યોએલ 1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019તીડોએ વર્તાવેલા વિનાશ માટે વિલાપ 1 યહોવાહનું જે વચન પથુએલના દીકરા યોએલ પાસે આવ્યું તે આ છે; 2 હે વડીલો, તમે આ સાંભળો અને દેશના સર્વ વતનીઓ તમે પણ ધ્યાન આપો. આ તમારા સમયમાં બન્યું છે કે, તમારા પૂર્વજોના સમયમાં? 3 તમારાં સંતાનોને એ વિષે કહી સંભળાવો, અને તમારાં સંતાનો તેમના સંતાનોને કહે, અને તેઓના સંતાનો તેઓની પછીની પેઢીને તે કહી જણાવે. 4 જીવડાંઓએ રહેવા દીધેલું તીડો ખાઈ ગયાં; તીડોએ રહેવા દીધેલું તે કાતરાઓ ખાઈ ગયા; અને કાતરાઓએ રહેવા દીધેલું તે ઈયળો ખાઈ ગઈ છે. 5 હે નશાબાજો, તમે જાગો અને વિલાપ કરો; સર્વ દ્રાક્ષારસ પીનારાઓ, પોક મૂકીને રડો, કેમ કે, સ્વાદિષ્ઠ દ્રાક્ષારસ તમારા મુખમાંથી લઈ લેવાયો છે. 6 એક બળવાન પ્રજા કે જેના માણસોની સંખ્યા અગણિત છે. તે મારા દેશ પર ચઢી આવી છે. એ પ્રજાનાં દાંત સિંહના દાંત જેવા છે, તેની દાઢો સિંહણની દાઢો જેવી છે. 7 તેણે મારી દ્રાક્ષવાડીનો નાશ કર્યો છે અને મારી અંજીરી છોલી નાખી છે. તેણે તેની છાલ સંપૂર્ણ ઉતારી નાખી છે અને તેની ડાળીઓને સફેદ કરી નાખી છે. 8 જેમ કોઈ કુમારિકા પોતાના જુવાન પતિના અવસાનથી શોકનાં વસ્ત્રો પહેરીને વિલાપ કરે છે તેમ તમે વિલાપ કરો. 9 યહોવાહના ઘરમાં ખાદ્યાર્પણો અને પેયાર્પણો આવતાં નથી. યહોવાહના સેવકો, યાજકો, શોક કરે છે. 10 ખેતરો લૂંટાઈ ગયાં છે, ભૂમિ શોક કરે છે. કેમ કે અનાજનો નાશ થયો છે. નવો દ્રાક્ષારસ સુકાઈ ગયો છે. તેલ સુકાઈ જાય છે. 11 હે ખેડૂતો, તમે લજ્જિત થાઓ. હે દ્રાક્ષવાડીના માળીઓ, ઘઉંને માટે તથા જવ માટે પોક મૂકો; કેમ કે ખેતરોના પાકનો નાશ થયો છે. 12 દ્રાક્ષવેલા સુકાઈ ગયા છે અને અંજીરી પણ સુકાઈ ગઈ છે. દાડમડીના ખજૂરીનાં તેમ જ સફરજનનાં વૃક્ષોસહિત, ખેતરનાં બધાં વૃક્ષો સુકાઈ ગયાં છે. કેમ કે માનવજાતિના વંશજોમાંથી આનંદ જતો રહ્યો છે. 13 હે યાજકો શોકનાં વસ્ત્રો ધારણ કરો, તમારા વસ્ત્રોને બદલે હૃદય ફાળો. હે વેદીના સેવકો, તમે બૂમ પાડીને રડો. હે મારા ઈશ્વરના સેવકો, ચાલો, શોકના વસ્ત્રોમાં સૂઈ જઈને આખી રાત પસાર કરો. કેમ કે ખાદ્યાર્પણ કે પેયાર્પણ તમારા ઈશ્વરના ઘરમાં આવતાં બંધ થઈ ગયા છે. 14 પવિત્ર ઉપવાસ કરો. અને ધાર્મિક સંમેલન ભરો, વડીલોને અને દેશના સર્વ રહેવાસીઓને તમારા ઈશ્વર યહોવાહના ઘરમાં ભેગા કરો, અને યહોવાહની આગળ વિલાપ કરો. 15 તે દિવસને માટે અફસોસ! કેમ કે યહોવાહનો દિવસ નજીક છે. તે દિવસ સર્વશક્તિમાન તરફથી વિનાશરૂપે આવશે. 16 શું આપણી નજર સામેથી જ આપણું અન્ન નાશ થયું નથી? આપણા ઈશ્વરના મંદિરમાંથી આનંદ અને ઉત્સાહ જતાં રહ્યાં નથી? 17 જમીનના દગડાં નીચે બી સડી જાય છે. અનાજના પુરવઠા ખાલી થઈ ગયા છે. કોઠારો તોડી નાખવામાં આવ્યા છે. કેમ કે અનાજ સુકાઈ ગયું છે. 18 પશુઓ કેવી ચીસો પાડે છે! જાનવરોના ટોળાં નિસાસા નાખે છે. કેમ કે તેમને માટે બિલકુલ ઘાસચારો રહ્યો નથી. ઘેટાંનાં ટોળાંઓ નાશ પામે છે. 19 હે યહોવાહ, હું તમને વિનંતી કરું છું. કેમ કે અગ્નિએ વનનાં ગૌચરોને ભસ્મ કર્યા છે અને અગ્નિની જ્વાળાઓએ ખેતરનાં બધા વૃક્ષોને બાળી નાખ્યાં છે. 20 હા, જંગલી પશુઓ પણ હાંફીને તમને પોકારે છે, કેમ કે પાણીના વહેળાઓ સુકાઈ ગયા છે, અને અગ્નિએ વનનાં ગૌચરો ભસ્મ કર્યા છે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.