Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 મારા લોકની દીકરીના કતલ થયેલાઓને માટે રાતદિવસ વિલાપ કરવા માટે, મારું માથું પાણી હોત તથા મારી આંખો આંસુનો ઝરો હોત તો કેવું સારું!

2 મારા લોકને છોડીને તેઓથી દૂર ચાલ્યા જવા માટે મારાં માટે ઉતારો અરણ્યમાં હોત તો કેવું સારું! એ બધા વ્યભિચારી તથા વિશ્વાસઘાતી લોકો છે.

3 તેઓ ધનુષ્યની માફક પોતાની જીભ વાળીને પોતાનાં અસત્યનાં બાણો ફેંકે છે. તેઓ પરાક્રમી થયા છે ખરા, પણ વિશ્વાસુપણાને માટે તેઓ પરાક્રમી નથી તેઓ દુષ્કર્મ કર્યા પછી વધુ ને વધુ દુષ્ટ બનતા જાય છે. તેઓ મને ઓળખતા નથી. એમ યહોવાહ કહે છે.

4 પ્રત્યેક જણ પોતાના પડોશીથી સાવધ રહો, કોઈએ પોતાના ભાઈ પર વિશ્વાસ ન કરવો, કેમ કે દરેક ભાઈ છેતરનાર છે. અને દરેક પડોશી નિંદા કર્યા કરશે.

5 દરેક સત્ય ન બોલીને પોતાના પડોશીને ઠગે છે. તેમની જીભ જૂઠું બોલવા ટેવાઈ ગઈ છે. તેઓ દુષ્ટતા કરી કરીને થાકી ગયા છે.

6 તું અન્યાયની અંદર વસે છે; કપટને લીધે તેઓ મને ઓળખવાની ના પાડે છે. એમ યહોવાહ કહે છે.

7 તેથી સૈન્યોના ઈશ્વર યહોવાહ એમ કહે છે કે, જુઓ, હું તેઓને પીગાળી નાખીશ. હું તેઓની તપાસ કરીશ. કેમ કે મારા લોકની દીકરીને માટે હું બીજું શું કરું?

8 તેમની જીભ જીવલેણ બાણ જેવી છે, તેઓ કપટ બોલે છે. તેઓ મુખથી પોતાના પડોશી સાથે શાંતિથી બોલે છે, પણ મનમાં એકબીજાને ફસાવવાના ઘાટ ઘડે છે.

9 યહોવાહ કહે છે, આ બધા માટે મારે તેઓને શી સજા ન કરવી જોઈએ? આવી પ્રજા પર શું મારો આત્મા વૈર નહિ લે?

10 હું પર્વતોને માટે શોક અને રુદન કરીશ. અને જંગલમાં બીડોને માટે વિલાપ કરીશ. કેમ કે તેઓ એટલાં બધાં બળી ગયા છે કે કોઈ તેમાં થઈને જતું નથી. જાનવરોનો અવાજ સંભળાતો નથી. અને આકાશના પક્ષીઓ તથા પશુઓ પણ ત્યાંથી નાસી ગયાં છે.

11 તેથી હું યરુશાલેમને ખંડેરોનો ઢગલો, શિયાળોનું કોતર કરીશ. અને હું યહૂદિયાના નગરોને ઉજ્જડ કરીશ. તેઓ નિર્જન થઈ જશે.

12 કોણ એવો બુદ્ધિમાન માણસ છે કે જે આ સમજી શકે? જેને યહોવાહે પોતાના મુખે પ્રગટ કરવાનું કહ્યું તે કોણ છે? વળી આ ભૂમિ શા માટે નષ્ટ થઈ ગઈ છે? તે રાનની પેઠે એવી બળી ગઈ છે કે તેમાં થઈને કોઈ જતું નથી.

13 યહોવાહ કહે છે, ‘વળી મેં મારું નિયમશાસ્ત્ર તેઓની આગળ મૂક્યું છે, તેઓએ તેનો ત્યાગ કર્યો છે. તેઓએ મારું કહ્યું સાંભળ્યું નથી અને તેનું પાલન કર્યું નથી.

14 પણ પોતાના હ્રદયના દુરાગ્રહ મુજબ અને પોતાના પિતૃઓએ શીખવ્યા પ્રમાણે તેઓ બઆલોની પાછળ ચાલ્યા છે.

15 આથી સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર એમ કહે છે કે, હવે હું આ લોકોને ખાવા માટે કડવી વેલ અને પીવા માટે ઝેર આપવાનો છું.

16 વળી તેઓથી અને તેઓના પિતૃઓથી અજાણી પ્રજામાં હું તેમને વિખેરી નાખીશ. અને હું તેઓનો વિનાશ થાય ત્યાં સુધી તેઓની પાછળ તલવાર મોકલીશ.


મદદ માટે પ્રજાનો પોકાર

17 સૈન્યોના યહોવાહ કહે છે; આ વિષે વિચાર કરો; દુ:ખનાં ગીતો ગાનારીઓને બોલાવો. દુ:ખનાં ગીતો ગાવામાં જે પારંગત હોય તેને બોલાવો; તેઓને આવવા દો.

18 તેઓ વહેલી આવે અને આપણે માટે વિલાપ કરે, જેથી આપણી આંખોમાંથી ચોધાર આંસુ વહે અને આપણી પાંપણો ભીંજાઇ જાય.

19 કેમ કે સિયોનમાંથી વિલાપનો સાદ સંભળાય છે; “અમે કેવા વિનાશ પામ્યા છીએ. અમે અત્યંત શરમિંદા થયા છીએ, અમે દેશ છોડી દીધો છે, કેમ કે તેઓએ અમારાં ઘરોને તોડી પાડ્યાં છે.”

20 પરંતુ હે સ્ત્રીઓ, યહોવાહનું વચન સાંભળો; તેમના મુખના વચનને ધ્યાનથી સાંભળો. તમારી દીકરીઓને રુદન કરતાં શીખવો. અને તમારી પડોશણોને વિલાપ કરતાં શીખવો.

21 મરણ આપણી બારીઓમાંથી આવ્યું છે; તે આપણા મહેલોમાં પેઠું છે. કેમ કે આપણાં બાળકોનો નાશ થયો છે અને તરુણો જાહેર ચોકમાં રહ્યા નથી.

22 આ પ્રગટ કર યહોવાહ આ પ્રમાણે કહે છે; જેમ ખેતરમાં ખાતર તથા કાપણી કરનારની પાછળ પૂળીઓ પડે છે, તેમ મનુષ્યના મૃતદેહો પડશે. અને તેઓને એકઠા કરનાર કોઈ હશે નહિ.

23 યહોવાહ કહે છે, જ્ઞાનીએ પોતાના ડહાપણ વિષે અભિમાન કરવું નહિ. તેમ જ બળવાને પોતાના બળ વિષે અભિમાન કરવું નહિ. વળી ધનવાને પોતાના ધન વિષે અભિમાન કરવું જોઈએ નહિ.

24 પણ જે કોઈ અભિમાન કરે તે આ બાબતમાં અભિમાન કરે કે, તેઓ સમજીને મને ઓળખે છે કે, હું પૃથ્વી પર દયા, ન્યાય અને નીતિ કરનાર યહોવાહ છું કેમ કે, આ જ મને પસંદ છે. એમ યહોવાહ કહે છે.

25 યહોવાહ કહે છે કે, એવો સમય આવે છે કે જ્યારે હું સર્વ સુન્નતીઓને તેઓના બેસુન્નતપણાને લીધે શિક્ષા કરીશ.

26 જ્યારે મિસર, યહૂદિયા, અદોમ, આમ્મોન, અને મોઆબીઓ જેઓની દાઢી બાજુએથી મૂંડેલી છે તેમ જ જેઓ રણમાં વસે છે તેઓને હું જોઈ લઈશ. કેમ કે, સર્વ પ્રજાઓ બેસુન્નતીઓ છે. અને સર્વ ઇઝરાયલીઓના હૃદયમાં બેસુન્નત છે.’”

GUJ-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan