અયૂબ 31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019અયૂબ (ચાલુ) 1 “મેં મારી આંખો સાથે કરાર કર્યો છે; તો હું કેવી રીતે કોઈ કુમારિકા પર વાસનાભરી નજર કરી શકું?” 2 માટે ઉપરથી ઈશ્વર તરફથી શો હિસ્સો પ્રાપ્ત થાય, ઉચ્ચસ્થાનથી સર્વશક્તિમાન ઈશ્વર પાસેથી વારસો મળે? 3 હું વિચારતો હતો કે, વિપત્તિ અન્યાયીઓને માટે હોય છે, અને દુષ્ટતા કરનારાઓને માટે વિનાશ હોય છે. 4 શું ઈશ્વર મારું વર્તન જોતા નથી અને મારાં બધાં પગલાં ગણતા નથી? 5 જો મેં કપટભરેલાં આચરણ કર્યાં હોય, અને જો મારા પગે કોઈને છેતરવા માટે ઉતાવળ કરી હોય, 6 તો મને ત્રાજવાનાં માપથી માપવામાં આવે કે જેથી ઈશ્વર જાણે કે હું નિર્દોષ છું. 7 જો હું સત્યના માર્ગથી પાછો ફર્યો હોઉં, જો મારું હૃદય મારી આંખોની લાલસા પાછળ ચાલ્યું હોય, અથવા તો જો મારા હાથે કોઈની વસ્તુ આંચકી લીધી હોય, 8 તો મારું વાવેલું અનાજ અન્ય લોકો ખાય; ખરેખર, ખેતરમાંથી મારી વાવણી ઉખેડી નાખવામાં આવે. 9 જો મારું હૃદય પરસ્ત્રી પર લોભાયું હોય, જો હું મારા પડોશીના દરવાજાએ લાગ જોઈને સંતાઈ રહ્યો હોઉં, 10 તો પછી મારી પત્ની અન્ય પુરુષને માટે રસોઈ કરે, અને તે અન્ય પુરુષની થઈ જાય. 11 કારણ કે તે ભયંકર અપરાધ કહેવાય; ખરેખર, તે અપરાધ તો ન્યાયાધીશો દ્વારા અસહ્ય શિક્ષાને પાત્ર છે. 12 તે તો એક અગ્નિ છે જે તમામ વસ્તુઓને સળગાવી નાખે છે. અને મેં જે કંઈ વાવ્યું છે તે સર્વ બાળી શકે છે. 13 જો મેં મારા દાસ અને દાસીઓના ન્યાય માટેની વિનંતીઓની અવગણના કરી હોય, મારે તેઓની સાથે તકરાર થઈ હોય, 14 તો જ્યારે ઈશ્વર મારી સમક્ષ આવીને ઊભા રહેશે ત્યારે હું શું કરીશ? જ્યારે તે મારો ન્યાય કરવા આવશે, તો હું કેવી રીતે જવાબ આપીશ? 15 કારણ કે, જે ઈશ્વરે મારું સર્જન કર્યું છે તેમણે જ તેઓનું પણ સર્જન કર્યું નથી? શું તે જ ઈશ્વર સર્વને માતાઓના ગર્ભમાં આકાર આપતા નથી? 16 જો મેં ગરીબોને તેઓની ઇચ્છા પ્રમાણે આપ્યું ન હોય, અથવા જો મેં વિધવાઓને રડાવી હોય, 17 અને જો મેં મારું ભોજન એકલાએ જ ખાધું હોય અને અનાથોને જમવાને આપ્યું ન હોય 18 પરંતુ તેનાથી ઊલટું, મેં મારી તરુણાવસ્થાથી જ તેઓના પિતાની જેમ તેઓની સંભાળ લીધી છે, અને મેં વિધવાઓને પહેલેથી જ માર્ગદર્શન આપ્યું છે. 19 જો મેં કોઈને પહેરણ વિના નાશ પામતા જોયો હોય, અથવા તો ગરીબ માણસને વસ્ત્રો વિનાનો જોયો હોય; 20 જો તેણે મારી પ્રશંસા ન કરી હોય, કારણ કે તેને હૂંફાળા રહેવા માટે મારાં ઘેટાંઓનું ઊન મળ્યું નહિ હોય, 21 જો શહેરના દરવાજાઓમાં બેઠેલાઓને મારા પક્ષના જાણીને અને અનાથો પર મારો હાથ ઉઠાવ્યો હોય, 22 તો મારો હાથ ખભામાંથી ખરી પડો, અને મારા ખભાને તેના જોડાણમાંથી ભાંગી નાખવામાં આવે. 23 પણ ઈશ્વર તરફથી આવતી વિપત્તિ મારા માટે ભયંકર છે; કેમ કે તેમની ભવ્યતાને લીધે, હું આમાંની એકપણ બાબત કરી શકું તેમ નથી. 24 જો મેં મારી ધનસંપત્તિ પર આશા રાખી હોય, અને જો મેં કહ્યું હોય કે, શુદ્ધ સોનું, ‘તુ જ મારી એકમાત્ર આશા છે’; 25 મારી સંપત્તિને લીધે જો હું અભિમાની થયો હોઉં, કારણ કે મારા હાથે ઘણી સંપત્તિ પ્રાપ્ત કરી છે; 26 જો મેં પ્રકાશતા સૂર્યને જોયો હોય, અથવા તેજસ્વી ચંદ્રને જોયો હોય, 27 અને જો મારું હૃદય છૂપી રીતે લોભાયું હોય અને તેથી મારા મુખે તેની ઉપાસના કરતા હાથને ચુંબન કર્યું હોય, 28 તો આ પણ એક અપરાધ છે જે ન્યાયાધીશ મારફતે શિક્ષાને પાત્ર છે, જો મેં ઉચ્ચસ્થાને બિરાજનાર ઈશ્વરનો ઇનકાર કર્યો હોય. 29 જો મેં મને ધિક્કારનારાઓના વિનાશ પર આનંદ કર્યો હોય અથવા જ્યારે નુકસાન થયું હોય ત્યારે મેં પોતાને અભિનંદન પાઠવ્યાં હોય, 30 તેથી ઊલટું ખરેખર, તો મેં મારા મુખને મારા દુશ્મનોને શાપ આપવાનું અને તેઓ મરણ પામે તે ઇચ્છવાનું પાપ થવા દીધું નથી. 31 જો મારો ખોરાક ખાઈને તૃપ્ત થયો ન હોય એવો એક પણ માણસ મળી આવે એવું મારા તંબુના માણસોએ શું કદી કહ્યું છે?’ 32 પરદેશીને શહેરના ચોકમાં રહેવું પડતું નહતું; તેને બદલે, હું મુસાફરને માટે મારા ઘરના દરવાજા હંમેશા ખુલ્લા રાખતો હતો. 33 જો મેં મારાં પાપો છુપાવીને, માનવજાતની જેમ જો મારાં અપરાધો મારી અંદર સંતાડ્યા હોય 34 અને મોટા જનસમુદાયથી ડરીને, અને કુટુંબના તિરસ્કારથી ડરીને હું મારા ઘરની અંદર છાનોમાનો બેસી રહ્યો હોઉં અને ઘરમાંથી બહાર ગયો ન હોઉં. 35 અરે જો કોઈ મારી વાત સાંભળતું હોત તો કેવું સારું! જુઓ, આ મારું ચિહ્ન છે; સર્વશક્તિમાન મને ઉત્તર દો. જો મારા પ્રતિવાદીએ અપરાધનો આરોપ લખ્યો હોત તો કેવું સારું! 36 તો હું સાચે જ તેને મારે ખભે ઊંચકી લેત; હું તેને રાજમુગટની જેમ પહેરત. 37 મેં મારાં પગલાં તેની સમક્ષ જાહેર કર્યા હોત; તો હું ભરોસાપાત્ર થઈને મારું માથું ઊચુ રાખીને તેની સમક્ષ હાજર થાત. 38 જો કદાપિ મારી જમીન મારી વિરુદ્ધ પોકારે, અને તે જમીનના ચાસ ભેગા થઈને રડતાં હોય, 39 જો મેં તેની ઊપજ પૈસા આપ્યા વિના ખાધી હોય અથવા તેના માલિકોનો જીવ મારાથી ગુમાવ્યો હોય, 40 તો મારી જમીનમાં ઘઉંને બદલે કાંટા ઉત્પન્ન થાય અને જવને બદલે ઘાસ ઉત્પન્ન થાય.” અહીંયાં અયૂબના શબ્દો સમાપ્ત થાય છે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.