લૂકની લખેલી સુવાર્તા 10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019ઈસુ સિત્તેરને મોકલે છે 1 આ બનાવો બન્યા પછી પ્રભુએ બીજા સિત્તેર શિષ્યોને નીમીને જે જે શહેર તથા જગ્યામાં તે પોતે જવાના હતા, તેમાં તેઓમાંના બબ્બેને પોતાની આગળ મોકલ્યા. 2 ઈસુએ તેઓને કહ્યું કે, ‘ફસલ પુષ્કળ છે, પણ મજૂરો થોડા છે; માટે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે.’” 3 જાઓ; અને ધ્યાન રાખજો કે, હું તમને વરુઓની વચ્ચે ઘેટાંના બચ્ચાં જેવા મોકલું છું. 4 પૈસાની થેલી, ઝોળી કે ચંપલ લેતા નહી; અને માર્ગે કોઈને સલામ કરશો નહિ. 5 જે કોઈ ઘરમાં તમે જાઓ ત્યાં પ્રથમ એમ કહો કે, ‘આ ઘરને શાંતિ થાઓ.’” 6 અને જો કોઈ શાંતિપુત્ર ત્યાં હશે તો તમારી શાંતિ તેના પર રહેશે; પણ જો નહિ હોય, તો તે તમારી પાસે પાછી આવશે. 7 તે જ ઘરમાં રહો, અને જે તેઓની પાસે જે હોય તે ખાતાંપીતાં રહેજો; કેમ કે મજૂર પોતાના પગારને યોગ્ય છે; ઘરેઘરે ફરતા નહિ. 8 જે કોઈ ઘરમાં તમે જાઓ અને તેઓ તમારો આવકાર કરે, તો જે કંઈ તેઓ તમારી આગળ મૂકે તે ખાઓ; 9 અને તેમાંના બીમારને સાજાં કરો, અને તેઓને કહો કે, ‘ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે.’” 10 પણ જે કોઈ શહેરમાં તમે જાઓ, ત્યાંના લોકો તમારો આવકાર કરે નહિ, તો ત્યાંથી નીકળી જઈને કહો કે, 11 તમારા શહેરની ધૂળ જે અમારા પગમાં લાગેલી છે તે પણ તમારી વિરુદ્ધ અમે લૂછી નાખીએ છીએ; તોપણ એટલું જાણો કે ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે. 12 હું તમને કહું છું કે, તે દહાડે તે શહેરના કરતાં સદોમના હાલ સહેલ થશે. અવિશ્વાસુ ગામોને શાપ માથ. 11:20-24 13 ઓ ખોરાજીન, તને હાય! ઓ બેથસાઈદા, તને હાય! કેમ કે તમારામાં જે પરાક્રમી કામ થયાં છે, તે જો તૂર તથા સિદોનમાં થયાં હોત, તો તેઓએ ટાટમાં તથા રાખમાં બેસીને ક્યારનોય પસ્તાવો કર્યો હોત. 14 તોપણ ન્યાયકાળે તમારા કરતાં તૂર તથા સિદોનને સહેલું પડશે. 15 વળી, ઓ કપરનાહૂમ, તું સ્વર્ગ સુધી ઊંચું કરાશે શું? તને પાતાળ સુધી નીચું કરી નંખાશે. 16 જે કોઈ તમારું સાંભળે છે તે મારું સાંભળે છે; અને જે તમારો નકાર કરે છે તે મારો પણ નકાર કરે છે; અને જે મારો નકાર કરે છે તે મારા મોકલનાર ઈશ્વરનો નકાર કરે છે.’” આનંદ કરતાં પાછા ફરેલા સિત્તેર શિષ્યો 17 તે સિત્તેર ખુશ થતાં પાછા આવ્યા, અને તેઓએ કહ્યું કે, ‘પ્રભુ, તમારા નામથી દુષ્ટાત્માઓ પણ અમારે તાબે થયાં છે.’” 18 ઈસુએ તેઓને કહ્યું કે, ‘મેં શેતાનને વીજળીની જેમ સ્વર્ગથી પડતો જોયો. 19 જુઓ, સર્પો તથા વીંછીઓ અને દુશ્મનની બધી શક્તિ પર મેં તમને અધિકાર આપ્યો છે; કશાથી પણ તમને ઈજા થશે નહિ. 20 પણ દુષ્ટાત્માઓ તમારે તાબે થયા છે, તેને લીધે ખુશ થતાં નહિ; પણ તમારાં નામ સ્વર્ગમાં લખવામાં આવ્યા છે, તેને લીધે હરખાઓ.’” 21 તે જ સમયે તે પવિત્ર આત્માથી હરખાયા, અને બોલ્યા કે, ‘ઓ ઈશ્વરપિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું કે, જ્ઞાનીઓથી તથા બુદ્ધિમંતોથી તમે એ વાતો ગુપ્ત રાખી અને બાળકોને પ્રગટ કરી છે; હા ઈશ્વરપિતા, કેમ કે તમને તે સારું લાગ્યું. ઈસુ હરખાય છે માથ. 11:25-27 ; 13:16-17 22 મારા ઈશ્વરપિતાએ મને સઘળું સોંપ્યું છે; દીકરો કોણ છે, એ ઈશ્વરપિતા વિના કોઈ જાણતું નથી; ને ઈશ્વરપિતા કોણ છે, એ દીકરા વિના તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે તેમના વિના બીજો કોઈ જાણતું નથી.’” 23 ઈસુએ શિષ્યો તરફ ફરીને તેઓને એકાંતમાં કહ્યું કે, ‘જે તમે જુઓ છો, તે જોનાર આંખો આશીર્વાદિત છે. 24 કેમ કે હું તમને કહું છું કે, જે તમે જુઓ છો તે ઘણાં પ્રબોધકો તથા રાજાઓ જોવાની ઇચ્છા રાખતા હતા, પણ તેઓ જોવા પામ્યા નહિ. અને તમે જે સાંભળો છો તે તેઓ સાંભળવા ઇચ્છતા હતા, પણ સાંભળવા પામ્યા નહિ.’” ભલા સમરૂનીનું દ્રષ્ટાંત 25 જુઓ, એક નિયમશાસ્ત્રીએ ઊભા થઈને તેમનું પરીક્ષણ કરતાં કહ્યું કે, ‘ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા માટે મારે શું કરવું?’” 26 ઈસુએ તેને કહ્યું કે, ‘નિયમશાસ્ત્રમાં શું લખ્યું છે? તું શું વાંચે છે?’” 27 તેણે ઉત્તર આપતા કહ્યું કે, ‘તમારા ઈશ્વર પ્રભુ પર તારા પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરા સામર્થ્યથી તથા પૂરા મનથી પ્રેમ રાખવો અને જેવા પોતાના પર તેવો તારા પડોશી પર પ્રેમ રાખવો.’” 28 ઈસુએ તેને કહ્યું કે, ‘તેં સાચો ઉત્તર આપ્યો છે; એમ કર અને તું જીવીશ.’” 29 પણ તેણે પોતાને ન્યાયી ઠરાવવાં ચાહીને ઈસુને કહ્યું, ‘તો મારો પડોશી કોણ છે?’” 30 ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, ‘એક પુરુષ યરુશાલેમથી યરીખો જતો હતો; અને તે લૂંટારાના હાથમાં પડ્યો, તેઓ તેનાં વસ્ત્ર ઉતારી લઈને તથા તેને મારીને અધમૂઓ મૂકીને ચાલ્યા ગયા. 31 સંજોગોવસાત એક યાજક તે રસ્તે થઈને જતો હતો. તે તેને જોઈને બીજી બાજુએ થઈને ચાલ્યો ગયો. 32 એમ જ એક લેવી પણ તે જગ્યાએ આવ્યો, ત્યારે તેને જોઈને તે પણ બીજી બાજુએ થઈને ચાલ્યો ગયો. 33 પણ એક સમરૂની તે રસ્તે મુસાફરીએ જતા જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો, અને એને જોઈને તેને અનુકંપા આવી. 34 તે તેની પાસે ગયો, અને તેના ઘા પર તેલ તથા દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા, અને તેને પોતાના જાનવર પર બેસાડીને તેને સરાઈમાં લઈ ગયો, અને તેની સારવાર કરી. 35 બીજે દિવસે તેણે બે દીનાર ઉતારાવાળાને આપ્યા, અને તેને કહ્યું કે, તેની સારવાર કરજે, એ કરતાં જે કંઈ વધારે ખર્ચ તને લાગશે તે હું પાછો આવીશ ત્યારે તને ભરપાઈ કરીશ.’” 36 ‘હવે તું શું ધારે છે, લૂંટારાના હાથમાં પડેલા માણસનો પડોશી એ ત્રણમાંથી કોણ કહેવાય?’” 37 તેણે કહ્યું કે, ‘જેણે તેના પર દયા કરી તે.’ અને ઈસુએ તેને કહ્યું કે, ‘તું જઈને એ પ્રમાણે કર.’” ઈસુ માર્થા અને મરિયમના ઘરે 38 તેઓ રસ્તે ચાલતા હતા એ દરમિયાન ઈસુ એક ગામમાં આવ્યા; અને માર્થા નામે એક સ્ત્રીએ પોતાના ઘરમાં તેમનો આવકાર કર્યો. 39 મરિયમ નામે તેની એક બહેન હતી, તે ઈસુના પગ આગળ બેસીને તેમની વાત સાંભળતી હતી. 40 પણ માર્થા કામ ઘણું હોવાથી વિચલિત થઈ, તેથી તેણે તેમની પાસે આવીને કહ્યું કે, ‘પ્રભુ, મારી બહેને મને કામ કરવાને એકલી મૂકી છે, તેની શું તમને ચિંતા નથી? એ માટે તેને કહો કે તે મને મદદ કરે.’” 41 પણ ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘માર્થા, માર્થા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને વિચલિત થાય છે; 42 પણ એક વાતની જરૂર છે; અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે, જે તેની પાસેથી લઈ લેવાશે નહિ. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.