યર્મિયાનો વિલાપ 2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 પ્રભુએ ક્રોધે ભરાઈને સિયોનની દીકરીને દુઃખના વાદળોથી ઢાંકી દીધી છે! તેમણે ઇઝરાયલની શોભાને આકાશમાંથી પૃથ્વી પર નાખી દીધી છે. પોતાના કોપને દિવસે પોતાના પાયાસનનું સ્મરણ કર્યું નથી. 2 પ્રભુએ યાકૂબનાં સર્વ નગરોને નષ્ટ કર્યા છે અને તેઓ પર દયા રાખી નથી. તેમણે ક્રોધે ભરાઈને યહૂદિયાની દીકરીના કિલ્લાઓને ભાંગી નાખ્યા છે; તેમણે તેઓને જમીનદોસ્ત કર્યા છે અને રાજ્યને તથા તેના સરદારોને ભ્રષ્ટ કર્યાં છે. 3 તેમણે ભારે કોપથી ઇઝરાયલનું સઘળું બળ કાપી નાખ્યું છે. તેમણે શત્રુની આગળ પોતાનો જમણો હાથ પાછો ખેંચી લીધો છે. જે ભડભડ બળતો અગ્નિ ચારે તરફનું બાળી નાખે છે તેમ તેમણે યાકૂબને બાળી નાખ્યો છે. 4 શત્રુની જેમ તેમણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે. જાણે સામાવાળો હોય તેમ તેઓ પોતાનો જમણો હાથ ઉગામીને ઊભા રહ્યા છે. જે બધા દેખાવમાં સુંદર હતા, તેઓનો તેમણે નાશ કર્યો છે. સિયોનની દીકરીના મંડપમાં તેમણે પોતાનો કોપ અગ્નિની જેમ પ્રસાર્યો છે. 5 પ્રભુ શત્રુના જેવા થયા છે. તેમણે ઇઝરાયલને પાયમાલ કર્યા છે. તેમના સર્વ રાજમહેલોને તેમણે નષ્ટ કર્યો છે અને તેમણે તેમના કિલ્લાઓનો નાશ કર્યો છે. તેમણે યહૂદિયાની દીકરીનો ખેદ તથા વિલાપ વધાર્યો છે. 6 જાણે કે વાડીનો મંડપ હોય તેમ તેમણે પોતાનો હુમલો કરીને તેને તોડી પાડ્યો છે. તેમણે પોતાનું પવિત્રસ્થાન નષ્ટ કર્યું છે. યહોવાહે સિયોનમાં નીમેલા પર્વ તથા વિશ્રામવારને વિસ્મૃત કરાવ્યાં છે, કેમ કે પોતાના ક્રોધમાં તેમણે રાજાને તથા યાજકને તુચ્છકાર્યા છે. 7 પ્રભુએ પોતાની વેદીને નકારી છે; તે પોતાના પવિત્રસ્થાનથી કંટાળી ગયા છે. તેમણે દુશ્મનના હાથે તેમના રાજમહેલની દીવાલોનો નાશ કરાવ્યો છે. જેમ પવિત્રસ્થાનને દિવસે ઉત્સવનો ઘોંઘાટ થાય છે તેમ તેઓએ યહોવાહના ભક્તિસ્થાનમાં ઘોંઘાટ કર્યો છે. 8 યહોવાહે સિયોનની દીકરીની દીવાલો તોડી પાડવાનો નિશ્ચય કર્યો છે. તેમણે માપવાની દોરી લંબાવી છે અને તેનો નાશ કરવાથી પોતાનો હાથ પાછો પડવા દીધો નથી. તેમણે બુરજ તથા દીવાલોને ખેદિત કર્યા છે અને તેઓ એકસાથે ખિન્ન થાય છે. 9 તેના દરવાજા ખંડેરોની જેમ દટાયેલા પડ્યા છે; તેમણે તેમની ભૂંગળોને ભાંગીને ભૂકો કરી નાખી છે. જે વિદેશીઓમાં મૂસાનું નિયમશાસ્ત્ર નથી હોતું તેવા લોકોમાં તેમનો રાજા તથા તેમના સરદારો છે. વળી તેમના પ્રબોધકોને પણ યહોવાહ તરફથી દર્શન થતું નથી. 10 સિયોનની દીકરીના વડીલો મૂંગા થઈને ભૂમિ પર બેસે છે. તેઓએ પોતાના માથા પર ધૂળ નાખી છે; તેઓએ ટાટનો પટ્ટો કમરે બાંધ્યો છે. યરુશાલેમની કુંવારિકાઓએ પોતાના માથાં જમીન સુધી નમાવ્યાં છે. 11 રડી રડીને મારી આંખો લાલ થઈ છે; મારી આંતરડી કકળે છે. મારા લોકોની દીકરીના ત્રાસને લીધે મારું કાળજું બળે છે, કેમ કે છોકરાં તથા સ્તનપાન કરતાં બાળકો રાજમાર્ગ પર મૂર્ચ્છિત થાય છે. 12 તેઓ પોતાની માતાઓને કહે છે, “અનાજ અને દ્રાક્ષારસ ક્યાં છે?” નગરની શેરીઓમાં ઘાયલ થયેલાની જેમ તેઓને મૂર્છા આવે છે, તેઓ તેઓની માતાના ખોળામાં મરણ પામે છે. 13 હે યરુશાલેમની દીકરી, હું તારા વિષે તને શું કહું? હે સિયોનની કુંવારી દીકરી, હું તને કોની સાથે સરખાવું? તારો ઘા સમુદ્ર જેટલો ઊંડો છે. તને કોણ સાજી કરશે? 14 તારા પ્રબોધકોએ તારે સારુ નિરર્થક તથા મુર્ખામીભર્યા સંદર્શનો જોયાં છે. તેઓએ તારો અન્યાય ઉઘાડો કર્યો નહિ, કે જેથી તારો બંદીવાસ પાછો ફેરવાઈ જાત, પણ તમારે માટે અસત્ય વચનો તથા પ્રલોભનો જોયા છે. 15 જેઓ પાસે થઈને જાય છે તેઓ સર્વ તારી વિરુદ્ધ તાળી પાડે છે. તેઓ ફિટકાર કરીને યરુશાલેમની દીકરીની સામે માથાં હલાવીને કહે છે, “જે નગરને લોકો ‘સુંદરતાની સંપૂર્ણતા’ તથા ‘આખી પૃથ્વીનું આનંદસ્પદ કહેતા હતા, તે શું આ છે?” 16 તારા સર્વ શત્રુઓ તારા પર પોતાનું મુખ ઉઘાડીને હાંસી ઉડાવે છે. તેઓ તિરસ્કાર કરીને તથા દાંત પીસીને કહે છે, “અમે તેને ગળી ગયા છીએ! જે દિવસની અમે રાહ જોતા હતા તે ચોક્કસ આ જ છે! તે અમને પ્રાપ્ત થયો છે! અમે તેને જોયો છે!” 17 યહોવાહે જે વિચાર્યું તે તેમણે કર્યું છે. પોતાનું જે વચન તેમણે પ્રાચીન કાળમાં ફરમાવ્યું હતું તે તેમણે પૂરું કર્યું છે. દયા રાખ્યા વગર તેમણે તેને તોડી પાડ્યું છે, તારો શત્રુ તારા હાલ જોઈને હરખાય, એવું તેમણે કર્યું છે; તેમણે તારા દુશ્મનોનું શિંગડાં ઊંચું ચઢાવ્યું છે. 18 તેઓના હૃદય પ્રભુને પોકારતા હતા, “હે સિયોનની દીકરીના કોટ, તારી આંખમાંથી રાતદિવસ આંસુઓ નદીની જેમ વહેતાં જાય; પોતાને વિસામો ન આપ. તારી આંખની કીકીને સુકાવા ન દે. 19 તું રાત્રીના પ્રથમ પહોરે ઊઠીને મોટેથી પ્રાર્થના કર; પ્રભુની સમક્ષ હૃદયને પાણીની જેમ વહાવ. તારાં જે બાળકો સર્વ શેરીઓના નાકાંમાં ભૂખે મૂર્ચ્છિત થાય છે, તેઓના જીવ બચાવવાને માટે તારા હાથ તેમની તરફ ઊંચા કર.” 20 હે યહોવાહ, જુઓ અને વિચાર કરો કે તમે કોને આવું દુઃખ આપ્યું છે. શું સ્ત્રીઓ પોતાના સંતાનોને, એટલે સ્તનપાન કરાવેલા બાળકનો ભક્ષ કરે? શું યાજક તથા પ્રબોધક પ્રભુના પવિત્રસ્થાનમાં માર્યા જાય? 21 જુવાન તથા વૃદ્ધો શેરીઓમાં ભૂમિ પર પડેલા છે. મારી કન્યાઓ તથા મારા યુવાનોને તલવારથી કાપી નાખવામાં આવ્યાં છે. તમે તમારા કોપના સમયમાં તેઓને મારી નાખ્યાં છે; તમે દયા કર્યા વગર તેમની કતલ કરી છે. 22 જાણે કે પર્વના દિવસને માટે તમે મારી આસપાસ લડાઈની ધાસ્તી ઊભી કરી છે; યહોવાહના કોપને દિવસે કોઈ છૂટ્યો અથવા બચી ગયો નથી. જેઓને મેં ખોળામાં રમાડ્યાં તથા ઉછેર્યાં, તેઓને મારા શત્રુઓએ નષ્ટ કર્યાં છે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.