Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

લૂકની લખેલી સુવાર્તા 12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019


દંભ સામે ચેતવણી
માથ. 10:26-27

1 એટલામાં હજારો લોકો એકઠા થયા, એટલે સુધી કે તેઓ એકબીજા પર પડાપડી કરતા હતા. ત્યારે સૌથી પહેલાં તે પોતાના શિષ્યોને કહેવા લાગ્યા કે, ‘ફરોશીઓના ખમીરથી સાવધાન રહો, કે જે ઢોંગ છે.

2 પણ પ્રગટ નહિ કરાશે એવું કશું ઢંકાયેલું નથી; અને જાણવામાં ન આવે એવું કંઈ ગુપ્ત નથી.

3 માટે જે કંઈ તમે અંધકારમાં કહ્યું છે તે અજવાળામાં સંભળાશે; અને ઓરડીમાં જે કંઈ તમે કાનમાં કહ્યું હશે તે ધાબાઓ પર પ્રગટ કરાશે.


કોનાથી બીવું?
માથ. 10:28-41

4 મારા મિત્રો, હું તમને કહું છું કે, જેઓ શરીરને મારી નાખે, અને ત્યાર પછી બીજું કંઈ ન કરી શકે, તેમનાંથી ડરશો નહિ.

5 પણ તમારે કોનાથી બીવું તે વિષે હું તમને જણાવું છું; કે ‘મારી નાખ્યા પછી નર્કમાં નાખી દેવાનો જેમને અધિકાર છે તે ઈશ્વરથી તમે ડરજો; હા, હું તમને કહું છું કે, તેમની બીક રાખજો.

6 શું પાંચ ચકલી બે પૈસે વેચાતી નથી? પણ ઈશ્વર પોતાની દ્રષ્ટિમાં તેઓમાંની એકને પણ ભૂલતા નથી.

7 તમારા માથાના બધા જ વાળ ગણેલા છે. બીશો નહિ. ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.


ઈસુ બાબતે એકરાર કે ઇન્કાર
માથ. 10:32-33 ; 12:32 ; 10:19-20

8 હું તમને કહું છું કે, માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને ઈશ્વરના સ્વર્ગદૂતો આગળ માણસનો દીકરો પણ કબૂલ કરશે.

9 પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે તેનો નકાર ઈશ્વરના સ્વર્ગદૂતોની આગળ કરવામાં આવશે.

10 જે કોઈ માણસના દીકરાની વિરુદ્ધ વાત બોલશે, તેને તે માફ કરવામાં આવશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ કોઈ દુર્ભાષણ કરે તો તેને તે માફ કરવામાં આવશે નહિ.

11 જયારે તેઓ તમને સભાસ્થાનોમાં તથા રાજકર્તાઓ તથા અધિકારીઓ આગળ લઈ જશે, ત્યારે અમારે કેવી રીતે અથવા શો ઉત્તર આપવો, અથવા અમારે શું કહેવું, તે વિષે ચિંતા ન કરો;

12 કેમ કે તમારે જે કહેવું જોઈએ તે તેજ ઘડીએ પવિત્ર આત્મા તમને શીખવશે.


મૂર્ખ ધનવાનનું દ્રષ્ટાંત

13 લોકોમાંથી એક જણે તેને કહ્યું કે, ‘ગુરુ, મારા ભાઈને કહે કે તે વારસાનો ભાગ મને આપે.’”

14 ઈસુએ કહ્યું કે, ‘ઓ માણસ, મને તમારા પર ન્યાયાધીશ કોણે ઠરાવ્યો?’”

15 પછી ઈસુએ તેઓને કહ્યું કે, ‘સાવધાન રહો, અને બધા લોભથી પોતાને દૂર રાખો; કેમ કે કોઈનું જીવન તેની મિલકતની પુષ્કળતામાં હોતું નથી.’”

16 ઈસુએ તેઓને એવું દ્રષ્ટાંત કહ્યું કે, એક ધનવાન માણસની જમીનમાંથી ઘણી ઊપજ થઈ;

17 તેણે મનમાં એવો વિચાર કર્યો કે, હું શું કરું? કેમ કે મારી ઊપજ ભરી મૂકવાને મારી પાસે જગ્યા નથી.

18 તેણે કહ્યું કે, હું આમ કરીશ; મારી વખારોને હું પાડી નાખીશ, અને તે કરતાં હું મોટી બંધાવીશ; અને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલમિલકત હું ભરી મૂકીશ.

19 હું મારા જીવને કહીશ કે, ઓ જીવ, ઘણાં વર્ષને માટે ઘણી માલમિલકત તારે સારુ રાખી મૂકેલી છે; આરામ લે, ખા, પી, આનંદ કર.

20 પણ ઈશ્વરે તેને કહ્યું કે, ઓ મૂર્ખ, આ રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે; ત્યારે જે વસ્તુઓ તે સિદ્ધ કરી છે તે કોની થશે?

21 જે પોતાને સારુ દ્રવ્યો સંગ્રહ કરે છે, અને ઈશ્વર પ્રત્યે ધનવાન નથી, તે તેવો જ છે.


ચિંતા ના કરો
માથ. 6:25-34

22 ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારુ ચિંતા ન કરો કે અમે શું ખાઈશું, તથા તમારા શરીરને સારુ પણ ન કરો, કે અમે શું પહેરીશું.

23 કેમ કે ખોરાક કરતા જીવ, અને વસ્ત્ર કરતા શરીર, અધિક છે.

24 કાગડાઓનો વિચાર કરો; તેઓ તો વાવતા નથી અને કાપતા નથી; તેઓની પાસે વખાર કે કોઠાર નથી; તોપણ ઈશ્વર તેઓનું પોષણ કરે છે; પક્ષીઓ કરતા તમે કેટલા વિશેષ મૂલ્યવાન છો!

25 ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના જીવનકાળનો એકાદ પળનો વધારો શકો છે?

26 માટે જે સૌથી નાનું કામ તે જો તમે કરી નથી શકતા, તો બીજાં વિષે તમે કેમ ચિંતા કરો છો?

27 ફૂલઝાડોનો વિચાર કરો; તેઓ કેવાં વધે છે; તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંતતાં પણ નથી; તોપણ હું તમને કહું છું કે, સુલેમાન પણ પોતાના સઘળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો.

28 એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તે તમને પહેરાવશે, એ કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?

29 અમે શું ખાઈશું કે શું પીશું, એની શોધ ન કરો, અને એમ કહેતાં ચિંતા ન કરો.

30 કેમ કે દુનિયાના લોકો તે સઘળા વાનાં શોધે છે; પણ તમારો પિતા જાણે છે કે તે વાનાંની તમને અગત્ય છે.

31 પરંતુ તમે ઈશ્વરનું રાજ્ય શોધો; અને એ વાનાં પણ તમને અપાશે.

32 ઓ નાની ટોળી, ડરશો નહિ; કેમ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે.


આકાશમાં અખૂટ દ્રવ્ય
માથ. 6:19-21

33 તમારી પાસે જે છે તે વેચીને દાનધર્મ કરો; જીર્ણ નહિ થાય એવી થેલીઓ, એટલે સ્વર્ગમાં દ્રવ્ય, પોતાને સારુ મેળવો જે સદાને માટે રહેશે; કે જ્યાં ચોર આવતો નથી, અને કીડો ખાઈ જતો નથી.

34 કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.


જાગતા રહો

35 તમારી કમરો બાંધેલી તથા તમારો દીવો સળગેલો રાખો;

36 અને જે માણસો પોતાનો માલિક લગ્નમાંથી ક્યારે પાછો આવે તેની વાટ જુએ છે, એ માટે કે તે આવીને ખટખટાવે કે તત્કાળ તેઓ તેને સારુ દ્વાર ઉધાડે, તેઓના જેવો તમે થાઓ.

37 જે દાસોને માલિક આવીને જાગતા જોશે તેઓ આશીર્વાદિત છે; હું તમને નિશ્ચે કહું છું કે, તે પોતાની કમર બાંધીને તેઓને જમવા બેસાડશે, અને આવીને તેઓની સેવા કરશે.

38 જો તે મધરાત પછી મોડેથી આવે, અને તેઓને એમ કરતાં જુએ, તો તે દાસો આશીર્વાદિત છે.

39 પણ આટલું સમજો કે ઘરનો માલિક જાણતો હોત કે, કઈ ઘડીએ ચોર આવશે, તો તે જાગતો રહેત, ને પોતાના ઘરમાં ચોરી થવા ન દેત.

40 તમે પણ તૈયાર રહો; કેમ કે તમારા ધારવામાં નહિ હોય તે ઘડીએ માણસનો દીકરો આવશે.


વિશ્વાસુ અને અવિશ્વાસુ ચાકર
માથ. 24:45-51

41 પિતરે કહ્યું કે, ‘પ્રભુ, તમે આ દ્રષ્ટાંત અમને, કે સર્વને કહો છો?’”

42 પ્રભુએ કહ્યું કે, જેને તેનો માલિક પોતાના ઘરનાંઓને યોગ્ય સમયે અન્ન આપવા સારુ પોતાના ઘર પર ઠરાવશે એવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન કારભારી કોણ છે?

43 જે ચાકરને તેનો માલિક એમ કરતો જોશે તે આશીર્વાદિત છે.

44 હું તમને સાચું કહું છું કે, તે પોતાની સર્વ માલમિલકત પર તેને કારભારી ઠરાવશે.

45 પણ જો તે દાસ પોતાના મનમાં કહેશે કે મારો માલિક આવતાં વાર લગાડે છે, અને દાસોને તથા દાસીઓને મરવા લાગશે, અને ખાવાપીવા અને છાકટો થવા લાગશે;

46 તો જે દહાડે તે વાટ જોતો નથી, ને જે ઘડી તે જાણતો નથી, તેવામાં તે દાસનો માલિક આવશે, અને તેને કાપી નાખશે, અને તેનો ભાગ અવિશ્વાસીઓની સાથે ઠરાવશે.

47 જે દાસ પોતાના માલિકની ઇચ્છા જાણ્યાં છતાં પોતે સિદ્ધ થયો નહિ હોય, અને તેની ઇચ્છા પ્રમાણે વર્ત્યો નહિ હોય, તે ઘણો માર ખાશે.

48 પણ જેણે વગર જાણે ફટકા યોગ્ય કામ કર્યું હશે, તે થોડો માર ખાશે. અને જે કોઈને ઘણું આપેલું છે, તેની પાસેથી ઘણું માંગવામાં આવશે, અને જેને ઘણું સોંપેલું છે તેની પાસેથી વધારે માંગવામાં આવશે.


ભાગલાનું કારણ ઈસુ
માથ. 10:35-36

49 હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું, અને જો તે સળગી ચૂકી હોય તો એનાથી વિશેષ હું શું માંગું?

50 પણ મારે એક બાપ્તિસ્મા પામવાનું છે, અને તે પૂરું થાય ત્યાં સુધી હું કેવું દબાણ અનુભવું છું?

51 શું તમે ધારો છો કે પૃથ્વી પર શાંતિ કરાવવાં હું આવ્યો છું? હું તમને કહું છું કે ના, પણ તે કરતા ફૂટ પાડવા આવ્યો છું.

52 કેમ કે હવે એક ઘરમાં પાંચ મધ્યે ફૂટ પડશે, એટલે ત્રણ બેની સામા, અને બે ત્રણની સામા થશે.

53 બાપ દીકરાની સામો, તથા દીકરો બાપની સામો થશે; મા દીકરીની સામે, અને દીકરી પોતાની માની સામે થશે; સાસુ પોતાની વહુની સામે, અને વહુ પોતાની સાસુની સામે થશે, એમ તેઓમાં ફૂટ પડશે.


સમયનો અર્થઘટન
માથ. 16:2-3

54 તેમણે લોકોને પણ કહ્યું કે, તમે પશ્ચિમથી વાદળી ચઢતી જુઓ છો, કે તરત તમે કહો છો કે, ઝાપટું આવશે, અને એમ જ થાય છે.

55 જયારે દક્ષિણનો પવન ચાલે છે ત્યારે તમે કહો છો કે, લૂ વહેશે, અને એમ જ થાય છે.

56 ઓ ઢોંગીઓ, પૃથ્વીનું તથા આકાશનું રૂપ તમે પારખી જાણો છો, તો આ સમય તમે કેમ પારખી નથી જાણતા?


તમારા વિરોધી સામે સુમેળ કરી લો
માથ. 5:25-26

57 અને વાજબી શું છે તે તમે પોતાની જાતે કેમ પારખતા નથી?

58 તું તારા વિરોધીની સાથે અધિકારીની આગળ જતો હોય ત્યારે માર્ગમાં તું તેની સાથે સમાધાન કરવા સારુ યત્ન કર, એમ ન થાય કે તે તને ન્યાયાધીશ આગળ ઘસડી લઈ જાય, અને ન્યાયાધીશ તને સિપાઈને સ્વાધીન કરે, અને સિપાઈ તને બંદીખાનામાં નાખે.

59 હું તને કહું છું કે, તું પૂરેપૂરા નાણાં ચૂકવીશ નહિ, ત્યાં સુધી તું ત્યાંથી નીકળવાનો નથી.

GUJ-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan