યર્મિયા 49 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019આમ્મોન અંગે ઈશ્વરનો ઇનસાફ 1 આમ્મોનના લોકો વિષે યહોવાહ આ પ્રમાણે કહે છે; ઇઝરાયલને કોઈ સંતાન નથી? શું તેને કોઈ વારસ નથી? તો પછી મિલ્કોમ ગાદનો પ્રદેશ શા માટે કબજે કરવા દે અને ત્યાંના નગરોમાં વસવા દે? 2 તેથી જુઓ, એવો સમય આવી રહ્યો છે જ્યારે આમ્મોનના પાટનગર રાબ્બાહમાં યુદ્ધનો રણનાદ ગાજી રહેશે અને એ ઉજ્જડ ટેકરી બની જશે. અને તેમની દીકરીઓને અગ્નિમાં બાળી નાંખવામાં આવશે. અને જેઓએ ઇઝરાયલનો વારસો ભોગવ્યો હતો તેઓનો વારસો ઇઝરાયલ ભોગવશે. એમ યહોવાહ કહે છે. 3 “હે હેશ્બોન, વિલાપ કર. આમ્મોનમાંનું આય નગર નાશ પામ્યું છે! રાબ્બાહની દીકરીઓ રુદન કરો, શોકનાં વસ્ત્રો પહેરો, રડતાં રડતાં વાડામાં આમતેમ દોડો, કેમ કે મિલ્કોમ, તેના યાજકો અને સરદારો સર્વ બંદીવાસમાં જશે. 4 તમારા બળનું તમને શા માટે અભિમાન છે? હે અવિશ્વાસી દીકરી તારું બળ નાશ પામશે, તું દ્રવ્ય પર ભરોસો રાખીને કહે છે કે, મારી સામો કોણ આવશે?’ 5 જુઓ, પરંતુ સૈન્યોના પ્રભુ યહોવાહ કહે છે કે, હું તમારા પર વિપત્તિ લાવીશ. “હું દરેક બાજુએથી તારા પર વિપત્તિઓ લાવીશ. દરેક તેનાથી બીને નાસી જશે. અને નાસી જનારાઓની સંભાળ રાખનારું કોઈ નહિ હોય. 6 પરંતુ પાછળથી હું આમ્મોનીઓનું ભાગ્ય ફેરવી નાખીશ’ એમ યહોવાહ કહે છે. અદોમ અંગે ઈશ્વરનો ઇનસાફ 7 અદોમના લોકો વિષે સૈન્યોના યહોવાહ કહે છે; “તેમાનમાં કશી બુદ્ધિ રહી નથી? શું તેમના સમજુ પુરુષો સમજણ ખોઈ બેઠા છે? તેઓનું ડહાપણ શું જતું રહ્યું છે? 8 હે દદાનના રહેવાસીઓ, નાસો, પાછા ફરો. એકાંત જગ્યામાં જાઓ. કેમ કે એસાવના વંશજોની સજાનો સમય આવ્યો છે અને હું તેઓના પર વિનાશ ઉતારનાર છું. 9 જ્યારે દ્રાક્ષ ઉતારનાર આવે છે ત્યારે તેઓ થોડી દ્રાક્ષ વેલ પર રહેવા દેતા નથી? જો રાતે ચોર આવે છે તો તેને જોઈએ એટલું શું ચોરી નહિ જાય? 10 પરંતુ હું એસાવને ખાલી કરી નાખીશ. મેં તેના ગુપ્ત સ્થાનો ખુલ્લાં કર્યા છે. તેને સંતાવાની જગ્યા રહેશે નહિ, તેનાં બાળકો, તેના ભાઈઓ, તેના પડોશીઓ, સર્વ નાશ પામશે અને તેઓ બધા સમાપ્ત થઈ જશે. 11 તારાં અનાથ બાળકોને અહીં મૂકી જા, હું તેમને સંભાળીશ. તારી વિધવાઓએ મારો વિશ્વાસ રાખવો.” 12 યહોવાહ કહે છે; “જુઓ, જેણે સજાનો પ્યાલો પીવો ન જોઈએ તે પણ નિશ્ચે પીશે, શું તને શિક્ષા થયા વગર રહેશે? તારે સજા ચોક્કસ ભોગવવી જ પડશે, તારે એ પ્યાલો ચોક્કસ પીવો જ પડશે. 13 કેમ કે, હું મારા જીવના સમ ખાઈને કહું છું કે’ એમ યહોવાહ કહે છે “બોસરા વિસ્મિત, નિંદારૂપ, શાપરૂપ અને ઉજ્જડ થઈ જશે અને બધાં નગરો સદા ઉજ્જડ થઈ જશે.” 14 મેં યહોવાહ પાસેથી આ સંદેશો સાંભળ્યો છે, તેમણે બધા દેશોમાં સંદેશાવાહક મોકલ્યા છે; “સર્વ એકત્રિત થાઓ અને તેના પર ચઢાઈ કરો; લડાઈ માટે ઊઠો.’ 15 કેમ કે જુઓ, મેં તને પ્રજાઓમાં કનિષ્ઠ અને મનુષ્યમાં તુચ્છ કર્યો છે. 16 હે ખડકની ફાટોમાં વસનાર, ઊંચા શિખરોને આશરે રહેનાર, તારા અંતરના અભિમાને તને ખોટે રસ્તે દોરવ્યો છે, તું તારો માળો ગરુડના જેટલો ઊંચો બાંધે, તોપણ હું તને ત્યાંથી નીચો પાડીશ.” એમ યહોવાહ કહે છે. 17 તેથી અદોમ વિસ્મયપાત્ર બનશે. ત્યાં થઈને જતા આવતા સર્વ વિસ્મય પામશે. અને તેની સર્વ વિપત્તિઓ જોઈને ફિટકાર કરશે. 18 યહોવાહ કહે છે કે સદોમ અને ગમોરાનો તથા તેમની આસપાસના ગામોનો નાશ થયો તેમ, તેમાં કોઈ વસશે નહિ. ત્યાં કોઈ માણસ ફરી ઘર નહિ કરે. 19 જુઓ, સિંહ યર્દનની ઝાડીમાંથી સદાય લીલાછમ ચરાણમાં ચઢી આવે છે! હું પણ અચાનક અદોમને ત્યાંથી નસાડીશ અને જેને મેં પસંદ કર્યો છે તેને હું તેના પર ઠરાવીશ. કેમ કે, મારા સમાન બીજું કોણ છે? અને મારે સારુ મુદ્દત બીજું કોણ ઠરાવે છે. મારી બરોબરી કરી શકે એવો ઘેટાંપાળક કોણ છે? 20 તે માટે યહોવાહે જે યોજના અદોમ વિરુદ્ધ કર્યો છે. તે સાંભળો, જે ઇરાદા તેમણે તેમાનના રહેવાસીઓ વિરુદ્ધ કર્યા છે. નાનામાં નાના ઘેટાંને પણ ઘસડી જવાશે અને તેઓની સાથે તેઓનું રહેઠાણ ઉજ્જડ કરી નંખાશે. 21 અદોમના પતનના અવાજથી પૃથ્વી થથરશે; તેનો અવાજ લાલ સમુદ્ર સુધી સંભળાય છે. 22 જુઓ, તે ગરુડની જેમ ઊડીને આવશે અને બોસરા સામે પોતાની પાંખો ફેલાવશે. અને તે દિવસે અદોમના યોદ્ધાઓ પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ ગભરાઈ જશે. દમસ્કસ અંગે ઈશ્વરનો ઇનસાફ 23 દમસ્કસ વિષેની વાત; “હમાથ અને આર્પાદ લજ્જિત થયાં છે. કેમ કે તેમણે માઠા સમાચાર સાંભળ્યા છે. તેઓ વિખેરાઈ ગયા છે! સમુદ્ર પર ખેદ છે તે શાંત રહી શકતો નથી. 24 દમસ્કસ લાચાર બની ગયું છે; તેના સર્વ લોકો પાછા ફરીને નાસે; પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ તેને કષ્ટ તથા વેદના થાય છે. 25 તેના લોક કહે છે, “આનંદનું નગર જે એક સમયે ખૂબ ગૌરવવંતું હતું તે કેવું ત્યાગી દેવામાં આવ્યું છે?’” 26 સૈન્યોના યહોવાહ કહે છે, “તે દિવસે તેના જુવાન માણસો મહોલ્લાઓમાં મૃત્યુ પામશે. અને યોદ્ધાઓ નાશ પામશે. 27 અને હું દમસ્કસની દીવાલો પર આગ લગાડીશ અને તે બેન-હદાદના મહેલોને બાળીને ભસ્મ કરશે.” કેદારના કુળનો તથા હાસોર નગરનો ઇનસાફ 28 કેદાર અને હાસોરના વિષે યહોવાહ બાબિલના રાજા નબૂખાદનેસ્સારને કહે છે કે, હવે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર આ જગ્યાઓનો નાશ કરશે; “ઊઠો અને કેદાર પર ચઢાઈ કરો અને પૂર્વ તરફના લોકનો નાશ કરો. 29 તેનું સૈન્ય તેઓના તંબુઓ તથા ટોળાંને લઈ જશે. તેઓના સર્વ સામાનને તથા તેઓની કનાતોને લઈ જશે. તેઓનાં ઊંટોને તેઓ પોતાને માટે લઈ જશે. તેઓ પોકારીને કહેશે કે ચારેબાજુ ભય છે.’ 30 યહોવાહ કહે છે; હે હાસોરના વતનીઓ, નાસો, દૂર જતા રહો, એકાંત જગ્યામાં વસો. “કેમ કે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તમારી વિરુદ્ધ તમારો નાશ કરવા માટે કાવતરું રચ્યું છે. નાસી જાઓ, પાછા જાઓ. 31 યહોવાહ કહે છે, ઊઠો અને જે પ્રજા સ્વસ્થ અને નિશ્ચિંત છે તેના પર હુમલો કરો. જેઓને દરવાજા નથી કે ભૂંગળો નથી અને જેઓ એકલા રહે છે. 32 માટે તેઓનાં ઊંટો લૂંટાશે અને તેઓની સર્વ સંપત્તિ લૂંટાશે. અને જેઓની દાઢીના ખૂણા કાપેલા છે તેઓને હું ચારેકોર વિખેરી નાખીશ, અને દરેક બાજુએથી તેઓના પર આફત ઉતારીશ.” એમ યહોવાહ કહે છે. 33 “હાસોર શિયાળવાંની બોડ બની જશે, સદાકાળ માટે તે વેરાન પ્રદેશ બની જશે, કોઈ ત્યાં વસશે નહિ કે કોઈ માણસ ત્યાં ઘર નહિ બનાવે.” એલામ અંગે ઈશ્વરનો ઇનસાફ 34 યહૂદિયાના રાજા સિદકિયાના અમલની શરૂઆતમાં એલામ વિષે યહોવાહનું જે વચન યર્મિયા પ્રબોધક પાસે આવ્યું તે આ છે, 35 “સૈન્યોના યહોવાહ કહે છે; જુઓ, હું તેઓના બળના મુખ્ય આધાર એલામના ધનુષ્યને ભાંગી નાખીશ. 36 આકાશની ચારે દિશાઓથી ચાર વાયુ હું એલામ પર મોકલીશ. અને એ ચારે વાયુઓ તરફ હું તેઓને વિખેરી નાખીશ. અને જ્યાં એલામથી નાઠેલા માણસો નહિ જાય, એવો કોઈ દેશ હશે નહિ. 37 તેઓના શત્રુઓથી તથા જેઓ તેઓનો જીવ લેવા શોધે છે. તેઓને હું એલામથી ભયભીત કરીશ. અને હું વિપત્તિ, હા, મારો ભારે ક્રોધ તેમના પર લાવીશ. એવું યહોવાહ કહે છે “હું તેઓનો નાશ થતાં સુધી તેઓના પર તલવાર મોકલીશ. 38 યહોવાહ કહે છે કે, હું એલામમાં મારું રાજ્યાસન સ્થાપીશ. અને તેમાંથી રાજાનો અને સરદારોનો સંહાર કરીશ.” એમ યહોવાહ કહે છે. 39 “પણ પાછલા વર્ષોમાં હું એલામનો બંદીવાસ ફેરવી નાખીશ.” એમ યહોવાહ કહે છે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.