યર્મિયાનો વિલાપ 3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હું એક એવો પુરુષ છું કે જેણે યહોવાહના કોપની સોટીથી દુઃખ ભોગવ્યું. 2 તેમણે મને પ્રકાશમાં નહિ પણ અંધકારમાં દોરીને ચલાવ્યો. 3 તેઓ ચોક્કસ આખો દિવસ મારી વિરુદ્ધ અવારનવાર પોતાનો હાથ ફેરવે છે. 4 તેમણે મારું માંસ તથા મારી ચામડીને નુકશાન પહોંચાડ્યું છે; તેમણે મારાં હાડકાં ભાંગી નાખ્યાં છે. 5 દુ:ખ અને સંતાપની કોટડીમાં પૂરીને તેમણે મને બાંધીને ઘેરી લીધો છે. 6 તેમણે મને પુરાતન કાળના મરણ પામેલા એક પુરુષની જેમ અંધકારમાં પૂરી રાખ્યો છે. 7 તેમણે મને દીવાલથી ઘેરી લીધો છે, જેથી મારાથી બહાર નીકળાય નહિ. તેમણે ભારે સાંકળોથી મને બાંધી દીધો છે. 8 જ્યારે હું પોકાર કરીને સહાય માગુ છું, ત્યારે તેઓ મારી પ્રાર્થના પાછી વાળે છે. 9 તેમણે ઘડેલા પથ્થરોથી મારા માર્ગોને બંધ કર્યા છે; તેમણે મારા રસ્તાને વાંકાચૂંકા કર્યા છે. 10 તેઓ રીંછની જેમ સંતાઈને મારી રાહ જુએ છે અને ગુપ્તમાં રહેનાર સિંહની જેમ મને પકડવા સંતાઈ રહે છે. 11 તેમણે મારા માર્ગો મરડી નાખ્યા છે. તેમણે મને ફાડીને નિરાધાર કર્યો છે. 12 તેમણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે અને મને તીરના નિશાન તરીકે ઊભો રાખ્યો છે. 13 તેમણે પોતાના ભાથાનાં બાણ મારા અંતઃકરણમાં માર્યા છે. 14 હું મારા લોકો સમક્ષ હાંસીપાત્ર થયો છું અને તેઓ આખો દિવસ મને ચીડવતાં ગીતો ગાય છે. 15 તેમણે મને કડવી વેલથી ભરી દીધું છે અને મને કટુઝેરથી ભરી દીધો છે. 16 વળી તેમણે મારા દાંત કાંકરાથી ભાંગી નાખ્યા છે; તેમણે મને રાખથી ઢાંકી દીધો છે. 17 તમે મારો જીવ સુખશાંતિથી દૂર કર્યો છે; સમૃદ્ધિ શું છે તે હું ભૂલી ગયો છું. 18 તેથી મેં કહ્યું, “મારું બળ ખૂટી ગયું છે, એટલે યહોવાહ તરફથી મારી આશા નષ્ટ થઈ ગઈ છે!” 19 મારું કષ્ટ તથા મારું દુઃખ, મારી કટુતા તથા કડવાશનું સ્મરણ કરો! 20 મારો જીવ તેમનું સ્મરણ કરીને મારામાં દીન થઈ ગયો છે. 21 પણ હું તેનું મારા હૃદયમાં સ્મરણ કરું છું; મારે મને આશા છે. 22 યહોવાહની કૃપાને લીધે આપણે નાશ પામ્યા નથી, કેમ કે તેમની દયાનો કદી અંત નથી! 23 દરરોજ સવારે તમારી કૃપા નવી થાય છે, તમારું વિશ્વાસુપણું મહાન છે! 24 મારો જીવ કહે છે, “યહોવાહ મારો હિસ્સો છે;” તેથી હું તેમનામાં મારી આશા મૂકું છું. 25 જેઓ તેમની રાહ જુએ છે અને જે માણસ તેમને શોધે છે તેઓ પ્રત્યે યહોવાહ ભલા છે. 26 યહોવાહના ઉદ્ધારની આશા રાખવી અને શાંતિથી તેમના આવવાની રાહ જોવી તે સારું છે. 27 જુવાનીમાં ઝૂંસરી ઉપાડવી એ માણસને માટે સારું છે. 28 યહોવાહે તેના પર ઝૂંસરી મૂકી છે, તેથી તે એકાંતમાં બેસીને શાંત રહે. 29 તે પોતાનું મુખ ધૂળમાં નાખે, કદાચિત તેને આશા ઉત્પન્ન થાય. 30 જે તેને મારે છે તેના તરફ તે પોતાનો ગાલ ધરે. તે અપમાનથી ભરપૂર થાય. 31 કેમ કે પ્રભુ આપણને કદી પણ નકારશે નહિ! 32 કેમ કે જો કે તેઓ દુઃખ આપે, તોપણ પોતાની પુષ્કળ કૃપા પ્રમાણે તેઓ દયા કરશે. 33 કેમ કે તેઓ રાજીખુશીથી કોઈને પણ દુ:ખ દેતા નથી અને માણસોને ખિન્ન કરતા નથી. 34 પૃથ્વીના સર્વ કેદીઓને પગ નીચે કચડી નાખવા, 35 પરાત્પરની સંમુખ કોઈનો હક પડાવી લેવો, 36 કોઈનો દાવો બગાડવો, એ શું પ્રભુ જોતાં નથી? 37 પ્રભુની આજ્ઞા ન છતાં કોના કહ્યા પ્રમાણે થાય? 38 પરાત્પર ઈશ્વરના મુખમાંથી દુઃખ તથા સુખ બન્ને નીકળે કે નહિ? 39 જીવતો માણસ શા માટે ફરિયાદ કરે છે, પોતાના પાપની સજા થવાથી તે શા માટે કચકચ કરે? 40 આપણે આપણા માર્ગો ચકાસીને તેમની કસોટી કરીએ અને આપણે યહોવાહ તરફ પાછા ફરીએ. 41 આપણે આકાશમાંના ઈશ્વરની તરફ આપણા હાથ અને આપણું હૃદય ઊંચાં કરીને પ્રાર્થના કરીએ. 42 “અમે અપરાધ તથા બંડ કર્યો છે અને તમે અમને માફ કર્યા નથી. 43 તમે અમને કોપથી ઢાંકી દીધા તથા સતાવ્યા છે. તમે અમારી કતલ કરી અને દયા રાખી નથી. 44 અમારી પ્રાર્થના પેલે પાર જાય નહિ, માટે તમે વાદળથી પોતાને ઢાંકી દીધા. 45 તમે અમને પ્રજાઓની વચમાં કચરા અને ઉકરડા જેવા બનાવી મૂક્યા છે. 46 અમારી વિરુદ્ધ મુખ ઉઘાડીને અમારા સર્વ શત્રુઓએ અમારી હાંસી કરી છે. 47 ભય તથા ખાડો, પાયમાલી તથા નાશ, અમારા પર આવી પડ્યાં છે.” 48 મારા લોકોની દીકરીના નાશને લીધે મારી આંખમાંથી આંસુની નદીઓ વહે છે. 49 મારી આંખોમાંથી આંસુ વહ્યા કરશે અને બંધ નહિ થાય, કેમ કે તેનો અંત નથી 50 જ્યાં સુધી યહોવાહ આકાશમાંથી દ્રષ્ટિ કરીને જુએ નહિ ત્યાં સુધી, 51 મારા નગરની સર્વ કુમારિકાઓની દશા જોઈને મારી આંખો સૂજી ગઈ છે. 52 તેઓ કારણ વગર મારા શત્રુ થયા છે અને પક્ષીની જેમ મારો શિકાર કર્યો છે. 53 તેઓએ મને જીવતો ખાડામાં નાખ્યો છે અને તેમણે મારા પર પથ્થરો ફેંક્યા છે. 54 મારા માથા પર પાણી ફરી વળ્યાં; મેં કહ્યું, “હું મરી ગયો છું!” 55 હે યહોવાહ, કારાગૃહના નીચલા ભોંયરામાંથી મેં તમારા નામનો પોકાર કર્યો. 56 જ્યારે મેં કહ્યું, ત્યારે તમે મારું સાંભળ્યું, “હું મદદ માટે હાંક મારું, ત્યારે તમે તમારા કાન બંધ ન કરશો.” 57 જે દિવસે મેં તમને હાંક મારી ત્યારે તમે મારી પાસે આવ્યા અને મને કહ્યું, “બીશ નહિ!” 58 હે પ્રભુ, તમે મારો બચાવ કર્યો છે અને મારો ઉદ્ધાર કર્યો છે. 59 હે યહોવાહ, તમે મને થયેલા અન્યાય જોયા છે. તમે મારો ન્યાય કરો. 60 મારા પ્રત્યેની તેમની વેરવૃત્તિ અને મારી વિરુદ્ધના સર્વ કાવતરાં તમે જોયા છે. 61 હે યહોવાહ, તેઓએ કરેલી મારી નિંદા તથા તેઓએ મારી વિરુદ્ધ કરેલા સર્વ કાવતરાં તમે સાંભળ્યાં છે. 62 મારા વિરોધીઓ આખો દિવસ મારી વિરુદ્ધ બોલે છે. તમે તેમના ષડ્યંત્રો જાણો છો. 63 પછી ભલે તેઓ બેઠા હોય કે ઊભા હોય, તેઓ મારી મશ્કરી ઉડાવ્યે રાખે છે. 64 હે યહોવાહ, તમે તેમના હાથની કરણી પ્રમાણે તેઓને બદલો આપજો. 65 તમે તેઓની બુદ્ધિ જડ બનાવી દેજો અને તેઓના પર શાપ વરસાવજો. 66 ક્રોધે ભરાઈને પીછો કરીને તમે તેઓનો નાશ કરજો અને હે યહોવાહ, તમે તેઓનો પૃથ્વી પરથી સંહાર કરજો! |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.