યર્મિયા 2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019પ્રજા અને યહોવાહ વચ્ચેનો પ્રેમ 1 યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું અને કહ્યું, 2 “તું જઈને યરુશાલેમના કાનોમાં પોકારીને કહે કે, ‘યહોવાહ આ પ્રમાણે કહે છે કે; અરણ્યમાં, ઉજ્જડ પ્રદેશમાં, તું મારી પાછળ ચાલતી હતી, તે વખતે યુવાવસ્થામાં જે તારો પ્રેમ તથા વિવાહસંબંધ થતી વખતની તારી પ્રીતિ તે હું તારા લાભમાં યાદ કરું છું 3 ઇઝરાયલ યહોવાહને માટે પવિત્ર છે. અને તેમના પાકની પહેલી ફસલ છે. જે સર્વ તેને ખાઈ જાય છે તેઓ દોષિત ઠરશે! તેઓ પર આફત આવશે એમ યહોવાહ કહે છે. ઇઝરાયલના પૂર્વજોનાં પાપ 4 હે યાકૂબનાં કુટુંબો તથા ઇઝરાયલના સર્વ કુળસમૂહો, યહોવાહનું વચન સાંભળો; 5 યહોવાહ કહે છે; તમારા પિતૃઓને મારામાં કયો દોષ માલૂમ પડ્યો છે કે તેઓ મને તજીને દૂર ચાલ્યા ગયા? તેઓ વિસાત વગરની મૂર્તિઓની પાછળ ગયા છે અને પોતે પણ વ્યર્થ થયા છે? 6 તેઓએ પૂછ્યું નહી કે, “યહોવાહ ક્યાં છે, જે અમને મિસરમાંથી સલામત બહાર લાવ્યા? જે અમને અરણ્યમાં, ઉજ્જડ તથા ખાડાટેકરાવાળી ભૂમિમાં, નિર્જળ તથા અંધકારની ભૂમિમાં, જ્યાં કોઈ માણસ ક્યારેય જતું નહોતું કે જ્યાં કોઈ માણસે ક્યારેય વસવાટ કર્યો નથી તેમાં થઈને ચલાવ્યાં તે યહોવાહ ક્યાં છે?” 7 હું તમને ફળદ્રુપ ભૂમિમાં તેનું ફળ તથા તેની ઊપજ ખાવા માટે લાવ્યો! પણ તમે તેમાં પ્રવેશ કરી અને મારી ભૂમિને અશુદ્ધ કરી તથા મારા વારસાને તિરસ્કારપાત્ર બનાવી દીધો! 8 યાજકોએ કદી પૂછ્યું નથી કે, “યહોવાહ ક્યાં છે?” શાસ્ત્રના જાણકારોએ મને ઓળખ્યો નથી. અને અધિકારીઓએ મારી સામે બળવો કર્યો છે. પ્રબોધકોએ બઆલને નામે પ્રબોધ કર્યો. અને જે હિતકારક નથી તેની પાછળ તેઓ ગયા. પોતાના લોકોની સાથે યહોવાહનો વિવાદ 9 આથી હું તમારી સાથે વિવાદ કરીશ એમ યહોવાહ કહે છે. અને હું તમારા દીકરાઓના દીકરાઓ સાથે વિવાદ કરીશ. 10 પેલી પાર કિત્તીમના દ્રિપોમાં જઈને જુઓ અને કેદારમાં મોકલીને ખંતથી શોધો અને જુઓ કે આવું કદી બન્યું છે ખરું? 11 શું કોઈ પ્રજાએ પોતાના દેવોને બદલ્યા છે? જો કે તેઓના દેવો તો દેવો જ નથી પણ જેનાથી હિત થતું નથી તેને સારુ, મારા લોકોએ તો પોતાનું ગૌરવ બદલ્યું છે. 12 ઓ આકાશો, આ બાબતને લીધે તમે વિસ્મય પામો અને ધ્રૂજો એવું યહોવાહ કહે છે. 13 કેમ કે મારા લોકોએ મારી વિરુદ્ધ બે દુષ્ટ પાપ કર્યાં છે; તેઓએ મને એટલે જે જીવનજળનું ઝરણું છે તેનો ત્યાગ કર્યો છે, અને જેમાં જળ રહી શકતું નથી એવા ટાંકાં તેઓએ પોતાને માટે ખોદ્યા છે! ઈશ્વર ત્યાગના માઠાં પરિણામ 14 શું ઇઝરાયલ દાસ છે? તે શું શેઠના ઘરમાં જન્મેલો દાસ છે? તે શા માટે લૂંટાઈ ગયો છે? 15 જુવાન સિંહોએ તેની સામે ગર્જના કરી છે, તેઓએ તેની ભૂમિ વેરાન કરી છે. તેનાં નગરો બાળી નંખાયેલાં છે તેઓમાં કોઈ રહેતું નથી. 16 વળી નોફના તથા તાહપન્હેસના લોકોએ તારી ખોપરી ભાંગી નાખી છે. 17 જ્યારે યહોવાહ તારા ઈશ્વર માર્ગમાં તને ચલાવતા હતા ત્યારે તેં તેમને ત્યજી દીધા તેથી શું તું જ આ દશા તારી પર લાવ્યો નથી? 18 તેથી હવે, મિસરના માર્ગે જઈને નાઇલ નદીનું પાણી પીવાનું તારે શું કામ છે? અને આશ્શૂરના માર્ગે જઈને ફ્રાત નદીનું પાણી પીવાનું તારે શું કામ છે? 19 તારાં પોતાનાં જ દુષ્કર્મોનાં પરિણામ તું ભોગવશે, તથા તારા અવિશ્વાસુપણાનાં કામોનો તને ઠપકો મળશે. માટે તારે સમજી લેવું કે, તેં યહોવાહ તારા ઈશ્વરને ત્યજી દીધા છે. અને તને તેમનું ભય નથી. એ કેટલું અનિષ્ટ અને કડવું છે. એમ પ્રભુ એટલે સૈન્યોનો ઈશ્વર યહોવાહ કહે છે. ઈશ્વરની પાછળ ચાલવાની ઇઝરાયલની ના 20 પ્રાચીન કાળમાં મેં તારી ઝૂંસરી ભાંગી નાખી; અને મેં તારાં બંધનો તોડી નાખ્યાં. તે છતાં તેં કહ્યું કે, “હું તમારી સેવા કરીશ નહિ” કેમ કે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા વૃક્ષની નીચે તેં વ્યભિચાર કર્યો છે. 21 પણ મેં પોતે તને પસંદ કરી રોપ્યો ત્યારે તું ઉત્તમ દ્રાક્ષવેલો, તદ્દન અસલ બીજ હતો. તો તું બદલાઈને અવિશ્વાસુ થયો અને મારી પ્રત્યે દ્રાક્ષવેલાનો નકામો છોડ થઈ ગયો છે! 22 જો તું પોતાને ખારાથી ધૂએ તથા પોતાને ખૂબ સાબુ લગાવે, તોપણ તારા પાપના ડાઘ મારી નજર સમક્ષ છે. એમ પ્રભુ યહોવાહ કહે છે. 23 તું કેવી રીતે કહી શકે કે, ‘હું અશુદ્ધ થયો નથી! હું બઆલની પાછળ ચાલ્યો નથી?’ નીચાણમાં તારો માર્ગ જો તેં જે કર્યું છે તે સમજ, તું તો વેગવાન સાંઢણીના જેવો આમતેમ ભટકે છે. 24 તું જંગલી ગધેડી છે, જે કામાતુર થઈને વાયુ સૂંઘ્યા કરે છે. જ્યારે તે મસ્ત હોય છે ત્યારે તેને કોણ રોકી શકે? જે કોઈ તેને શોધે છે તે થાકી જશે નહિ. પોતાની ઋતુમાં તે તેઓને મળશે. અને ઊભી રહેશે. 25 તું તારા પગને ખુલ્લાં તથા તારા ગળાને તૃષિત થવા ન દે. પણ તું કહે છે, “મને આશા નથી! જરા પણ નથી, કેમ કે અજાણ્યાઓ પ્રત્યે મેં પ્રીતિ કરી છે અને તેઓની પાછળ હું જઈશ.” સજાપાત્ર પ્રજા 26 ચોર પકડાય અને તે લજવાય છે, તેમ ઇઝરાયલના લોકોને, એટલે તેઓ, તેઓના રાજાઓ, તેઓના રાજકુમારો, તેઓના યાજકો અને તેઓના પ્રબોધકોને શરમ લાગે છે. 27 તેઓ થડને કહે છે “તું મારો પિતા છે,” અને પથ્થરને કહે છે “તેં મને જન્મ આપ્યો છે.” તમે મારી તરફ મુખ નહિ પણ પીઠ ફેરવી છે, તથાપિ તેઓ પોતાના સંકટના સમયમાં કહેશે કે, “ઊઠો અમને બચાવો” 28 પણ તારા જે દેવો તેં તારે માટે બનાવ્યા છે તેઓ ક્યાં છે? તેઓ જો તારા સંકટમાં તને બચાવે તો ભલે તેઓ ઊઠે, કેમ કે હે યહૂદિયા જેટલાં તારાં નગર છે તેટલાં તારા દેવો પણ છે! 29 તમે શા માટે મારી સાથે વિવાદ કરો છો? તમે સર્વએ મારી વિરુદ્ધ બળવો કર્યો છે, એમ યહોવાહ કહે છે. 30 મેં તમારા લોકોને માર્યા તે વ્યર્થ છે. તેઓએ શિક્ષા ગણકારી નથી. તમારી તલવાર ભૂખ્યા સિંહની જેમ તમારા પ્રબોધકોને ખાઈ ગઈ છે. 31 હે મારા વંશજ, તમે યહોવાહનું વચન જુઓ, શું હું ઇઝરાયલ માટે વેરાન વગડા જેવો કે ઘોર અંધકારની ભૂમિરૂપ હતો? મારા લોકો શા માટે કહે છે કે, “અમે સ્વતંત્ર થયા છીએ, ફરી તારી પાસે આવીશું નહિ?” 32 શું કુંવારી કન્યા કદી પોતાનાં ઘરેણાં અથવા નવવધૂ પોતાના કમરપટા ભૂલે? તેમ છતાં મારી પ્રજા ઘણા દિવસોથી મને ભૂલી ગઈ છે. 33 પ્રેમ શોધવા સારુ તું પોતાનો માર્ગ કેવો બરાબર રાખે છે. તે માટે દુષ્ટ સ્ત્રીઓને પણ તું તારા પાપી માર્ગો શીખવે છે. 34 વળી તારા વસ્ત્રોમાં નિર્દોષ ગરીબ માણસનું લોહી મળી આવ્યું છે. તેઓ ખાતર પાડતા હતા ત્યારે તેઓ તને જડ્યાં એમ તો નહિ પણ આ સર્વ ઉપર તે લોહી છે. 35 તેમ છતાં તું કહે છે, “હું નિર્દોષ છું, તેમનો કોપ મારા પરથી નિશ્ચે ઊતર્યો છે.” “તું કહે છે કે મેં પાપ નથી કર્યું” પણ જો હું તારો ન્યાય કરીશ.” 36 તું શા માટે તારો માર્ગ બદલવા માટે આમતેમ ભટકે છે? તું આશ્શૂરથી લજ્જિત થયો હતો, તેમ તું મિસરથી પણ લજ્જિત થઈશ. 37 તારો હાથ તારે માથે રાખીને તું તેની પાસેથી નીકળી જઈશ. કેમ કે જેના પર તે વિશ્વાસ મૂક્યો હતો તેઓને યહોવાહે નાકબૂલ કર્યા છે. તેઓ તરફથી તને કોઈ મદદ મળશે નહિ. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.