ગણના 11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019તે સ્થળનું નામ તાબેરા પાડયું 1 અને ઇઝરાયલીઓ યહોવાહના સાંભળતાં મુશ્કેલી વિષે ફરિયાદ કરી. યહોવાહ તે સાંભળીને તેઓના પર ગુસ્સે થયા. અને તેમનો અગ્નિ તેઓ મધ્યે પ્રગટ્યો; અને તેમણે છાવણીના સૌથી દૂરના છેડા સુધીના ભાગને બાળીને ભસ્મ કર્યો. 2 લોકોએ મૂસાને પોકાર કર્યો, તેથી તેણે લોકો માટે યહોવાહને પ્રાર્થના કરી અને અગ્નિ હોલવાઈ ગયો. 3 અને તે જગ્યાનું નામ તાબેરાહ પાડવામાં આવ્યું. કેમ કે, તેઓ મધ્યે યહોવાહનો અગ્નિ પ્રગટ્યો હતો. તે સ્થળનું નામ તાબેરા પાડયું 4 અને તેઓની સાથે મિશ્રિત થયેલા કેટલાક પરદેશીઓ અયોગ્ય વાસના કરવા લાગ્યા. અને ઇઝરાયલ લોકો ફરિયાદ કરી રડીને કહ્યું કે, “અમને ખાવાને માંસ કોણ આપશે? 5 જે માછલી મિસરમાં અમે મફતમાં ખાતા હતા તે હવે અમને યાદ આવે છે; વળી કાકડી, તડબૂચ, પ્યાજ અને લસણ પણ. 6 હાલ તો અમે નબળા પડી ગયા છીએ. ફક્ત આ માન્ના સિવાય બીજું કંઈ જ અમારી નજરે પડતું નથી.” 7 માન્ના તો ધાણાના દાણા જેટલું હતું. તે ગુંદર જેવા ચીકણા પદાર્થ જેવું દેખાતું હતું. 8 લોકો છાવણીમાં ફરીને માન્ના વીણીને એકત્ર કરી લાવતા અને ઘંટીમાં દળી અથવા ખાંડણિયામાં ખાંડીને તથા તવામાં શેકીને તેની પૂરીઓ બનાવતા; અને તેનો સ્વાદ જૈતૂનના તેલ જેવો હતો. 9 અને રાત્રે છાવણીમાં ઝાકળ પડતું ત્યારે તેની સાથે માન્ના પણ પડતું. 10 અને મૂસાએ સર્વ લોકોને પોતપોતાના કુટુંબોમાં એટલે દરેક માણસને પોતાના તંબુના બારણા આગળ રડતાં સાંભળ્યા. અને યહોવાહ બહુ ગુસ્સે થયા મૂસાની નજરમાં ખોટું લાગ્યું. 11 મૂસાએ યહોવાહને કહ્યું, “તમે તમારા સેવકને શા માટે દુઃખી કર્યો? અને હું તમારી દૃષ્ટિમાં કેમ કૃપા ન પામ્યો કે તમે એ સર્વ લોકોનો બોજ મારા પર નાખો છો.? 12 શું આ સર્વ લોકો મારાં સંતાનો છે? શું મેં તેઓને જન્મ આપ્યો છે કે તમે મને કહો છો કે કોઈ પાળક પિતા પોતાની ગોદમાં ધાવણા બાળકને છાતીએ વળગાડી રાખે છે, તેમ જે દેશ વિષે મેં તેઓના પિતૃઓ આગળ સોગન ખાધા તેમાં તેઓને ઊંચકીને લઈ જા? 13 આ સર્વ લોકોને આપવા માટે મને માંસ કયાંથી મળી શકે? કેમ કે તેઓ રડી રડીને મને કહે છે કે, “અમને માંસ આપો કે અમે ખાઈએ. 14 હું એકલો આ સર્વ લોકોનો બોજ સહન કરી શકતો નથી, કેમ કે તે બોજ મારા ગજા બહારનો છે. 15 જો તમે મારી સાથે આ રીતે વર્તો, ત્યારે તો, જો હું તમારી દૃષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો મને મારી નાખો કે મને મારું હિનતા જોવી ન પડે.” 16 પછી યહોવાહે મૂસાને કહ્યું, “ઇઝરાયલના વડીલોમાંના સિત્તેર પુરુષો કે જેઓને તું લોકોના વડીલો તથા ઉપરીઓ તરીકે ઓળખાવે છે. તેઓને મારી સમક્ષ એકત્ર કર. અને મુલાકાતમંડપની પાસે તેઓને લાવ. તેઓને ત્યાં તારી સાથે ઊભા રાખ. 17 હું નીચે ઊતરીને ત્યાં આવીશ અને તારી સાથે વાત કરીશ, મેં તને જે આત્મા આપ્યો છે તેમાંનો લઈને હું એ લોકો પર મૂકીશ. તેથી તેઓ પણ તારી સાથે લોકોનો ભાર ઊચકશે, તેથી તારે એકલાએ બોજ ઊંચકવો પડશે નહિ. 18 તું લોકોને કહે કે,; તમે કાલને સારુ પોતાને શુદ્ધ કરો યહોવાહની મુલાકાત માટે તૈયાર થાઓ. તમને માંસ મળશે, કેમ કે, તમે રડીને યહોવાહના કાનોમાં કહ્યું કે, “અમને ખાવાને માંસ કોણ આપશે? કેમ કે, મિસરમાં જ અમારા માટે સારું હતું.” એ માટે યહોવાહ તમને માંસ આપશે અને તમે ખાશો. 19 એક દિવસ કે બે દિવસ નહિ, પાંચ, દશ કે વીસ દિવસ સુધીય નહિ, 20 પરંતુ એક આખા મહિના સુધી તમે તે ખાશો એટલે સુધી કે તે તમારાં નસકોરામાંથી પાછું નીકળશે. અને તેથી તમે કંટાળી જશો. કેમ કે યહોવાહ જે તમારી મધ્યે છે તેનો તમે ઇનકાર કર્યો છે અને તેમની આગળ રડીને કહ્યું છે કે “અમે મિસરમાંથી કેમ બહાર આવ્યા?” 21 પછી મૂસાએ કહ્યું, જે લોકોની સાથે હું છું તેઓ છ લાખ પાયદળ છે અને તમે કહ્યું છે કે, હું તેઓને એટલું બધું માંસ આપીશ કે, તેઓ એક આખા મહિના સુધી તે ખાશે.’ 22 શું તેઓને પૂરતું થાય તે માટે ઘેટાંબકરાં તથા ઢોરઢાંકના ટોળાં કાપવામાં આવશે? કે તેઓને પૂરતું થાય તે માટે સમુદ્રનાં બધાં માછલાં એકત્ર કરવામાં આવશે?” 23 યહોવાહે મૂસાને કહ્યું કે, “શું મારો હાથ એટલો ટૂંકો પડ્યો છે? મારું વચન તારા પ્રત્યે પૂરું થશે કે નહિ એ તું હવે જોઈશ.” 24 પછી મૂસાએ બહાર આવીને યહોવાહનાં વચન લોકોને કહી સંભળાવ્યાં. અને લોકોના વડીલોમાંના સિત્તેર માણસોને તેણે એકત્ર કર્યા. અને તેઓને તંબુની આજુબાજુ ઊભા રાખ્યા. 25 યહોવાહ મેઘમાંથી ઊતરી આવ્યા અને મૂસા સાથે બોલ્યા પછી મૂસાને જે આત્મા આપ્યો હતો તેમાંનો લઈ અને તે સિત્તેર વડીલો પર મૂક્યો. અને એમ થયું કે આત્મા તેઓ પર રહ્યો. ત્યાં સુધી તેઓએ પ્રબોધ કર્યો. પણ ત્યાર પછી તેઓએ એમ કર્યુ નહિ. 26 પરંતુ છાવણીમાં બે પુરુષો રહી ગયા હતાં. એકનું નામ એલ્દાદ તથા બીજાનું મેદાદ હતું. અને તેઓના પર આત્મા રહ્યો. તેઓનાં નામ યાદીમાં લખાયેલાં હતાં, પણ બહાર નીકળીને તંબુ પાસે ગયા ન હતા અને છાવણીમાં તેઓ પ્રબોધ કરવા લાગ્યા. 27 અને એક યુવાને દોડી જઈને મૂસાને કહ્યું કે, “એલ્દાદ અને મેદાદ છાવણીમાં પ્રબોધ કરે છે.” 28 નૂનનો પુત્ર યહોશુઆ, જે મૂસાની સેવામાં હતો તેઓમાંના પસંદ કરાયેલા એકે, મૂસાને કહ્યું કે, “મારા માલિક મૂસા, તેમને મના કર.” 29 અને મૂસાએ તેને કહ્યું કે “શું મારી ખાતર તને તેમના પર અદેખાઈ આવે છે? હું ઇચ્છું છું કે યહોવાહના સર્વ લોકો પ્રબોધકો થાય કે યહોવાહ તેઓના ઉપર પોતાનો આત્મા મૂકે!” 30 પછી મૂસા તથા ઇઝરાયલના સિત્તેર આગેવાનો છાવણીમાં પાછા ગયા. પ્રભુ લાવરીઓ મોકલે છે 31 પછી તરત યહોવાહ પાસેથી પવન આવ્યો અને તે સમુદ્ર તરફથી લાવરીઓને ઘસડી લાવ્યો. અને છાવણીની પાસે આ બાજુએ એક દિવસની મુસાફરી સુધી તથા બીજી બાજુએ એક દિવસની મુસાફરી સુધી તેઓને છાવણીની આસપાસ નાખી. અને તેઓ જમીનથી આશરે બત્રીસ હાથ ઊંચે તેઓ ઊડતી હતી. 32 તેથી લોકોએ તે આખો દિવસ અને આખી રાત અને બીજો આખો દિવસ ઊભા રહી લાવરીઓને ભેગી કરી. ઓછામાં ઓછી લાવરીઓ એકઠી કરનારે દસ હોમેર જેટલી એકઠી કરી. અને તેઓએ તેને છાવણીની આસપાસ સર્વ ઠેકાણે તે પાથરી દીધી. 33 પણ માંસ હજી તેઓના મોમાં જ હતું. અને તે ચવાયું પણ નહોતું એટલામાં તો તેઓના ઉપર યહોવાહનો કોપ સળગી ઊઠયો. અને લોકોને યહોવાહે મોટી મરકીથી માર્યા. 34 તેથી તેઓએ એ જગ્યાનું નામ ‘કિબ્રોથ હાત્તાવાહ’ પાડ્યું કેમ કે જેઓએ અયોગ્ય વાસના કરી હતી તેઓને તેઓએ ત્યાં દફનાવ્યા. 35 અને લોકો કિબ્રોથ હાત્તાવાહથી નીકળીને હસેરોથ ગયા અને તેઓ હસેરોથમાં રહ્યા. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.