યર્મિયા 8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 યહોવાહ કહે છે, તે સમયે તેઓ યહૂદિયાના રાજાઓનાં હાડકાં અને તેમના અધિકારીઓનાં હાડકાં, યાજકોનાં હાડકાં અને પ્રબોધકોનાં તેમ જ યરુશાલેમના રહેવાસીઓના હાડકાં તેમની કબરોમાંથી બહાર કાઢી લાવશે. 2 સૂર્ય, ચંદ્ર અને આકાશના સર્વ સૈન્ય જેઓના પર તેઓએ પ્રેમ રાખ્યો છે, તેઓ વંઠી ગયા છે. જેઓને તેઓએ શોધ્યા છે અને જેમની તેઓએ પૂજા કરી છે, તેઓની આગળ આ હાડકાં વેરી નંખાશે અને ફરી ભેગાં કરવામાં કે દાટવામાં નહિ આવે, તેઓ પૃથ્વીના પટ પર ખાતરરૂપ થઈ જશે. 3 વળી આ દુષ્ટ પ્રજામાંથી જેઓ જીવતા રહેશે, જે સર્વ સ્થળે મેં તેઓને નસાડી મૂક્યા છે, ત્યાં બાકી રહેલા સર્વ લોક જીવવા કરતાં મરવું વધારે પસંદ કરશે. એમ સૈન્યોના યહોવાહ કહે છે. બૂરાં કર્મોની શિક્ષા 4 વળી તું તેઓને કહે કે, યહોવાહ આમ કહે છે કે; શું કોઈ પડી જાય છે તો તે પાછો ઊભો નહિ થાય? શું કોઈ ભૂલો પડે તો તે પોતાના ઠેકાણે પાછો નહિ આવે? 5 યરુશાલેમના આ લોકો પાછા હઠયા છે, તેઓ હંમેશને માટે કેમ પાછા હઠી ગયા છે? તેઓ દુષ્કર્મોને વળગી રહે છે. અને પાછા આવવાની ના પાડે છે. 6 મેં ધ્યાન દઈને સાભળ્યું, પણ તેઓ સાચું બોલ્યા નહિ; કોઈ પોતાની દુષ્ટતા માટે પશ્ચાતાપ કરતું નથી, કોઈ કહેતું નથી કે, “અરે, અમે આ શું કર્યું?” જેમ ઘોડાઓ યુદ્ધના મેદાનમાં વેગથી ધસે છે, તેમ તેઓમાંના દરેક પોતપોતાના માર્ગમાં આગળ વધે છે. 7 આકાશમાં ઊડતો સારસ પણ પોતાના સ્થળાંતરનો સમય જાણે છે, તેમ જ કબૂતર, અબાબીલ તથા બગલો પણ પોતપોતાનો આવવાનો સમય સાચવે છે, પરંતુ મારા લોક યહોવાહનો નિયમ સમજતા નથી. 8 તમે એવું કહો છો કે, “અમે જ્ઞાની છીએ! અને અમારી પાસે યહોવાહનું નિયમશાસ્ત્ર છે” પણ, જુઓ, લહિયાઓની જૂઠી કલમે તેને જૂઠું કર્યું છે. 9 જ્ઞાની માણસ લજ્જિત થશે. તેઓ ડરી જશે અને પકડાઈ જશે. જુઓ, યહોવાહનાં વચનોનો તેમણે ઇનકાર કર્યો છે. તો તેઓની પાસે કેવા પ્રકારનું ડહાપણ હોઈ શકે? 10 તે માટે હું તેઓની સ્ત્રીઓને બીજા પુરુષોને તથા તેઓનાં ખેતરો બીજા માલિકોને આપીશ, કેમ કે નાનાથી માંડીને મોટા સુધી સર્વ લોભિયા બન્યાં છે. પ્રબોધકોથી તે યાજ્ક સુધી સર્વ જૂઠાણું ચલાવે છે. 11 અને કંઈ પણ શાંતિ ન હોવા છતાં, “શાંતિ, શાંતિ,” એમ કહીને, તેઓએ મારા લોકની દીકરીઓના ઘા ઉપરઉપરથી રુઝાવ્યા છે. 12 તેઓએ ધિક્કારપાત્ર કામ કર્યું હતું પણ શું તેઓને શરમ લાગે છે? ના, વળી શરમ શું છે તે તેઓએ જાણ્યું જ નહિ; તેથી તેઓનું પણ પતન થશે. હું જ્યારે તેઓને સજા કરીશ ત્યારે તેઓ ઠોકર ખાઈને પડી જશે. એમ યહોવાહ કહે છે. 13 યહોવાહ કહે છે કે, હું તેઓનો સંપૂર્ણ નાશ કરીશ; વળી દ્રાક્ષાવેલા પર કંઈ દ્રાક્ષો થશે નહિ, અંજીરીને અંજીર લાગશે નહિ અને તેનાં પાંદડાં ચીમળાશે; વળી મેં તેઓને જે કંઈ આપ્યું છે તે તેઓની પાસેથી જતું રહેશે. 14 આપણે કેમ અહીં બેસી રહીએ છીએ? આવો, આપણે બધા; કિલ્લેબંધ નગરોમાં જઈએ અને ત્યાં મૃત્યુ પામીએ, કેમ કે આપણા ઈશ્વર યહોવાહે આપણો નાશ કર્યો છે અને આપણને પીવાને ઝેર આપ્યુ છે. કેમ કે આપણે યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે. 15 આપણે શાંતિની અપેક્ષા રાખી હતી, પરંતુ કંઈ હિત થયું નહિ, આપણે સારા સમયની રાહ જોઈ હતી, પણ જુઓ, ભય આવી પડ્યો. 16 તેઓના ઘોડાઓનાં હણહણાટ દાનથી સંભળાય છે, તેઓના સમર્થકોના ખોંખારાના સાદથી આખી ભૂમિ ધ્રૂજી ઊઠે છે, તેઓએ આવીને ભૂમિ તથા તેનું સર્વસ્વ, નગર અને તેના વતનીઓને ખાઈ નાખ્યા છે. 17 માટે જુઓ, હું તમારા પર સર્પોને એટલે મંત્રથી વશ ન થઈ શકે તેવા નાગને તમારામાં મોકલીશ. અને તેઓ તમને કરડશે. એમ યહોવાહ કહે છે. પોતાના લોકોને માટે યર્મિયાનો અફસોસ 18 મારું હૃદય થાકી ગયું છે, મારા ખેદનો અંત નથી. 19 જુઓ, દૂર દેશમાંથી મારા લોકોની દીકરીઓના રુદનનો પોકાર સંભળાય છે, શું યહોવાહ સિયોનમાં નથી? શું તેનો રાજા તેમાં નથી? તેઓએ શા માટે પોતાની કોતરેલી મૂર્તિઓથી અને પારકી વસ્તુઓ દ્વારા મને ક્રોધિત કર્યો છે? 20 કાપણી પૂરી થઈ છે; ઉનાળો વીતી ગયો છે, તોપણ અમે ઉદ્ધાર પામ્યા નથી. 21 મારા લોકોની દીકરીના ઘાને જોઈને મારું હૈયું ઘવાય છે, જે ભયાનક બાબતો તેની સાથે બની એને લીધે હું શોક કરું છું; હું ભયભીત થઈ ગયો છું. 22 શું હવે ગિલ્યાદમાં કંઈ પણ ઔષધ નથી? ત્યાં કોઈ વૈદ્ય નથી? મારા લોકોની દીકરીના ઘા કેમ રુઝાતા નથી? |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.