લૂકની લખેલી સુવાર્તા 8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019ઈસુને સેવા આપતી સ્ત્રીઓ 1 થોડા સમય પછી ઈસુએ શહેરેશહેર તથા ગામેગામ ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરી અને બાર શિષ્યો પણ તેમની સાથે હતા, 2 કેટલીક સ્ત્રીઓને દુષ્ટાત્માઓથી તથા રોગોથી સાજી કરવામાં આવી હતી, તેઓમાં જેનાંમાંથી સાત દુષ્ટાત્માઓને કાઢવામાં આવ્યા હતા તે મગ્દલાની મરિયમ, 3 હેરોદના કારભારી ખોઝાની પત્ની યોહાન્ના, સુસાન્ના તથા બીજી ઘણી સ્ત્રીઓ, જેઓ પોતાના નાણાં વાપરીને ઈસુની સેવા કરતી હતી તેઓ પણ તેમની સાથે હતી. વાવનારનું દ્રષ્ટાંત માથ. 13:1-9 ; માર્ક 4:1-9 4 જયારે ઘણાં લોકો એકઠા થયા, અને શહેરે શહેરના લોક તેમની પાસે આવ્યા, ત્યારે તેમણે દ્રષ્ટાંત કહ્યું કે, 5 ‘એક માણસ બીજ વાવવાને ગયો, વાવતાં વાવતાં કેટલાક બીજ માર્ગની કોરે પડ્યાં. તે પગ નીચે કચરાઈ ગયા અને આકાશના પક્ષીઓ તે બીજ ખાઈ ગયા. 6 બીજાં બીજ પથ્થરવાળી જમીન પર પડયાં અને ઊગ્યાં તેવા જ તે ચીમળાઈ ગયા, કારણ, ત્યાં ભેજ નહોતો. 7 કેટલાક બીજ કાંટાનાં જાળાંમાં પડ્યાં; અને કાંટાનાં જાળાંએ વધીને તેઓને દાબી નાખ્યાં. 8 વળી બીજાં બીજ સારી જમીનમાં પડ્યાં, તે ઊગ્યાં અને તેને સોગણો પાક થયો,’ એ વાતો કહેતાં ઈસુએ ઊંચા અવાજે કહ્યું કે, જેને સાંભળવાને કાન છે તે સાંભળે.’” દ્રષ્ટાંતનો હેતુ માથ. 13:10-17 ; માર્ક 4:10-12 9 તેમના શિષ્યોએ ઈસુને પૂછ્યું કે, ‘એ દ્રષ્ટાંતનો અર્થ શો છે?’” 10 ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરના રાજ્યના મર્મ જાણવાનું તમને આપેલું છે, પણ બીજાઓને દ્રષ્ટાંતોમાં, કે જેથી જોતાં તેઓ જુએ નહિ, ને સાંભળતાં તેઓ સમજે નહિ. ઈસુ દૃષ્ટાંતનો અર્થ સમજાવે છે માથ. 13:18-23 ; માર્ક 4:13-20 11 હવે દ્રષ્ટાંતનો અર્થ આ છે; બીજ તો ઈશ્વરનું વચન છે. 12 અને માર્ગની કોર પરનાં તો સાંભળનારાં માણસો છે; પછી શેતાન આવીને તેઓનાં મનમાંથી સંદેશ લઈ જાય છે, એ માટે કે તેઓ વિશ્વાસ ન કરે અને ઉદ્ધાર ન પામે. 13 પથ્થર પર પડેલાં બીજ તો એ છે કે, જેઓ સાંભળીને સંદેશને આનંદથી માની લે છે; અને તેઓને મૂળ કે આધાર ન હોવાથી, તેઓ થોડીવાર સુધી વિશ્વાસ કરે છે, પણ પરીક્ષણના સમયે પાછા હઠી જાય છે. 14 કાંટાઓમાં પડેલાં બી એ છે કે, જેઓએ સંદેશ સાંભળ્યો છે, પણ પોતાને માર્ગે ચાલતાં ભૌતિક જગતની ચિંતાઓ તથા દ્રવ્ય તથા વિલાસથી તે દબાઈ જાય છે, અને તેઓને પાકું ફળ આવતું નથી. 15 અને સારી જમીનમાં પડેલાં એ છે કે, જેઓ સંદેશો સાંભળીને પ્રમાણિક તથા સારાં હૃદયથી વાત ગ્રહણ કરે છે, અને ધીરજથી ફળ આપે છે. દીવો સળગાવીને ક્યાં મૂકવાનો? માર્ક 4:21-25 16 વળી કોઈ માણસ દીવો સળગાવીને તેને વાસણ નીચે ઢાંકતો નથી, અથવા ખાટલા નીચે મૂકતો નથી; પણ તેને દીવી પર મૂકે છે કે અંદર આવનારાઓને અજવાળું મળે. 17 કારણ કે, એવી કોઈ છૂપી વસ્તુ નથી કે તે ખુલ્લી નહિ થાય અને જણાશે નહિ, તથા ઉધાડું થશે નહિ, એવું કંઈ ગુપ્ત નથી. 18 માટે તમે કેવી રીતે સાંભળો છો તે વિષે સાવધાન રહો; કેમ કે જેની પાસે છે તેને અપાશે; અને જેની પાસે નથી તેની પાસેથી તેનું જે છે તે પણ લઈ લેવાશે.’” ઈસુનાં મા અને ભાઈઓ માથ. 12:46-50 ; માર્ક 3:31-35 19 ઈસુનાં મા તથા ભાઈઓ તેમની પાસે આવ્યાં, પણ લોકોની ભીડને લીધે તેઓ તેમની પાસે જઈ શક્યા નહિ. 20 અને ઈસુને કોઈએ ખબર આપી કે, ‘તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા રહ્યાં છે, અને તમને મળવા માગે છે.’” 21 પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, ‘આ જેઓ ઈશ્વરનાં વચનને સાંભળે છે તથા પાળે છે તેઓ મારાં મા તથા ભાઈઓ છે.’” ઈસુ તોફાન શાંત પાડે છે માથ. 8:23-27 ; માર્ક 4:35-41 22 એક દિવસે એમ થયું કે, ઈસુ પોતાના શિષ્યોની સાથે હોડીમાં બેઠા; ત્યારે ઈસુએ શિષ્યોને કહ્યું કે, ‘આપણે સરોવરને સામે પાર જઈએ;’ અને તેઓ નીકળ્યા. 23 અને તેઓ હંકારતા હતા એટલામાં ઈસુ ઊંધી ગયા; અને સરોવર પર પવનનું ભારે તોફાન આવ્યું; પાણીથી હોડી ભરાઈ જવા લાગી, ને તેઓ જોખમમાં આવી પડ્યા. 24 એટલે શિષ્યો ઈસુ પાસે આવ્યા, અને તેમને જગાડીને કહ્યું કે, ‘ગુરુજી ગુરુજી, અમે નાશ પામીએ છીએ!’ ત્યારે તેમણે ઊભા થઈને પવનને તથા પાણીનાં મોજાંને ધમકાવ્યાં, એટલે તોફાન બંધ થયું અને શાંતિ થઈ. 25 ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારો વિશ્વાસ ક્યાં છે?’ તેઓ ભયથી આશ્ચર્ય પામ્યા અને એકબીજાને કહેવા લાગ્યા કે, ‘આ તે કોણ છે કે પવનને તથા પાણીને પણ આજ્ઞા કરે છે અને તે તેમનું માને છે?’” ઈસુ દુષ્ટાત્મા વળગેલાને સાજો કરે છે માથ. 8:28-34 ; માર્ક 5:1-20 26 ગાલીલને પેલે પાર આવેલા ગેરાસાનીઓના દેશમાં તેઓ પહોંચ્યા. 27 પછી ઈસુ કિનારે ઊતર્યા, ત્યારે શહેરમાંથી એક માણસ તેમની સામે આવ્યો. તેને દુષ્ટાત્માઓ વળગેલો હતો; ઘણાં સમયથી તે પોતાનાં વસ્ત્રો પહેરતો ન હતો. અને ઘરમાં નહિ, પણ કબરોમાં રહેતો હતો. 28 તેણે ઈસુને જોયા ત્યારે તે બૂમ પાડીને તેમની આગળ પડ્યો અને મોટે ઘાંટે કહ્યું કે, ‘ઓ ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે અને તમારે શું છે? હું તમને વિનંતી કરું છું કે મને પીડા ન દો.’” 29 કારણ કે ઈસુએ અશુદ્ધ આત્માને તે માણસમાંથી બહાર નીકળવાની આજ્ઞા કરી હતી. એ દુષ્ટાત્મા તે માણસને વારંવાર વળગ્યા કરતો હતો; અને તેઓ તેને સાંકળોથી તથા બેડીઓથી બાંધતા, પણ તે બંધનો તોડી નાખતો અને દુષ્ટાત્મા તેને જંગલમાં લઈ જતો હતો. 30 ઈસુએ તેને પૂછ્યું કે, ‘તારું નામ શું છે?’ તેણે કહ્યું કે, ‘સેના,’ કેમ કે તેનામાં ઘણાં દુષ્ટાત્માઓ હતાં. 31 દુષ્ટાત્માઓએ ઈસુને વિનંતી કરી કે, ‘અમને નીકળીને અનંતઊંડાણમાં જવાનો હુકમ ન કરો.’” 32 હવે ત્યાં ઘણાં ભૂંડોનું ટોળું પર્વતની બાજુ પર ચરતું હતું; અને તેઓએ તેમને વિનંતી કરી કે, અમને ‘તેઓમાં પેસવાની રજા આપો.’ ઈસુએ તેઓને રજા આપી. 33 દુષ્ટાત્માઓ તે માણસમાંથી નીકળીને ભૂંડોમાં ગયાં; અને ટોળું ટેકરા ઉપરથી સમુદ્રમાં પડી ગયું અને ડૂબી મર્યું. 34 જે થયું તે જોઈને ભૂંડ ચરાવનારા ભાગ્યા, અને શહેરમાં તથા ગામડાંઓમાં જઈને તે વિષે ખબર આપી. 35 જે થયું તે જોવા સારુ લોકો નીકળ્યા, અને ઈસુની પાસે આવ્યા; ત્યારે જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળ્યાં હતાં તેને તેઓએ વસ્ત્ર પહેરેલો તથા હોશમાં આવેલો ઈસુના પગ આગળ બેઠેલો જોયો; અને તેઓ ભયભીત થયા. 36 દુષ્ટાત્મા વળગેલો માણસ શી રીતે સાજો થયો, તે જેઓએ જોયું હતું તેઓએ તેમને કહી જણાવ્યું. 37 ગેરાસાનીઓની આસપાસના દેશમાં સર્વ લોકોએ ઈસુને વિનંતી કરી કે, ‘અમારી પાસેથી ચાલ્યા જાઓ.’ તેઓ ખૂબ ડરી ગયા હતા. પછી હોડીમાં બેસીને તે પાછા ગયા. 38 પણ જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળ્યા હતા તેણે તેમની સાથે રહેવા સારુ વિનંતી કરી; પણ ઈસુએ તેને વિદાય કરતાં કહ્યું કે, 39 ‘તારે ઘરે પાછો જા, અને ઈશ્વરે તારે માટે કેવાં મોટાં કામ કર્યાં છે તે કહી જણાવ.’ અને તેણે જઈને ઈસુએ કેવાં મોટાં કામ તેને સારુ કર્યા હતાં, તે આખા શહેરમાં કહી જણાવ્યું. યાઈરસની દીકરી તેમ જ લોહીવા વાળી સ્ત્રી માથ. 9:18-26 ; માર્ક 5:21-43 40 ઈસુ પાછા આવ્યા, ત્યારે લોકોએ તેમનો આવકાર કર્યો; કેમ કે બધા ઈસુની રાહ જોતાં હતા. 41 જુઓ, યાઈરસ નામે એક માણસ આવ્યો, અને તે સભાસ્થાનનો અધિકારી હતો; અને તેણે ઈસુને પગે પડીને તેને વિનંતી કરી કે, ‘મારે ઘરે પધારો.’” 42 કેમ કે તેને આશરે બાર વર્ષની એકની એક દીકરી હતી અને તે મરવાની અણી પર હતી. ઈસુ જતા હતા તે દરમિયાન ઘણાં લોકોએ તેમના પર પડાપડી કરી. 43 એક સ્ત્રીને બાર વર્ષથી લોહીવાનો રોગ થયો હતો, અને તેણે પોતાનાં બધાં નાણાં વૈદો પાછળ ખરચી નાખ્યાં હતાં પણ કોઈ તેનો રોગ મટાડી શક્યા ન હતા. 44 તે ઈસુની પાછળ આવીને તેમના ઝભ્ભાની કોરને સ્પર્શી, અને તરત તેનો લોહીવા બંધ થયો. 45 ઈસુએ કહ્યું કે, ‘મને કોણે સ્પર્શ કર્યો? અને બધાએ ના પાડી, ત્યારે પિતર તથા જે તેની સાથે હતા તેઓએ કહ્યું કે, ‘ગુરુ, ઘણાં લોકો તમારા ઉપર પડાપડી કરે છે, અને તમને દબાવી દે છે.’” 46 પણ ઈસુએ કહ્યું કે, ‘કોઈ મને અડક્યું ખરું; કેમ કે મારામાંથી પરાક્રમ નીકળ્યું એવી મને ખબર પડી.’” 47 જયારે તે સ્ત્રીએ જાણ્યું કે હું છૂપી રહી શકી નહિ, ત્યારે તે ધ્રૂજતી ધ્રૂજતી આવી, અને તેમને પગે પડીને શા કારણથી તેણે તેમને સ્પર્શ કર્યો હતો અને શી રીતે તરત સાજી થઈ હતી, તે તેણે બધા લોકોની આગળ ઈસુને કહી સંભળાવ્યું. 48 ઈસુએ તેને કહ્યું કે, ‘દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિએ જા.’” 49 ઈસુ હજી બોલતા હતા એટલામાં સભાસ્થાનના અધિકારીને ત્યાંથી એક માણસે આવીને તેને કહ્યું કે, ‘તારી દીકરી મરી ગઈ છે, ગુરુને તસ્દી ન આપીશ.’” 50 પણ તે સાંભળીને ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘ગભરાઈશ નહિ, માત્ર વિશ્વાસ કર, અને તારી દીકરી સાજી થશે.’” 51 ઈસુ ઘરમાં પહોંચ્યા, ત્યારે પિતર, યાકૂબ, યોહાન, અને છોકરીનાં માબાપ સિવાય ઈસુએ કોઈને પોતાની સાથે આવવા દીધાં નહિ. 52 ત્યાં બધાં લોકો છોકરી પાછળ રડતાં તથા વિલાપ કરતાં હતાં; પણ ઈસુએ કહ્યું કે, રડશો નહિ; તે મરી ગઈ નથી, પણ ઊંઘે છે. 53 તે મરી ગઈ છે એમ જાણીને તેઓએ ઈસુને હસી કાઢ્યાં. 54 પણ ઈસુએ તેનો હાથ પકડીને મોટે અવાજે કહ્યું કે, ‘દીકરી, ઊઠ.’” 55 અને તેનો આત્મા પાછો આવ્યો, અને તે તરત ઊભી થઈ. અને ઈસુએ તે છોકરીને ખાવાનું આપવાનો હુકમ કર્યો. 56 તેનાં માબાપ આશ્ચર્યચકિત થયાં; પણ તેણે તેઓને તાકીદ કરી કે, ‘જે થયું તે વિષે કોઈને કશું કહેશો નહિ.’” |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.