Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019


હનાન્યા સાથે યર્મિયાનો વાદવિવાદ

1 વળી તે જ વર્ષે યહૂદિયાના રાજા સિદકિયાના શાસનકાળના શરૂઆતમાં ચોથા વર્ષના પાંચમા મહિનામાં ગિબ્યોનના વતની આઝઝુરના દીકરા હનાન્યા પ્રબોધકે યહોવાહના ઘરમાં યાજકો અને બધા લોકોની હાજરીમાં કહ્યું કે,

2 “સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે; ‘બાબિલના રાજાની ઝૂંસરીં મેં તારા પરથી હઠાવી લીધી છે.

3 બે વર્ષની અંદર હું બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહોવાહના ભક્તિસ્થાનનાં પાત્રો આ સ્થળેથી લૂંટીને બાબિલ લઈ ગયો હતો તે સર્વ પાત્રો અહીં હું પાછા લાવીશ.

4 તેમ જ હું યહૂદિયાના રાજા યહોયાકીમના દીકરા યકોન્યાને તેમ જ બાબિલમાં બંદીવાસમાં ગયેલા યહૂદિયાના બધા લોકોને હું આ સ્થળે પાછા લાવીશ, ‘કેમ કે હું બાબિલના રાજાની ઝૂંસરી ભાગી નાખીશ.” એવું યહોવાહ કહે છે.

5 ત્યારે જે યાજકો અને લોકો યહોવાહના ઘરમાં ઊભા રહેલા હતા તે સર્વની સમક્ષ યર્મિયા પ્રબોધકે હનાન્યા પ્રબોધકને જવાબ આપ્યો.

6 યર્મિયા પ્રબોધકે કહ્યું કે, “હા આમીન! યહોવાહ એ પ્રમાણે કરો. અને યહોવાહના ભક્તિસ્થાનનાં પાત્રો તથા જેઓ બંદીવાસમાં ગયા છે. તે બધા લોકોને બાબિલમાંથી આ સ્થળે પાછા લાવીને, ભવિષ્યનાં તમારાં જે વચનો તમે કહ્યાં છે તે પૂરાં કરો.

7 તેમ છતાં જે વચન હું તમારા કાનોમાં અને આ સર્વ લોકોના કાનોમાં કહું છે તે સાંભળો.

8 તારા અને મારા પહેલાં થઈ ગયેલા પ્રાચીન પ્રબોધકોએ ઘણાં દેશો વિરુદ્ધ પ્રબોધ કર્યો હતો. અને મોટા રાજ્યોની વિરુદ્ધ યુદ્ધ, દુકાળ તથા મરકી વિષે ભવિષ્ય કહ્યું હતું.

9 જે પ્રબોધક સુખ અને શાંતિ વિષે ભવિષ્ય કરે છે અને તેના શબ્દો ખરા છે, ત્યારે જ તે યહોવાહે મોકલેલો પ્રબોધક છે એમ જણાશે.”

10 પછી હનાન્યા પ્રબોધકે યર્મિયાની ગરદન પર મૂકેલી ઝૂંસરી લઈ અને તેને ભાંગી નાખી.

11 હનાન્યાએ બધા લોકો સમક્ષ કહ્યું, “યહોવાહ આ પ્રમાણે કહે છે કે; ‘આ પ્રમાણે બે વર્ષ પછી હું બાબિલના રાજા નબૂખાદનેસ્સારની ઝૂંસરી બધી પ્રજાઓની ગરદન પરથી ભાંગી નાખીશ.’ એ પછી યર્મિયા પ્રબોધક પોતાને રસ્તે ચાલ્યો ગયો.”

12 વળી હનાન્યા પ્રબોધકે યર્મિયા પ્રબોધકની ગરદન પરની ઝૂંસરી ભાંગી નાખ્યા પછી યહોવાહનું વચન યર્મિયા પાસે આ પ્રમાણે આવ્યું કે,

13 “તું હનાન્યા પાસે જઈને તેને કહે કે, ‘યહોવાહ કહે છે કે; તેં લાકડાની ઝૂંસરી ભાંગી નાખી છે, પરંતુ હું તેની જગ્યાએ લોખંડની ઝૂંસરીઓ બનાવીશ.”

14 કેમ કે સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; બાબિલના રાજા નબૂખાદનેસ્સારની સેવા કરવા માટે મેં આ સર્વ પ્રજાઓની ગરદન પર લોખંડની ઝૂંસરી મૂકી છે. તેઓ તેના દાસ થશે. વળી જંગલમાંનાં પશુઓ પણ મેં તને આપ્યાં છે.”

15 પછી યર્મિયા પ્રબોધકે હનાન્યા પ્રબોધકને કહ્યું, “સાંભળ હે હનાન્યા, યહોવાહે તને મોકલ્યો નથી પણ તું જૂઠી વાત પર આ લોકને વિશ્વાસ કરાવે છે.

16 તેથી યહોવાહ કહે છે; ‘હું પૃથ્વીના પૃષ્ઠ પરથી તને ફેંકી દઈશ. આ વર્ષે તું મૃત્યુ પામીશ. કેમ કે તું યહોવાહની વિરુદ્ધ ફિતૂરનાં વચન બોલ્યો છે.”

17 અને તે જ વર્ષના સાતમા મહિનામાં હનાન્યા પ્રબોધક મૃત્યુ પામ્યો.

GUJ-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan