માર્ક 5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019ઈસુ અશુદ્ધ આત્માઓ વળગેલાને સાજો કરે છે માથ. 8:28-34 ; લૂક 8:26-39 1 તેઓ સમુદ્રને પાર ગેરાસાનીઓના દેશમાં ગયા. 2 ઈસુ હોડીમાંથી ઊતર્યા, એટલે કબરસ્તાનમાંથી અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ તેમને મળ્યો. 3 તે કબરસ્તાનોમાં રહેતો હતો; અને સાંકળોથી પણ કોઈ તેને બાંધી શકતું ન હતું; 4 કેમ કે તે ઘણીવાર બેડીઓ તથા સાંકળો વડે બંધાયો હતો, પણ તેણે સાંકળો તોડી નાખી તથા બેડીઓ ભાંગી નાખી હતી; કોઈ તેને વશ કરી શકતું ન હતું. 5 તે નિત્ય રાતદિવસ પહાડોમાં તથા કબરોમાં બૂમ પાડતો તથા પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો. 6 પણ ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો અને તેમને પગે પડ્યો. 7 અને મોટે ઘાંટે પોકારીને બોલ્યો, ‘ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે અને તમારે શું છે? હું તમને ઈશ્વરના સમ આપું છું કે, તમે મને પીડા ન આપો.’” 8 કેમ કે તેમણે તેને કહ્યું હતું કે, ‘અશુદ્ધ આત્મા, તું એ માણસમાંથી નીકળ.’” 9 તેમણે તેને પૂછ્યું કે, ‘તારું નામ શું છે?’ તેણે ઉત્તર આપતાં કહ્યું કે, ‘મારું નામ સેના છે, કેમ કે અમે ઘણાં છીએ.’” 10 તેણે તેમને ઘણી વિનંતી કરી, કે તે તેઓને દેશમાંથી કાઢી મૂકે નહિ. 11 હવે ત્યાં પર્વતની બાજુ પર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું. 12 તેઓએ તેમને વિનંતી કરીને કહ્યું કે, ‘તે ભૂંડોમાં અમે પ્રવેશીએ માટે અમને તેઓમાં મોકલો. 13 ઈસુએ તેઓને રજા આપી અને અશુદ્ધ આત્માઓ નીકળીને ભૂંડોમાં ગયા; તેઓ આશરે બે હજાર ભૂંડો હતાં. તે ટોળું ટેકરી પરથી સમુદ્રમાં ધસી પડ્યું; અને સમુદ્રમાં ડૂબી મર્યું. 14 તેઓના ચરાવનારા ભાગ્યા. અને તેમણે શહેરમાં તથા ગામડાંઓમાં ખબર આપી; અને શું થયું તે જોવા લોકો બહાર આવ્યા. 15 ઈસુની પાસે તેઓ આવ્યા ત્યારે દુષ્ટાત્મા વળગેલો હતો, એટલે જેનાંમાં સેના હતી, તેને તેઓએ બેઠેલો વસ્ત્ર પહેરેલો તથા હોશમાં આવેલો જોઈને તેઓ ગભરાઈ ગયા. 16 દુષ્ટાત્મા વળગેલો કેવી રીતે તંદુરસ્ત થયો તેની તથા ભૂંડો સંબંધીની વાત જેઓએ જોઈ હતી તે તેઓએ લોકોને કહી. 17 તેઓ ઈસુને તેમના પ્રદેશમાંથી નીકળી જવાની વિનંતી કરવા લાગ્યા કે ‘અમારા પ્રદેશમાંથી ચાલ્યા જાઓ.’” 18 તે વહાણમાં ચઢતાં હતા એટલામાં જેને દુષ્ટાત્મા વળગ્યો હતો તેણે તેમની સાથે રહેવા સારુ વિનંતી કરી. 19 પણ ઈસુએ તેને આવવા ન દીધો; પણ તેને કહ્યું કે, ‘તારે ઘરે તારાં લોકોની પાસે જા, અને પ્રભુએ તારે સારુ કેટલું બધું કર્યું છે અને તારા પર દયા રાખી છે, તેની ખબર તેઓને આપ.’” 20 તે ગયો અને ઈસુએ તેને સારુ કેટલું બધું કર્યું હતું તે દસનગરમાં પ્રગટ કરવા લાગ્યો; અને લોકો આશ્ચર્ય પામ્યા. યાઈરની દીકરી અને રક્તપિત સ્ત્રી માથ. 9:18-26 ; લૂક 8:40-56 21 જયારે ઈસુ ફરી હોડીમાં બેસીને પેલે પાર ગયા, ત્યારે અતિ ઘણાં લોકો તેમની પાસે ભેગા થયા; અને ઈસુ સમુદ્રની પાસે હતા. 22 સભાસ્થાનના અધિકારીઓમાંનો યાઈર નામે એક જણ આવ્યો અને તેમને જોઈને તેમના પગે પડયો; 23 તેણે તેમને ઘણી વિનંતી કરીને કહ્યું કે, ‘મારી નાની દીકરી મરણતોલ માંદી છે; માટે આવીને તેને હાથ લગાડો એ સારુ કે તે સાજી થઈને જીવે.’” 24 ઈસુ તેની સાથે ગયા; અને અતિ ઘણાં લોકો તેમની પાછળ ચાલ્યા અને તેમના પર પડાપડી કરી. 25 એક સ્ત્રી જેને બાર વર્ષોથી લોહીવા થયેલો હતો 26 અને તેણે ઘણાં વૈદોથી ઘણું સહ્યું હતું, પોતાનું બધું ખરચી નાખ્યું હતું અને તેને કંઈ ફરક પડ્યો નહોતો, પણ તેથી ઊલટું વધારે બીમાર થઈ હતી, 27 તે ઈસુ સંબંધીની વાતો સાંભળીને ભીડમાં તેમની પાછળ આવી અને તેમના ઝભ્ભાને અડકી. 28 કેમ કે તેણે ધાર્યું કે, ‘જો હું માત્ર તેમના ઝભ્ભાને અડકું તો હું સાજી થઈશ.’” 29 તે જ ઘડીએ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો અને શરીરમાં તેને લાગ્યું કે ‘હું બીમારીથી સાજી થઈ છું.’” 30 મારામાંથી પરાક્રમ નીકળ્યું છે એવું પોતાને ખબર પડવાથી, ઈસુએ તરત લોકોની ભીડમાં પાછળ ફરીને કહ્યું કે, ‘કોણે મારા વસ્ત્રને સ્પર્શ કર્યો?’” 31 તેના શિષ્યોએ તેમને કહ્યું કે, ‘તમે જુઓ છો કે, ઘણાં લોકો તમારા પર પડાપડી કરે છે અને શું તમે કહો છો કે, કોણે મને સ્પર્શ કર્યો?’” 32 જેણે એ કામ કર્યું તેને જોવા સારુ તેમણે આસપાસ નજર ફેરવી. 33 તે સ્ત્રી ડરતી તથા ધ્રૂજતી, તેને જે થયું તે જાણીને આવી, અને તેમના પગે પડી અને તેમને બધું સાચે સાચું કહ્યું. 34 ઈસુએ તેને કહ્યું કે, ‘દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિએ જા અને તારી બીમારીથી મુક્ત થા.’” 35 તે હજી બોલતા હતા એટલામાં સભાસ્થાનના અધિકારીને ત્યાંથી લોકો આવીને કહે છે કે, ‘તારી દીકરી તો મરી ગઈ છે, તું હવે ઉપદેશકને તકલીફ શું કરવા આપે છે?’” 36 પણ ઈસુ તે વાત પર ધ્યાન ન આપતાં સભાસ્થાનના અધિકારીને કહે છે કે, ‘ગભરાઈશ નહિ, માત્ર વિશ્વાસ રાખ.’” 37 અને પિતર, યાકૂબ, તથા યાકૂબના ભાઈ યોહાન સિવાય, તેમણે પોતાની સાથે કોઈને આવવા ન દીધાં. 38 સભાસ્થાનના અધિકારીના ઘરમાં તેઓ આવે છે; અને કલ્પાંત, રુદન તથા વિલાપ કરનારાઓને જુએ છે. 39 તે અંદર આવીને તેઓને કહે છે કે, ‘તમે કેમ કલ્પાંત કરો છો અને રડો છો? છોકરી મરી નથી ગઈ; પણ ઊંઘે છે.’” 40 તેઓએ તેમને હસી કાઢ્યાં. પણ બધાને બહાર મોકલીને, છોકરીનાં માબાપને તથા જેઓ પોતાની સાથે હતા તેઓને લઈને, જ્યાં છોકરી હતી ત્યાં તે અંદર ગયા. 41 છોકરીનો હાથ પકડીને તેઓ તેને કહે છે કે, ‘ટલિથા કૂમ, જેનો અર્થ એ છે કે, છોકરી, હું તને કહું છું, ઊઠ.’” 42 તરત છોકરી ઊઠીને ચાલવા લાગી; કેમ કે તે બાર વર્ષની હતી; અને તેઓ ઘણાં વિસ્મિત થયાં. 43 ઈસુએ તેઓને તાકીદ કરી કે, ‘કોઈ એ ન જાણે;’ અને તેમણે તેને કંઈ ખાવાનું આપવાની આજ્ઞા કરી. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.