નીતિવચનો 3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019જ્ઞાનપ્રાપ્તિની સાધના 1 મારા દીકરા, મારી આજ્ઞાઓ ભૂલી ન જા અને તારા હૃદયમાં મારા શિક્ષણને સંઘરી રાખજે; 2 કેમ કે તે તને દીર્ઘાયુષ્ય, આવરદાના વર્ષો અને શાંતિની વૃદ્ધિ આપશે. 3 કૃપા તથા સત્યતા તારો ત્યાગ ન કરો, તેઓને તું તારા ગળે બાંધી રાખજે, તેઓને તારા હૃદયપટ પર લખી રાખજે. 4 તેથી તું ઈશ્વર તથા માણસની દૃષ્ટિમાં કૃપા તથા સુકીર્તિ પામશે. 5 તારા પૂર્ણ હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહિ. 6 તારા સર્વ માર્ગોમાં પ્રભુનો અધિકાર સ્વીકાર અને તે તારા માર્ગો સીધા કરશે. 7 તું તારી પોતાની નજરમાં જ્ઞાની ન થા; યહોવાહનો ભય રાખીને દુષ્ટતાથી દૂર થા. 8 તેથી તારું શરીર તંદુરસ્ત રહેશે અને તારું શરીર તાજગીમાં રહેશે. 9 તારા ધનથી તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાહનું સન્માન કર. 10 એમ કરવાથી તારા અન્નના ભંડાર ભરપૂર થશે અને તારા દ્રાક્ષકુંડો નવા દ્રાક્ષારસથી ઊભરાઈ જશે. 11 મારા દીકરા, યહોવાહની શિક્ષાને તુચ્છ ન ગણ અને તેમના ઠપકાથી કંટાળી ન જા. 12 કેમ કે જેમ પિતા પોતાના પુત્રને ઠપકો આપે છે તેમ યહોવાહ જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો આપે છે. જ્ઞાનપ્રાપ્તિનો આનંદ 13 જે માણસને ડહાપણ મળે છે, અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે, તે આશીર્વાદિત છે. 14 કેમ કે તેનો વેપાર ચાંદીના વેપાર કરતાં અને તેનો વળતર ચોખ્ખા સોનાના વળતર કરતાં શ્રેષ્ઠ છે. 15 ડહાપણ માણેક કરતાં વધારે મૂલ્યવાન છે અને તારી મનગમતી કોઈપણ વસ્તુ તેની બરાબરી કરી શકે તેમ નથી. 16 તેના જમણા હાથમાં દીર્ઘાયુષ્ય છે, તેના ડાબા હાથમાં સમૃદ્ધિ અને સન્માન છે. 17 તેના માર્ગો સુખદાયક અને તેના બધા રસ્તા શાંતિપૂર્ણ છે. 18 જેઓ તે ગ્રહણ કરે છે તેઓનું તે જીવનવૃક્ષ છે, જેઓ તેને દૃઢતાથી પકડી રાખે છે તેઓ સુખી થાય છે. 19 યહોવાહે પૃથ્વીને ડહાપણથી અને આકાશોને સમજશક્તિથી ભરીને સ્થાપન કર્યા છે. 20 તેમના ડહાપણને પ્રતાપે ઊંડાણમાંથી પાણીનાં ઝરણાં ફૂટી નીકળ્યાં અને વાદળોમાંથી ઝાકળ ટપકે છે. 21 મારા દીકરા, સુજ્ઞાન તથા વિવેકબુદ્ધિ પકડી રાખ, તેઓને તારી નજર આગળથી દૂર થવા ન દે. 22 તો તેઓ તારા આત્માનું જીવન અને તારા ગળાની શોભા થશે. 23 પછી તું તારા માર્ગમાં સુરક્ષિત જઈ શકીશ અને તારો પગ ઠોકર ખાઈને લથડશે નહિ. 24 જ્યારે તું ઊંઘી જશે, ત્યારે તને કોઈ ડર લાગશે નહિ; જ્યારે તું સૂઈ જશે, ત્યારે તને મીઠી ઊંઘ આવશે. 25 જ્યારે આકસ્મિક ભય આવી પડે અથવા દુષ્ટ માણસોની પાયમાલી થાય ત્યારે તું ગભરાઈશ નહિ. 26 કેમ કે યહોવાહ તારી સાથે રહેશે અને તારા પગને સપડાઈ જતાં બચાવશે. 27 હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટિત હોય તેનું હિત કરવામાં પાછો ન પડ. 28 જ્યારે તારી પાસે પૈસા હોય, ત્યારે તારા પડોશીને એમ ન કહે, “જા અને ફરીથી આવજે, આવતીકાલે હું આપીશ.” 29 જે વ્યક્તિ તારી પડોશમાં નિર્ભય રહે છે, તેવા તારા પડોશીનું ભૂંડું કરવાનો પ્રયત્ન ન કર. 30 કોઈ માણસે તારું કંઈ નુકસાન કર્યું ન હોય, તો તેની સાથે કારણ વગર તકરાર ન કર. 31 દુષ્ટ માણસની અદેખાઈ ન કર, અથવા તેનો એક પણ માર્ગ પસંદ ન કર. 32 કેમ કે આડા માણસોને યહોવાહ ધિક્કારે છે; પણ પ્રામાણિક માણસો તેનો મર્મ સમજે છે. 33 યહોવાહ દુષ્ટ માણસોના ઘર પર શાપ ઉતારે છે; પણ તે ન્યાયી માણસોના ઘરને આશીર્વાદ આપે છે. 34 તે તિરસ્કાર કરનારાનો તિરસ્કાર કરે છે, પણ તે નમ્ર જનોને કૃપા આપે છે. 35 જ્ઞાનીઓ ગૌરવનો વારસો પામશે, પણ મૂર્ખોને બદનામી જ મળશે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.