Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019


ઇઝરાયલ વતનમાં પાછા ફરશે

1 યહોવાહ કહે છે, તે સમયે’ “હું ઇઝરાયલના સર્વ કુળનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે.”

2 યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “જ્યારે હું ઇઝરાયલને વિશ્રાંતિ આપવા ગયો ત્યારે જે લોકો તલવારથી બચી ગયા છે, તેઓ અરણ્યમાં કૃપા પામ્યા.

3 યહોવાહે દૂર દેશમાં મને દર્શન આપી કહ્યું કે, મેં તારા પર અખંડ પ્રેમ રાખ્યો છે. માટે મેં મારી કૃપા તારા પર રાખીને તને મારા તરફ ખેંચી છે.

4 હે ઇઝરાયલની કુમારી હું તને ફરીથી બાંધીશ અને તું પાછી બંધાઈશ. ફરીથી તું કુમારિકાની જેમ ઝાંઝરથી પોતાને શણગારીશ અને આનંદથી નાચતા બહાર જઈશ.

5 તું ફરીથી સમરુનના પર્વતો પર દ્રાક્ષવાડીઓ રોપશે. અને રોપનારાઓ એનાં ફળ ખાવા પામશે.

6 કેમ કે એવો દિવસ આવી રહ્યો છે કે, જ્યારે એફ્રાઇમના પર્વતો પરથી ચોકીદારો પોકાર કરશે કે, ‘ચાલો, આપણે આપણા ઈશ્વર યહોવાહની પાસે સિયોનમાં ચઢી જઈએ.’”

7 યહોવાહ કહે છે કે; “યાકૂબને માટે આનંદપૂર્વક ગાઓ! પ્રજાઓમાં જે મુખ્ય છે તેને માટે હર્ષનાદ કરો. પ્રગટ કરીને સ્તુતિગાન કરીને કહો, યહોવાહ તમારા લોકોને ઇઝરાયલના બાકી રહેલાને બચાવો.’

8 જુઓ, હું તેઓને ઉત્તરમાંથી લાવીશ અને પૃથ્વીના છેડાઓથી તેઓને એકત્ર કરીશ. તેઓમાં અંધજનો અને અપંગો હશે; ગર્ભવતી તથા જન્મ આપનારી સર્વ એકઠાં થશે. તેઓનો મોટો સમુદાય અહીં પાછો ફરશે.

9 તેઓ રડતાંકકળતાં વિનંતીઓ કરતાં આવશે. હું તેમને ઠોકર ન વાગે એવા સપાટ રસ્તે વહેતાં ઝરણાં આગળ ચલાવીશ. કેમ કે હું ઇઝરાયલનો પિતા છું, એફ્રાઇમ મારો જયેષ્ઠ દીકરો છે.”

10 હે પ્રજાઓ, તમે યહોવાહના વચન સાંભળો અને દૂર દૂરના દ્વીપોને તે પ્રગટ કરો. જેણે ઇઝરાયલના લોકોને વેરવિખેર કરી નાખ્યા હતા તે પોતે જ તેઓને એકત્ર કરશે. અને પોતાનાં ટોળાંની ઘેટાંપાળકની જેમ સંભાળ લેશે.

11 કારણ કે યહોવાહે યાકૂબને બચાવ્યો છે. અને તેના કરતાં બળવાનના હાથમાંથી તેને છોડાવ્યો છે.

12 તેઓ આનંદના પોકાર કરતા સિયોનના પર્વત પર આવશે. અને યહોવાહે આપેલા ધાન્ય, દ્રાક્ષારસ, તેલ અને ટોળાં અને જાનવરો સમૃદ્ધિથી ખુશખુશાલ થશે. તેમનું જીવન સીંચેલી વાડી જેવું થશે અને તેઓનાં સર્વ દુ:ખો દૂર થઈ ગયાં હશે.

13 ત્યારે કુમારિકાઓ આનંદ સાથે નાચી ઊઠશે અને યુવાનો તથા વૃદ્ધો હરખાશે; “કેમ કે હું તેઓના શોકને હર્ષમાં ફેરવી નાખીશ, હું તેઓને ખાતરી આપીશ અને તેઓને હર્ષિત કરીશ, કેમ કે તેઓનાં બંદીવાસનાં સર્વ દુ:ખો દૂર થઈ ગયાં હશે.

14 હું યાજકોને પુષ્કળ ખોરાક આપીશ. અને મારી પ્રજા મેં આપેલી ઉત્તમ વસ્તુઓથી ભરાઈ જશે. એવું યહોવાહ કહે છે.


ઇઝરાયલ પર પ્રભુની દયા

15 યહોવાહ કહે છે કે; રામામાં ભારે રુદનનો અવાજ સંભળાય છે, રાહેલ પોતાના સંતાનો માટે રડે છે. પોતાના સંતાનો સંબંધી તે સાંત્વના પામવાની ના પાડે છે. કેમ કે તેનાં સંતાનો મૃત્યુ પામ્યાં છે.”

16 પરંતુ યહોવાહ કહે છે; વિલાપ કરીને રુદન કરવાનું બંધ કર, તારાં આંસુ લૂછી નાખ; તારાં કષ્ટો વ્યર્થ નહિ જાય, તારાં બાળકો શત્રુના દેશમાંથી પાછા આવશે.

17 તારા ભવિષ્ય માટે આશા છે” તારાં સંતાનો પોતાના દેશમાં પાછાં આવશે, એમ યહોવાહ કહે છે.”

18 “નિશ્ચે મેં એફ્રાઇમને પોતાના સંબંધમાં વિલાપ કરતો સાંભળ્યો છે; ‘તમે મને સજા કરી છે; પણ જેમ વાછરડાને ઝૂંસરી માટે પલોટવો પડે છે તેમ મને પણ સજા થઈ છે. મને તમારી તરફ પાછો વાળો અને પુન:સ્થાપિત કરો, કેમ કે ફક્ત તમે જ મારા યહોવાહ ઈશ્વર છો.

19 મને જ્યારે સમજાયુ કે મેં શું કર્યું છે, ત્યારે મેં મારી જાંઘ પર થબડાકો મારી; હું લજ્જિત અને અપમાનિત થયો છું, કેમ કે, જ્યારે હું જુવાન હતો ત્યારે મેં બદનામીવાળા કામો કર્યાં હતાં.’

20 શું એફ્રાઇમ મારો લાડકો દીકરો છે? શું તે પ્રિય દીકરો છે? હું જ્યારે તેની વિરુદ્ધ બોલું છું ત્યારે પાછો તને યાદ કરું છું. અને મારું હૃદય તને ઝંખે છે. હું ચોક્કસ તારા પર અનુકંપા બતાવીશ. એમ યહોવાહ કહે છે.

21 જ્યારે તું બંદીવાસમાં જાય ત્યારે રસ્તામાં ઇઝરાયલનો માર્ગ સૂચવતાં નિશાન કર. અને માર્ગદર્શક સ્તંભો બનાવ. તું જે રસ્તે ગઈ હતી તે બરાબર ધ્યાનમાં રાખ. કેમ કે હે ઇઝરાયલની કુમારી, તું ફરીથી તારાં નગરોમાં અહીં પાછી ફરશે.

22 હે ભટકી ગયેલી દીકરી, તું ક્યાં સુધી અહીંતહીં રઝળતી રહીશ? કેમ કે યહોવાહે પૃથ્વી પર એક નવી વાત ઉત્પન્ન કરી છે. સ્ત્રી બળવાન પુરુષનું રક્ષણ કરશે.


ઈશ્વરના લોકોનું ઉજ્જવળ ભાવિ અને નવો કરાર

23 સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે; “જ્યારે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ ત્યારે યહૂદિયા દેશમાં અને તેના નગરોમાં લોકો આ વચન ઉચ્ચારશે કે, ન્યાયનિકેતન હે પવિત્રપર્વત, ‘યહોવાહ આશીર્વાદિત કરો.’

24 અને યહૂદિયા તથા તેના બધા નગરોમાંનાં ખેડૂતો અને ભરવાડો તેમના ટોળાં સાથે ભેગા રહેશે.

25 મેં થાકેલાં જીવને વિશ્રામ આપ્યો છે. અને દુઃખી જીવને સમૃદ્ધ કર્યાં છે.”

26 ત્યારબાદ હું જાગ્યો અને મેં જોયું તો મારી ઊંઘ મને મીઠી લાગી.

27 યહોવાહ કહે છે “જુઓ, એવા દિવસો આવી રહ્યા છે કે “જ્યારે હું ઇઝરાયલમાં અને યહૂદિયામાં માણસોનું બી તથા પશુનું બી વાવીશ.

28 ત્યારે એમ થશે કે જેમ ઉખેડી નાખવા, ખંડન કરવા, તોડી પાડવા, નાશ કરવા, અને દુઃખ દેવાને મેં તેઓ પર નજર કરી હતી. તેમ હવે બાંધવા અને રોપવા હું તેઓના પર નજર રાખીશ.” એવું યહોવાહ કહે છે.

29 “તે દિવસ પછી કોઈ એમ નહિ કહે કે, ‘પિતાઓએ ખાટી દ્રાક્ષા ખાધી છે અને બાળકોના દાંત ખટાઈ ગયા છે.’

30 કેમ કે દરેક માણસ પોતાના પાપને લીધે મરશે; જે માણસો ખાટી દ્રાક્ષ ખાશે તેઓના દાંત ખટાઈ જશે.

31 યહોવાહ કહે છે કે, જુઓ, એવો સમય આવી રહ્યો છે કે “જ્યારે હું ઇઝરાયલ અને યહૂદિયા સાથે નવો કરાર કરીશ.

32 મેં જ્યારે એમના પિતૃઓને હાથ પકડીને મિસરમાંથી બહાર કાઢ્યાં હતા ત્યારે તેઓની સાથે જે કરાર કર્યો હતો તેવો આ કરાર નહિ હોય. હું તેઓનો વિશ્વાસુ માલિક હોવા છતાં પણ તેમણે મારા કરારનું ઉલ્લંઘન કર્યુ છે.” એવું યહોવાહ કહે છે.

33 “પણ યહોવાહ કહે છે હવે પછી ઇઝરાયલના લોકો સાથે જે કરાર કરીશ તે આ હશે “હું મારા નિયમો તેમના હ્રદયમાં મૂકીશ. અને તેઓનાં હૃદયપટ પર તે લખીશ. હું તેઓનો ઈશ્વર થઈશ. અને તેઓ મારા લોક થશે.

34 તે સમયે ‘યહોવાહને ઓળખવા માટે!’ એકબીજાને શીખવવાની જરૂર રહેશે નહિ, કેમ કે ત્યારે નાનાથી મોટા સુધી સૌ કોઈ મને ઓળખશે.” “હું તેઓનાં દુષ્કૃત્યો માફ કરીશ અને તેમના પાપને ફરી સંભારીશ નહિ. એમ યહોવાહ કહે છે.”

35 “જેણે દિવસે પ્રકાશ આપવા માટે સૂર્ય અને રાત્રે પ્રકાશ આપવા માટે ચંદ્ર અને તારાઓ આપ્યા છે, જે સાગરને એવો ખળભળાવે છે કે તેનાં તરંગો ગર્જના કરી ઊઠે, જેનું નામ સૈન્યોના યહોવાહ છે તે આમ કહે છે;

36 “યહોવાહ કહે છે કે, જો મારી આગળ આ નિયમનો ભંગ થાય, “તો જ ઇઝરાયલનાં સંતાનો પણ હંમેશ મારી પ્રજા તરીકે ગણાતાં બંધ થાય.”

37 યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “જો ઉપરનું આકાશ માપી શકાય, અને નીચે પૃથ્વીના પાયાને શોધી શકાય, તો ઇઝરાયલના સંતાનોએ જે જે કર્યું છે, તે સર્વને માટે હું પણ તે સંતાનોનો ત્યાગ કરીશ.” એવું યહોવાહ કહે છે.

38 “જુઓ, યહોવાહ કહે છે, એવો સમય આવી રહ્યો છે કે તે સમયમાં આ નગર હનાનએલના બુરજથી તે ખૂણાના દરવાજા સુધી ફરી બાંધવામાં આવશે.

39 વળી સીધે રસ્તે માપવાની દોરી ઠેઠ ગોરેબ પર્વત સુધી પહોંચશે. અને ત્યાંથી વળીને ગોઆહ સુધી જશે.

40 મૃતદેહો તથા રાખની આખી ખીણ કિદ્રોનના વહેળા સુધીનાં સર્વ ખેતરસહિત, પૂર્વ તરફ ઘોડા ભાગળના ખૂણા સુધી યહોવાહને સારુ પવિત્ર થશે. તે ફરી કદી પણ ઉખેડવામાં આવશે નહિ અને પાડી નાખવામાં આવશે નહિ.”

GUJ-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan