યર્મિયાનો વિલાપ 1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 જે નગર વસ્તીથી ભરેલું હતું, તે એકલવાયું થઈ ગયું છે! જે દેશવિદેશમાં મહાન ગણાતું હતું, તે વિધવા જેવું થઈ ગયું છે! જે દેશવિદેશમાં મહારાણી જેવું હતું, તે બીજી પ્રજાઓનું ગુલામ થઈ ગયું! 2 તે રાત્રે પોક મૂકીને રડે છે અને તેના ગાલ પર અશ્રુધારા વહે છે. તેના પ્રેમીઓમાંથી તેને આશ્વાસન આપનાર કોઈ નથી. તેના સર્વ મિત્રોએ તેને દગો કર્યો છે. તેઓ તેના શત્રુઓ થયા છે. 3 દુઃખને લીધે તથા કપરી ગુલામીને લીધે યહૂદા બંદીવાસમાં ગયો છે. તે અન્ય પ્રજાઓમાં રહે છે અને તેને વિસામો મળતો નથી. તેની પાછળ પડનારા સર્વએ તેને સંકળામણમાં લાવીને પકડી પાડ્યો છે. 4 સિયોનના માર્ગો શોક કરે છે કેમ કે ત્યાંના ઉત્સવોમાં કોઈ આવતું નથી. તેના સર્વ દરવાજા ઉજ્જડ થઈ ગયા છે. તેના યાજકો નિસાસા નાખે છે. તેની કુમારિકાઓ અતિ ઉદાસ થઈ ગઈ છે અને તે નગર ખિન્નતા અનુભવે છે. 5 નગરના શત્રુઓ તેના સત્તાધીશો થઈ ગયા; અને સમૃદ્ધ થયા. તેના અસંખ્ય પાપોના કારણે યહોવાહે તેને શિક્ષા કરીને તેને દુ:ખ દીધું છે. દુશ્મનો તેનાં બાળકોને ઢસડીને બંદીવાસમાં લઈ ગયા છે. 6 અને સિયોનની દીકરીની સુંદરતા જતી રહી છે. ત્યાંના સરદારો ચારા વગરનાં હરણો જેવા થયા છે; અને તેની પાછળ પડનારાની આગળ તેઓ બળહીન થઈને ચાલ્યા ગયા છે. 7 યરુશાલેમ નગર પોતાના દુ:ખ તથા વિપત્તિના દિવસોમાં અગાઉના દિવસોમાંની પોતાની સર્વ જાહોજલાલીનું સ્મરણ કરે છે. જ્યારે તેના લોકો શત્રુના હાથમાં પડ્યા અને તેને સહાય કરનાર કોઈ નહોતું, ત્યારે શત્રુઓએ તેને જોયું અને તેની પાયમાલી જોઈને તેની મશ્કરી કરી. 8 યરુશાલેમે ઘોર અપરાધ કર્યો છે; તેથી તે તિરસ્કારપાત્ર થઈ ગયું છે. જેઓ તેને માન આપતા હતા તેઓ હવે તેને તુચ્છ ગણે છે, કારણ કે તેઓએ નગ્નતા જેવી તેની અવસ્થા નિહાળી છે. તે પોતે મુખ સંતાડીને નિસાસા નાખ્યા કરે છે. 9 તેની અશુદ્ધતા તેના વસ્ત્રોમાં છે. તેણે પોતાના ભવિષ્યનો વિચાર કર્યો નહિ. તેથી આશ્ચર્યકારક રીતે તેની અધોગતિ થઈ છે. તેને દિલાસો આપનાર કોઈ નથી. હે યહોવાહ, મારા દુઃખ પર દ્રષ્ટિ કરો; કેમ કે શત્રુઓ ચઢી આવ્યા છે. 10 શત્રુઓએ તેની સર્વ કિંમતી વસ્તુઓ પોતાને હસ્તગત કરી લીધી. જેઓને તમારી ભક્તિસ્થાનમાં આવવાની તમે મના કરી હતી, તે પ્રજાઓને તમારા પવિત્રસ્થાનમાં પેસતા તેણે જોયા છે. 11 તેના સર્વ લોકો નિસાસા નાખે છે, તેઓ રોટલીને માટે અહીંતહીં ભટકે છે. તેઓએ પોતાના જીવ બચાવવાને સારુ અન્ન મેળવવા માટે પોતાની કિંમતી વસ્તુઓ આપી દીધી છે. હે યહોવાહ, નજર કરીને જુઓ કે, મારો કેવો તિરસ્કાર થાય છે. 12 રે પાસે થઈને સર્વ જનારા અને જોનારા, શું આ બધી બાબતોમાં તમે જોયું ના જોયું કરો છો? મારા પર જે દુ:ખ પડ્યું છે, તે ધ્યાન આપીને જુઓ, જે વડે યહોવાહે પોતાના ભારે કોપના સમયે મને દુઃખી કર્યું છે, તેના જેવું અન્ય કોઈ દુઃખ છે ખરું? 13 ઉપરથી ઈશ્વરે મારા હાડકાંમાં અગ્નિ મોકલ્યો અને તેમણે તેઓને નિર્બળ કર્યા છે. તેમણે મારા પગને ફસાવવા માટે જાળ પાથરી છે અને મને પાછું ફેરવ્યું છે. તેમણે મને એકલું છોડી દીધું છે અને આખો દિવસ નિર્બળ કર્યું છે. 14 મારા અપરાધોની ઝૂંસરીને તેમના હાથે જકડી લીધી છે. તેઓ અમળાઈને મારી ગરદન પર ચઢી બેઠા છે. તેમણે મારું બળ ઓછું કર્યું છે. જેઓની સામે હું ઊભી રહી શકતી નથી, તેઓના હાથમાં પ્રભુએ મને સોંપી છે. 15 પ્રભુએ મારામાંના સર્વ શ્રેષ્ઠ યોદ્ધાઓને તુચ્છકાર્યા છે. મારા શ્રેષ્ઠ યોદ્ધાઓને કચડી નાખવા માટે તેમણે મારી વિરુદ્ધ સભા બોલાવી છે. પ્રભુએ દ્રાક્ષચક્કીમાં યહૂદિયાની કુંવારી દીકરીને ખૂંદી નાખી છે. 16 આને લીધે હું રડું છું. તેથી મારી આંખોમાંથી આંસુઓ વહી જાય છે. કેમ કે મને દિલાસો આપનાર તથા મારો જીવ બચાવનાર મારાથી દૂર છે. મારાં સંતાનો નિરાધાર છે, કારણ કે શત્રુઓએ તેમને હરાવ્યાં છે. 17 સિયોન પોતાના હાથ લાંબા કરે છે; પણ તેને દિલાસો આપનાર કોઈ નથી. યહોવાહે યાકૂબ વિષે એવી આજ્ઞા આપી છે કે તેની આસપાસના રહેનારા સર્વ તેના શત્રુઓ થાય. તેઓમાં યરુશાલેમ તિરસ્કારપાત્ર વસ્તુ જેવું થયું છે. 18 યહોવાહ ન્યાયી છે, મેં તેમની વિરુદ્ધ બંડ કર્યું છે. હે સર્વ લોકો, કૃપા કરીને સાંભળો અને મારા દુઃખને જુઓ. મારી કુંવારીઓ તથા મારા જુવાનો બંદીવાસમાં ગયા છે. 19 મેં મારા પ્રેમીઓ બોલાવ્યા, પણ તેઓએ મારો વિશ્વાસઘાત કર્યો. મારા યાજકો તથા મારા વડીલો પોતાના જીવ બચાવવા માટે અન્નને માટે વલખાં મારતા હતા, એટલામાં તેઓ નગરમાં મરણ પામ્યા. 20 હે યહોવાહ, જુઓ, કેમ કે હું ભારે દુ:ખમાં છું; મારી આંતરડી કકળે છે. મારા હૃદયને ચેન પડતું નથી, કેમ કે મેં ભારે બંડ કર્યો છે. રસ્તા પર તલવાર મારાં સંતાનોનો સંહાર કરે છે; ઘરમાં પણ મરણ જેવું વાતાવરણ છે. 21 મારા નિસાસા સાંભળો. મને દિલાસો આપનાર કોઈ નથી. મારા સર્વ દુશ્મનોએ મારા દુ:ખ વિષે સાંભળ્યું છે. આ તમે જ કર્યું છે, માટે તેઓ ખુશ થાય છે. જે દિવસ તમે નિર્માણ કર્યો, તે દિવસ તમે તેમના પર લાવો અને તેઓ મારા જેવા થાય. 22 તેઓની સર્વ દુષ્ટતા તમારી નજર આગળ આવે, મારા સર્વ અપરાધોને લીધે તમે મારા જેવા હાલ કર્યા છે; તેવા હાલ તેઓના કરો. કેમ કે હું ઘણા નિસાસા નાખું છું અને મારું હૃદય પીડિત થઈ ગયું છે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.