યર્મિયા 50 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019બાબિલ ઉપર આક્રમણ 1 બાબિલ અને ખાલદીઓના દેશ વિષે યહોવાહે જે વચન યર્મિયા પ્રબોધક મારફતે કહ્યું તે આ છે. 2 “પ્રજાઓમાં પ્રગટ કરીને સંભળાવો. ધ્વજા ફરકાવી અને જાહેર કરો. છુપાવશો નહિ. કહો કે, બાબિલ જિતાયું છે. બેલ લજ્જિત થયો છે. મેરોદાખના ભાંગીને ટુકડેટુકડા થઈ ગયા છે. તેની મૂર્તિઓને લજ્જિત કરવામાં આવી છે; તેનાં પૂતળાંને ભાંગી નાખવામાં આવ્યાં છે.’ 3 ઉત્તર દિશામાંથી લોક તેના પર ચઢી આવે છે, તેઓ તેના દેશને વેરાન બનાવી દેશે, માણસ કે પશુ તેમાં રહેશે નહિ, તેઓ ત્યાંથી નાસી જશે. ઇઝરાયલનું પાછા ફરવું 4 યહોવાહ કહે છે, “તે દિવસોમાં અને તે સમયે’ ઇઝરાયલપુત્રો અને યહૂદિયાના લોકો સાથે મળીને આવશે, તેઓ રડતાં રડતાં આવશે અને તેમના ઈશ્વર યહોવાહની શોધ કરશે. 5 તેઓ સિયોનનો માર્ગ પૂછશે અને તેની તરફ આગળ વધશે. તેઓ કહેશે, ‘આવો, કદી ભૂલી ન જવાય તેવો સનાતન કરાર કરીને આપણે યહોવાહ સાથેના સંબંધમાં જોડાઈએ. 6 મારા લોકો ખોવાયેલાં ઘેટાં જેવાં હતા, તેઓનાં ઘેટાંને પાળકોએ ભૂલાં પડવા દીધા. અને પર્વતો પર ગમે તેમ ભટકવા દીધાં, તેઓ પોતાના માર્ગ ભૂલી ગયાં અને વાડામાં કઈ રીતે પાછા આવવું તે તેઓને યાદ રહ્યું નહિ. 7 જે કોઈ તેઓને મળ્યા, તે સર્વ તેઓને ખાઈ ગયા, તેઓના શત્રુઓએ કહ્યું કે, તેઓએ પોતાના ન્યાયાસ્પદ યહોવાહ, હા, તેઓના પૂર્વજોની આશા યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે. તેથી અમે દોષપાત્ર ઠરીશું નહિ.’ 8 બાબિલમાંથી નાસી જાઓ અને ખાલદીઓના દેશમાંથી નીકળી જાઓ. અને ટોળાંની આગળ ચાલનાર બકરાના જેવા થાઓ. 9 કેમ કે જુઓ, હું ઉત્તર દિશામાંથી મોટી પ્રજાઓના સમુદાયને બાબિલ વિરુદ્ધ ઉશ્કેરીશ. તેઓ તેની સામે મોરચો માંડશે અને તેને કબજે કરશે. તેઓનાં તીર કુશળ અને બહાદુર ધનુર્ધારીઓના બાણ જેવાં થશે. કોઈ ખાલી પાછું આવશે નહિ. 10 ખાલદી દેશને લૂંટી લેવામાં આવશે અને જેઓ તેને લૂંટશે. તેઓ સર્વ લૂંટથી તૃપ્ત થશે.” એવું યહોવાહ કહે છે. બાબિલનું પતન 11 હે મારી વારસાને લૂંટનારાઓ, તમે આનંદ માણો છો અને મોજ કરો છો; તમે ગોચરમાં કૂદકા મારતા વાછરડાની જેમ દોડો છો; તમે બળવાન ઘોડાની જેમ હણહણો છો; 12 તેથી તમારી માતા બહુ લજ્જિત થશે. તમારી જનેતા શરમાશે. જુઓ, તે રણ, સૂકી ભૂમિ તથા ઉજ્જડ થઈને કનિષ્ઠ દેશ ગણાશે. 13 યહોવાહના ક્રોધને કારણે તે નિર્જન બની જશે, તે વેરાન બની જશે. બાબિલ પાસે થઈને જતાં સૌ કોઈ કાંપશે. અને તેની સર્વ વિપત્તિઓ જોઈને ફિટકાર કરશે. 14 બાબિલની આસપાસ હારબંધ ગોઠવાઈ જાઓ, સર્વ ધનુર્ધારીઓ તેને તાકીને બાણ મારો. તમારાં તીર પાછાં ન રાખો, કેમ કે તેણે યહોવાહ વિરુદ્ધ પાપ કર્યું છે. 15 તેની ચારે બાજુએથી રણનાદ કરો, તેણે શરણાગતિ સ્વીકારી છે, તેના બુરજો પડી ગયા છે. તેના કોટ પાડી નાખવામાં આવ્યા છે. યહોવાહે લીધેલો બદલો એ છે. તેની પાસેથી બદલો લો. જેવું તેણે બીજાઓને કર્યું હતું તેવું જ તેને કરો! 16 બાબિલમાંથી વાવનારને તથા કાપણીની વેળા દાતરડું ચલાવનારને નષ્ટ કરો. જુલમી તલવારને લીધે તેઓ પોતપોતાના લોકની પાસે દોડી આવશે. અને પોતપોતાના વતનમાં નાસી જશે. ઇઝરાયલનું પાછા ફરવું 17 ઇઝરાયલ રખડેલ ઘેટાં સમાન છે અને સિંહોએ તેને નસાડી મૂક્યો છે. પ્રથમ તો આશ્શૂરનો રાજા તેઓને ખાઈ ગયો; પછી છેલ્લે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તેઓનાં હાડકાં ભાંગી નાખ્યાં છે. 18 તેથી સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, જુઓ, મેં જે રીતે આશ્શૂરના રાજાને શાસન આપ્યું છે તે રીતે બાબિલના રાજાને અને તેના દેશને પણ શાસન આપીશ. 19 ઇઝરાયલને હું પાછો તેના બીડમાં લાવીશ, તે કાર્મેલ પર્વત અને બાશાન પર ચઢશે. અને તેનો જીવ એફ્રાઇમ અને ગિલ્યાદમાં સંતોષાશે. 20 યહોવાહ કહે છે કે, તે સમયોમાં તથા તે દિવસોમાં, ઇઝરાયલનો દોષ શોધશે, પણ તેઓને મળશે નહિ. હું યહૂદિયાના પાપની તપાસ કરીશ, પણ તે મળશે નહિ. કેમ કે, જેમને હું જીવતા રહેવા દઈશ તેમને હું માફ કરીશ.” 21 “મેરાથાઈમ દેશ પર હા, તે જ દેશ પર અને પેકોદના વતનીઓ પર ચઢાઈ કર, તેઓની પાછળ પડીને તેઓનો ઘાત કર તેઓનો સંહાર કરો. “મેં તને જે સર્વ કરવાનું ફરમાવ્યું છે, તે પ્રમાણે કર, એમ યહોવાહ કહે છે. 22 દેશમાં રણનાદ અને ભયંકર યુદ્ધનો પોકાર સંભળાય છે. 23 આખા જગતનો હથોડો કેવો કપાઈ ગયો છે તથા ભાંગીતૂટી ગયો છે. પ્રજાઓમાં બાબિલ કેવો ઉજ્જડ થયો છે. 24 હે બાબિલ, મેં તારા માટે જાળ બિછાવી છે. તું તેમાં સપડાઈ ગયો છે અને તને તેની ખબર નથી. તું મળ્યો અને તું પકડાયો છે, કેમ કે તેં મને એટલે યહોવાહને પડકાર આપ્યો છે.” 25 યહોવાહે પોતાનો શસ્ત્રભંડાર ખોલ્યો છે અને પોતાના શત્રુઓ પર પોતાનો ક્રોધાગ્નિ પ્રગટાવવા માટે શસ્ત્રો બહાર કાઢ્યાં છે. કેમ કે સૈન્યોના પ્રભુ યહોવાહે ખાલદીઓના દેશમાં કામ કરવાનું છે. 26 છેક છેડેથી તેના પર ચઢી આવો. તેના અનાજના ભંડારો ખોલી નાખો અને તેનો ઢગલો કરો. તેનો નાશ કરો. તેમાંથી કશું પણ બાકી ન રહેવા દો. 27 તેના સર્વ બળદોને મારી નાખો, તેઓની હત્યા થવા માટે નીચે ઊતરી જવા દો. તેઓને અફસોસ તેઓના દિવસો ભરાઈ ચૂક્યા છે તેઓની સજાનો દિવસ આવી પહોંચ્યો છે. 28 આપણા ઈશ્વર યહોવાહે લીધેલું વૈર, તેઓના સભાસ્થાન વિષે લીધેલું વૈર, સિયોનમાં જાહેર કરનારા બાબિલ દેશમાંથી છૂટેલાનો સાદ સંભળાય છે. 29 “બાબિલની સામે તીરંદાજોને એટલે ધનુષ્યબાણ ચલાવનારા સર્વને બોલાવો. તેને ચારે તરફથી ઘેરી લો. જેથી કોઈ નાસી જવા પામે નહિ, તેનાં કૃત્યો પ્રમાણે તેને બદલો આપો, તેણે બીજાની જે દશા કરી છે તે પ્રમાણે તેને કરો. કેમ કે, યહોવાહની આગળ ઇઝરાયલના પવિત્રની આગળ તે ઉદ્ધત થયો છે. 30 તેથી યુવાન માણસો મહોલ્લાઓમાં પડશે. અને તેના સર્વ યોદ્ધાઓ માર્યા જશે.” એવું યહોવાહ કહે છે. 31 આપણા પ્રભુ સૈન્યોના યહોવાહ કહે છે, જુઓ, હે અભિમાની લોકો, હું તમારી વિરુદ્ધ છું. “હે અભિમાની લોક, હવે તમને શિક્ષા કરવાનો સમય આવી ગયો છે. તે સમયે હું તમને શિક્ષા કરીશ. 32 હે અભિમાની પ્રજા, તું ઠોકર ખાઈને પડશે. કોઈ તેઓને ઊભા નહિ કરે. હું તારાં નગરોમાં આગ લગાડીશ; અને તે આસપાસનું બધું બાળીને ભસ્મ કરી નાખશે.” 33 સૈન્યોના યહોવાહ કહે છે; “ઇઝરાયલના અને યહૂદિયાના લોકો પર જુલમ ગુજારવામાં આવી રહ્યો છે. જેઓ તેઓને બંદીવાસમાં લઈ ગયા તેઓ તેઓને પકડી રાખે છે; તેઓ તેમને છોડી મૂકવાની ના પાડે છે. 34 પરંતુ તેઓનો ઉદ્ધારક બળવાન છે. તેમનું નામ સૈન્યોના યહોવાહ છે. પૃથ્વી પર શાંતિ ફેલાવવાને માટે અને બાબિલના રહેવાસીઓને કંપાવવાને તે નિશ્ચે તેઓનો પક્ષ રાખશે. 35 યહોવાહ આ પ્રમાણે કહે છે કે, ખાલદીઓ પર “અને બાબિલના સર્વ વતનીઓ પર, તેના સરદારો પર અને જ્ઞાનીઓ પર તલવાર ઝઝૂમે છે. 36 તેના જૂઠા યાજકોને માથે પણ તલવાર ઝઝૂમે છે, તેઓની અક્કલ બહેર મારી જશે. તેના યોદ્ધાઓને માથે પણ તલવાર ઝઝૂમે છે, તેથી તેઓ ભયભીત થશે. 37 તેના ઘોડાઓ તથા રથો પર તથા તેના સર્વ લોક જેઓ બાબિલમાં છે તેઓ પર તલવાર આવી છે, જેથી તેઓ સ્ત્રીઓ જેવા નિર્બળ થશે. તેની સર્વ સંપત્તિ પર તલવાર આવી છે અને તે લૂંટાઈ જશે. 38 તેનાં જળાશયો પર સુકવણું આવ્યું છે. તેઓ સુકાઈ જશે. કેમ કે સમગ્ર દેશ મૂર્તિઓથી ભરપૂર છે અને લોકો તે ત્રાસદાયક મૂર્તિઓ પ્રત્યે મોહિત થયા છે. 39 આથી ત્યાં વગડાનાં જાનવરો અને જંગલનાં વરુઓ વાસો કરશે, શાહમૃગો ત્યાં વસશે. ત્યાં ફરી કદી માણસો વસશે નહિ અને યુગોના યુગો સુધી તે આમ જ રહેશે. 40 યહોવાહ કહે છે કે, જેમ ઈશ્વરે સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસના નગરોનો નાશ કર્યો તેવી જ રીતે હું ત્યાં કરીશ. ત્યાં કોઈ વસશે નહિ; અને તેમાં કોઈ માણસ મુકામ કરશે નહિ. 41 જુઓ, ઉત્તર દિશામાંથી લોક આવે છે, એક બળવાન પ્રજા અને ઘણા રાજાઓ આવશે દૂર દેશમાં યુદ્ધની તૈયારી કરવામાં આવી છે. 42 લોકોએ ધનુષ્ય અને તલવાર ધારણ કરી છે; તેઓ ક્રૂર અને ઘાતકી છે. ઘોડે ચઢીને સાગરની જેમ દરેક માણસ ગર્જના કરતા આવે છે, હે બાબિલ, તારી સામે યુદ્ધ માટે સજ્જ છે. 43 જ્યારે બાબિલના રાજાએ આ સમાચાર સાંભળ્યા ત્યારે તેના હાથ લાચાર થઈને હેઠા પડ્યા. પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ તે વેદનાથી પીડાવા લાગ્યો. 44 જુઓ, સિંહ યર્દનના જંગલમાંથી ચઢી આવે છે. તેમ તે ગૌચરની જગ્યાએ ચઢી આવશે. હું તેઓને ઓચિંતા તેની પાસેથી નસાડીશ. અને જે પસંદ થયેલા છે તેઓને હું તેઓના પર નીમીશ. કેમ કે મારા સમાન કોણ છે? અને કોણ મને પડકારી શકે છે? ક્યો ઘેટાંપાળક મારી વિરુદ્ધ ઊભો રહી શકે છે? 45 માટે હવે બાબિલ વિષે યહોવાહના મનમાં શી યોજના છે તે સાંભળી લો, અને ખાલદીઓ માટે મેં ઘડેલી યોજનાઓ વિષે સાંભળો, નાનામાં નાના ઘેટાંને પણ ઘસડી લઈ જશે. અને તે તેમની સાથે તેઓના ઘેટાંના વાડાને નિશ્ચે ઉજ્જડ કરી નાખશે. 46 બાબિલના પતનથી પૃથ્વી કંપે છે અને તેનો અવાજ દૂરના દેશો સુધી સંભળાય છે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.