યોહાન 20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019ખાલી કબર માથ. 28:1-8 ; માર્ક 16:1-8 ; લૂક 24:1-12 1 હવે અઠવાડિયાને પહેલે દિવસે રવિવારે વહેલી સવારે અંધારું હતું તેવામાં મગ્દલાની મરિયમ કબરે આવી અને તેણે કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો. 2 ત્યારે તે દોડીને સિમોન પિતર તથા બીજો શિષ્ય, જેનાં પર ઈસુ પ્રેમ રાખતા હતા, તેમની પાસે આવીને તેઓને કહે છે કે, ‘તેઓએ પ્રભુને કબરમાંથી ઉઠાવી લીધા છે અને તેઓએ તેમને ક્યાં મૂક્યાં છે તે અમે જાણતા નથી.’” 3 તેથી પિતર તથા તે બીજો શિષ્ય કબર તરફ જવા રવાના થયા. 4 તેઓ બંને સાથે દોડ્યા; પણ તે બીજો શિષ્ય પિતરથી વધારે ઝડપથી દોડીને કબર આગળ પહેલો પહોંચ્યો. 5 તેણે નમીને અંદર જોયું તો શણનાં વસ્ત્રો પડેલાં તેના જોવામાં આવ્યા; પણ તે અંદર ગયો નહિ. 6 પછી સિમોન પિતર પણ તેની પાછળ આવ્યો અને તે કબરની અંદર ગયો; તેણે શણના વસ્ત્રો પડેલાં જોયાં; 7 અને જે રૂમાલ તેમના માથા પર વીંટાળેલો હતો, તે શણનાં વસ્ત્રોની પાસે પડેલો ન હતો, પણ વાળીને એક જગ્યાએ અલગથી મૂકેલો હતો. 8 પછી બીજો શિષ્ય કે જે કબર પાસે પહેલો આવ્યો હતો, તેણે પણ અંદર જઈને જોયું અને વિશ્વાસ કર્યો. 9 કેમ કે ઈસુએ મૃત્યુ પામેલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ, તે શાસ્ત્રવચન ત્યાં સુધી તેઓ સમજતા ન હતા. 10 ત્યારે શિષ્યો ફરી પોતાને ઘરે પાછા ગયા. મગ્દાલાની મરિયમને ઈસુ દેખાયા માથ. 28:9-10 ; માર્ક 16:9-11 11 જોકે મરિયમ બહાર કબરની પાસે રડતી ઊભી રહી. તે રડતાં રડતાં નમીને કબરમાં વારંવાર જોયા કરતી હતી; 12 અને જ્યાં ઈસુનો પાર્થિવ દેહ દફનાવેલો હતો ત્યાં પ્રકાશિત વસ્ત્ર પહેરેલા બે સ્વર્ગદૂતોને, એકને માથા બાજુ અને બીજાને પગ બાજુ, બેઠેલા તેણે જોયા. 13 તેઓ તેને કહે છે કે, ‘બહેન, તું કેમ રડે છે?’ તે તેમને કહે છે, ‘તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેઓએ તેમને ક્યાં મૂક્યા છે તે હું જાણતી નથી, માટે હું રડું છું.’” 14 એમ કહીને તેણે પાછા વળીને જોયું તો ઈસુને ઊભેલા જોયા; પણ તેઓ ઈસુ છે, એમ તેને ખબર પડી નહિ. 15 ઈસુ તેને કહે છે કે, ‘બહેન, તું કેમ રડે છે?’ તું કોને શોધે છે?’ તે માળી છે એમ ધારીને તેણે તેને કહ્યું કે, ‘ભાઈ, જો તમે તેમને અહીંથી લઈ ગયા છો, તો તમે તેમને ક્યાં મૂક્યા છે તે મને કહો, એટલે હું તેમને લઈ જઈશ.’” 16 ઈસુ તેને કહે છે કે, ‘મરિયમ;’ અને તેણે પાછા ફરીને તેમને હિબ્રૂ ભાષામાં કહ્યું કે, ‘રાબ્બોની!’ એટલે ‘ગુરુજી.’” 17 ઈસુ તેને કહે છે કે, ‘હજી સુધી હું પિતા પાસે સ્વર્ગમાં ગયો નથી, માટે મને સ્પર્શ ન કર; પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે, ‘જે મારા પિતા તથા તમારા પિતા અને મારા ઈશ્વર તથા તમારા ઈશ્વર, તેમની પાસે હું જાઉં છું.’” 18 મગ્દલાની મરિયમે આવીને શિષ્યોને જણાવ્યું કે, ‘મેં પ્રભુને જોયા છે અને તેમણે મને એ વાતો કહી છે. પોતાના શિષ્યોને ઈસુનું દર્શન માથ. 28:16-20 ; માર્ક 16:14-18 ; લૂક 24:36-49 19 તે જ દિવસે, એટલે અઠવાડિયાને પહેલે દિવસે સાંજે, શિષ્યો જ્યાં એકઠા થયા હતા ત્યાંનાં બારણાં યહૂદીઓના ભયથી બંધ રાખવામાં આવ્યાં હતા, ત્યારે ઈસુએ આવીને તેઓની મધ્યે ઊભા રહીને કહ્યું કે, ‘તમને શાંતિ થાઓ.’” 20 એમ કહીને તેમણે પોતાના હાથ તથા ફૂખ તેઓને બતાવ્યાં. માટે શિષ્યો પ્રભુને જોઈને હર્ષ પામ્યા. 21 ઈસુએ ફરી તેઓને કહ્યું કે, ‘તમને શાંતિ હો;’ જેમ પિતાએ મને મોકલ્યો છે, તેમ હું તમને પણ મોકલું છું. 22 પછી ઈસુએ તેઓ પર શ્વાસ ફૂંકીને કહ્યું કે, ‘તમે પવિત્ર આત્મા પામો. 23 જેઓનાં પાપ તમે માફ કરો છો, તેઓના પાપ માફ કરવામાં આવે છે; અને જેઓનાં પાપ તમે રાખો છો, તેઓના પાપ રહે છે.’” ઈસુ અને થોમા 24 જયારે ઈસુ આવ્યા ત્યારે થોમા, બારમાંનો એક, જે દીદીમસ કહેવાતો હતો, તે તેઓની સાથે ન હતો. 25 તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું કે, ‘અમે પ્રભુને જોયા છે.’ તેણે તેઓને કહ્યું કે, ‘તેમના હાથમાં ખીલાઓના ઘા જોયા સિવાય, મારી આંગળી ખીલાઓના ઘામાં મૂક્યા સિવાય તથા તેમની ફૂખમાં મારો હાથ નાખ્યા સિવાય, હું વિશ્વાસ કરવાનો નથી.’” 26 આઠ દિવસ પછી ફરી તેમના શિષ્યો અંદર હતા; અને થોમા પણ તેઓની સાથે હતો; ત્યારે બારણાં બંધ હોવા છતાં ઈસુએ આવીને વચમાં ઊભા રહીને કહ્યું કે, ‘તમને શાંતિ હો.’” 27 પછી તેઓ થોમાને કહે છે કે, ‘તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો; અને તારો હાથ લાંબો કરીને મારી ફૂખમાં નાખ; અવિશ્વાસી ન રહે, પણ વિશ્વાસી થા.’” 28 થોમાએ ઉત્તર આપતાં તેમને કહ્યું કે, ‘મારા પ્રભુ અને મારા ઈશ્વર!’ 29 ઈસુએ તેને કહ્યું કે, ‘તેં વિશ્વાસ કર્યો કારણ કે તેં મને જોયો છે, જેઓએ મને જોયો નથી અને છતાં પણ વિશ્વાસ કર્યો છે તેઓ આશીર્વાદિત છે.’” આ પુસ્તકનો હેતુ 30 ઈસુએ બીજા ઘણાં ચમત્કારિક ચિહ્નો શિષ્યોની સમક્ષ કર્યા, કે જેનું વર્ણન આ પુસ્તકમાં કરેલું નથી. 31 પણ ઈસુ તે જ ખ્રિસ્ત, ઈશ્વરના દીકરા છે, એવો તમે વિશ્વાસ કરો અને વિશ્વાસ કરીને તેમના નામથી જીવન પામો, માટે આટલી વાતો લખેલી છે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.