નીતિવચનો 17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 જે ઘર મિજબાનીથી ભરપૂર હોય પણ કજિયાકંકાસવાળું હોય તેના કરતાં શાંતિ સહિત રોટલીનો સૂકો ટુકડો સારો છે. 2 ડહાપણથી વર્તનાર ચાકર બદનામી કરાવનાર દીકરા પર અધિકાર ચલાવશે અને એ ચાકરને દીકરાના ભાઈઓમાં વારસનો ભાગ મળશે. 3 ચાંદીને ગાળવા માટે કુલડી હોય છે અને સોનાને માટે ભઠ્ઠી હોય છે. પણ અંત:કરણને પારખનાર યહોવાહ છે. 4 જે કોઈ વ્યક્તિ અનિષ્ટ વાત સાંભળે છે તે દુષ્ટ છે; જે જૂઠો છે તે નુકસાનકારક જીભ તરફ ધ્યાન આપે છે. 5 જે ગરીબની મશ્કરી કરે છે તે તેના સર્જનહારની નિંદા કરે છે અને જે કોઈ બીજાની વિપત્તિને જોઈને રાજી થાય છે તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ. 6 સંતાનોનાં સંતાનો વૃદ્ધ પુરુષનો મુગટ છે અને સંતાનોનો મહિમા તેઓનાં માતાપિતા છે. 7 ભાવપૂર્ણ ભાષણ મૂર્ખને ઘટતું નથી; મહાપુરુષોને માટે જૂઠું બોલવું એ અઘટિત છે. 8 જેને બક્ષિસ મળે છે તે તેની નજરમાં મૂલ્યવાન પથ્થર જેવી છે; જ્યાં જ્યાં તે જાય છે, ત્યાં ત્યાં તે ઉદય પામે છે. 9 દોષને ઢાંકનાર પ્રેમ શોધે છે, પણ તેને જ વારંવાર બોલ્યા કરનાર ઇષ્ટ મિત્રોમાં અંતર પાડે છે. 10 મૂર્ખને સો ફટકાના કરતાં બુદ્ધિમાનને એક ઠપકાનો ઘા વધારે ઊંડી અસર કરે છે. 11 દુર્જન હંમેશા આફતો શોધ્યા કરે છે. તે માટે તેની સામે ક્રૂર સંદેશાવાહક મોકલવામાં આવશે. 12 જેનાં બચ્ચાં છીનવી લીધાં હોય એવી રીંછણ કોઈને મળજો; પણ મૂર્ખાઈ કરતો મૂર્ખ કોઈને ન મળો. 13 જો કોઈ ભલાઈનો બદલો બૂરાઈથી વાળે છે, તો તેના ઘરમાંથી બૂરાઈ દૂર થશે નહિ. 14 કોઈ પાણીને બહાર આવવાનું બાકું કરી આપે, તે માફક જ ઝઘડાનો આરંભ છે, માટે ઝઘડો થયા અગાઉ સમાધાન કરી લો. 15 જે કોઈ દુષ્ટને નિર્દોષ ઠરાવે છે અને જે કોઈ નેકીવાનને દોષપાત્ર ઠરાવે છે તે બન્નેને યહોવાહ ધિક્કારે છે. 16 જ્યારે મૂર્ખને બુદ્ધિ હોતી નથી ત્યારે ડહાપણ ખરીદવા તેના હાથમાં મૂલ્ય ક્યાંથી હોય? 17 મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે અને ભાઈ સંકટના સમયને માટે જ જન્મ્યો છે. 18 અક્કલહીન વગરનો માણસ જ પોતાના પડોશીનો જામીન થાય છે. 19 કજિયો ચાહનાર પાપ કરે છે; જે પોતાનો દરવાજો વિશાળ બનાવે છે, તે વિનાશ શોધે છે. 20 કુટિલ હૃદયના માણસનું કદી હિત થતું નથી; આડી જીભવાળો માણસ વિપત્તિમાં આવી પડે છે. 21 મૂર્ખને પેદા કરનાર દુ:ખી થાય છે; મૂર્ખના પિતાને કદી આનંદ થતો નથી. 22 આનંદી હૃદય એ ઉત્તમ ઔષધ છે, પણ ઘાયલ થયેલું મન હાડકાંને સૂકવી નાખે છે. 23 દુષ્ટ માણસ છાની રીતે લાંચ લઈને ઇનસાફના માર્ગ ઊંધા વાળે છે. 24 બુદ્ધિમાન વ્યક્તિની આંખ ડહાપણ પર જ હોય છે, પણ મૂર્ખની આંખો પૃથ્વીના છેડા પર ચોંટેલી હોય છે. 25 મૂર્ખ પુત્ર પિતાને માટે વ્યથારૂપ અને પોતાની માતાને માટે કડવાશરૂપ છે. 26 વળી નિર્દોષને દંડ કરવો તથા પ્રામાણિકપણાને લીધે સજ્જનોને મારવા એ યોગ્ય નથી. 27 થોડાબોલો માણસ શાણો છે, ઠંડા મિજાજનો માણસ બુદ્ધિમાન હોય છે. 28 મૂર્ખ ચૂપ રહે ત્યાં સુધી તે ડાહ્યો ગણાય છે, જ્યાં સુધી તે બોલે નહિ, ત્યાં સુધી તે શાણો લેખાય છે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.