અયૂબ 12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019અયૂબ 1 ત્યારે અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે, 2 “નિઃસંદેહ તમારા સિવાય તો બીજા લોક જ નથી; તમારી સાથે બુદ્ધિનો અંત આવશે. 3 પરંતુ તમારી જેમ મને પણ અક્કલ છે; અને હું તમારા કરતાં ઊતરતો નથી. હા, એ બધું કોણ નથી જાણતું? 4 મારા પડોશીઓ હાંસીપાત્ર ગણે તેવો હું છું; હું, જેણે ઈશ્વરને પ્રાર્થના કરી અને જેને ઈશ્વરે ઉત્તર પણ આપ્યો તે હું છું; હું, નિર્દોષ અને સંપૂર્ણ માણસ જે હમણાં હાંસીપાત્ર ગણાય તે હું છું. 5 જેઓ પોતે સુખી છે તેઓ દુર્ભાગી માણસનો તિરસ્કાર કરે છે; જ્યારે કોઈ માણસ ઠોકર ખાય છે ત્યારે તેઓ એમ જ કરે છે. 6 લૂટારુઓનાં ઘર આબાદ થાય છે, અને ઈશ્વરને પડકારનારાઓ સુરક્ષિત હોય છે; તેઓની તાકાત તે જ તેમનો ઈશ્વર છે. 7 પરંતુ પશુઓને પૂછો તો તે તમને શીખવશે, જો ખેચર પક્ષીઓને પૂછો તો તે તમને કહેશે. 8 અથવા પૃથ્વીને પૂછો અને તે તમને શીખવશે; સમુદ્રમાંની માછલીઓને પૂછો તો તે તમને માહિતી આપશે. 9 દરેક વ્યક્તિ જાણે છે કે આ સર્વનું યહોવાહે સર્જન કર્યું છે. 10 બધા જ જીવો તથા મનુષ્યનો આત્મા પણ ઈશ્વરના જ હાથમાં છે. 11 જેમ જીભ અન્નનો સ્વાદ પારખે છે, તે જ રીતે શું કાન શબ્દોની પરીક્ષા નથી કરતા? 12 વૃદ્ધ પુરુષોમાં ડહાપણ હોય છે; અને પાકી વયમાં સમજણ હોય છે. 13 પરંતુ જ્ઞાન તથા બળ તો ઈશ્વરનાં જ છે. સમજ અને સત્તા તો તેમની પાસે જ છે. 14 ઈશ્વર જે તોડી નાખે છે તેને કોઈ ફરીથી બાંધી શકતું નથી; જ્યારે તે માણસને કેદ કરે છે, ત્યારે કોઈ તેને છોડાવી શકતું નથી. 15 જુઓ, જો તે વરસાદને અટકાવે છે, એટલે જમીન સુકાઈ જાય છે; અને જ્યારે તે તેને છોડી દે છે, ત્યારે તે ભૂમિ પર ફરી વળે છે. 16 તેમની પાસે બળ અને બુદ્ધિ છે; છેતરનારા અને છેતરાયેલા બન્ને તેમના હાથમાં જ છે. 17 તે રાજમંત્રીઓની બુદ્ધિ લૂંટી લે છે અને તે ન્યાયકર્તાઓને મૂર્ખ બનાવે છે. 18 રાજાઓનાં બંધન તે તોડી પાડે છે. અને તેમની કમરે સાંકળ બાંધે છે. 19 તે યાજકોને લૂંટાવીને તેઓને લઈ જાય છે, અને બળવાનનો પરાજય કરે છે. 20 વક્તાઓની વાણી તે લઈ લે છે. અને વડીલોનું ડહાપણ લઈ લે છે. 21 રાજાઓ ઉપર તે તિરસ્કાર કરે છે. તે શકિતશાળીઓની સત્તા આંચકી લે છે. 22 તેઓ અંધકારમાંથી ગુપ્ત રહસ્ય પ્રગટ કરે છે, તે મૃત્યુછાયા પર પ્રકાશ લાવે છે. 23 તે પ્રજાઓને બળવાન બનાવે છે, તે તેઓનો નાશ પણ કરે છે. 24 તે પૃથ્વીના લોકોના આગેવાનોની સમજશકિત હણી લે છે; અને તેઓને દિશા-વિહોણા અરણ્યમાં રખડતા કરી મૂકે છે. 25 તેઓ અજવાળા વગર અંધકારમાં અથડાય છે અને તે તેઓને વ્યસની માણસની જેમ લથડતા કરી મૂકે છે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.