ગણના 35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019લેવીઓને અપાયેલા નગરો 1 મોઆબના મેદાનમાં યર્દનને કિનારે યરીખો પાસે યહોવાહે મૂસાને કહ્યું, 2 “તું ઇઝરાયલ લોકોને આજ્ઞા કર કે, તેઓના દેશનો કેટલોક ભાગ લેવીઓને આપે. તેઓ તેમને કેટલાંક નગરો અને આસપાસની ગૌચર જમીન આપે. 3 આ નગરો લેવીઓને રહેવા માટે મળે. ગૌચરની જમીન તો તેમનાં અન્ય જાનવરો, ઉપરાંત ઘેટાંબકરાં માટે હશે. 4 તમે લેવીઓને જે નગરો આપો તેની ગૌચરની જમીન નગરના કોટની ચારે બાજુએ એક હજાર હાથ હોય. 5 તમારે નગરની બહાર બે હજાર હાથ પૂર્વ તરફ, બે હજાર હાથ દક્ષિણ તરફ, બે હજાર હાથ પશ્ચિમ તરફ અને બે હજાર હાથ ઉત્તર તરફ માપવું. તેઓનાં નગરોનાં ગૌચર આ પ્રમાણે હોય. તે નગર મધ્યમાં રહે. 6 જે છ નગરો તમે લેવીઓને આપો તે આશ્રયનગરો તરીકે હોય. જેણે હત્યા કરી હોય તે ત્યાં નાસી જઈ શકે માટે તારે તેઓને આપવાં. ઉપરાંત બીજાં બેતાળીસ નગરો પણ આપવાં. 7 આમ, કુલ અડતાળીસ નગરો અને તેની આસપાસની ગૌચરની જમીન લેવીઓને આપવી. 8 ઇઝરાયલી લોકોનાં મોટા કુળો કે, જે કુળોની પાસે વધારે જમીન છે તે વધારે નગરો આપે. નાનાં કુળો થોડા નગરો આપે. દરેક કુળને જે ભાગ પ્રાપ્ત થયો છે તે પ્રમાણે લેવીઓને આપે.” આશ્રયનગરો પુન. 19:1-13 ; યર્મિ. 20:1-9 9 પછી યહોવાહે મૂસાને કહ્યું, 10 “તું ઇઝરાયલી લોકોને કહે, ‘જયારે તમે યર્દન પાર કરીને કનાન દેશમાં પ્રવેશ કરો. 11 ત્યારે તમારે અમુક નગરોને તમારા માટે આશ્રયના નગરો તરીકે પસંદ કરવાં, જેમાં જે માણસે કોઈને અજાણતાં મારી નાખ્યો હોય તે આશ્રય લઈ શકે. 12 આ નગરો તમારા માટે બદલો લેનારના હાથમાંથી રક્ષણાર્થે થાય, મનુષ્યઘાતકને ઇનસાફને સારુ જમાતની આગળ ખડો કરવામાં ન આવે ત્યાં સુધી તે દોષી ન ઠરે. 13 તેથી તમારે આશ્રયનાં નગરો તરીકે છ નગરો પસંદ કરવાં. 14 ત્રણ નગરો યર્દન નદીની પાર આપવાં અને ત્રણ નગરો કનાન દેશમાં આપવાં. 15 આ છ નગરો ઇઝરાયલી લોકો માટે, પરદેશીઓ માટે તથા તમારી મધ્યે રહેતા લોકો માટે આશ્રયનગરો ગણાશે. જેણે અજાણતા કોઈને મારી નાખ્યો હોય તે ત્યાં નાસી જાય. 16 પણ જો તે કોઈને લોખંડના સાધનથી એવી રીતે મારે કે તે મરી જાય, તો તે ખૂની ગણાશે, તે ખૂનીને દેહાંતદંડની સજા આપવામાં આવે. 17 જેથી મોત નીપજવાનો સંભવ હોય, એવો પથ્થર લઈને તે તેને મારે કે, જેથી જો પેલાનું મોત નીપજે, તો તે ખૂની છે, તે ખૂનીને દેહાતદંડની સજા થશે. 18 જો દોષી માણસ તેના શિકારને મારી નાખવા માટે લાકડાંના હથિયારથી મારે, જો તે શિકાર મરી જાય, તો તે ખૂની ગણાય. તે ખૂનીને દેહાંતદંડની સજા થશે. 19 લોહીનો બદલો લેનાર, પોતે જ ખૂનીને મારી નાખે. 20 તેથી જો તેણે તેને દ્વેષથી ધક્કો માર્યો હોય અથવા છુપાઇને તેના પર કંઈ ફેંક્યું હોય અને જો તે વ્યક્તિ મરી જાય, 21 અથવા દ્વેષથી તેને તેના હાથથી મારીને નીચે ફેંકી દે અને જો તે વ્યક્તિ મરી જાય, તો જેણે તેને માર્યો છે તેને દેહાંતદંડની સજા મળે. લોહીનો બદલો લેનાર માણસ જ્યારે તે ખૂનીને મળે ત્યારે તે તેને મારી નાખે. 22 પણ જો કોઈ માણસ દુશ્મનાવટ વગર તેની પર પ્રહાર કરે અથવા તેને રાહ જોયા વગર તેને મારી નાખવાના ઇરાદાથી તેના ઉપર કોઈ હથિયાર ફેંકે, 23 અથવા કોઈ માણસનું મોત થાય એવો પથ્થર તેને ન દેખતાં તેણે તેના પર ફેંક્યો હોય, તેથી તેનું મોત નીપજ્યું હોય, પણ તે તેનો દુશ્મન ન હોય, તેમ જ તેનું નુકશાન કરવાનો તેનો ઇરાદો ન હોય. પણ કદાચ તે મરી જાય. 24 તો જમાત મારનાર તથા લોહીનું વેર લેનાર બન્ને વચ્ચે કાનૂનો પ્રમાણે ન્યાય કરે. 25 જમાત મારનારને લોહીનો બદલો લેનારના હાથથી રક્ષણ કરે, જમાત તેને જે આશ્રયનગરમાં તે નાસી ગયો હોય ત્યાં પાછો લાવે. પવિત્ર તેલથી જે યાજકનો અભિષિક્ત થયો હોય તેનું મૃત્યુ થાય ત્યાં સુધી તે ત્યાં રહે. 26 પણ જે આશ્રયનગરમાં દોષી માણસ નાસી ગયો હોય, તેની સરહદની બહાર તે સમયે તે જાય, 27 લોહીનો બદલો લેનાર તેને આશ્રયનગરની સરહદ બહાર મળે, જો તે તેને મારી નાખે, તો લોહીનો બદલો લેનારને માથે ખૂનનો દોષ ગણાય નહિ. 28 કેમ કે મુખ્ય યાજકનું મૃત્યુ થાય ત્યાં સુધી દોષી માણસે આશ્રયનગરમાં જ રહેવું. મુખ્ય યાજકના મૃત્યુ પછી તે વ્યક્તિ પોતાના વતનના દેશમાં પાછો જાય. 29 આ કાનૂનો તમારી વંશપરંપરા તમારાં સર્વ રહેઠાણોમાં તમારો ઇનસાફ કરવાનો કાયદો થાય. 30 જે કોઈ વ્યક્તિનું ખૂન કરે, ખૂની સાક્ષીઓને આધારે દેહાંતદંડ ભોગવે. ફક્ત એક જ સાક્ષીનો પુરાવો દેહાંતદંડ આપવા માટે પૂરતો ગણાય નહિ. 31 જે મનુષ્યઘાતકને ખૂનનો દોષ લાગ્યો હોય, તે ખૂનીનો જીવ તમારે કંઈ પણ મૂલ્ય આપીને લેવો નહિ. તેને મૃત્યુની સજા થવી જ જોઈએ. 32 મુખ્ય યાજકનું મરણ થાય ત્યાં સુધી આશ્રયનગરમાં રક્ષણ લેનાર મનુષ્યઘાતક પાસેથી કોઈ પણ પ્રકારની રકમ લઈને તેને ઘરે પાછા ફરવા માટેની રજા આપી શકાય નહિ. 33 એ પ્રમાણે તમે જે દેશમાં રહો છો તેને ભ્રષ્ટ ન કરશો, કેમ કે રક્ત એ તો દેશને ભ્રષ્ટ કરે છે. કેમ કે દેશમાં વહેવડાવેલા લોહીનું પ્રાયશ્ચિત તે રક્ત વહેવડારના રક્ત સિવાય થઈ શકતું નથી. 34 તમે જે દેશમાં રહો છો તેને તમે અશુદ્ધ ન કરો, કેમ કે હું તેમાં રહું છું. હું યહોવાહ, ઇઝરાયલી લોકો મધ્યે રહું છું.’” |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.