માથ્થી 9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019ઈસુએ પક્ષધાતીને સાજો કર્યો માર્ક 2:1-12 ; લૂક 5:17-20 1 ત્યારે હોડીમાં બેસીને ઈસુ પેલે પાર ગયા, ત્યાર પછી પોતાના નગરમાં આવ્યા. 2 ત્યાં જુઓ, ખાટલે પડેલા એક લકવાગ્રસ્તને લોકો તેમની પાસે લાવ્યા. ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહ્યું કે, “દીકરા, હિંમત રાખ, તારાં પાપ તને માફ થયા છે.” 3 ત્યારે શાસ્ત્રીઓમાંના કેટલાકે પોતાના મનમાં કહ્યું કે, “એ દુર્ભાષણ કરે છે.” 4 ઈસુએ તેઓના વિચાર જાણીને કહ્યું કે, “તમે તમારા મનમાં શા માટે દુષ્ટ વિચાર કરો છો? 5 કેમ કે એ બેમાંનું વધારે સહેલું કયું છે, એમ કહેવું કે ‘તારાં પાપ તને માફ થયાં છે,’ અથવા એમ કહેવું કે ‘ઊઠીને ચાલ્યો જા?’ 6 પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે, એ તમે જાણો,” તેથી ઈસુએ લકવાગ્રસ્ત માણસને કહ્યું કે “ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘરે ચાલ્યો જા.” 7 અને તે ઊઠીને પોતાને ઘરે ગયો. 8 તે જોઈને લોકો આશ્ચર્યચકિત થયા, અને ઈશ્વરે માણસોને એવો અધિકાર આપ્યો છે, એ માટે તેઓએ તેમનો મહિમા કર્યો. માથ્થીનું શિષ્ય તરીકે તેડું માર્ક 2:13-17 ; લૂક 5:27-32 9 ઈસુએ ત્યાંથી જતા માથ્થી નામના એક માણસને જકાત લેવાની ચોકી પર બેઠેલો જોયો; તેમણે તેને કહ્યું કે, ‘તું મારી પાછળ આવ.’ ત્યારે તે ઊઠીને તેમની પાછળ ગયો. 10 ત્યાર પછી એમ થયું કે, ઈસુ માથ્થીના ઘરે જમવા બેઠા ત્યારે જુઓ, ઘણાં જકાત લેનારાઓ તથા પાપીઓ આવીને ઈસુની તથા તેમના શિષ્યોની સાથે બેઠા. 11 ફરોશીઓએ એ જોઈને તેમના શિષ્યોને કહ્યું કે, “તમારો ઉપદેશક દાણીઓની તથા પાપીઓની સાથે કેમ ખાય છે?” 12 ઈસુએ એ સાંભળીને તેઓને કહ્યું કે, “જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ બિમાર છે તેઓને છે. 13 પણ, ‘બલિદાન કરતાં હું દયા ચાહું છું,’ એનો શો અર્થ છે, તે જઈને શીખો; કેમ કે ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું.” ઉપવાસ સંબંધી પ્રશ્ન માર્ક 2:18-22 ; લૂક 5:33-39 14 ત્યારે યોહાનના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે “અમે તથા ફરોશીઓ ઘણીવાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી. એનું કારણ શું?” 15 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “જ્યાં સુધી વરરાજા જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી શું તેઓ શોક કરી શકે છે? પણ એવા દિવસો આવશે કે વરરાજા તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે. 16 વળી નવા વસ્ત્રોનું થીંગડું જૂના વસ્ત્રોમાં કોઈ મારતું નથી, કેમ કે તે થીંગડાથી તે વસ્ત્રો ખેંચાય છે, અને તે વધારે ફાટી જાય છે. 17 વળી નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી; જો ભરે તો મશકો ફાટી જાય છે, દ્રાક્ષારસ ઢોળાઈ જાય છે, અને મશકોનો નાશ થાય છે. પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે, જેથી બન્નેનું રક્ષણ થાય છે.” અધિકારીની દીકરી સાજી કરાઈ, ઈસુના ઝભ્ભાની કોરને અડકનાર સાજી થઈ માર્ક 5:21-43 ; લૂક 8:40-56 18 ઈસુ તેઓને આ વાત કહેતાં હતા, ત્યારે જુઓ, એક અધિકારી આવીને તેમને પગે પડીને કહ્યું કે, “મારી દીકરી હમણાં જ મૃત્યુ પામી છે, પણ તમે આવીને તમારો હાથ તેના પર મૂકો એટલે તે જીવતી થશે.” 19 ત્યારે ઈસુ ઊઠીને પોતાના શિષ્યો સહિત તેની પાછળ ગયા. 20 ત્યારે જુઓ, એક સ્ત્રી જેને બાર વર્ષથી સખત લોહીવા હતો, તે ઈસુની પાછળ આવીને તેમના વસ્ત્રોની કોરને અડકી; 21 કેમ કે તેણે પોતાના મનમાં વિચાર્યું કે, “જો હું માત્ર તેમના વસ્ત્રને અડકું તો હું સાજી થઈ જઈશ.” 22 ત્યારે ઈસુએ પાછા ફરીને તથા તેને જોઈને કહ્યું કે, “દીકરી, હિંમત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે;” અને તે સ્ત્રી તે જ ઘડીથી સાજી થઈ. 23 પછી જયારે ઈસુએ તે અધિકારીના ઘરમાં આવીને વાંસળી વગાડનારાઓને તથા લોકોને કકળાટ કરતા જોયા; 24 ત્યારે તેમણે કહ્યું કે, “અહીંથી ચાલ્યા જાઓ; કેમ કે છોકરી મરી ગઈ નથી, પણ ઊંઘે છે.” અને તેઓએ ઈસુની વાતને મજાકમાં કાઢી. 25 લોકોને બહાર કાઢ્યાં પછી, તેમણે અંદર જઈને તેનો હાથ પકડ્યો; અને તે છોકરી ઊઠી. 26 તે વાતની ચર્ચા આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ. ઈસુ આંધળાઓને દ્રષ્ટિ આપે છે 27 ઈસુ ત્યાંથી જતા હતા, તેવામાં બે અંધજનોએ તેમની પાછળ જઈને બૂમ પાડતાં કહ્યું કે, “ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કરો!” 28 ઈસુ ઘરમાં આવ્યા, ત્યારે તે અંધજનો તેમની પાસે આવ્યા. ઈસુએ તેઓને કહ્યું છે કે, “હું એ કરી શકું છું એવો તમને વિશ્વાસ છે શું?” તેઓ તેમને કહ્યું કે, ‘હા પ્રભુ.’” 29 ત્યારે ઈસુએ તેઓની આંખોને અડકીને કહ્યું કે, “તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ.” 30 તે જ સમયે તેઓની આંખો ઊઘડી ગઈ. પછી ઈસુએ તેઓને કડક આજ્ઞા આપીને કહ્યું કે, “જોજો, કોઈ આ વિષે જાણે નહિ.” 31 પણ તેઓએ બહાર જઈને આખા દેશમાં તેમની કીર્તિ ફેલાવી. ઈસુ એક મૂંગાને સાજો કરે છે 32 તેઓ બહાર ગયા ત્યારે જુઓ, દુષ્ટાત્મા વળગેલાં એક મૂંગા માણસને લોકો તેમની પાસે લાવ્યા. 33 દુષ્ટાત્મા કાઢવામાં આવ્યો ત્યારે તે મૂંગો માણસ બોલ્યો અને લોકોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, “ઇઝરાયલમાં આવું કદી જોવામાં આવ્યું નથી!” 34 પણ ફરોશીઓએ કહ્યું કે, “તે દુષ્ટાત્માઓનાં સરદારથી જ દુષ્ટાત્માઓ કાઢે છે.” ઈસુને લોકો પર દયા આવી 35 ઈસુ તેઓનાં સભાસ્થાનોમાં બોધ કરતા, રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા, દરેક પ્રકારનો રોગ તથા દરેક પ્રકારની બીમારી મટાડતા; સઘળાં નગરોમાં તથા ગામોમાં ફરતા ગયા. 36 લોકોને જોઈને તેમને તેઓ પર અનુકંપા આવી, કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન તથા નિરાધાર હતા. 37 ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. 38 એ માટે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે, તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે.” |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.