Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યોહાન 18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019


ઈસુની ધરપકડ
માથ. 26:47-56 ; માર્ક 14:43-50 ; લૂક 22:47-53

1 એ વાતો કહ્યાં પછી ઈસુ પોતાના શિષ્યો સાથે કિન્દ્રોન ખીણને પેલે પાર ગયા, ત્યાં એક વાડી હતી, તેમાં તેઓ પોતે તથા તેમના શિષ્યો ગયા.

2 હવે તેમને પરસ્વાધીન કરનાર યહૂદા પણ તે જગ્યા વિષે જાણતો હતો; કેમ કે ઈસુ પોતાના શિષ્યોની સાથે ઘણી વખત ત્યાં જતા હતા.

3 ત્યારે યહૂદા સૈનિકોની ટુકડી લઈને અને મુખ્ય યાજકો તથા ફરોશીઓની પાસેથી સિપાઈઓને લઈને ફાનસો, મશાલો તથા હથિયારો સહિત ત્યાં આવ્યો.

4 ત્યારે ઈસુ પોતાનાં પર જે સર્વ આવી પડવાનું હતું તે બધું જાણતા હતા, તે માટે તેમણે બહાર જઈને તેઓને કહ્યું કે, ‘તમે કોને શોધો છો?’”

5 તેઓએ તેમને ઉત્તર દીધો કે, ‘ઈસુ નાઝારીને.’ ઈસુ તેઓને કહે છે કે, ‘તે હું છું.’ અને યહૂદા જે તેમને પરસ્વાધીન કરનાર હતો તે પણ સૈનિકોની સાથે ઊભો હતો.

6 એ માટે જયારે તેમણે તેઓને કહ્યું કે, ‘તે હું છું,’ ત્યારે તેઓ પાછા હટીને જમીન પર પડ્યા.

7 ત્યારે તેમણે ફરી તેઓને પૂછ્યું કે, ‘તમે કોને શોધો છો?’ અને તેઓએ કહ્યું કે, ‘નાસરેથના ઈસુને.’”

8 ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘મેં તમને કહ્યું કે, તે હું છું;’ એ માટે જો તમે મને શોધતાં હો તો, આ માણસોને જવા દો.’”

9 એ માટે કે જે વચન તેઓ બોલ્યા હતા તે પૂર્ણ થાય; ‘જેઓને તમે મને આપ્યા છે તેઓમાંથી એકને પણ મેં ગુમાવ્યો નથી.’”

10 ત્યારે સિમોન પિતરે તેની પાસે તલવાર હતી, તે કાઢીને પ્રમુખ યાજકના ચાકરનો જમણો કાન કાપી નાખ્યો. તે ચાકરનું નામ માલ્ખસ હતું.

11 તેથી ઈસુએ પિતરને કહ્યું કે, ‘તારી તલવાર મ્યાનમાં મૂક; જે પ્યાલો મારા પિતાએ મને આપ્યો છે ‘તે શું હું ના પીઉં?’”


ઈસુ આન્નાસની આગળ

12 ત્યારે સિપાઈઓએ, સેનાપતિ તથા યહૂદીઓના અધિકારીઓએ ઈસુને પકડ્યા અને તેમને બાંધ્યા.

13 તેઓ પહેલાં તેમને આન્નાસની પાસે લઈ ગયા; કેમ કે તે વર્ષના પ્રમુખ યાજક કાયાફાનો તે સસરો હતો.

14 હવે કાયાફાએ યહૂદીઓને એવી સલાહ આપી હતી કે, લોકોને માટે એક માણસે મરવું હિતકારક છે.


પિતરે કરેલો નકાર
માથ. 26:69-70 ; માર્ક 14:66-68 ; લૂક 22:55-57

15 સિમોન પિતર તથા બીજો એક શિષ્ય ઈસુની પાછળ ગયા. હવે તે શિષ્ય પ્રમુખ યાજકનો ઓળખીતો હતો તેથી ઈસુની સાથે પ્રમુખ યાજકના ઘરના ચોકમાં ગયો.

16 પણ પિતર બારણા આગળ બહાર ઊભો રહ્યો. માટે તે બીજો શિષ્ય જે પ્રમુખ યાજકનો ઓળખીતો હતો તે બહાર આવ્યો અને દરવાજો સાચવનારી દાસીને કહીને પિતરને અંદર લઈ ગયો.

17 ત્યારે તે દાસીએ પિતરને કહ્યું કે, ‘શું તું પણ તે માણસના શિષ્યોમાંનો એક છે?’ પિતરે કહ્યું કે, ‘હું નથી.’”

18 ત્યાં ચાકરો તથા સિપાઈઓ ઠંડીને કારણે કોલસાની તાપણી કરીને તાપતા હતા; કેમ કે ઠંડી હતી; અને પિતર પણ તેઓની સાથે ઊભો રહીને તાપતો હતો.


પ્રમુખ યાજક ઈસુને પ્રશ્નો પૂછે છે
માથ. 26:59-66 ; માર્ક 14:55-64 ; લૂક 22:66-71

19 ત્યારે પ્રમુખ યાજકે ઈસુને તેના શિષ્યો તથા શિક્ષણ વિષે પૂછ્યું.

20 ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘દુનિયાની સમક્ષ હું પ્રગટ રીતે બોલતો આવ્યો છું; સભાસ્થાનોમાં તથા ભક્તિસ્થાનમાં જ્યાં સર્વ યહૂદીઓ એકઠા થાય છે, ત્યાં હું નિત્ય બોધ કરતો હતો; અને હું ગુપ્તમાં કંઈ બોલ્યો નથી.

21 ‘તું મને કેમ પૂછે છે?’ તેઓને પૂછ; ‘મેં જે કહ્યું તે મારા સાંભળનારાઓને પૂછ; જો, મેં જે વાતો કહી તે તેઓ જાણે છે.

22 ઈસુએ એમ કહ્યું ત્યારે, સિપાઈઓમાંનો એક પાસે ઊભો હતો, તેણે ઈસુને તમાચો મારીને કહ્યું કે, શું તું પ્રમુખ યાજકને એવી રીતે જવાબ આપે છે?’”

23 ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘જો મેં કંઈ ખોટું કહ્યું હોય તો તે વિષે સાબિત કર. પણ જો સાચું હોય, ‘તો તું મને કેમ મારે છે?’”

24 ત્યારે આન્નાસે ઈસુને બાંધીને પ્રમુખ યાજક કાયાફા પાસે મોકલ્યા.


પિતરે ઈસુનો ફરીથી નકાર કર્યો
માથ. 26:71-75 ; માર્ક 14:69-72 ; લૂક 22:58-62

25 હવે સિમોન પિતર ઊભો રહીને તાપતો હતો, ત્યારે તેઓએ તેને પૂછ્યું કે, ‘શું તું પણ તેના શિષ્યોમાંનો એક છે?’ તેણે નકાર કરતાં કહ્યું કે, ‘હું નથી.’”

26 જેનો કાન પિતરે કાપી નાખ્યો હતો તેનો સગો જે પ્રમુખ યાજકના ચાકરોમાંનો એક હતો તેણે કહ્યું, વાડીમાં મેં તને તેની સાથે જોયો નથી શું?

27 ત્યારે પિતરે ફરીથી ઇનકાર કર્યો; અને તરત જ મરઘો બોલ્યો.


ઈસુ પિલાત આગળ
માથ. 27:1-2 , 11-14 ; માર્ક 15:1-5 ; લૂક 23:1-5

28 ત્યારે તેઓ ઈસુને કાયાફા પાસેથી દરબારમાં લઈ જતા હતા; તે વહેલી સવારનો સમય હતો; અને તેઓ અશુદ્ધ ન થાય, પાસ્ખા ખાઈ શકે, માટે દરબારમાં ગયા નહિ.

29 તેથી પિલાતે બહાર આવીને તેઓને કહ્યું કે, ‘એ માણસ પર તમે કયું તહોમત મૂકો છો?’”

30 તેઓએ તેને ઉત્તર આપ્યો, ‘જો એ માણસ ખોટું કરનાર ન હોત, તો અમે તેને તમને સોંપત નહિ.’”

31 ત્યારે પિલાતે તેઓને કહ્યું કે, ‘તમે પોતે તેને લઈને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરો,’ યહૂદીઓએ તેમને કહ્યું કે, ‘કોઈ માણસને મારી નાખવાનો અમને અધિકાર નથી.’”

32 પોતે કયા મોતથી મરનાર હતા તે સૂચવતાં ઈસુએ જે વચન કહ્યું હતું તે પૂર્ણ થાય માટે એમ થયું.

33 એથી પિલાતે ફરી દરબારમાં જઈને ઈસુને બોલાવીને તેને પૂછ્યું કે, ‘શું તું યહૂદીઓનો રાજા છે?’”

34 ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘આ શું તું પોતાના તરફથી કહે છે કે, કોઈ બીજાઓએ મારા સંબંધી એ તને કહ્યું?’”

35 પિલાતે ઉત્તર આપ્યો કે, ‘શું હું યહૂદી છું?’ તારા દેશના લોકોએ તથા મુખ્ય યાજકોએ તને મારે હવાલે કર્યો; ‘તેં શું કર્યું છે?’”

36 ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘મારું રાજ્ય આ જગતનું નથી; જો મારું રાજ્ય આ જગતનું હોત, તો મને યહૂદીઓને સ્વાધીન કરવામાં આવત નહિ, તે માટે મારા સેવકો લડાઈ કરત, પણ મારું રાજ્ય તો અહીંનું નથી.

37 તેથી પિલાતે ઈસુને પૂછ્યું કે, ‘ત્યારે શું તું રાજા છે?’ ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘તું કહે છે કે હું રાજા છું.’ એ જ માટે હું જન્મ્યો છું; અને એ જ માટે હું આ દુનિયામાં આવ્યો છું, જેથી હું સત્ય વિષે સાક્ષી આપું; સર્વ જે સત્યનો છે, તે મારી વાણી સાંભળે છે.’”


ઈસુને મોતની સજા ફરમાવી
માથ. 27:15-31 ; માર્ક 15:6-20 ; લૂક 23:13-25

38 પિલાત તેને કહે છે કે, ‘સત્ય શું છે?’ જયારે તેણે એમ કહ્યું ત્યારે, તે ફરીથી યહૂદીઓની પાસે બહાર ગયો અને તેઓને કહ્યું મને આ માણસમાં કંઈ અપરાધ જણાતો નથી.

39 પણ પાસ્ખાપર્વમાં તમારે માટે એક બંદીવાનને હું છોડી દઉં, એવો તમારો રિવાજ છે. તેથી હું તમારે માટે યહૂદીઓના રાજાને છોડી દઉં, એમ તમે ચાહો છો શું?

40 ત્યારે તેઓએ ફરીથી ઊંચા અવાજે કહ્યું કે, ‘એને તો નહિ જ, પણ બરાબાસને. હવે બરાબાસ તો લુંટારો હતો.

GUJ-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan