Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માથ્થી 27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019


ઈસુ પિલાતની સમક્ષ
માર્ક 15:1 ; લૂક 23:1-2 ; યોહ. 18:28-32

1 હવે સવાર થઈ, ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેની વિરુદ્ધ કાવતરું કર્યું.

2 પછી તેઓએ ઈસુને બાંધ્યા અને તેમને લઈ જઈને પિલાત રાજ્યપાલને સોંપ્યાં.


યહૂદાનો આપઘાત
પ્રે.કૃ. 1:18-19

3 જયારે યહૂદાએ, જેણે તેમને પરાધીન કર્યાં હતા તેણે જોયું કે ઈસુને અપરાધી ઠરાવાયા છે, ત્યારે તેને ખેદ થયો, અને તેણે ચાંદીના ત્રીસ સિક્કા મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને કહ્યું કે,

4 “નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે.” ત્યારે તેઓએ કહ્યું કે, “તેમાં અમારે શું? તે તારી ચિંતા છે.”

5 પછી સિક્કાઓ ભક્તિસ્થાનમાં ફેંકી દઈને તે ગયો; અને જઈને ગળે ફાંસો ખાધો.

6 મુખ્ય યાજકોએ તે રૂપિયા લઈને કહ્યું કે, “એ લોહીનું મૂલ્ય છે માટે ભંડારમાં મૂકવા ઉચિત નથી.”

7 તેઓએ ચર્ચા કરીને પરદેશીઓને દફનાવવા સારું એ રૂપિયાથી કુંભારનું ખેતર વેચાતું લીધું.

8 તે માટે આજ સુધી તે ખેતર ‘લોહીનું ખેતર’ કહેવાય છે.

9 ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે, “જેનું મૂલ્ય ઇઝરાયલપુત્રોએ તેના જીવન માટે ઠરાવ્યું હતું, તે ચાંદીના ત્રીસ સિક્કા તેઓએ લીધા,

10 અને જેમ પ્રભુએ મને હુકમ કર્યો, તેમ કુંભારના ખેતરને માટે આપ્યા.”


પિલાત ઈસુને પ્રશ્નો પૂછે છે
માર્ક 15:2-5 ; લૂક 23:3-5 ; યોહ. 18:33-38

11 અને ઈસુ રાજ્યપાલની આગળ ઊભા રહ્યા અને રાજ્યપાલે તેમને પૂછ્યું કે, “શું તું યહૂદીઓનો રાજા છે?” ઈસુએ તેને કહ્યું કે, “તું પોતે કહે છે.”

12 મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમના પર આરોપ મૂક્યો છતાં તેમણે કંઈ ઉત્તર આપ્યો નહિ.

13 ત્યારે પિલાતે તેમને કહ્યું કે, “તારી વિરુદ્ધ તેઓ કેટલા આરોપો મૂકે છે એ શું તું નથી સાંભળતો?”

14 ઈસુએ તેને એક પણ શબ્દનો ઉત્તર આપ્યો નહિ તેથી રાજ્યપાલને ઘણું આશ્ચર્ય લાગ્યું.


ઈસુને મૃત્યુની સજા
માર્ક 15:6-15 ; લૂક 23:13-15 ; યોહ. 18:39-19:16

15 હવે પર્વમાં રાજ્યપાલનો એક રિવાજ હતો કે જે એક બંદીવાનને લોકો માગે, તેને તેઓને માટે છોડી દેતો હતો.

16 તે વખતે બરાબાસ નામનો એક પ્રખ્યાત બંદીવાન હતો.

17 તેથી તેઓ એકઠા થયા પછી પિલાતે તેઓને કહ્યું કે, “હું તમારે માટે કોને છોડી દઉં, તે વિષે તમારી શી મરજી છે? બરાબાસને, કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને?”

18 કેમ કે તે જાણતો હતો કે તેઓએ અદેખાઇના કારણે ઈસુને સોંપ્યો હતો.

19 જયારે તે ન્યાયાસન પર બેઠો હતો, ત્યારે તેની પત્નીએ તેને કહેવડાવ્યું કે, “તે નિર્દોષ માણસને તું કંઈ કરતો નહિ, કેમ કે આજ મને સ્વપ્નમાં તેને લીધે ઘણું દુઃખ થયું છે.”

20 હવે મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યાં, કે તેઓ બરાબાસને માગે અને ઈસુને મારી નંખાવે.

21 પણ રાજ્યપાલે તેઓને કહ્યું કે, “તે બેમાંથી હું કોને તમારે માટે છોડી દઉં, તમારી શી મરજી છે?” તેઓને કહ્યું કે ‘બરાબાસને.’

22 પિલાતે તેઓને કહ્યું કે, “તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું?” સઘળાંએ તેને કહ્યું કે, ‘તેને વધસ્તંભે જડાવો.’”

23 ત્યારે તેણે કહ્યું, “શા માટે? તેણે શો અપરાધ કર્યો છે?” પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે, ‘તેને વધસ્તંભે જડાવો.’

24 જયારે પિલાતે જોયું કે તે કંઈ કરી શકે તેમ નથી, પણ તેને બદલે વધારે ગડબડ થાય છે, ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે, “એ ન્યાયીના રક્ત સંબંધી હું નિર્દોષ છું; હવે એ તમારી ચિંતા છે.”

25 ત્યારે સર્વ લોકોએ ઉત્તર દેતાં કહ્યું કે, “એનું રક્ત અમારે માથે તથા અમારા સંતાનને માથે આવે.”

26 ત્યારે તેણે બરાબાસને તેઓને માટે છોડી દીધો, અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડાવા સારુ સોંપ્યો.


સિપાઈઓ ઈસુની મશ્કરી કરે છે
માર્ક 15:16-20 ; યોહ. 19:2-3

27 ત્યારે રાજ્યપાલના સિપાઈઓ ઈસુને મહેલમાં લઈ ગયા અને આખી પલટણ તેની આસપાસ એકઠી કરી.

28 પછી તેઓએ તેમના વસ્ત્રો ઉતારીને લાલ ઝભ્ભો પહેરાવ્યો.

29 તેમના માથા પર કાંટાનો મુગટ ગૂંથીને મૂક્યો, તેમના જમણાં હાથમાં સોટી આપી અને તેમની આગળ ઘૂંટણ ટેકીને તેમના ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે, “હે યહૂદીઓના રાજા, સલામ!”

30 પછી તેઓ તેમના પર થૂંક્યાં અને સોટી લઈને તેમના માથામાં મારી.

31 તેમની ઠઠ્ઠામશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમનો ઝભ્ભો ઉતારીને તેમના પોતાના જ વસ્ત્રો તેમને પહેરાવ્યાં અને વધસ્તંભે જડવાને તેઓ તેમને લઈ ગયા.


ઈસુને ક્રૂસે જડ્યાં
માર્ક 15:21-32 ; લૂક 23:26-43 ; યોહ. 19:17-27

32 તેઓ બહાર ગયા ત્યારે કુરેનીનો સિમોન નામે એક માણસ તેઓને મળ્યો, જેની પાસે તેઓએ તેમનો વધસ્તંભ બળજબરીપૂર્વક ઊંચકાવ્યો.

33 તેઓ ગલગથા એટલે કે, ‘ખોપરીની જગ્યા’ કહેવાય છે, ત્યાં પહોંચ્યા.

34 તેઓએ પિત્ત ભેળવેલો સરકો તેમને પીવાને આપ્યો, પણ ચાખ્યાં પછી તેમણે પીવાની ના પાડી.

35 ઈસુને વધસ્તંભે જડ્યાં પછી તેઓએ ચિઠ્ઠી નાખીને તેમના વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં;

36 અને તેઓએ ત્યાં બેસીને તેમની ચોકી કરી.

37 ‘ઈસુ જે યહૂદીઓનો રાજા, તે એ જ છે.’ એવું તેમના વિરુદ્ધનું આરોપનામું તેમના માથાની ઉપર મુકાવ્યું.

38 તેઓએ તેમની સાથે બે ચોરને વધસ્તંભે જડ્યાં, એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ.

39 પાસે થઈને જનારાંઓએ પોતાના માથાં હલાવતાં તથા તેમનું અપમાન કરતાં કહ્યું કે,

40 “અરે મંદિરને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર, તું પોતાને બચાવ; જો તું ઈશ્વરનો દીકરો છે તો વધસ્તંભ પરથી ઊતરી આવ.”

41 તે જ રીતે મુખ્ય યાજકોએ પણ શાસ્ત્રીઓ તથા વડીલો સાથે ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે,

42 “તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી નથી શક્તો; એ તો ઇઝરાયલનો રાજા છે, તે હમણાં જ વધસ્તંભ પરથી ઊતરી આવે, એટલે અમે તેના પર વિશ્વાસ કરીશું.

43 તે ઈશ્વર પર ભરોસો રાખે છે, જો તે તેમને ચાહતો હોય તો હમણાં તેને છોડાવે; કેમ કે તેણે કહ્યું હતું કે, ‘હું ઈશ્વરનો દીકરો છું.’”

44 જે ચોરોને તેમની સાથે વધસ્તંભે જડાવ્યાં હતા, તેઓએ પણ તેમની નિંદા કરી.


ઈસુનું મૃત્યુ
માર્ક 15:33-41 ; લૂક 23:44-49 ; યોહ. 19:28-30

45 બપોરના લગભગ બાર કલાકથી ત્રણ કલાક સુધી આખા દેશમાં અંધારપટ છવાયો.

46 આશરે ત્રણ કલાકે ઈસુએ ઊંચા અવાજે બૂમ પાડતાં કહ્યું કે, “એલી, એલી, લમા શબકથની?” એટલે, “ઓ મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને શા માટે છોડી દીધો?”

47 જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંથી કેટલાકે તે સાંભળીને કહ્યું કે, ‘તે એલિયાને બોલાવે છે.’”

48 તરત તેઓમાંથી એકે દોડીને વાદળી લઈને સરકાથી ભીંજવી અને લાકડીની ટોચે બાંધીને તેમને ચુસવા આપી.

49 પણ બીજાઓએ કહ્યું કે, “રહેવા દો, આપણે જોઈએ કે એલિયા તેમને બચાવવા આવે છે કે નહિ.”

50 પછી ઈસુએ બીજી વાર ઊંચે અવાજે બૂમ પાડીને પ્રાણ છોડ્યો.

51 ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, પૃથ્વી કાંપી, અને ખડકો ફાટ્યા.

52 કબરો ઊઘડી ગઈ અને ઘણાં મરણ પામેલા સંતોનાં શરીર ઊઠ્યાં.

53 અને ઈસુના પુનરુત્થાન પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા અને ઘણાંઓને દેખાયા.

54 ત્યારે શતપતિ તથા તેની સાથે જેટલાં ઈસુની ચોકી કરતાં હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ ગભરાતા કહ્યું કે, “ખરેખર એ ઈશ્વરના દીકરા હતા.”

55 ત્યાં ઘણી સ્ત્રીઓ, જેઓ ઈસુની સેવા કરતી ગાલીલથી તેમની પાછળ આવી હતી, તેઓ દૂરથી જોયા કરતી હતી.

56 તેઓમાં મગ્દલાની મરિયમ, યાકૂબની તથા યોસેની મા મરિયમ તથા ઝબદીના દીકરાઓની મા હતી.


ઈસુનું દફન
માર્ક 15:42-47 ; લૂક 23:50-56 ; યોહ. 19:38-42

57 સાંજ પડી ત્યારે યૂસફ નામે અરિમથાઈનો એક શ્રીમંત માણસ આવ્યો, જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો.

58 તેણે પિલાત પાસે જઈને ઈસુનું શબ માગ્યું, ત્યારે પિલાતે તે સોંપવાની આજ્ઞા આપી.

59 પછી યૂસફે શબ લઈને શણના સ્વચ્છ વસ્ત્રમાં તે વીંટાળ્યું,

60 અને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મૂક્યો; અને એક મોટો પથ્થર કબરના દ્વાર પર ગબડાવીને તે ચાલ્યો ગયો.

61 મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ ત્યાં કબરની સામે બેઠેલી હતી.


કબરની ચોકી

62 સિદ્ધીકરણને બીજે દિવસે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પિલાત પાસે એકઠા થયા.

63 તેઓએ કહ્યું કે, “સાહેબ, અમને યાદ છે કે, તે છેતરનાર જીવતો હતો ત્યારે કહેતો હતો કે, ‘ત્રણ દિવસ પછી હું પાછો ઊઠીશ.’

64 માટે ત્રણ દિવસ સુધી કબરની ચોકી રાખવાની આજ્ઞા કરો, રખેને તેના શિષ્યો આવીને તેને ચોરી જાય અને લોકોને કહે કે, મૂએલાંઓમાંથી તે જી ઊઠ્યો છે અને છેલ્લું કાવતરું પહેલીના કરતાં મોટું થશે.”

65 ત્યારે પિલાતે તેઓને કહ્યું કે, “આ ચોકીદારો લઈને જાઓ અને તમારાથી બની શકે તેવી તેની ચોકી રખાવો.”

66 તેથી તેઓ ગયા અને પથ્થરને મહોર મારીને તથા ચોકીદારો બેસાડીને કબરનો જાપ્તો રાખ્યો.

GUJ-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan