Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019


યર્મિયાની ખેતર-ખરીદી પાછળનો સંકેત

1 યહૂદિયાના રાજા સિદકિયાના શાસનકાળના દસમાં વર્ષમાં એટલે નબૂખાદનેસ્સારના અઢારમા વર્ષમાં યર્મિયા પાસે યહોવાહનું આ વચન આવ્યું

2 તે વખતે બાબિલના રાજાનું સૈન્ય યરુશાલેમને ઘેરો ઘાલતું હતું અને યહૂદિયાના રાજમહેલમાં પહેરગીરોની ચોકીમાં યર્મિયા પ્રબોધક કેદમાં પડેલો હતો.

3 યહૂદાના રાજા સિદકિયાએ તેને એમ કહીને કેદ કરી રાખ્યો હતો કે, “તું એવું ભવિષ્યવચન શા માટે કહે છે કે, ‘યહોવાહ કહે છે કે; જુઓ, આ નગર હું બાબિલના રાજાના હાથમાં સોંપીશ. અને તે તેને જીતી લેશે.

4 અને યહૂદિયાનો રાજા સિદકિયા ખાલદીઓના હાથમાંથી બચવા નહિ પામે, તે નિશ્ચે બાબિલના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે, તે તેની સાથે મોઢામોઢ વાત કરશે. અને બન્ને એકબીજાને નજરોનજર જોશે.

5 તે સિદકિયાને બાબિલ લઈ જશે અને હું તેને સંભારું નહિ ત્યાં સુધી તેણે ત્યાં રહેવું પડશે. “તમે ખાલદીઓ સામે લડશો તોપણ વિજય નહિ પામો.” એમ યહોવાહ કહે છે.

6 યર્મિયાએ કહ્યું, યહોવાહનું વચન આ પ્રમાણે મારી પાસે આવ્યું કે,

7 ‘જો, તારા કાકા શાલ્લુમનો દીકરો હનામેલ તારી પાસે આવીને તને કહેશે કે, અનાથોથનું મારું જે ખેતર છે તે તું વેચાતું લે, કેમ કે મૂલ્ય આપી તેને છોડાવવાનો તારો હક્ક છે.”

8 પછી, યહોવાહના વચન પ્રમાણે મારા કાકાના દીકરા હનામેલે ચોકીમાં મારી પાસે આવી અને કહ્યું કે, “બિન્યામીનના દેશમાંના અનાથોથમાં મારું જે ખેતર છે તે તું વેચાતું લે. કેમ કે વારસાનો તથા મૂલ્ય આપીને છોડાવવાનો હક્ક તારો છે. તે તારે પોતાને માટે વેચાતું લે,” ત્યારે મેં જાણ્યું કે આ તો યહોવાહનું વચન છે.

9 તેથી જે ખેતર અનાથોથમાં હતું તે મેં મારા કાકાના દીકરા હનામેલની પાસેથી વેચાતું લીધું. અને મેં તેનું મૂલ્ય એટલે સત્તર શેકેલ ચાંદી તેને તોળી આપ્યું.

10 મેં પત્રકમાં સહી કરી અને તેના પર મહોર મારી. અને સાક્ષીઓને બોલાવી અને ત્રાજવામાં ચાંદી તોળી આપી.

11 ત્યાર પછી જે વેચાણખત નિયમ તથા રિવાજ મુજબ મહોર મારી બંધ કરેલું હતું અને જે ઉઘાડું હતું તે બન્ને મેં લીધાં.

12 અને માસેયાના દીકરા નેરિયાના દીકરા બારુખના હાથમાં મારા કાકાના દીકરા હનામેલના દેખતાં જે સાક્ષીઓએ વેચાણ ખત પર સહી કરી હતી, તેઓના દેખતાં તથા જે યહૂદીઓ ચોકીમાં બેઠેલા હતા. તે સર્વના દેખતાં મેં વેચાણખત સોંપ્યું.

13 તેઓનાં દેખતા જ મેં બારુખને આજ્ઞા આપી કહ્યું કે,

14 સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, આ દસ્તાવેજ એટલે મહોર મારેલું બંધ વેંચાણખત અને જે ઉઘાડું છે તે બન્ને પત્રક લઈ લે અને તેને લાંબા વખત સુધી સાચવવા માટે એક માટીના ઘડામાં મૂક.

15 કેમ કે સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, એવો સમય આવશે કે જે સમયે ‘ઘરો, ખેતરો અને દ્રાક્ષવાડીઓ આ દેશમાં વેચાતાં લેવામાં આવશે.”


યર્મિયાની પ્રાર્થના

16 હવે નેરિયાના દીકરા બારુખના હાથમાં તે વેચાણખત સોંપ્યા પછી મેં યહોવાહને વિનંતી કરી કે,

17 હે પ્રભુ યહોવાહ, જુઓ, તમે એકલાએ જ તમારી પ્રચંડ બળથી અને લાંબા કરેલા ભુજથી આકાશ અને પૃથ્વી સર્જ્યા છે. તમારે માટે કશું અશકય નથી.

18 તમે હજારો પ્રત્યે કૃપા કરો છો અને પૂર્વજોનાં પાપની સજા તેમની પાછળ આવનાર તેમનાં સંતાનોના ખોળામાં ભરી આપો છો. તમે મહાન અને બળવાન ઈશ્વર છો; તમારું નામ સૈન્યોના યહોવાહ છે.

19 તમારી યોજના મહાન અને કામ કરવામાં તમે સમર્થ છો. દરેકને તેનાં કાર્યોને અનુરૂપ બદલો આપવા માટે તમારી આંખો માણસોનાં સર્વ આચરણ પર છે.

20 તમે આજ સુધી મિસરમાં, ઇઝરાયલમાં તથા વિદેશીઓમાં ચમત્કારો અને અદ્ભૂત કાર્યો કરતા આવ્યા છો. જે કીર્તિ તમે મેળવી છે તે આજ સુધી કાયમ છે.

21 ચિહ્નો, ચમત્કારો અને બળવાન હાથથી તથા લાંબા કરેલા ભુજથી ભયભીત કરીને તમે ઇઝરાયલને મિસરની બહાર લઈ આવ્યા હતા.

22 અને દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ જે મેં તેઓના પિતૃઓને આપવાના સોગન ખાધા હતા. તે આ દેશ તમે તેઓને આપ્યો છે.

23 તેઓએ આવીને આ વતન પ્રાપ્ત કર્યું. પણ તેમણે તમારું વચન સાંભળ્યું નહિ. અને તમારા નિયમશાસ્ત્રનું પાલન કર્યુ નહિ. તેમણે તમારી બધી આજ્ઞાઓની અવગણના કરી અને તેથી તમે આ બધી આફત તેમની પર ઉતારી.

24 આ મોરચાઓ જુઓ શત્રુએ નગરને જીતી લેવા સારુ તેની નજીક તેઓને ઊભા કરવામાં આવ્યા. અને તેના પર રહીને જે ખાલદીઓ લડે છે. તેઓના હાથમાં તલવાર, દુકાળ અને મરકીને કારણે નગરને જીતી લેવાશે. તમે કહ્યું હતું તે જ પ્રમાણે બની રહ્યું છે, તમે તે જાતે જોઈ શકો છો.

25 પણ હે પ્રભુ યહોવાહ તમે મને કહ્યું છે કે, તું મૂલ્ય આપીને તારે સારુ ખેતર વેચાતું લે અને સાક્ષીઓને બોલાવ. જો કે આ નગર તો ખાલદીઓના હાથમાં સોંપાયું છે.”

26 પછી યહોવાહનું વચન યર્મિયાની પાસે આ પ્રમાણે આવ્યું કે,

27 જો, હું યહોવાહ, સર્વ મનુષ્યનો ઈશ્વર છું. શું મારા માટે કંઈ અશક્ય છે ખરું?”

28 તેથી યહોવાહ કહે છે; “જુઓ, હું આ નગર ખાલદીઓ તથા બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપું છું.

29 જે ખાલદીઓ આ નગર સામે લડી રહ્યા છે, તેઓ આવીને તેને આગ લગાડી દેશે. અને તેને તથા જે ઘરોના ધાબાંઓ પર તેઓએ મને રોષ ચઢાવવા બઆલની આગળ ધૂપ બાળ્યો હતો, તથા અન્ય દેવો આગળ પેયાર્પણો રેડ્યાં હતાં. તે ઘરોને પણ તેઓ બાળી દેશે.

30 ઇઝરાયલના અને યહૂદિયાના લોકોએ તેમની યુવાનીથી જ મારી નજરમાં અયોગ્ય ગણાય એવાં કાર્યો કર્યા છે અને ઇઝરાયલનાં લોકો પોતાના હાથની કૃતિથી મને રોષ ચઢાવતા આવ્યા છે.” એવું યહોવાહ કહે છે.

31 “કેમ કે તેઓએ આ નગર બાંધ્યું ત્યારથી આજદિન સુધી તે મને રોષજનક અને કોપજનક થઈ રહ્યું છે. તેથી તેઓને મારી નજર આગળથી દૂર કરું.

32 મને રોષ ચઢાવવા માટે જે દુષ્ટ કૃત્યો ઇઝરાયલના અને યહૂદિયાના દીકરાઓએ, રાજાઓ, રાજકુમારો, યાજકો, પ્રબોધકો અને યહૂદિયાના માણસો અને યરુશાલેમના રહેવાસીઓએ કર્યાં છે અને તેને કારણે હું આ નગરને મારી નજર આગળથી દૂર કરું.

33 તેઓએ મારા તરફ મુખ નહિ, પીઠ ફેરવી છે અને જો કે હું તેઓને ઘણી ઉત્સુકતાથી ઉપદેશ આપતો રહ્યો છું, છતાંય તેઓએ સાંભળ્યું નહિ કે તે તરફ લક્ષ આપ્યું નહિ.

34 પણ જે ભક્તિસ્થાન મારા નામથી ઓળખાય છે. તેને ભ્રષ્ટ કરવા તેઓએ પોતાની ધિક્કારપાત્ર વસ્તુઓ રાખી છે.

35 ત્યાં તેઓએ મોલેખની સેવામાં પોતાના સંતાનોને અગ્નિમાં હોમવા તેમણે બેન-હિન્નોમની ખીણમાં બઆલ માટે ઉચ્ચસ્થાન બાંધ્યાં છે. મેં એવી આજ્ઞા તેઓને આપી નથી કે આવા તિરસ્કારપાત્ર કાર્ય કરીને યહૂદિયાની પાસે પાપ કરાવે. એવો વિચાર મારા મનમાં આવ્યો જ નથી.


આશાનાં વચનો

36 તેથી હવે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ આ નગર વિષે કહે છે કે ‘તેને તલવાર, દુકાળ અને મરકી દ્વારા બાબિલના રાજાના હાથમાં સોંપવામાં આવશે;

37 જુઓ, જે દેશોમાં મેં મારા કોપમાં તથા મારા ક્રોધમાં અને ભયંકર રોષમાં મેં તેઓને હાંકી કાઢ્યા છે. ત્યાંથી તેઓને પાછા એકત્ર કરીશ અને આ જગ્યાએ હું તેઓને પાછા લાવીશ અને શાંતિ અને સલામતીપૂર્વક અહીં વસાવીશ.

38 તેઓ મારા લોકો થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ.

39 હું તેઓને એક જ હૃદય આપીશ અને એક જ માર્ગમાં ચલાવીશ. આ તેઓના પોતાના હિત માટે અને ત્યાર પછી તેઓના સંતાનોના હિત માટે છે.

40 હું તેઓની સાથે સદાનો કરાર કરીશ, હું તેઓનું હિત કરતા અટકીશ નહિ, તેઓ કદી મારાથી વિમુખ ન થઈ જાય. માટે મારો ડર તેઓના હ્રદયમાં મૂકીશ.

41 તેઓનું હિત કરવામાં મને આનંદ આવશે અને હું વિશ્વાસુપણાથી તેઓને પૂર્ણ હૃદયથી આ ભૂમિ પર ફરીથી સ્થાપિત કરીશ.”

42 હા, આ યહોવાહ કહે છે; “જેમ તેઓ પર આ બધા દુ:ખ હું લાવ્યો છું, તે જ રીતે હું તેઓને આપેલાં વચન મુજબ તેઓનું સર્વ રીતે ભલું કરીશ.

43 તમે જે ભૂમિને વિષે એમ કહો છો કે, એ તો વેરાન અને વસ્તીહીન તથા પશુહીન થઈને ઉજ્જડ થઈ છે. તે ખાલદીઓના હાથમાં સોંપવામાં આવી છે. તેમાં લોકો ફરી ખેતર ખરીદશે.

44 બિન્યામીન દેશમાં, યરુશાલેમની આસપાસના પ્રદેશમાં, યહૂદિયાના નગરોમાં, પહાડી પ્રદેશોમાં, શફેલાનાં નગરોમાં અને દક્ષિણ પ્રદેશોમાં લોકો ચાંદીના મૂલ્ય આપીને ખેતરો ખરીદશે, અને પત્રકમાં સહીસિક્કા કરીને સાક્ષીઓ બોલાવશે. કેમ કે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ.” એવું યહોવાહ કહે છે.

GUJ-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan