Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

લૂકની લખેલી સુવાર્તા 9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019


ઈસુ બાર પ્રેરિતોને મોકલે છે
માથ. 10:5-15 ; માર્ક 6:7-13

1 ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને તેઓને સઘળા દુષ્ટાત્માઓને તાબે કરવાની, તથા રોગો મટાડવાની શક્તિ અને અધિકાર આપ્યાં;

2 ઈશ્વરના રાજ્યની ઘોષણા તથા માંદાઓને સાજાં કરવા ઈસુએ તેઓને મોકલ્યા.

3 ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારી મુસાફરીને સારુ કંઈ લેતા નહિ; લાકડી, થેલી, રોટલી કે નાણાં, વળી બે જોડી વસ્ત્ર પણ લેશો નહિ.

4 જે ઘરમાં તમે જાઓ, ત્યાં જ રહો, અને ત્યાંથી જ બીજે સ્થળે જવા રવાના થજો.

5 તે શહેરમાંથી તમે નીકળો ત્યારે જેટલાંએ તમારો સત્કાર કર્યો ન હોય તેમની વિરુદ્ધ સાક્ષી તરીકે તમારા પગની ધૂળ ખંખેરી નાખજો.’”

6 અને શિષ્યો ત્યાંથી નીકળ્યા, અને ગામેગામ સુવાર્તાનો પ્રચાર કરતા અને બીમાર લોકોને સાજાં કરતા બધે ફરવા લાગ્યા.


હેરોદની મૂંઝવણ
માથ. 14:1-12 ; માર્ક 6:14-29

7 જે થયું તે સઘળું સાંભળીને હેરોદ રાજા બહુ મૂંઝવણમાં પડ્યો, કેમ કે કેટલાક એમ કહેતાં હતા કે, મૃત્યુ પામેલો યોહાન ફરી પાછો આવ્યો છે.’”

8 કેટલાક કહેતાં હતા કે, ‘એલિયા પ્રગટ થયો છે’; અને બીજાઓ કહેતાં હતા કે, ‘પ્રાચીન પ્રબોધકોમાંનો એક પાછો ઊઠ્યો છે.’”

9 હેરોદે કહ્યું કે, ‘યોહાનનું માથું મેં કાપી નંખાવ્યું; પણ આ કોણ છે કે જેને વિશે હું આવી બધી વાતો સાંભળું છું?’ અને હેરોદે ઈસુને જોવા માટે ઈચ્છા કરી.


પાંચ હજારને જમાડે છે
માથ. 14:13-21 ; માર્ક 6:30-44 ; યોહ. 6:1-14

10 પ્રેરિતોએ પાછા આવીને જે જે કર્યું હતું તે ઈસુને કહી સંભળાવ્યું. અને ઈસુ તેઓને સાથે લઈને બેથસાઈદા નામના શહેરમાં એકાંતમાં ગયા.

11 લોકોને ખબર પડતાં જ તેઓનાં ટોળેટોળાં તેમની પાછળ ગયા; અને ઈસુએ તેઓને આવકાર કરીને તેઓને ઈશ્વરના રાજ્ય વિશે સંદેશ કહ્યો, અને જેઓને સાજાં થવાની ગરજ હતી તેઓને સાજાં કર્યા.

12 દિવસ પૂરો થવા આવ્યો, ત્યારે બાર શિષ્યોએ આવીને ઈસુને કહ્યું કે, ‘લોકોને વિદાય કરો કે તેઓ આસપાસનાં ગામોમાં તથા પરાંમાં જઈને ઊતરે, અને ખાવાનું મેળવે; કેમ કે આપણે અહીં ઉજ્જડ જગ્યાએ છીએ.’”

13 ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે તેઓને ખાવાનું આપો.’ શિષ્યોએ કહ્યું કે, ‘અમારી પાસે તો જવની પાંચ રોટલી અને બે માછલી સિવાય બીજું કશું નથી. અમે જાતે જઈને આ લોકો માટે ખાવાનું ખરીદી લાવીએ તો જ તેમને આપી શકાય.’”

14 કેમ કે તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, આશરે પચાસ પચાસની પંગતમાં તેઓને બેસાડો.

15 શિષ્યોએ તે પ્રમાણે કર્યું, અને લોકોને બેસાડ્યા.

16 પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લઈને સ્વર્ગ તરફ જોઈને તેઓને માટે ઈશ્વરની સ્તુતિ કરી અને તેના ટુકડાં કરીને લોકોને પીરસવા માટે શિષ્યોને આપી.

17 તેઓ સર્વ જમ્યાં અને તૃપ્ત થયા; ભાણામાં વધી પડેલા ટુકડાંઓથી તેઓએ બાર ટોપલીઓ ભરી.


ઈસુ વિષે પિતરનો એકરાર
માથ. 16:13-19 ; માર્ક 8:27-29

18 એમ થયું કે ઈસુ એકાંતમાં પ્રાર્થના કરતા હતા, ત્યારે શિષ્યો તેમની સાથે હતા; ઈસુએ શિષ્યોને પૂછ્યું કે, ‘હું કોણ છું, તે વિષે લોકો શું કહે છે?’”

19 શિષ્યોએ ઉત્તર આપતાં કહ્યું કે, ‘યોહાન બાપ્તિસ્મા કરનાર, પણ કેટલાક કહે છે કે, એલિયા; અને બીજા કહે છે કે, ભૂતકાળના પ્રબોધકોમાંના એક પાછા સજીવન થયેલ પ્રબોધક.’”


ઈસુના મૃત્યુ અને દુઃખની પ્રથમ આગાહી
માથ. 16:20-28 ; માર્ક 8:30-9:1

20 ઈસુએ તેઓને કહ્યું કે, ‘પણ હું કોણ છું તે વિષે તમે શું કહો છો?’ પિતરે ઉત્તર આપતા કહ્યું કે, ‘ઈશ્વરના ખ્રિસ્ત.’”

21 પણ ઈસુએ તેઓને કડક આજ્ઞા આપી કે, ‘એ વાત કોઈને કહેશો નહિ.’”

22 વળી, ઈસુએ તેઓને કહ્યું કે, ‘માણસના દીકરાને ઘણું દુ:ખ સહેવું, વડીલોથી તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, મરવું, અને ત્રીજે દિવસે પાછા સજીવન થવું આવશ્યક છે.’”

23 ઈસુએ બધાને કહ્યું કે, ‘જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, અને રોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.

24 કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે.

25 જો કોઈ માણસ આખું ભૌતિક જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા તેને હાનિ પહોંચવા દે તો તેને શો લાભ?

26 કેમ કે જે કોઈ મારે લીધે તથા મારાં વચનોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો જયારે પોતે પોતાના તથા બાપના તથા પવિત્ર સ્વર્ગદૂતોનાં મહિમામાં આવશે ત્યારે શરમાશે.

27 હું તમને નિશ્ચે કહું છું કે, અહીં જે ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે જેઓ ઈશ્વરનું રાજ્ય જોશે ત્યાં સુધી મૃત્યુ પામશે નહિ.


ઈસુનું રૂપાંતર
માથ. 17:1-8 ; માર્ક 9:2-8

28 એ વચનો કહ્યાંને આશરે આઠ દિવસ પછી એમ થયું કે ઈસુ પિતર, યોહાન તથા યાકૂબને લઈને પ્રાર્થના કરવા માટે પહાડ ઉપર ગયા.

29 ઈસુ પોતે પ્રાર્થના કરતા હતા તે સમયે તેમના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું, અને તેમના વસ્ત્ર ઊજળાં તથા ચળકતાં થયાં.

30 અને, જુઓ, બે પુરુષ, એટલે મૂસા તથા એલિયા, તેમની સાથે વાત કરતા હતા.

31 તેઓ બન્ને મહિમાવાન દેખાતા હતા, અને ઈસુનું મૃત્યુ જે યરુશાલેમમાં થવાનું હતું તે સંબંધી વાત કરતા હતા.

32 હવે પિતર તથા જેઓ ઈસુની સાથે હતા તેઓ ઊંઘે ઘેરાયલા હતા; પણ જયારે તેઓ જાગ્રત થયા, ત્યારે તેઓએ ઈસુનો મહિમા જોયું અને પેલા બે પુરુષોને પણ જોયા.

33 તેઓ ઈસુની પાસેથી વિદાય થતાં હતાં, ત્યારે પિતરે ઈસુને કહ્યું કે, ગુરુ, અહીં રહેવું આપણે માટે સારું છે; તો અમે ત્રણ મંડપ બનાવીએ, એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાને માટે; પણ તે પોતે શું કહી રહ્યો છે તે સમજતો નહોતો.

34 તે એમ કહેતો હતો, એટલામાં એક વાદળું આવ્યું, અને તેઓ પર તેની છાયા પડી; અને તેઓ વાદળમાં પ્રવેશ્યા ત્યારે શિષ્યો ભયભીત થઈ ગયા.

35 વાદળામાંથી એવી વાણી થઈ કે, ‘આ મારો પસંદ કરેલો દીકરો છે; તેનું સાંભળો.’”

36 તે વાણી થઈ રહી, ત્યારે ઈસુ એકલા દેખાયા. અને તેઓ મૌન રહ્યા, અને જે જોયું હતું તેમાંનું કંઈ તેઓએ તે દિવસોમાં કોઈને કહ્યું નહિ.


દુષ્ટાત્મા વળગેલા છોકરાંને ઈસુ સાજો કરે છે
માથ. 17:14-18 ; માર્ક 9:14-27

37 બીજે દિવસે તેઓ પહાડ પરથી ઊતર્યા, ત્યારે ઘણાં લોકો ઈસુને મળ્યા.

38 અને, જુઓ, લોકો વચ્ચેથી એક માણસે બૂમો પાડીને કહ્યું કે, ‘ઉપદેશક, હું તમને વિનંતી કરું છું કે, મારા દીકરા પર દૃષ્ટિ કરો. કેમ કે તે મારો એકનો એક પુત્ર છે;

39 એક દુષ્ટાત્મા તેને વળગે છે, અને એકાએક તે બૂમ પાડે છે; અને તે તેને એવો મરડે છે કે તેને ફીણ આવે છે, અને તેને ઘણી ઈજા કરીને માંડમાંડ તેને જતો કરે છે.

40 તેને કાઢવાની મેં તમારા શિષ્યોને વિનંતી કરી, પણ તેઓ તેને કાઢી શક્યા નહિ.’”

41 ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, ‘ઓ અવિશ્વાસી તથા ભ્રષ્ટ પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ, અને તમારું સહન કરીશ? તારા દીકરાને અહીં લાવ.’”

42 તે આવતો હતો એટલામાં દુષ્ટાત્માએ તેને પછાડી નાખ્યો, અને તેને બહુ મરડ્યો પણ ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવ્યો, છોકરાંને સાજો કર્યો, અને તેને તેના બાપને પાછો સોંપ્યો.

43 ઈશ્વરના મહા પરાક્રમથી તેઓ બધા ચકિત થઈ ગયા. પણ ઈસુએ જે જે કર્યું તે સઘળું જોઈને બધા આશ્ચર્યમાં ડૂબેલા હતા.


પોતાના મૃત્યુની બીજી આગાહી
માથ. 17:22-23 ; માર્ક 9:30-32

44 ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, ‘આ વચનો તમારા મનમાં ઊતરવા દો; કેમ કે માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે.’”

45 પણ એ વચન તેઓ સમજ્યા નહિ, અને તેઓથી તે ગુપ્ત રખાયું, એ માટે કે તેઓ તે સમજે નહિ અને આ વચન સંબંધી ઈસુને પૂછતાં તેમને બીક લાગતી હતી.


સૌથી મોટું કોણ?
માથ. 18:1-5 ; માર્ક 9:33-37

46 શિષ્યોમાં ચર્ચા શરૂ થઈ કે, ‘આપણામાં સૌથી મોટો કોણ છે?’”

47 પણ ઈસુએ તેઓના મનના વિચાર જાણીને એક બાળકને લઈને તેને પોતાની પાસે ઊભું રાખ્યું,

48 ઈસુએ તેઓને કહ્યું કે, ‘જે કોઈ મારે નામે આ બાળકનો સ્વીકાર કરે છે, તે મારો સ્વીકાર કરે છે અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે મને મોકલનારનો સ્વીકાર કરે છે; કેમ કે તમારામાંનો જે વ્યક્તિ નાનામાં નાનું છે એ સૌથી મહાન છે.’”


તમારી વિરુદ્ધ નથી તે તમારી સાથે છે
માર્ક 9:38-40

49 યોહાને કહ્યું કે, ગુરુ, અમે એક માણસને તમારે નામે દુષ્ટાત્માઓ કાઢતાં જોયો; પણ તે અમારી સાથે આપનો અનુયાયી નહોતો એટલે અમે તેને મના કરી.’”

50 પણ ઈસુએ કહ્યું કે, ‘તેને મના ન કરો, કેમ કે જે તમારી વિરુદ્ધ નથી તે તમારા પક્ષનો છે.’”


એક સમરૂની ગામ ઈસુને આવકારતું નથી

51 એમ થયું કે ઈસુને ઉપર લઈ લેવાના દિવસો પૂરા થવા આવ્યા, ત્યારે તેમણે યરુશાલેમ જવાનો મક્કમ નિર્ણય કર્યો.

52 ઈસુએ પોતાની આગળ સંદેશવાહકો મોકલી આપ્યા, તેઓ તેમને માટે વ્યવસ્થા કરવા માટે સમરૂનીઓના એક ગામમાં ગયા.

53 પણ ઈસુ યરુશાલેમ જતા હતા એટલે ગામના લોકોએ તેમનો સ્વીકાર કર્યો નહિ.

54 તેમના શિષ્યો યાકૂબ તથા યોહાને એ જોઈને કહ્યું કે, ‘પ્રભુ, શું, તમારી એવી ઇચ્છા છે કે અમે આજ્ઞા કરીએ કે સ્વર્ગથી આગ પડીને તેઓનો નાશ કરે?’”

55 ઈસુએ પાછા ફરીને તેઓને ધમકાવ્યાં.

56 અને તેઓ બીજે ગામ ગયા.


ઈસુને અનુસરવાની ઇચ્છા
માથ. 8:19-22

57 તેઓ માર્ગે ચાલતા હતા, તેવામાં કોઈ એકે ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જ્યાં કહીં તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.’”

58 ઈસુએ તેને કહ્યું કે, ‘શિયાળોને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે; પણ માણસના દીકરાને માથું મૂકવાની જગ્યા નથી.’”

59 ઈસુએ બીજાને કહ્યું કે, ‘મારી પાછળ આવ.’ પણ તેણે કહ્યું કે, ‘પ્રભુ મને રજા આપ કે હું જઈને પહેલાં મારા પિતાને દફનાવીને આવું.’”

60 પણ તેમણે કહ્યું કે, ‘મરણ પામેલાંઓને પોતાનાં મરણ પામેલાંઓને દફનાવવા દો. પણ તું જઈને ઈશ્વરના રાજ્યની વાત પ્રગટ કર.’”

61 અને બીજાએ પણ કહ્યું કે, ‘હે પ્રભુ, હું તમારી પાછળ આવીશ; પણ પહેલાં જે મારે ઘરે છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપો.’”

62 પણ ઈસુએ તેને કહ્યું કે, ‘કોઈ માણસ હળ ઉપર હાથ મૂક્યા પછી પાછળ જુએ તો તે ઈશ્વરના રાજ્યને યોગ્ય નથી.’”

GUJ-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan