Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગણના 16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019


કોરા, દાથન અને અબિરામનો બળવો

1 લેવીના દીકરા કહાથના દીકરા યિસ્હારનો દીકરો કોરા, અલિયાબના દીકરા દાથાન તથા અબિરામ તથા પેલેથનો દીકરો ઓન, એ રુબેનના વંશજોએ કેટલાક માણસોને ભેગા કર્યા.

2 અને તેઓ ઇઝરાયલ લોકોમાંના કેટલાક એટલે પ્રજાના બસો પચાસ આગેવાનો કે જેઓ સભા માટે નિમંત્રાયેલા નામાંકિત માણસો હતા તેઓને લઈને મૂસાની સામે ઊભા થયા.

3 મૂસા તથા હારુનની વિરુદ્ધ તેઓએ સભા બોલાવીને તેઓને કહ્યું, “તમે હવે હદ પાર કરો છો. આખી જમાત પવિત્ર છે, તેઓમાંનો દરેક યહોવાહ માટે મુકરર કરાયેલો છે અને યહોવાહ તેઓની મધ્યે છે. તમે પોતાને યહોવાહની જમાત કરતાં ઊંચા શા માટે કરો છો?”

4 જ્યારે મૂસાએ આ સાંભળ્યું ત્યારે તે ઊંધો પડી ગયો.

5 તે કોરા તથા તેની આખી ટોળી સાથે બોલ્યો, તેણે કહ્યું, “સવારે યહોવાહ બતાવશે કે કોણ તેઓના છે અને કોણ યહોવાહ માટે મુકરર કરાયેલા છે. જેને તેઓ પસંદ કરશે તેને ઈશ્વર પોતાની પાસે બોલાવશે. યહોવાહ તેને પોતાની પાસે બોલાવશે.

6 કોરા તથા તારી આખી ટોળી આ પ્રમાણે કરો. ધૂપપાત્ર લો

7 આવતીકાલે અગ્નિ તથા ધૂપ લઈ યહોવાહની આગળ મૂકો. યહોવાહ જેને પસંદ કરશે, જે મુકરર થયેલ છે તે વ્યક્તિ પવિત્ર બનશે. હે લેવીના વંશજ તમે ઘણાં દૂર જતા રહ્યા છો.”

8 ફરીથી, મૂસાએ કોરાને કહ્યું, “ઓ લેવીના વંશજો, હવે સાંભળો:

9 ઇઝરાયલના ઈશ્વરે તમને પોતાની નજીક લાવવા માટે, તેમના મંડપની સેવા કરવા માટે અને તેમના લોકની સામે ઊભા રહીને તેમની સેવા કરવા માટે ઇઝરાયલ પ્રજામાંથી અલગ કર્યા છે શું એ તમને ઓછું લાગે છે?

10 તેઓ તને તથા તારી સાથેના સર્વ ભાઈઓ એટલે લેવીના દીકરાઓને નજીક લાવ્યા છે, તમે હજી પણ યાજકપદ માગો છો?

11 તેથી તું અને તારી આખી ટોળી યહોવાહની વિરુદ્ધ એકત્ર થયાં છો. તો તમે શા માટે હારુન વિષે ફરિયાદ કરે છો, કોણ યહોવાહની આજ્ઞા પાળે છે?”

12 પછી મૂસાએ અલિયાબના દીકરા દાથાનને અને અબિરામને બોલાવ્યા, પણ તેઓએ કહ્યું કે, “અમે ત્યાં નહિ આવીએ.

13 તમે અમને દૂધ તથા મધથી રેલછેલવાળો દેશમાંથી આ અરણ્યમાં મરવા માટે લઈ આવ્યા એટલું ઓછું છે કે તમે અમારા પર પાછા સત્તા ચલાવવા માગો છો?

14 તદુપરાંત, તમે અમને દૂધ તથા મધથી રેલછેલવાળો દેશમાં નથી લાવ્યા અને તમે અમને ખેતરો કે દ્રાક્ષવાડીઓનો વારસો નથી આપ્યો. શું તમે અમને ખાલી વચન આપીને મૂર્ખ બનાવશો? અમે તમારી પાસે નહિ આવીએ.”

15 મૂસાને ઘણો ક્રોધ ચઢ્યો અને તેણે યહોવાહને કહ્યું, “તેઓના અર્પણનો સ્વીકાર કરશો નહિ. મેં તે લોકો પાસેથી એક ગધેડું પણ લીધું નથી અને તેઓમાંના કોઈનું કંઈ નુકસાન પણ કર્યુ નથી.”

16 એટલે મૂસાએ કોરાને કહ્યું, “તું અને તારા સર્વ સાથીઓ એટલે તું, તેઓ અને હારુન આવતીકાલે યહોવાહની આગળ જજો.

17 તમારામાંનો પ્રત્યેક માણસ પોતાનું ધૂપપાત્ર લે તેમાં ધૂપ નાખે. પછી પ્રત્યેક માણસ પોતાનું ધૂપપાત્ર એટલે બસો પચાસ ધૂપપાત્રો યહોવાહ સમક્ષ લાવે. તું અને હારુન પોતપોતાનાં ધૂપપાત્ર લાવો.”

18 તેથી તે પ્રત્યેક માણસે પોતાનું ધૂપપાત્ર લીધું, તેમાં અગ્નિ મૂક્યો તથા ધૂપ નાખ્યું અને મૂસા તથા હારુનની સાથે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આવીને ઊભા રહ્યા.

19 કોરાએ આખી જમાતને મૂસા તથા હારુન વિરુદ્ધ મુલાકાતમંડપના દ્વાર પાસે એકઠી કરી અને આખી જમાતને યહોવાહનું ગૌરવ દેખાયું.

20 પછી યહોવાહ મૂસા તથા હારુન સાથે બોલ્યા;

21 “આ જમાત મધ્યેથી પોતાને અલગ કરો કે હું તેઓનો તરત જ નાશ કરું.”

22 મૂસાએ તથા હારુને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કહ્યું, “ઈશ્વર, સર્વ માનવજાતના આત્માઓના ઈશ્વર, જો એક માણસ પાપ કરે તો શું તમે આખી જમાત પ્રત્યે કોપાયમાન થશો?”

23 યહોવાહે મૂસાને ઉત્તર આપ્યો. તેમણે કહ્યું કે,

24 “જમાત સાથે વાત કર. કહે કે, કોરા, દાથાન તથા અબિરામના તંબુઓથી દૂર જાઓ.’”

25 પછી મૂસા ઊઠીને દાથાન તથા અબિરામની પાસે ગયો; ઇઝરાયલના વડીલો તેની પાછળ ગયા.

26 મૂસાએ જમાત સાથે વાત કરીને કહ્યું કે, “હવે આ દુષ્ટ માણસોના તંબુઓ પાસેથી દૂર જાઓ અને એમની કોઈ વસ્તુને અડકશો નહિ. રખેને તેઓનાં બધાં પાપોને કારણે તમારો નાશ થાય.”

27 તેથી જમાત કોરા, દાથાન તથા અબિરામના તંબુઓની દરેક બાજુએથી ચાલ્યા ગયા. દાથાન તથા અબિરામ પોતાની પત્નીઓ, દીકરાઓ તથા નાનાં બાળકો સાથે બહાર નીકળીને તંબુઓના પ્રવેશદ્વાર આગળ આવીને ઊભા રહ્યા.

28 પછી મૂસાએ કહ્યું, “આ દ્વારા તમને જાણશો કે યહોવાહે આ સર્વ કામ કરવા મને મોકલ્યો છે, કેમ કે એ કામો મેં મારી પોતાની જાતે કર્યાં નથી.

29 જો આ લોકો બીજા બધા માણસોની જેમ કુદરતી રીતે મૃત્યુ પામે તો માનવું કે યહોવાહે મને મોકલ્યો નથી.

30 પણ જો યહોવાહ કરે અને પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેઓની બધી જ વસ્તુઓને સ્વાહા કરી જાય અને તેઓ જીવતેજીવત મૃત્યુલોકમાં ગરક થઈ જાય તો તમારે જાણવું કે, એ માણસોએ યહોવાહને ધિક્કાર્યા છે.”

31 મૂસાએ આ સર્વ વાતો બોલવાનું પૂરું કર્યું કે તરત જ તે લોકોના પગ નીચેની ધરતી ફાટી.

32 પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેમનાં કુટુંબો અને કોરાના સર્વ માણસોને તથા તેઓની સર્વ માલમિલકતને સ્વાહા કરી ગઈ.

33 તેઓ અને તેઓનાં ઘરનાં સર્વ જીવતાં જ મૃત્યુલોકમાં પહોંચી ગયાં. પૃથ્વીએ તેઓને ઢાંકી દીધાં અને આ રીતે તેઓ સમુદાયમાંથી નાશ પામ્યાં.

34 તેમની ચીસો સાંભળીને આસપાસ ઊભેલા બધા ઇઝરાયલીઓ નાસવા માંડયા. તેઓએ કહ્યું, “રખેને આપણને પણ ધરતી ગળી જાય!”

35 પછી યહોવાહ પાસેથી અગ્નિ ધસી આવ્યો અને ધૂપ ચઢાવવા આવેલા અઢીસો માણસોને ભસ્મ કર્યા.


બળવાખોરોનાં ધૂપપાત્રો ટીપીને વેદી ઢાંકવાનાં પતરાં બનાવ્યાં

36 પછી યહોવાહ મૂસા સાથે બોલ્યા તેમણે કહ્યું કે,

37 “હારુન યાજકના દીકરા એલાઝાર સાથે વાત કર અને કહે કે, અગ્નિમાંથી ધૂપદાનીઓ લઈ લે, કેમ કે તે ધૂપ પવિત્ર છે, મારા માટે મુકરર થયેલ છે. તે કોલસા અને રાખ વિખેરી નાખ.

38 જેઓએ પાપ કરીને પોતાનો જીવ ગુમાવ્યો છે તે ધૂપપાત્ર લઈ લે. તેમને ટીપીને વેદીને ઢાંકવા માટે પતરાં બનાવવાં. તે પુરુષોએ તેઓનું અર્પણ મને કર્યું, તેથી તેઓ પવિત્ર છે, મારા માટે મુકરર કરેલ છે. તેઓ ઇઝરાયલી લોકોને માટે ચિહ્નરૂપ થશે.”

39 તેઓએ જે પિત્તળનાં ધૂપપાત્રનું અર્પણ કર્યું હતું તે યાજક એલાઝારે લીધાં. મૂસા દ્વારા યહોવાહ જેમ બોલ્યા હતા તે મુજબ તેણે તેઓને ટીપીને વેદીને ઢાંકવા માટે આવરણ બનાવડાવ્યાં.

40 તે ઇઝરાયલીપુત્રોને માટે સ્મરણમાં રહે કે, જેથી કોઈ વ્યક્તિ એટલે હારુનના વંશજમાંની કોઈ પણ વ્યક્તિએ યહોવાહ સમક્ષ ધૂપ ચઢાવવાને આવવું નહિ. આ રીતે, તેના હાલ કોરા અને તેના સાથીઓ જેવા ન થાય.


હારુન ધૂપપાત્ર સાથે લોકો મધ્યે ગયો ને મરકી બંધ પડી

41 પરંતુ બીજે દિવસે આખી ઇઝરાયલી જમાતે મૂસા અને હારુનની વિરુદ્ધ ફરિયાદ કરી. તેઓએ કહ્યું કે, “તમે યહોવાહના લોકોને મારી નાખ્યા છે.”

42 જ્યારે મૂસા અને હારુનની વિરુદ્ધ સમગ્ર સમાજ એકઠો થયો ત્યારે એમ થયું કે, તેઓએ મુલાકાતમંડપ તરફ જોયું તો એકાએક વાદળે તેના પર આચ્છાદન કર્યું. યહોવાહનું ગૌરવ દેખાયું.

43 અને મૂસા તથા હારુન મુલાકાતમંડપ આગળ જઈને ઊભા રહ્યા.

44 પછી યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું,

45 “આ જમાત આગળથી દૂર જાઓ જેથી હું તેઓનો તરત જ નાશ કરું.” એટલે મૂસા અને હારુન જમીન પર ઊંધા પડ્યા.

46 મૂસાએ હારુનને કહ્યું, “ધૂપદાની લે, વેદીમાંથી અગ્નિ લે અને તેમાં નાખ, તેમાં ધૂપ નાખ, તરત જ તે જમાત પાસે લઈ જા અને તેમના પાપનું પ્રાયશ્ચિત કર, કેમ કે યહોવાહનો કોપ આવ્યો છે. મરકી શરૂ થઈ છે.”

47 આથી મૂસાના કહ્યા પ્રમાણે હારુને કર્યું. તે જમાતની વચ્ચે દોડી ગયો. લોકોમાં મરકી ફેલાવાનું શરુ થયું, તેથી તેણે ધૂપ નાખી લોકોને સારુ પ્રાયશ્ચિત કર્યું.

48 હારુન મરેલા તથા જીવતાઓની વચ્ચે ઊભો રહ્યો; આ પ્રમાણે મરકી બંધ થઈ.

49 કોરાની બાબતમાં જેઓ મૃત્યુ પામ્યાં હતાં તેઓ ઉપરાંત મરકીથી મર્યા તેઓની સંખ્યા ચૌદ હજાર સાતસો હતી.

50 હારુન મુલાકાતમંડપના પ્રવેશ દ્વાર આગળ મૂસા પાસે પાછો આવ્યો અને મરકી બંધ થઈ.

GUJ-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan