નીતિવચનો 18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 જુદો પડેલો માણસ ફક્ત પોતાની ઇચ્છાઓ વિશે જ વિચારે છે અને બધી સારી સલાહોને ગુસ્સાથી નકારે છે. 2 મૂર્ખને બુદ્ધિમાં રસ નથી હોતો, પણ તેને ફક્ત પોતાનાં મંતવ્યોને જ રજૂ કરવાં હોય છે. 3 જ્યારે દુષ્ટ આવે છે ત્યારે સાથે તુચ્છકાર પણ લેતો આવે છે, અપકીર્તિ સાથે શરમ અને નિંદા પણ આવે છે. 4 માણસના મુખના શબ્દો ઊંડા પાણી જેવા છે; ડહાપણનો ઝરો વહેતી નદી જેવો છે. 5 દુષ્ટની શેહશરમ રાખવી અથવા ઇનસાફમાં નેક માણસનો અન્યાય કરવો એ સારું નથી. 6 મૂર્ખના હોઠ કજિયા કરાવે છે અને તેનું મુખ ફટકા માગે છે. 7 મૂર્ખનું મોં એ તેનો વિનાશ છે અને તેના હોઠ એ તેના પોતાના આત્માનો ફાંદો છે. 8 કૂથલીના શબ્દો સ્વાદિષ્ટ ભોજનના કોળિયા જેવા હોય છે અને તે તરત ગળે ઊતરી જઈને શરીરના અંદરના ભાગમાં પહોંચી જાય છે. 9 વળી જે પોતાનાં કામ કરવામાં ઢીલો છે તે ઉડાઉનો ભાઈ છે. 10 યહોવાહનું નામ મજબૂત કિલ્લો છે; નેકીવાન તેમાં નાસી જઈને સુરક્ષિત રહે છે. 11 ધનવાન માણસનું ધન એ તેનું કિલ્લેબંધીવાળું શહેર છે અને તેની પોતાની માન્યતા પ્રમાણે તે ઊંચા કોટ જેવું છે. 12 માણસનું હૃદય અભિમાની થયા પછી નાશ આવે છે, પણ વિનમ્રતા સન્માનની અગાઉ આવે છે. 13 સાંભળ્યા પહેલાં જવાબ આપવામાં મૂર્ખાઈ તથા લજ્જા છે. 14 હિંમતવાન માણસ પોતાનું દુ:ખ સહન કરી શકશે, પણ ઘાયલ મન કોણ વેઠી શકે? 15 બુદ્ધિશાળી વ્યક્તિ ડહાપણ પ્રાપ્ત કરવા મથે છે અને જ્ઞાની વ્યક્તિના કાન ડહાપણ શોધે છે. 16 વ્યક્તિની ભેટ તેને માટે માર્ગ ખુલ્લો કરે છે અને તેને મહત્વની વ્યક્તિની સમક્ષ લઈ જાય છે. 17 જે પોતાનો દાવો પ્રથમ માંડે છે તે વાજબી દેખાય છે પણ તેનો પ્રતિવાદી આવીને તેને ઉઘાડો પાડે છે. 18 ચિઠ્ઠી નાખવાથી તકરાર સમી જાય છે અને સમર્થોના ભાગ વહેંચવામાં આવે છે. 19 દુભાયેલા ભાઈ સાથે સલાહ કરવી તે કિલ્લાવાળા નગરને જીતવા કરતાં મુશ્કેલ છે અને એવા કજિયા કિલ્લાની ભૂંગળો જેવા છે. 20 માણસ પોતાના મુખના ફળથી પેટ ભરીને ખાશે, તેના હોઠોની ઊપજથી તે ધરાશે. 21 મરણ તથા જીવન જીભના અધિકારમાં છે અને જે તેને પ્રેમ કરશે તે તેવું ફળ ખાશે. 22 જેને પત્ની મળે તે તેને માટે સારી બાબત છે અને તેથી તેને યહોવાહની કૃપા પ્રાપ્ત થાય છે. 23 ગરીબ દયાને માટે કાલાવાલા કરે છે, પણ દ્વવ્યવાન ઉદ્ધતાઈથી જવાબ આપે છે. 24 જે ઘણા મિત્રો કરે છે તે પોતાનું નુકસાન વહોરે છે, પણ એક એવો મિત્ર છે કે જે ભાઈના કરતાં નિકટનો સંબંધ રાખી રહે છે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.