યર્મિયા 47 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019પલિસ્તીઓની પાયમાલીની પ્રબોધવાણી 1 ફારુને ગાઝાને માર્યા પહેલા પલિસ્તીઓ વિષે, યહોવાહનું જે વચન યર્મિયા પ્રબોધક પાસે આવ્યું તે આ છે. 2 યહોવાહ કહે છે કે; જુઓ, ઉત્તરમાંથી પૂર આવી રહ્યું છે; અને પલિસ્તીઓના સમગ્ર દેશ પર તે ફરી વળશે; તે તેઓનાં નગરો તથા તેમાંના સર્વસ્વનો નાશ કરશે. શૂરવીર પુરુષો ભયથી બૂમો પાડશે અને સર્વ પ્રજાજનો પોક મૂકીને રડશે. 3 બળવાન ઘોડાઓનાં દાબડાનો અવાજ, રથોનો ધસારો અને તેના પૈડાઓનો ગડગડાટ સાંભળી, પિતાઓ એટલા નિ:સહાય થશે કે તેઓ પોતાના સંતાનો તરફ પાછા ફરીને જોયા વગર નાસી જશે. 4 કેમ કે, એવો દિવસ આવશે કે જ્યારે બધા જ પલિસ્તીઓનો સંહાર થશે. તૂર અને સિદોનની સાથે બચી ગયેલા દરેક મદદગારને કાપી નાખવામાં આવશે. કેમ કે યહોવાહ પલિસ્તીઓનો એટલે સમુદ્રકાઠે આવેલા કાફતોરના બચી ગયેલાઓનો સંહાર કરશે. 5 ગાઝાનું માથું મૂંડેલુ છે. આશ્કલોન એટલે તેઓની ખીણમાનું જે બચી ગયેલું તે નષ્ટ થયું છે. તું ક્યાં સુધી પોતાને કાપીને ઘાયલ કરશે? 6 હે યહોવાહની તલવાર, તું ક્યારે શાંત થઈશ? ફરી તું મ્યાનમાં પાછી જા અને આરામ કર અને શાંત રહે. 7 પણ યહોવાહે તને આજ્ઞા આપી છે તો તું શી રીતે શાંત રહી શકે? આશ્કલોન તથા સમુદ્ર કાંઠાની વિરુદ્ધ તેણે તલવાર નિર્માણ કરી છે.” |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.