Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગણના 1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019


પ્રભુએ દાનો કે ભેટ આપવા અંગેના નિયમો

1 સિનાઈના અરણ્યમાં મુલાકાતમંડપમાં યહોવાહે મૂસાની સાથે વાત કરી. ઇઝરાયલીઓ મિસર દેશમાંથી રવાના થયા ત્યાર પછી બીજા વર્ષના બીજા મહિનાના પ્રથમ દિવસે આ બન્યું. યહોવાહે મૂસાને કહ્યું કે,

2 “ઇઝરાયલપુત્રોના સમગ્ર કુળ પ્રમાણે તથા તેમના પિતાઓનાં કુટુંબ મુજબ તથા તેઓનાં નામ મુજબ દરેક પુરુષની ગણતરી કર.

3 જેઓ વીસ વર્ષ અને તેનાથી મોટી ઉંમરના હોય અને ઇઝરાયલીપુત્રોમાંના જેટલા લડાઈમાં જવાને માટે લાયક હોય તેમની ગણતરી તેમનાં સૈન્ય મુજબ તું તથા હારુન કરો.

4 અને દરેક કુળમાંનો એક પુરુષ જે તેના કુળનો મુખ્ય હોય, તે કુળના આગેવાન તરીકે તમારી સાથે રહે. તેઓએ દરેકે પોતાના કુળના પુરુષોને લડાઈમાં આગેવાની આપવી.

5 તમારી સાથે લડાઈ કરનારા આગેવાનોનાં નામ નીચે મુજબ છે; રુબેનના કુળમાંથી શદેઉરનો દીકરો અલીસૂર.

6 શિમયોનના કુળમાંથી સૂરીશાદ્દાયનો દીકરો શલુમિયેલ.

7 યહૂદાના કુળમાંથી આમ્મીનાદાબનો દીકરો નાહશોન.

8 ઇસ્સાખારના કુળમાંથી સુઆરનો દીકરો નથાનએલ.

9 ઝબુલોનના કુળમાંથી હેલોનનો દીકરો અલિયાબ.

10 યૂસફના દીકરાઓમાં એફ્રાઇમના કુળમાંથી આમ્મીહૂદનો દીકરો અલિશામા. અને મનાશ્શાના કુળમાંથી પદાહસૂરનો દીકરો ગમાલ્યેલ.

11 બિન્યામીનના કુળમાંથી ગિદોનીનો દીકરો અબીદાન.

12 દાનનાં કુળમાંથી આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર.

13 આશેરના કુળમાંથી ઓક્રાનનો દીકરો પાગિયેલ.

14 ગાદના કુળમાંથી દુએલનો દીકરો એલિયાસાફ.

15 નફતાલીના કુળમાંથી એનાનનો દીકરો અહીરા.”

16 જે લોકોને પસંદ કરાયા તેઓ એ પુરુષો હતા. તેઓ તેમના પૂર્વજોના કુટુંબના અધિપતિઓ હતા. તેઓ ઇઝરાયલ કુળના આગેવાનો હતા.

17 જે પુરુષોનાં નામ અહીં આપેલાં છે, તેઓને મૂસાએ અને હારુને લીધા.

18 અને બીજા મહિનાના પ્રથમ દિવસે તેમણે સમગ્ર ઇઝરાયલના પુરુષોને એકત્ર કરી અને તેઓએ તેઓનાં કુટુંબો પ્રમાણે અને તેઓના પિતૃઓનાં કુળ અનુસાર વીસ વર્ષ કે તેથી વધારે વર્ષની ઉંમરના સર્વ પુરુષોનાં નામની વંશાવળીની યાદી કરી સંભળાવી.

19 જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસાએ સિનાઈના અરણ્યમાં તેઓની ગણતરી કરી.


રૂબેનના કુળ

20 અને ઇઝરાયલના જયેષ્ઠ પુત્ર રુબેનના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ તેઓના નામની સંખ્યા પ્રમાણે માથાદીઠ વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લશ્કરમાં જોડાવા શક્તિમાન હતા,

21 તેઓની ગણતરી રુબેનના કુળમાં છેંતાળીસ હજાર પાંચસો પુરુષોની થઈ.


શિમયોનના કુળ

22 શિમયોનના વંશમાં તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, તેઓની ગણતરી થઈ. અને વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જોડાવા શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ માથાદીઠ ગણતરી થઈ.

23 તેઓની ગણતરી શિમયોનના કુળમાં ઓગણસાઠ હજાર ત્રણસો પુરુષોની થઈ.


ગાદના કુળ

24 ગાદના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર મુજબ, વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ.

25 તેઓની ગણતરી, ગાદના કુળમાં, પિસ્તાળીસ હજાર છસો પચાસ પુરુષોની થઈ.


યહૂદાના કુળ

26 યહૂદાના વંશમાં તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ

27 તેઓની ગણતરી યહૂદાના કુળમાં ચુંમોતેર હજાર છસો પુરુષોની થઈ.


ઇસ્સાખારના કુળ

28 ઇસ્સાખારનાં વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ

29 તેઓની ગણતરી ઇસ્સાખારના કુળમાં ચોપન હજાર ચારસો પુરુષોની થઈ.


ઝબુલોનના કુળ

30 ઝબુલોનના વંશમાં તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા મુજબ

31 તેઓની ગણતરી ઝબુલોનના કુળમાં સતાવન હજાર ચારસો પુરુષોની થઈ.


યૂસફના પુત્ર એફ્રાઇમના કુળ

32 યૂસફના દીકરાઓના એટલે એફ્રાઇમના વંશમાં, તેઓના કુટુંબો તથા તેઓનાં પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા. તેઓનાં નામની સંખ્યા મુજબ

33 તેઓની ગણતરી એફ્રાઇમના કુળમાં ચાળીસ હજાર પાંચસો પુરુષોની થઈ.


યૂસફપુત્ર મનાશ્શાના કુળ

34 મનાશ્શાનાં વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ

35 તેઓની ગણતરી મનાશ્શાના કુળમાં બત્રીસ હજાર બસો પુરુષોની થઈ.


બિન્યામીનના કુળ

36 બિન્યામીનના વંશમાં તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાના ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા મુજબ.

37 તેઓની ગણતરી બિન્યામીનના કુળમાં પાંત્રીસ હજાર ચારસો પુરુષોની થઈ.


દાનના કુળ

38 દાનના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાના ઘરની સંખ્યા મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ

39 દાનના કુળની ગણતરી બાસઠ હજાર સાતસોની થઈ.


આશેરના કુળ

40 આશેરના વંશમાં, તેઓના કુટુંબો તથા તેઓનાં પિતાના ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ

41 તેઓની ગણતરી આશેરના કુળમાં, એક્તાળીસ હજાર પાંચસોની થઈ.


નફતાલીના કુળ

42 નફતાલીનાં વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાના ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા મુજબ

43 તેઓની ગણતરી, નફતાલીના કુળમાં, ત્રેપન હજાર ચારસોની થઈ.

44 જેઓની ગણતરી મૂસા, હારુન તથા ઇઝરાયલીઓના અધિપતિ બાર પુરુષોએ કરી તેઓ એ છે. તેઓ ઇઝરાયલના બાર કુળના અધિપતિ હતા.

45 તેથી ઇઝરાયલીઓમાંના જે સર્વની ગણતરી તેઓનાં પિતાના ઘર મુજબ થઈ એટલે વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા.

46 તેઓની ગણતરી છ લાખ ત્રણ હજાર પાંચસો પચાસની હતી.

47 પણ તેઓ મધ્યે લેવીઓની તેઓના પિતાનાં કુળ મુજબ ગણતરી કરવામાં આવી નહિ.

48 કેમ કે યહોવાહે મૂસાને કહ્યું કે,

49 ‘તારે લેવીના કુળની ગણતરી કરવી નહિ અને ઇઝરાયલીઓમાં તેઓની કુલ સંખ્યા તારે નક્કી કરવી નહિ.’”

50 તેના બદલામાં તું લેવીઓને કરારમંડપ પર તથા તેના બધા સામાન પર તથા તેને લગતી સઘળી બાબતો પર ઠરાવ; તેઓ મંડપને તથા તેના સર્વ સરસામાનને ઊંચકી લે; અને તેઓ તેની સંભાળ રાખે અને મંડપની ચારે બાજુ છાવણી કરે.

51 જ્યારે મંડપને બીજી જગ્યાએ લઈ જવાનો સમય થાય, ત્યારે લેવીઓએ તેને પાડવાનો અને ફરીથી ઊભો કરવાનો થાય, ત્યારે લેવીઓ તેને ઊભો કરે; અને એ કુળ સિવાયનો કોઈ અજાણ્યા પુરુષ નજીક આવે તો તે માર્યો જાય.

52 અને ઇઝરાયલપુત્રો, દરેક પુરુષ પોતપોતાની છાવણી પાસે અને દરેક પુરુષ પોતપોતાની ધજા પાસે પોતાનાં સૈન્ય પ્રમાણે પોતપોતાનો તંબુ ઊભો કરે.

53 જો કે, લેવીઓએ પવિત્રમંડપની આસપાસ જ પોતાની છાવણી નાખવી કે જેથી ઇઝરાયલના લોકો પર કંઈ કોપ ન આવે; અને લેવીઓ સાક્ષ્યોના મંડપની સંભાળ રાખે.

54 ઇઝરાયલના લોકોએ એ પ્રમાણે કર્યું; યહોવાહે મૂસાની મારફતે જે સર્વ આજ્ઞા આપી હતી, તે મુજબ તેઓએ કર્યું.

GUJ-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan