યર્મિયા 33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019આશાનાં ફરીથી વચનો 1 વળી યર્મિયા હજી કેદી તરીકે રક્ષકઘરના ચોકમાં હતો ત્યારે બીજી વાર યહોવાહનું વચન તેની પાસે આવ્યું. 2 “યહોવાહ જે જગતના ઉત્પન્ન કરનાર, તેનો રચનાર અને તેને સ્થિર કરનાર છે. તેમનું નામ યહોવાહ છે; તે કહે છે કે, 3 “તું મને હાંક માર અને હું તને જવાબ આપીશ. અને જે મોટી અને ગૂઢ વાતો તું જાણતો નથી તે હું તને જણાવીશ. 4 આથી આ નગરનાં ઘરો અને યહૂદિયાના રાજાઓના મહેલો જે મોરચાઓની સામે તથા તલવારની સામે રક્ષણ મેળવવા માટે તોડી નંખાયાં હતાં. તેઓ વિષે ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, 5 તેઓ ખાલદીઓ વિરુદ્ધ લડાઈ કરવા આવ્યા પણ જેઓને મેં મારા કોપથી અને ક્રોધથી હણ્યા છે. અને જેઓના આચરેલાં દુષ્કૃત્યોને લીધે મેં આ નગર છોડી દીધું છે. તેઓના મૃતદેહોથી તે ઘરો ભરાઈ જશે. 6 છતાંપણ જો હું તને આરોગ્ય તથા કુશળતા બક્ષીશ અને તેઓને નીરોગી કરીશ. હું તેઓને પૂર્ણ શાંતિ, ભરપુરી અને વિશ્વાસુપણાનો અનુભવ કરાવીશ. 7 હું યહૂદિયા અને ઇઝરાયલને ફરીથી બાંધીશ અને તેઓની પરીસ્થિતિ ફેરવીને તેઓને ઉજ્જવળ ભવિષ્ય આપીશ. 8 તેઓએ મારી વિરુદ્ધ જે બધાં પાપો અને દુષ્કૃત્યો કર્યાં છે તેઓને શુદ્ધ કરીશ તથા તેઓને ક્ષમા આપીશ. 9 હું તેઓનું સર્વ વાતે હિત કરું છું તે વિષે જયારે પૃથ્વી પરની બધી પ્રજાઓ સમક્ષ આ નગર મને આનંદનું, સ્તુતિનું અને ગૌરવનું કારણ થઈ પડશે. અને તેનું જે હિત અને ભલું હું કરું છું તેને લીધે તેઓ ભયભીત થઈને કંપી ઊઠશે.” 10 યહોવાહ કહે છે “જેને તું નિર્જન, પશુહીન અને ઉજ્જડ સ્થાન કહે છે. એવા આ સ્થાનમાં એટલે યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમની નિર્જન, વસ્તીહીન, પશુહીન અને ઉજ્જડ શેરીઓમાં, 11 હર્ષ તથા આનંદનો સાદ, વરવધૂનો કિલ્લોલ કરતો સાદ અને સૈન્યોના યહોવાહની સ્તુતિ કરો, કેમ કે યહોવાહ સારા છે તેમની કૃપા સદાકાળ ટકે છે,’ એવું કહેનારોનો સાદ અને યહોવાહના ઘરમાં આભારાર્થાર્પણો લાવનારોનો સાદ હજી સંભળાશે. કેમ કે આગલા વખતમાં હતું તેમ હું દેશનો બંદીવાસ ફેરવી નાખીશ. એમ યહોવાહ કહે છે. 12 સૈન્યોના યહોવાહ કહે છે કે; વસ્તી વગરના અને પશુ વગરના ઉજ્જડ થયેલા એવા આ સ્થાનમાં તથા તેના નગરોમાં ફરીથી ઘેટાંબકરાંને આરામ કરાવતાં ભરવાડોનું આશ્રયસ્થાન થશે. 13 યહોવાહ કહે છે, પહાડી દેશમાં, શફેલાનાં નગરોમાં અને દક્ષિણ પ્રદેશમાં અને બિન્યામીન પ્રદેશમાં, યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમની ચારેતરફના સ્થળોએ ઘેટાં ગણનારાના હાથ નીચે ટોળાં ફરી હારબંધ ચાલશે.” 14 યહોવાહ કહે છે કે, “જુઓ! એવો સમય આવશે કે’ “જે સમયે ઇઝરાયલના તથા યહૂદિયાના હકમાં સારું કરવાનું મેં આપેલું વચન હું પૂર્ણ કરીશ. 15 તે સમયે હું દાઉદના કુળમાં એક ન્યાયીપણાનો અંકુર ઉગાવીશ. જે નીતિ અને ન્યાયીપણાથી રાજ કરશે. 16 તે સમયે યહૂદિયાનો ઉદ્ધાર થશે તથા યરુશાલેમ નિર્ભય રહેશે. ‘યહોવાહ આપણું ન્યાયીપણું’ એ નામથી તેઓ ઓળખાશે.’” 17 કેમ કે યહોવાહ આ પ્રમાણે કહે છે, “ઇઝરાયલની ગાદીએ બેસનાર પુરુષની ખોટ દાઉદના કુટુંબમાં કદી પડશે નહિ, 18 તેમ જ મારી સમક્ષ દહનીયાર્પણ ચઢાવનાર, ખાદ્યાર્પણ બાળનાર અને નિત્ય યજ્ઞ કરનારની ખોટ લેવી યાજકોમાં પડશે નહિ.” 19 વળી યહોવાહનું વચન યર્મિયા પાસે આ પ્રમાણે આવ્યું કે, 20 “યહોવાહ કહે છે કે; જો તમે દિવસ સાથેનો તથા રાત સાથેનો મારો કરાર તોડશો, તો દિવસ અને રાત નિયત સમયે થશે નહિ. 21 એ જ પ્રમાણે તેના રાજ્યસન પર રાજ કરનાર કોઈ દીકરો ન હોવાથી મારા સેવક દાઉદ સાથેના તથા મારા સેવકો લેવી યાજકો સાથેનો મારા કરારોનો ભંગ થાય. 22 આકાશમાંના અસંખ્ય તારાઓની જેમ અથવા સમુદ્રની અગણિત રેતીની જેમ હું મારા સેવક દાઉદના વંશજો અને મારી સેવા કરનાર લેવીઓની સંખ્યામાં વૃદ્ધિ કરીશ.” 23 વળી યહોવાહનું વચન યર્મિયા પાસે આવ્યું કે, 24 “લોકો શું કહે છે તે તું ધ્યાનમાં લેતો નથી? તેઓ કહે છે કે ‘જે બે ગોત્રને યહોવાહે પસંદ કર્યાં હતાં તેઓનો તેણે અનાદર કર્યો છે?’ અને એમ તેઓ મારા લોકની હાંસી કરે છે કે, તેઓની નજરમાં મારી પ્રજા ગણતરીમાં ન ગણાય.’” 25 હું યહોવાહ આ કહું છું કે, જો દિવસ તથા રાત સાથેનો મારો કરાર ટકે નહિ. અને જો મેં પૃથ્વી તથા આકાશના નિયમો નિર્ધારિત કર્યા નહિ હોય, 26 ત્યારે હું યાકૂબના અને મારા સેવક દાઉદના સંતાનોનો એટલે સુધી ત્યાગ કરીશ કે, હું તેઓના સંતાનોમાંથી ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના વંશજો પર સરદારો થવા માટે કોઈને પસંદ કરીશ નહિ. કેમ કે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ અને તેઓ પર દયા કરીશ નહિ.’” |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.