નીતિવચનો 13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 જ્ઞાની દીકરો પોતાના પિતાની શિખામણ માને છે, પણ અડિયલ દીકરો ઠપકાને ગણકારતો જ નથી. 2 માણસ પોતાના શબ્દોથી હિતકારક ફળ ભોગવે છે, પણ કપટીનો જીવ જુલમ વેઠશે. 3 પોતાનું મોં સંભાળીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે, પરંતુ જીભને છૂટી મૂકનાર વિનાશ નોતરે છે. 4 આળસુનો જીવ ઇચ્છા કરે છે, પણ કશું પામતો નથી, પણ ઉદ્યમી વ્યક્તિ પૂર્ણ રીતે સંતુષ્ટ હોય છે. 5 સદાચારી માણસ જૂઠને ધિક્કારે છે, પણ દુષ્ટ માણસ અપમાન અને ફજેતીનો ભોગ બને છે. 6 નેકી ભલા માણસોનું રક્ષણ કરે છે; પણ દુષ્ટતા પાપીઓને ઉથલાવી નાખે છે, 7 કેટલાક કશું ન હોવા છતાં ધનવાન હોવાનો દંભ કરે છે અને કેટલાક એવા પણ છે કે જેઓ કંગાળ હોવા છતાં ધનવાન હોય છે. 8 દ્રવ્યવાનના જીવનો બદલો તેનું દ્રવ્ય છે, પણ ગરીબ વ્યક્તિને ધમકી સાંભળવી પડતી નથી. 9 નેકીવાનોનો પ્રકાશ આનંદ છે, પણ દુષ્ટનો દીવો હોલવી નાંખવામાં આવશે. 10 અભિમાનથી તો કેવળ ઝઘડો જ ઉત્પન્ન થાય છે; પણ સારી સલાહ માનનારાઓ પાસે ડહાપણ છે. 11 કુમાર્ગે મેળવેલી સંપત્તિ કદી ટકતી નથી. પણ મહેનતથી સંગ્રહ કરેલી સંપત્તિની વૃદ્ધિ થાય છે. 12 આશાનું ફળ મળવામાં વિલંબ થતાં અંતઃકરણ ઝૂરે છે, પણ ઇચ્છાઓની પરિપૂર્ણતા જ જીવન છે. 13 શિખામણને નકારનારનો નાશ થાય છે, પણ આજ્ઞાઓનો આદર કરનારને બદલો મળે છે. 14 જ્ઞાનીનું શિક્ષણ જીવનનો ઝરો છે, જે તે વ્યક્તિને મૃત્યુના ફાંદામાંથી ઉગારી લે છે. 15 સારી સમજવાળાને કૃપા મળે છે, પણ કપટીનો માર્ગ ખરબચડો છે. 16 પ્રત્યેક ડાહ્યો માણસ ડહાપણથી નિર્ણય લે છે; પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈ જાહેર કરે છે. 17 દુષ્ટ સંદેશાવાહક મુશ્કેલીમાં સપડાઈ જાય છે, પણ વિશ્વાસુ સંદેશવાહક સમાધાન લાવે છે. 18 જે શિખામણનો ત્યાગ કરે છે તેને ગરીબી અને અપમાન પ્રાપ્ત થાય છે, પણ ઠપકાનો સ્વીકાર કરે છે તેને માન મળે છે. 19 ઇચ્છાની તૃપ્તિ આત્માને મીઠી લાગે છે, પણ દુષ્ટતાથી પાછા વળવું એ મૂર્ખોને આઘાતજનક લાગે છે. 20 જો તું જ્ઞાની માણસોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે. પણ જે મૂર્ખની સોબત કરે છે તેને નુકસાન થશે. 21 પાપીઓની પાછળ નુકસાન લાગેલું રહે છે, પણ જે સારા માણસો છે તેઓને હિતકારક બદલો મળશે. 22 સારો માણસ પોતાનાં સંતાનોનાં સંતાનોને માટે વારસો મૂકી જાય છે, પણ પાપીનું ધન નેકીવાનને સારુ ભરી મૂકવામાં આવે છે. 23 ગરીબોના ખેતરમાં ઘણું અનાજ ઊપજે છે, પણ અન્યાયના કારણથી નાશ પામનારા માણસો પણ છે. 24 જે પોતાના બાળકને શિસ્તપાલનની કેળવણી માટે સોટી મારતો નથી તે પોતાના બાળકનો દુશ્મન છે; પણ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે. 25 નેકીવાન પોતાને સંતોષ થતાં સુધી ખાય છે, પણ દુષ્ટનું પેટ હંમેશાં ભૂખ્યુંને ભૂખ્યું જ રહે છે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.