નીતિવચનો 25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019સુલેમાનનાં નીતિવચનોનો બીજો ગુચ્છ 1 આ પણ સુલેમાનનાં નીતિવચનો છે કે, જેનો ઉતારો યહૂદિયાના રાજા હિઝકિયાના માણસોએ કર્યો હતો. 2 કોઈ બાબત ગુપ્ત રાખવી તેમાં ઈશ્વરનો મહિમા છે, પણ કોઈ બાબત શોધી કાઢવી એમાં રાજાનું ગૌરવ છે. 3 જેમ આકાશની ઊંચાઈ તથા પૃથ્વીનું ઊંડાણ હોય છે, તેમ રાજાઓનું મન અગાધ છે. 4 ચાંદીમાંથી નકામો ભાગ કાઢી નાખો, એટલે ચાંદીનો કારીગર તેમાંથી વાસણ બનાવી શકશે. 5 તેમ રાજા પાસેથી દુષ્ટોને દૂર કરો, એટલે તેનું સિંહાસન ન્યાય વડે સ્થિર થશે. 6 રાજાની હાજરીમાં પોતાની બડાઈ ન કર અને મોટા માણસોની જગ્યાએ ઊભા ન રહે. 7 ઉમરાવના દેખતાં તને નીચે ઉતારવામાં આવે તેના કરતાં, “આમ આવો” કહીને ઉપર બેસાડવામાં આવે એ વધારે સારું છે. 8 દાવામાં જલદી ઊતરી ન પડ. કેમ કે આખરે તારો પ્રતિવાદી તને ઝંખવાણો પાડે ત્યારે શું કરવું તે તને સૂઝે નહિ? 9 તારા દાવા વિષે તારા પ્રતિવાદી સાથે જ વિવાદ કર અને બીજાની ગુપ્ત વાત ઉઘાડી ન કર, 10 રખેને તે સાંભળનાર તારી નિંદા કરે અને તારા પરનો બટ્ટો દૂર થાય નહિ. 11 પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ ચાંદીની ટોપલીમાંનાં સોનાનાં સફરજન જેવો છે. 12 જ્ઞાની વ્યક્તિએ આપેલો ઠપકો આજ્ઞાંકિતના કાનમાં સોનાની કડીઓ તથા સોનાના ઘરેણાં જેવો છે. 13 ફસલના સમયમાં બરફની શીતળતા જેવી લાગે છે તેવી જ વિશ્વાસુ સંદેશાવાહક તેના મોકલનારાઓને લાગે છે; તે પોતાના માલિકના આત્માને તાજો કરે છે. 14 જે કોઈ ભેટો આપવાની વ્યર્થ ડંફાસો મારે છે, પણ કંઈ આપતો નથી, તે વરસાદ વગરનાં વાદળાં તથા પવન જેવો છે. 15 લાંબી મુદતની સહનશીલતાથી અધિકારીનું મન માને છે અને કોમળ જીભ હાડકાને ભાંગે છે. 16 જો તને મધ મળ્યું હોય, તો જોઈએ તેટલું જ ખા રખેને તે તારા ગળા સુધી આવે અને તારે તે ઓકી કાઢવું પડે. 17 તું તારા પડોશીના ઘરમાં કવચિત જ જા, નહિ તો તે તારાથી કંટાળીને તારો ધિક્કાર કરશે. 18 પોતાના પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરનાર માણસ હથોડા, તલવાર તથા તીક્ષ્ણ તીર જેવો છે. 19 સંકટસમયે અવિશ્વાસુ માણસ પર મૂકેલો વિશ્વાસ સડેલા દાંત અને ઊતરી ગયેલા પગ જેવો છે. 20 જે દુઃખી દિલવાળા માણસ આગળ ગીતો ગાય છે, તે ઠંડીમાં અંગ પરથી વસ્ત્ર કાઢી લેનાર જેવો અથવા ઘા પર સરકો રેડનાર જેવો છે. 21 જો તારો શત્રુ ભૂખ્યો હોય, તો તેને ખાવા માટે રોટલો આપ; અને જો તે તરસ્યો હોય, તો પીવા માટે પાણી આપ. 22 કેમ કે એમ કરવાથી તું તેના માથા પર અંગારાનો ઢગલો કરશે અને યહોવાહ તને તેનો બદલો આપશે. 23 ઉત્તરનો પવન વરસાદ લાવે છે; તેમ જ ચાડીકરનારી જીભ ક્રોધિત ચહેરો ઉપજાવે છે. 24 કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવું, તે કરતાં અગાશીના ખૂણામાં રહેવું સારું છે. 25 જેવું તરસ્યા જીવને માટે ઠંડુ પાણી છે, તેવી જ દૂર દેશથી મળેલી સારી ખબર છે. 26 જેવો ડહોળાયેલો ઝરો અથવા વિનાશક કૂવો છે, તેવો જ દુશ્મનોની આગળથી ખસી જનાર નેક પુરુષ છે. 27 વધુ પડતું મધ ખાવું સારું નથી, તેમ જ પોતાનું મહત્વ શોધવું એ કંઈ પ્રતિષ્ઠા નથી. 28 જે માણસ પોતાના પર કાબુ રાખી શકતો નથી તે ખંડિયેર જેવો તથા કોટ વગરના નગર જેવો છે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.