેથી તે બજારમાંથી પસાર થતો હતો, તે સીધો તેના ઘર તરફ જતો હતો. 9 દિવસ આથમ્યો હતો, સાંજ પડવા આવી હતી અને રાતના અંધકારનાં સમયે. 10 અચાનક એક સ્ત્રી તેને મળવા બહાર આવી, તેણે ગણિકાના જેવાં વસ્ત્રો પહેર્યા હતાં અને તે જાણતી હતી કે તે શા માટે ત્યાં છે. 11 તે કપટી અને મીઠું બોલનારી અને સ્વછંદી હતી, તેના પગ પોતાના ઘરમાં કદી ટકતા ન હતા; 12 કોઈવાર ગલીઓમાં હોય, તો ક્યારેક બજારની એકાંત જગામાં, તો કોઈવાર ચોકમાં શેરીના-ખૂણે લાગ તાકીને ઊભી રહેતી હતી. 13 તે સ્ત્રીએ તેને પકડીને ચુંબન કર્યુ; અને નિર્લજ્જ મોઢે તેને કહ્યું કે, 14 શાંત્યર્પણો મારી પાસે તૈયાર કરેલાં છે, આજે મેં પ્રતિજ્ઞા લીધી છે; આજે મેં મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી છે. 15 તેથી હું તને મળવા બહાર આવી છું. હું ક્યારની તને શોધતી હતી, આખરે તું મળ્યો છે. 16 મેં મારા પલંગ ઉપર સુંદર ભરતકામવાળી ચાદરો પાથરી છે તથા મિસરી શણનાં સુંદર વસ્ત્રો બિછાવ્યાં છે. 17 મેં મારું બિછાનું બોળ, અગર અને તજથી સુગંધીદાર બનાવ્યું છે. 18 ચાલ, આપણે સવાર સુધી ભરપેટ પ્રેમનો અનુભવ કરીએ; આખી રાત મગ્ન થઈ પ્રેમની મજા માણીએ. 19 મારો પતિ ઘરે નથી; તે લાંબી મુસાફરીએ ગયો છે. 20 તે પોતાની સાથે રૂપિયાની થેલી લઈ ગયો છે; અને તે પૂનમે પાછો ઘરે આવશે.” 21 તે ઘણા મીઠા શબ્દોથી તેને વશ કરે છે; અને તે પોતાના હોઠોની ખુશામતથી તેને ખેંચી જાય છે. 22 જેમ બળદ કસાઈવાડે જાય છે, અને જેમ ગુનેગારને સજા માટે સાંકળે બાંધીને લઈ જવાય છે તેમ તે જલદીથી તેની પાછળ જાય છે. 23 આખરે તેનું કાળજું તીરથી વીંધાય છે; જેમ કોઈ પક્ષી પોતાનો જીવ જશે એમ જાણ્યા વિના જાળમાં ધસી જાય છે, તેમ તે સપડાઈ જાય છે. 24 હવે, મારા દીકરાઓ, સાંભળો; અને મારા મુખનાં વચનો પર લક્ષ આપો. 25 તારું હૃદય તેના માર્ગો તરફ વળવા ન દે; તેના રસ્તાઓમાં ભટકીને જતો નહિ. 26 કારણ, તેણે ઘણાંને ઘાયલ કર્યા છે, તેઓને મારી નાખ્યા છે; અને તેનાથી માર્યા ગયેલાઓની સંખ્યા પુષ્કળ છે. 27 તેનું ઘર મૃત્યુના માર્ગે છે; એ માર્ગ મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.