Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નીતિવચનો 6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019


વધુ ચેતવણીઓ

1 મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય, જો તેં કોઈ પારકાને બદલે વચન આપ્યું હોય,

2 તો તું તારા મુખના વચનોથી ફસાઈ ગયો છે, તું તારા મુખના શબ્દોને લીધે સપડાયો છે.

3 મારા દીકરા, એ બાબતમાં તું આટલું કરીને છૂટો થઈ જજે, તારા પડોશીની આગળ નમી જઈને કાલાવાલા કરજે.

4 તારી આંખોને નિદ્રા લેવા ન દે અને તારી પાંપણોને ઢળવા દઈશ નહિ.

5 જેમ હરણ શિકારીના હાથમાંથી છટકી જાય; પંખી જેમ પારધી પાસેથી છૂટી જાય, તેમ તું તારી જાતને છોડાવી લેજે.

6 હે આળસુ માણસ, તું કીડી પાસે જા, તેના માર્ગોનો વિચાર કરીને બુદ્ધિવાન થા.

7 તેના પર કોઈ આગેવાન નથી, કોઈ આજ્ઞા કરનાર નથી, કે કોઈ માલિક નથી.

8 છતાંપણ તે ઉનાળાંમાં પોતાનાં અનાજનો, અને કાપણીની ઋતુમાં પોતાના ખોરાકનો સંગ્રહ કરે છે.

9 ઓ આળસુ માણસ, તું ક્યાં સુધી સૂઈ રહેશે? તું ક્યારે તારી ઊંઘમાંથી ઊઠશે?

10 તું કહે છે કે “હજી થોડોક આરામ, થોડીક ઊંઘ, અને પગ વાળીને થોડોક વિશ્રામ લેવા દો.”

11 તો તું જાણજે કે ચોરની જેમ અને હથિયારબંધ લૂંટારાની જેમ ગરીબી તારા પર ત્રાટકશે.

12 નકામો માણસ અને દુષ્ટ માણસ ગેરમાર્ગે દોરનારી વાતોથી જીવન જીવે છે,

13 તે પોતાની આંખોથી મીંચકારા મારી, પગથી ધૂળમાં નિશાનીઓ કરશે, અને આંગળીથી ઇશારો કરશે.

14 તેના મનમાં કપટ છે, તે ખોટાં તરકટ રચ્યા કરે છે; અને તે હંમેશા કુસંપના બીજ રોપે છે.

15 તેથી અચાનક તેના પર વિપત્તિનાં વાદળ ઘેરાય છે; અને તે એકાએક ભાંગીને ભૂક્કો થઈ જાય છે, તે ફરી બેઠો થઈ શકતો નથી.

16 છ વાનાં યહોવાહ ધિક્કારે છે, હા સાત વાનાં તેમને કંટાળો ઉપજાવે છે:

17 એટલે ગર્વિષ્ઠની આંખો, જૂઠું બોલનારની જીભ, નિર્દોષનું લોહી વહેવડાવનાર હાથ,

18 દુષ્ટ યોજનાઓ રચનાર હૃદય, દુષ્ટતા કરવા માટે તરત દોડી જતા પગ,

19 અસત્ય ઉચ્ચારનાર જૂઠો સાક્ષી, અને ભાઈઓમાં કુસંપનું બીજ વાવનાર માણસ.


વ્યભિચાર સામે વધુ ચેતવણી

20 મારા દીકરા, તારા પિતાની આજ્ઞાઓનું પાલન કરજે અને તારી માતાની શિખામણો ભૂલીશ નહિ.

21 એને સદા તારા હૃદયમાં બાંધી રાખજે; તેમને તારે ગળે બાંધ.

22 જ્યારે તું ચાલતો હોઈશ ત્યારે તેઓ તને માર્ગદર્શન આપશે; જ્યારે તું ઊંઘતો હશે ત્યારે તેઓ તારી ચોકી કરશે; અને જ્યારે તું જાગતો હશે ત્યારે તેઓ તારી સાથે વાતચીત કરશે.

23 કેમ કે આજ્ઞા તે દીપક છે, અને નિયમ તે પ્રકાશ છે; અને ઠપકો તથા શિક્ષણ તે જીવનના માર્ગદર્શક છે.

24 તે તને ખરાબ સ્ત્રીથી રક્ષણ આપશે, પરસ્ત્રીની લોભામણી વાણીથી તને બચાવશે.

25 તારું અંતઃકરણ તેના સૌંદર્ય પર મોહિત ન થાય, અને તેની આંખનાં પોપચાંથી તું સપડાઈશ નહિ.

26 કારણ કે ગણિકાને ચૂકવવાનું મુલ્ય રોટલીના ટુકડા જેવું નજીવું છે, પણ વ્યભિચારિણી સ્ત્રી પુરુષના મૂલ્યવાન જીવનનો શિકાર કરશે.

27 જો કોઈ માણસ અગ્નિ પોતાને છાતીએ રાખે તો તેનું વસ્ત્ર સળગ્યા વિના ન રહે?

28 જો કોઈ માણસ અંગારા પર ચાલે તો શું તેના પગ દાઝયા વગર રહે?

29 એટલે કોઈ તેના પાડોશીની પત્ની પાસે જાય છે અને તેને સ્પર્શ કરે છે; તેને શિક્ષા થયા વિના રહેતી નથી.

30 જો કોઈ માણસ ભૂખ સંતોષવા ચોરી કરે તો લોકો એવા માણસને ધિક્કારતા નથી.

31 પણ જો તે પકડાય છે તો તેણે ચોરી કરી હોય તેના કરતાં સાતગણું પાછું આપવું પડે છે; તેણે પોતાના ઘરની સઘળી સંપત્તિ સોંપી દેવી પડે છે.

32 જે પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે તે અક્કલહીન છે, તે પોતાની જાતે પોતાનું જીવન બરબાદ કરે છે.

33 તેને ઘા તથા અપમાન જ મળશે, અને તેનું કલંક કદી ભૂંસાશે નહિ.

34 કેમ કે વહેમ એ પુરુષનો કાળ છે; અને તે વૈર વાળતી વખતે જરાય દયા રાખશે નહિ.

35 તે કોઈ બદલો સ્વીકારશે નહિ, તું તેને ઘણી ભેટો આપશે, તો પણ તે સંતોષ પામશે નહિ.

GUJ-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan