યર્મિયા 48 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019મોઆબનો થનારો સર્વનાશ 1 ઇઝરાયલના ઈશ્વર યહોવાહ મોઆબ વિષે આ પ્રમાણે કહે છે કે; “નબોને અફસોસ, તે નષ્ટ થઈ ગયું છે. કિર્યાથાઈમ લજ્જિત થયું છે અને પાયમાલ થયું છે. તેનો કિલ્લો તોડી પાડવામાં આવ્યો છે. 2 મોઆબનું ગૌરવ હવે રહ્યું નથી, હેશ્બોનમાં મોઆબના શત્રુઓએ એના પતનની યોજના ઘડી છે. તેઓ કહે છે ‘ચાલો, આપણે તેને દેશ તરીકે ભૂંસી નાખીએ. માદમેન નગરને પણ ચૂપ કરવામાં આવશે; શત્રુઓની તલવાર તારો પીછો કરશે.’ 3 સાંભળો! હોરોનાયિમમાંથી પોકાર સંભળાય છે ત્યાં લૂંટ અને ભારે વિનાશ છે. 4 મોઆબ નષ્ટ થઈ ગયું છે, સોઆર સુધી તેનાં બાળકોનું આક્રંદ સંભળાય છે. 5 કેમ કે તેઓ રડતાં રડતાં લૂહીથના ઢોળાવો પર ચઢે છે. અને તેઓ દુ:ખથી વિલાપ કરતાં કરતાં હોરોનાયિમના ઢોળાવો ઊતરે છે. 6 નાસો, તમારો જીવ લઈને નાસો. વગડાનાં જંગલી વૃક્ષ જેવા થાઓ. 7 કેમ કે તમે પોતાની સંપત્તિ અને કામો પર વિશ્વાસ રાખ્યો છે, તમને પણ પકડવામાં આવશે. તમારા મૂંગા દેવ કમોશ દેશવટે જશે, તેના યાજકો અને સરદારો તેની સાથે જશે. 8 દરેક નગર પર વિનાશ ઊતરશે, એક પણ શહેર બચવા પામશે નહિ. ખીણ નાશ પામશે અને મેદાન પાયમાલ થશે. એવું યહોવાહ કહે છે. 9 મોઆબને પાંખો આપો કે તે ઊડી જાય. તેનાં નગરો વસ્તી વિનાના ઉજ્જડ થઈ જશે. 10 જે કોઈ યહોવાહનું કામ કરવા સારું આળસુ હોય તે શાપિત થાઓ! જે માણસ તલવારથી રક્તપાત કરતા નથી તે શાપિત થાઓ! મોઆબનાં નગરોનો નાશ 11 મોઆબ પોતાની તરુણાવસ્થાથી સ્વસ્થ રહ્યો છે. તે દ્રાક્ષારસ જેવો છે. તેને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડવામાં આવ્યો નથી. તેનો સ્વાદ હંમેશ જેવો જ રહ્યો છે; અને તેની સુગંધ બદલાઈ નથી. 12 યહોવાહ કહે છે કે, તેથી જુઓ, એવો સમય આવે છે કે’ જે સમયે હું તેઓની પાસે ઊલટસુલટ કરનારા મોકલીશ. તેઓ તેને ઊલટપાલટ કરશે. તેઓ તેના પાત્રો ખાલી કરશે. તેમની બરણીઓ ફોડી નાખશે. 13 જેમ ઇઝરાયલીઓ બેથેલ પર વિશ્વાસ રાખી અને ફજેત થયા છે. તેમ કમોશ પર વિશ્વાસ રાખીને મોઆબ ફજેત થશે. 14 અમે શૂરવીરો અને યુદ્ધમાં પરાક્રમી પુરુષો છીએ એવું તમે કેવી રીતે કહી શકો છો? 15 જે રાજાનું નામ સૈન્યોના યહોવાહ છે તે કહે છે કે, મોઆબ ઉજ્જડ થયો છે. અને તેનાં નગરોમાં શત્રુઓ ઘૂસી ગયા છે. તેના શ્રેષ્ઠ જુવાનો, કતલ થવા માટે જ ઊતરી ગયા છે. 16 હવે મોઆબનો વિનાશ હાથવેંતમાં છે, એનું પતન વાયુવેગે આવી રહ્યું છે. 17 હે મોઆબની આસપાસના લોક, તેનું નામ જાણનારા, વિલાપ કરો. અને કહો કે, શક્તિનો દંડ, સૌંદર્યની છડી કેવી ભાગી ગઈ છે.’ 18 હે દીબોનમાં રહેનારી દીકરી, તમારા સન્માનજનક સ્થાન ઉપરથી નીચે ઊતરી અને તરસી થઈને બેસ. કેમ કે મોઆબનો વિનાશ કરનાર આવી પહોંચ્યો છે. અને તેણે તારા કિલ્લાઓનો નાશ કર્યો છે. 19 હે અરોએરના લોકો, રસ્તે ઊભા રહીને ચોકી કરો, નાસી જતા લોકોને પૂછો. શું થયું છે?’ 20 મોઆબ લજ્જિત થઈ ગયું છે. તેની પાયમાલી થઈ ગઈ છે. રડો વિલાપ કરો. આર્નોનમાં ખબર આપો કે, મોઆબ ઉજ્જડ થયો છે. 21 સપાટ પ્રદેશ પરના નગરો તે હોલોન, યાહસાહ, મેફાથ, 22 દીબોન, નબો, બેથ દિબ્લાથાઈમ છે. 23 કિર્યાથાઈમ, બેથ-ગામૂલ, બેથ-મેઓન, 24 કરિયોથ, બોસ્રાહ, અને મોઆબના સર્વ નગરો જે નજીકમાં હોય કે દૂર હોય છે, આ બધાને સજા થઈ છે. 25 મોઆબનું શિંગ કાપી નાખવામાં આવ્યું છે, અને તેનો ભુજ ભાંગી નાખવામાં આવ્યો છે.” એવું યહોવાહ કહે છે. મોઆબનો અહંકાર ઉતારાશે 26 તેને ભાનભૂલેલો બનાવી દો, તેણે યહોવાહની વિરુદ્ધ બડાઈ મારી છે. મોઆબ પોતાની ઊલટીમાં આળોટશે અને લોકોની હાંસીનું પાત્ર થશે. 27 શું તેં ઇઝરાયલની હાંસી કરી નહોતી? શું તે તેઓને ચોરોમાંથી મળી આવ્યો હતો? હા, જ્યારે પણ તેં તેમના વિષે વાત કરી છે ત્યારે તેં તારી ગરદન હલાવી છે. 28 હે મોઆબના લોકો, તમારાં નગરો છોડી ખડકો પર વસો. અને ખાડાના મોંની બાજુમાં પોતાના માળા બાંધીને કબૂતરોના જેવા તમે થાઓ. 29 અમે મોઆબના ગર્વ વિષે સાંભળ્યું છે. તે અતિ ગર્વિષ્ઠ છે. તેનું અભિમાન, ઘમંડ, અહંકાર, ઉદ્ધતાઈ વિષે અમે સાંભળ્યું છે.” 30 યહોવાહ કહે છે કે; હુંતેનો ક્રોધ જાણું છું. તેની બડાઈ બધી ખોટી છે, અને તેનાં કાર્યો બધાં પોકળ છે. 31 અને તેથી હું મોઆબને માટે ચિંતા કરું છું. સમગ્ર મોઆબ માટે હું પોક મૂકીને રડું છું અને કીર-હેરેસના માણસો માટે હું શોક કરું છું.” 32 હે સિબ્માહના દ્રાક્ષવાડી, હું યાઝેરના કરતાં પણ તારે માટે વધુ વિલાપ કરું છું. તારી ડાળીઓ સમુદ્રની પાર ફેલાયેલી છે. તેઓ યાઝેરના સમુદ્ર સુધી પહોંચી તથા ઉનાળાંનાં તારાં ફળ પર તથા તારી દ્રક્ષાની ઊપજ પર વિનાશ આવી પડ્યો છે. 33 ફળદ્રુપ ખેતરમાંથી તથા મોઆબની ભૂમિમાંથી ખુશી અને આનંદ અદ્રશ્ય થઈ ગયાં છે, “દ્રાક્ષકુંડોમાં દ્રાક્ષારસ પિલાતો બંધ પાડ્યો છે. કોઈ દ્રાક્ષ ગૂંદતા ગૂંદતાં આનંદના પોકારો કરશે નહિ તેઓનો લલકાર આનંદનો હશે નહિ. 34 હેશ્બોનથી એલઆલેહ સુધી અને ત્યાંથી યાહાસ સુધી સોઆરથી હોરોનાયિમ સુધી, અને ત્યાંથી એગ્લાથ-શલીશિયા સુધી ભય અને વેદનાના પોકારો સંભળાય છે. નિમ્રીમનાં પાણી સુકાઈ જશે. 35 યહોવાહ કહે છે કે, મોઆબમાં જેઓ ઉચ્ચસ્થાનમાં બલિદાનો આપે છે. અને જેઓ પોતાના દેવો આગળ ધૂપ બાળે છે. તે સર્વને હું નષ્ટ કરીશ.” 36 આથી મારું હૃદય મોઆબ અને કીર-હેરેસ માટે શોક કરે છે. કેમ કે જે પુષ્કળ ધન તેઓએ પ્રાપ્ત કર્યું હતું તેઓની સર્વ સંપત્તિ નાશ પામી છે. 37 હા, દરેક માણસનું માથું બોડાયું છે અને બધા માણસની દાઢી મૂંડવામાં આવી છે. તેઓના હાથે ઘા થયેલો છે. અને દરેકની કમરે ટાટ વીંટળાયેલું છે. 38 મોઆબનાં સર્વ ધાબાંઓ પર અને શેરીઓમાં બધે વિલાપ સંભળાય છે, કેમ કે, મેં મોઆબને અપ્રિય પાત્રને પેઠે ભાંગી નાખ્યો છે.” એમ યહોવાહ કહે છે. 39 “તેઓ વિલાપ કરે છે કે, તેને કેવો ભાંગી નાખવામાં આવ્યો છે! તેઓએ લજવાઈને કેવી રીતે પોતાની પીઠ ફેરવી છે! આથી પોતાની આસપાસના સર્વ લોકમાં મોઆબ ઉપહાસ તથા વિસ્મયરૂપ થશે.” મોઆબ માટે કોઈ બચાવ નહિ 40 યહોવાહ આ પ્રમાણે કહે છે કે, “જુઓ, તે ગરુડની જેમ ઊડી આવશે. અને મોઆબ સામે પોતાની પાંખો ફેલાવશે. 41 કરિયોથને જીતી લેવામાં આવ્યું છે, તેના કિલ્લાઓ પર છાપો મારીને કબજે કર્યા છે. તે સમયે મોઆબના શૂરવીરોનું હૃદય પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીના જેવું થશે. 42 પછી પ્રજા તરીકે મોઆબ નષ્ટ થશે. કેમ તેણે યહોવાહની વિરુદ્ધ બડાઈ કરી છે. 43 યહોવાહ કહે છે કે, હે મોઆબના રહેવાસી, તારા માર્ગમાં ભય, ફાંદા અને ખાડા આવી પડ્યા છે.” 44 “જે કોઈ ભયથી નાસી જશે તે ખાડામાં પડશે, જે ખાડામાંથી ઊભો થઈને બહાર આવશે તે પકડાઈ જશે, કેમ કે હું તેના પર એટલે મોઆબ પર તેના શાસનનું વર્ષ લાવીશ. એવું યહોવાહ કહે છે. 45 નાસી ગયેલા બળહીન નિર્વાસિતો હેશ્બોનની છાયા તળે વિસામો લે છે, હેશ્બોનમાંથી અગ્નિ અને સીહોનમાંથી જ્વાળાઓ નીકળીને, મોઆબની સીમ અને ગર્વિષ્ઠ લોકનાં માથાં ખાઈ જાય છે. 46 હે મોઆબ, તને અફસોસ! કમોશના લોકો નષ્ટ થયા છે. કેમ કે તમારા દીકરાઓ અને દીકરીઓને બંદીવાસમાં લઈ જવામાં આવ્યા છે. 47 પરંતુ યહોવાહ કહે છે કે’ પાછલા વર્ષોમાં હું મોઆબનો બંદીવાસ ફેરવી નાખીશ,’ અહીં મોઆબ વિષેની વાત પૂરી કરાય છે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.